09 March, 2026 03:00 PM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
થોડા સમય પહેલાં એક બહુ જાણીતા એવા હિન્દી સાહિત્યકારને મળવાનો અવસર મળ્યો. મળવાનો આનંદ તેમને હતો એના કરતાં વિશેષ મને હતો કારણ કે હિન્દી સાહિત્યમાં ખાસ્સું મોટું નામ, અનેક અવૉર્ડથી સન્માનિત. નૅચરલી આપણને ખુશી હોય. અમે મળ્યા, થોડી વાતો કરી અને એ પછી તેમણે જ ત્યાં બેઠા હતા એ લોકોને એવું કહીને બીજા રૂમમાં મોકલ્યા કે દાક્ટર સાહબ સે થોડી બાત કરની હૈ.
એકાંતમાં જે વાત થઈ એ વાત માટે તેમને બહુ શરમ આવતી હતી. જોકે એ એવી કોઈ વાત નહોતી. તેમણે નિખાલસતા સાથે સ્વીકાર્યું કે તેઓ જ્યારે પણ કોઈ દેખાવડી મહિલાને મળે ત્યારે તેમના મનમાં ખોટા વિચારો આવવાનું શરૂ થઈ જાય. એ જે ખોટા વિચારોની વાત કરતા હતા એ તમે સમજી ગયા હશો. તે મહાશય સેક્સના વિચારોની વાત કરતા હતા. પહેલાં તો મેં તેમને સમજાવ્યા કે આ જે ગિલ્ટ છે એ ગિલ્ટ દૂર કરો અને એવું માનવાનું પણ છોડી દો કે એ ખોટા વિચારો છે. તેમની દલીલ હતી કે આજે જ્યારે તેમની દીકરીઓને ત્યાં સંતાનોનો જન્મ થઈ ગયો છે ત્યારે એ વિચારો ખોટા અને ખરાબ કહેવાય. સદ્ભાવનાની દૃષ્ટિએ એ વાત ખોટી નથી પણ શરીરવિજ્ઞાનની દૃષ્ટિએ એ વાતમાં કશું ખોટું નથી. રજનીશ કહેતા કે જેમ પેટને ભૂખ લાગે છે એ જ રીતે શરીરના પ્રાઇવેટ પાર્ટ્સને પણ પોતાની જરૂરિયાત હોય અને એ પણ સમયે તમને યાદી અપાવે. દેશમાં સેક્સ જેવા વિષયને લોકભોગ્ય બનાવવાનું કામ જેમણે કર્યું એ ડૉ. પ્રકાશ કોઠારી પણ કહી ચૂક્યા છે કે સેક્સની કોઈ ઉંમર નથી હોતી. ૭૦ વર્ષે પણ એની ઇચ્છા થઈ શકે અને એવી ઇચ્છા થવી સ્વાભાવિક છે. હા, ઔચિત્ય ન છૂટવું જોઈએ.
આપણે જે સાહિત્યકારની વાત કરીએ છીએ તેઓ બિચારા પોતાના મનમાં ચાલતા વિચારોને લઈને પોતાના માટે જ બહુ હીનતા અનુભવતા હતા. આવું કંઈ એકલદોકલ કેસમાં જ બનતું હોય એવું નથી. એક સર્વે મુજબ ૬૦ વર્ષની ઉંમર વટાવી દેશના દસમાંથી ચાર વડીલો એવા છે જેના મનમાં આ પ્રકારના વિચારો સતત ચાલતા હોય છે, જેને કારણે તેમને પોતાના પ્રત્યે જ ઘૃણા પણ જન્મતી હોય છે.
આ પ્રકારના વિચારોનું ભારણ મન પર વધવાનું કારણ સમજવાની જરૂર છે. પોતાના યુવાની કાળ દરમ્યાન સાંસારિક જવાબદારી અને ભાગદોડના કારણે તેમણે પર્સનલ લાઇફને મહત્ત્વ આપ્યું નથી હોતું, જેને લીધે બને છે એવું કે આજે જ્યારે જીવનમાં નિરાંત કે રિટાયરમેન્ટની શાંત લાઇફ આવી છે ત્યારે સુષુપ્ત મનમાં પડેલા વિચારો સપાટી પર આવે છે. આ વિચારો દૂર કરવાનું સૌથી મહત્ત્વનું માધ્યમ છે આ વડીલોને નવેસરથી તેમની યંગ એજમાં મોકલો. તેમને જાત્રા પર રવાના કરવાને બદલે ફરવા મોકલો. ફરીથી તેમનું હનીમૂન પ્લાન કરો. ધારો કે તે એકલા હોય તો તેમને ફ્રેન્ડ્સ સાથે ફરવા મોકલો. આઝાદી તેમને સંયમમાં લાવવાનું કામ સરળતાથી કરશે.