શરીરની વાસને લીધે સેક્સલાઇફ ખતમ થઈ ગઈ છે, શું કરું?

07 September, 2021 04:36 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

આજે દસમાંથી બે કપલને આ તકલીફ સતાવે છે, પણ પાર્ટનર એ બાબતમાં જરાપણ દરકાર નથી કરતા

પ્રતીકાત્મક તસવીર

મારાં મૅરેજને છ મહિના થયાં છે. મૅરેજ પછી હનીમૂન પર ગયા ત્યારે અમે ખૂબ સારી રીતે સેક્સલાઇફ ઍન્જોય કરી, પણ ત્યાંથી પાછાં આવ્યા પછી મારી સેક્સલાઇફ રીતસર ખતમ થઈ ગઈ છે એમ કહું તો ચાલે. આખો દિવસ કામ કરીને તે આવે એ પછી તેના શરીરમાંથી પરસેવાની ભયંકર ગંધ આવતી હોય છે. રાત્રે નાહ્યા વિના જ સૂવાની તેમને આદત છે. તેના મોંમાંથી પણ વાસ આવે છે. એક-બે વાર મેં હળવેથી એના વિશે તેને કહ્યું, પણ તેણે દરકાર કરી નહીં અને આદતમાં પણ કોઈ ચેન્જ નથી કર્યો. હવે રાતે હું બેડમાં અને રૂમમાં પર્ફ્યુમ વાપરું છું, પણ એનાથી મારી સેક્સલાઇફમાં કોઈ ફરક નથી પડ્યો. મને તેની નજીક જવાની લેશમાત્ર ઇચ્છા નથી થતી.

કાંદિવલીના રહેવાસી

 

તમે માનશો નહીં પણ આજે દસમાંથી બે કપલને આ તકલીફ સતાવે છે, પણ પાર્ટનર એ બાબતમાં જરાપણ દરકાર નથી કરતા. આ બૅડ ઑડરના કારણે વાત છેક ડિવોર્સ સુધી પહોંચી જાય છે. કહેવાનો ભાવાર્થ એ કે કપડાં અને મોંની ગંદી વાસને કારણે ઘણાં યુગલોની સેક્સલાઇફને બહુ મોટું ડૅમેજ થાય છે. વાસ કરતાં પણ વધુ અગત્યનું છે હાઇજિન.

તમે અત્યારે હસબન્ડને સ્પષ્ટતા સાથે વાત નથી કરતાં, પણ જવાબ આપો કે શું આખી જિંદગી આમ જ સેક્સલાઇફ વિતાવવાની આવે તો તમે એ સહન કરી શકશો ખરાં. બહેતર છે કે મૂગા રહેવા કરતાં કોઈ ટેક્નિક અપનાવી આનાથી છુટકારો મેળવો.

પતિ બહારથી ઘરે આવે ત્યારે જો શક્ય હોય તો ફોર-પ્લેના ભાગરૂપે તેમને નવડાવવાનો પ્રોગ્રામ બનાવો. સેન્ટેડ શૉપને બદલે ઍન્ટિ-બૅક્ટેરિયલ સાબુ વાપરવાનું રાખો. હસબન્ડને પ્રેમ અને વહાલથી નાહવા માટે તૈયાર કરશો તો તેને ખરાબ પણ નહીં લાગે. આફ્ટર-પ્લે દરમ્યાન તમે હળવેકથી આ પૉઝિટિવ બદલાવ તમને ગમ્યો છે એ પણ કહી દો, બને કે તેનામાં સુધારો આવી જાય. બીજી વાત છે તેના મોઢામાંથી આવતી વાસની. ખાધેલી ચીજની વાસ આવતી હોય તો બ્રશથી જાય, પણ જો બૅક્ટેરિયા વધવાને કારણે વાસ આવતી હોય તો તેને ડેન્ટિસ્ટ પાસે જવા તૈયાર કરવા પડશે.

sex and relationships columnists