24 November, 2025 10:10 AM IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર
૧૮ વર્ષથી ઓછી ઉંમરના ટીનેજરોના સેક્સ-સંબંધો પરસ્પર સંમતિ સાથેના હોય તો પણ કાયદાની નજરે ગેરકાયદે હોવાને કારણે ઘણી વાર પોલીસ-સ્ટેશન પહોંચતા હોય છે. આ જ કારણસર સુપ્રીમ કોર્ટમાં એવી અરજી થઈ છે કે શારીરિક સંબંધ બાંધવા માટે સંમતિની કાયદાકીય વય ૧૮ વર્ષથી ઘટાડીને ૧૬ વર્ષની કરવી જોઈએ. આ મુદ્દે અલગ-અલગ ક્ષેત્રની અગ્રણી વ્યક્તિઓ શું માને છે એ જોઈએ...
હાલમાં સુપ્રીમ કોર્ટમાં એક અત્યંત મહત્ત્વની ચર્ચા ચાલી રહી છે : ૧૮ વર્ષથી નાના ટીનેજરોને જાતીય સતામણી અને શોષણથી કાયદાકીય સુરક્ષા આપતા પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ હેઠળ એજ ઑફ કન્સેન્ટ એટલે કે શારીરિક સંબંધ બાંધવા માટે સંમતિની વય ૧૮ વર્ષથી ઘટાડીને ૧૬ વર્ષ કરવી જોઈએ કે નહીં? કેન્દ્ર સરકાર વતી આ સંમતિની ઉમર ઘટાડવાનો વિરોધ થયો છે ત્યારે આ માત્ર કાયદાનો પ્રશ્ન નથી; કિશોરાવસ્થા, માનસિક પરિપક્વતા, સામાજિક દબાણ, અને આરોગ્ય સંબંધિત જોખમો આ બધું એમાં જોડાયેલું છે. આજના સમયમાં ઘણા ટીનેજર્સ પરસ્પર સંમતિથી સંબંધમાં આવતા હોય છે પરંતુ કાયદાની દૃષ્ટિએ આ સંબંધોને માન્યતા નથી મળતી, જેના કારણે અનેક કેસો કોર્ટ સુધી પહોંચે છે. બીજી બાજુ સંમતિની વય ઘટાડવાની માગણી સાથે ગંભીર ચિંતાઓ પણ ઊઠે છે; જેમ કે ટીનેજરો વધુ શોષણના જોખમમાં પડી શકે, વહેલી ગર્ભધારણની શક્યતા વધી શકે અને અસમાન સંતુલનવાળા સંબંધોમાં દબાણ કે બળજબરીનો ભય વધે. એટલે આ ચર્ચા ખૂબ સંવેદનશીલ છે અને સંતુલિત વિચારો માગે છે. આ મુદ્દાને વધુ ઊંડાણથી સમજવા માટે નિષ્ણાતોના મત અને વાસ્તવિક પરિસ્થિતિઓ પર નજર કરીએ.
કાયદો ભલે બદલાય,પણ પરિસ્થિતિ બદલાવાની નથી
લેખિકા અને વક્તા કાજલ ઓઝા વૈદ્ય સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસ વિશે પોતાનો અભિપ્રાય આપતાં કહે છે, ‘આમ જોવા જઈએ તો આપણો ઓપિનિયન મૅટર કરતો જ નથી. નવી જનરેશન, જેને આપણે જેન ઝી અને જેન આલ્ફા કહીએ છીએ તેમને ખબર જ હોય છે કે તેમના માટે શું યોગ્ય છે. તેઓ એ વિશે પોતાના સ્વતંત્ર અભિગમ રાખે છે અને શરીરના આકાર, દેખાવ અથવા લાઇફસ્ટાઇલ વિશે પણ પોતાની અલગ દૃષ્ટિ રાખે છે. કેન્દ્ર સરકારે પણ ૧૮ વર્ષની વયમર્યાદા નક્કી તો કરી છે તો શું અઢારે પૂરેપૂરી મૅચ્યોરિટી આવી જાય છે? ૧૭ વર્ષ અને ૩૬૪ દિવસે તે માઇનર કહેવાય અને એના પછીના દિવસે તેની ગણતરી મેજરમાં થાય તો શું એક દિવસમાં મૅચ્યોરિટી આવી જશે? ૧૮ વર્ષથી નાની ઉંમરના લોકો સહમતી સાથે સંબંધ બાંધે અથવા ફિઝિકલી તેમની સાથે જે થાય એ POCSO ઍક્ટ હેઠળ આવે અને જેવી ૧૮ની ઉંમર વટાવી ગયા તો ગુનો આ ઍક્ટ હેઠળ નોંધાય જ નહીં. ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે ૧૬ વર્ષે પણ પરિસ્થિતિ નહીં બદલાય અને ૧૮ વર્ષે પણ નહીં બદલાય. પેરન્ટ્સે તેમનાં બાળકો પર ધ્યાન આપવું સૌથી વધુ મહત્ત્વનું છે. તેમણે પોતાનાં બાળકોને ફિઝિકલ રિલેશનશિપ શું છે, ઇમોશનલ ઇન્ટિમસી શું છે એ સમજાવવું જોઈએ. એટલે કેવી રીતે ઉછેર થાય છે અને બાળક કેટલી સમજણશક્તિ ધરાવે છે એ મહત્ત્વનું છે, બાકી કાયદા તો બને છે અને તૂટે છે, પાછા બને છે. અત્યારે ૧૮ વર્ષની ઉંમર પહેલાં સંબંધ બાંધવો અલાઉડ નથી તો શું કંઈ નથી થતું? તમારે શરીરસંબંધને ગંભીરતાથી જોવો જોઈએ, બાકી કુતૂહલ માટે જે રિલેશન બને છે એનો તો અર્થ જ નથી હોતો. કોર્ટમાં ચુકાદો આવે કે ન આવે એનો કોઈ ફરક પડતો નથી. ગુજરાતમાં દારૂબંધી છે તો શું ત્યાંના લોકો દારૂ પીતા જ નથી? જો કાયદાનો અમલ કડક રીતે કરવામાં આવે અથવા આપણે કાયદાના મૂલ્યને સમજીએ ત્યારે ચેન્જ આવે, પણ એ કરવામાં તો આપણે બહુ પાછા પડીએ છીએ.’
ઇમોશનલ, મેન્ટલ અને ફિઝિકલ કૉમ્પ્લીકેશન્સ વધશે
મુંબઈના અનુભવી સેક્સોલૉજિસ્ટ, થેરપિસ્ટ અને સાઇકિયાટ્રિસ્ટ ડૉ. શ્યામ મિથિયા આ મામલે પોતાનો મત વ્યક્ત કરતાં જણાવે છે, ‘આજના સમયમાં સ્કૂલનાં વર્ષોમાં જ સંબંધો શરૂ થવા વધારે સામાન્ય બન્યા છે. ટીનેજર્સ મોબાઇલ ફોન, સોશ્યલ મીડિયા અને સતત મળતી માહિતીના કારણે સંબંધોમાં વહેલા જોડાઈ જાય છે અને ઘણી વખત ભાવનાત્મક રીતે ઇન્વૉલ્વ પણ થઈ જાય છે. પરંતુ આ વહેલી નિકટતામાં જોખમ પણ એટલાં જ ઝડપથી વધે છે. સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ થવાનો ખતરો રહે છે. અર્લી પ્રેગ્નન્સીને લીધે કૉમ્પ્લીકેશન્સ આવી શકે છે. આ બધાં પાસાંઓને સમજવામાં મૅચ્યોરિટી જોઈએ અને એ આ એજમાં હોતી નથી. ઘણી વાર કોઈ એક વ્યક્તિનો દુરુપયોગ થાય છે, દબાણ થાય છે, બ્લૅકમેઇલ કરવામાં અથવા માનસિક યાતના આપવામાં આવે છે અને પોતાના અધિકાર અથવા બાઉન્ડરીઝ સમજવાનો પૂરતો અનુભવ હજી તેમની પાસે નથી. સૌથી મોટી ચિંતાજનક વાત તો એ છે કે પાર્ટનરની સંમતિ છે કે નહીં એ ઓળખવું કિશોરાવસ્થામાં ડિફિકલ્ટ બની જાય છે. ઘણી વખત પાર્ટનર હા કહે છે, કારણ કે તેમને ખરેખર ગમતું હોય એવું નથી પણ પ્રેમ ગુમાવવાનો ભય અથવા પીઅર-પ્રેશરને કારણે પણ કહેતા હોય છે. અને કાયદાકીય રીતે જોવા જઈએ તો ૧૮ વર્ષની ઉંમર પહેલાં એકબીજાની સંમતિથી સંબંધ બાંધવા પણ કાયદાનું ઉલ્લંઘન જ છે. મોબાઇલ ફોનની સરળ ઉપલબ્ધતાએ કિશોરો વચ્ચે શારીરિક સંબંધને પ્લેઝરેબલ ઍક્ટિવિટી તરીકે સમજાવતી થિયરેટિકલ માહિતી તો આપી દીધી છે, પરંતુ લાગણીઓ પર એની શું અસર થાય છે એની કોઈ સમજ તેમને નથી. ભાવનાઓ સંભાળવાની, ના કહેવાની, પ્રેશરને આઇડેન્ટિફાય કરવાની અથવા પોતાને સુરક્ષિત રાખવાની પરિપક્વતા હજી વિકાસ પામતી હોય છે. ૧૦ વર્ષની ઉંમરમાં જે સમજ હોય છે એના કરતાં વધુ સમજ ૧૩ વર્ષના બાળકમાં હોય છે. ૧૮ વર્ષના બાળકમાં એ સમજ વધતી જાય છે. એટલે આ આખું વલણ સતત બદલાતું અને અસ્થિર હોય છે. આ સમસ્યા માત્ર કિશોરાવસ્થાની જ નથી, આંકડા દર્શાવે છે કે વયસ્ક સ્ત્રીઓમાં પણ લગભગ ૩૦ ટકા વખત તેઓ ઇચ્છતી નથી છતાં સંબંધ માટે ‘ના’ કહી શકતી નથી; સમાજ, દબાણ, ભય અને માનસિક અસુરક્ષાના કારણે. જ્યારે પરિપક્વ સ્તરની સ્ત્રીઓ જ પોતાની મર્યાદાઓ સ્પષ્ટ રીતે રાખવામાં મુશ્કેલી અનુભવે છે તો ટીનેજર્સ માટે એ કેટલું ડિફિકલ્ટ થશે એનો કોઈ અંદાજ નથી. ચાઇલ્ડ મૅરેજના કાયદા પાછળ પણ આ જ વિચાર છે કે અપૂર્ણ પરિપક્વતામાં લેવાયેલા નિર્ણયો આખા જીવન પર અસર કરી શકે છે. ટીનેજર્સને હજી જીવનનાં અનેક ક્ષેત્રોમાં માર્ગદર્શનની જરૂર હોય છે અને એ આપવાથી જ તેમનામાં સમજણ કેળવાશે. સંબંધો કેવી રીતે બને, સચવાય અને ઇમોશનલ કનેક્શન બિલ્ડ કરવું જેવાં અનેક પાસાંઓને શીખવવાં અને સમજાવવાં અત્યંત જરૂરી છે.’
ટેક્નૉલૉજીમાં આગળ પણ ઇમોશનલ મૅચ્યોરિટીમાં પાછળ
મુલુંડમાં રહેતાં અનુભવી સાઇકોલૉજિસ્ટ અને સાઉન્ડ-હીલર જાહ્નવી ઠક્કર આ વિષય પર પોતાનો અભિપ્રાય આપતાં કહે છે, ‘ટીનેજની અવસ્થા એવી હોય છે જ્યાં માઇન્ડ અને ઇમોશન્સ વચ્ચેનું બૅલૅન્સ કાચું હોય છે. આજકાલના ટીનેજરો ખૂબ સમજદાર છે, ટેક્નૉલૉજીમાં આગળ છે અને માહિતી તેમને જલદી મળી જાય છે; પરંતુ એ સાથે એક હકીકત ભૂલવી ન જોઈએ કે ૧૬ વર્ષની ઉંમરે ઇમોશનલ મૅચ્યોરિટી આવતી નથી કારણ કે ભાવનાઓ પર નિયંત્રણ હજી પૂરું વિકસેલું હોતું નથી. આજના સમયમાં સોશ્યલ મીડિયાનું દબાણ ઘણું વધારે છે. મને કોઈ પ્રેમ કરે, મને કોઈ પસંદ કરે એવી ઇચ્છાઓ તીવ્ર હોય છે. ઘણી વાર ખોટા સંબંધોને સાચા માની બેસે છે અને પછી એની સાઇડ-ઇફેક્ટ્સ ટ્રૉમેટિક હોય છે. બાઉન્ડરી સેટ કરવી, ના કહેતાં શીખવું અથવા શંકાસ્પદ વર્તન ઓળખવું આ બધી જ સ્કિલ શીખવી પડે. એટલે સંમતિની વય ઘટાડવાનું લાગે તો સરળ છે, પણ સમાજમાં અને વ્યક્તિની મેન્ટલ હેલ્થ પર એનાં પરિણામ ભારે હોઈ શકે છે. દબાણ વધે, ટ્રેન્ડ બની જાય અને ઘણી વખત બાળકો ‘મારા બધા ફ્રેન્ડ્સ કરે છે તો મારે પણ કરવું જોઈએ’ જેવા વિચારોમાં ફસાઈ જાય. જો ક્યારેક આ વય ઘટાડવામાં આવે તો સ્કૂલો અને પેરન્ટ્સ પર બહુ મોટી જવાબદારી આવે. અત્યારે ઑનલાઇન હૅરૅસમેન્ટ્સના કિસ્સાઓ પણ વધી રહ્યા છે ત્યારે સૌથી પહેલાં સાઇબર-સેફ્ટી, સારા-ખરાબ સંબંધોની ઓળખ અને જાતીય શિક્ષણ જેવા મુદ્દાઓ પર બાળકોને એજ્યુકેટ કરવાં બહુ જરૂરી છે. આ ઉંમર શીખવાની, સમજવાની અને જાતને ઓળખવાની હોય છે; ભારે જવાબદારીઓ લેવાની નહીં. સંમતિની વય ઓછી કરવાથી કોઈ ફાયદો નથી. તેમને દુનિયાદારી શીખવા દેવી અને સમય આપવો એ સૌથી મોટી સંમતિ છે.’