26 January, 2026 09:31 AM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
હમણાં પચ્ચીસેક વર્ષની એક મૅરિડ યુવતી મળવા આવી. વાત કરવામાં તેને સંકોચ નહોતો થયો એ સૌથી સારી વાત હતી. તે યુવતીની ફરિયાદ તેના હસબન્ડ માટે હતી અને તે એ વાત કોઈને કરી શકે એમ નહોતી. યુવતીના હસબન્ડને વાયલન્ટ પૉર્નોગ્રાફી એટલે કે અગ્રેસિવ કન્ટેન્ટ જોવાની આદત પડી ગઈ હતી. ચાલો, માન્યું કે એનો પણ વિરોધ ન કરીએ, પણ પ્રૉબ્લેમ એ હતો કે તે ભાઈ કન્ટેન્ટ મુજબની જ પોતાની પ્રાઇવેટ લાઇફ ઇચ્છતા હતા અને એ માટે વાઇફને જબરદસ્તી કરતા હતા.
આ પ્રકારની કન્ટેન્ટ જોવી એ માનસિક સ્વાસ્થ્ય અને વાસ્તવિક જીવનના સંબંધો માટે ખૂબ જ ગંભીર વિષય છે. આ પ્રકારની કન્ટેન્ટના વિડિયો જોવાથી મન પર નકારાત્મક અસરો પડે છે તો સાથોસાથ આ પ્રકારની કન્ટેન્ટ વારંવાર જોવાથી વ્યક્તિની હિંસા પ્રત્યેની સંવેદનશીલતા ઘટી જાય છે. જે વાત, જે વ્યવહાર સામાન્ય રીતે ખોટો લાગવો જોઈએ એ મનને સામાન્ય અને વ્યવહારુ લાગવા માંડે છે. આ પ્રકારની કન્ટેન્ટ જોનારાના મનમાં એક સમય પછી એવી ફીલિંગ્સ ઘર કરી જાય છે કે ફિઝિકલ રિલેશનમાં આક્રમકતા કે બળજબરી હોવી જરૂરી છે જે સંપૂર્ણપણે ગેરવાજબી, ખોટું અને જોખમી છે.
આ પ્રકારની કન્ટેન્ટ જોનારાઓ એવું પણ માનતા થઈ જાય છે કે એ કન્ટેન્ટ તેમની પ્રાઇવેટ લાઇફને સ્પાઇસી બનાવે છે; પણ ના, એવું બિલકુલ નથી. એ પ્રકારના વિડિયોમાં જે બતાવવામાં આવે છે એ સ્ક્રિપ્ટેડ હોય છે. એને વાસ્તવિક જીવનમાં અજમાવવાથી પાર્ટનરને શારીરિક અને માનસિક ઈજા થઈ શકે છે તો સાથોસાથ જો સેન્સેટિવ પાર્ટનર હોય તો તેનાં ઇમોશન્સને પણ ઈજા થઈ શકે છે. સૌથી પહેલાં એક વાત યાદ રાખવી કે સ્વસ્થ પર્સનલ લાઇફનો પાયો સંમતિ અને પ્રેમ છે અને આ પ્રકારની કન્ટેન્ટ એ બન્ને વાતને ડૅમેજ કરવાનું કામ કરે છે.
પ્રૉબ્લેમ એ થયો છે કે તે ભાઈને હવે આ પ્રકારના હિંસાત્મક વિડિયો જોઈને જ ઇન્ટિમેટ થવાનું મન થાય છે. સાઇકોલૉજીમાં આને પૅરાફિલિયા જેવી સ્થિતિ ગણી શકાય, જેના માટે કાઉન્સેલિંગની જરૂર પડી શકે છે. જો એ કાઉન્સેલિંગ લેવામાં ન આવે તો પરિસ્થિતિ બગડી શકે છે. પાર્ટનરની ઇચ્છા વિરુદ્ધ આક્રમકતા દાખવવાથી સંબંધો તૂટી શકે છે અને જો વાત વધી જાય તો કાનૂની મુશ્કેલીઓ પણ ઊભી થઈ શકે છે. આ પ્રકારની કન્ટેન્ટ જોવી એ મગજમાં ગંદકી ભરવા સમાન છે. એક્સપર્ટ્સ પણ એ જ ઍડ્વાઇઝ આપે છે કે હંમેશાં એજ્યુકેશનલ કન્ટેન્ટ જ જોવી જોઈએ અને ધારો કે એ ન જુઓ તો પાર્ટનર સાથેના ખુલ્લા સંવાદ પર ભાર મૂકીને જ ઇન્ટિમેટ રિલેશન પર ધ્યાન આપવું જોઈએ. ક્યારેય ભૂલવું નહીં કે સેક્સ અને સંમતિ એક સિક્કાની બે બાજુ છે.