02 December, 2025 11:21 AM IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર
‘ટૂ મચ વિથ કાજોલ ઍન્ડ ટ્વિન્કલ’ નામના ચૅટ-શોમાં થોડાક સમય પહેલાં વિકી કૌશલ અને ક્રિતી સૅનન મહેમાન તરીકે આવ્યાં ત્યારે શોના નિયમ પ્રમાણે પુછાતા પ્રશ્નોમાં સવાલ આવ્યો કે શું લગ્નમાં એક્સપાયરી ડેટ અને રિન્યુઅલ ઑપ્શન હોવો જોઈએ? ટ્વિન્કલ ખન્ના અને મહેમાન તરીકે આવેલાં વિકી કૌશલ અને ક્રિતી સૅનને નકારમાં જવાબ આપ્યો અને કહ્યું પણ ખરું કે આ લગ્ન છે, કોઈ વૉશિંગ મશીન નથી કે એમાં એક્સપાયરી ડેટ કે રિન્યુઅલ ડેટનો ઑપ્શન અપાય. જોકે કાજોલ આ વાત સાથે સહમત થઈ અને તેણે દલીલ પણ કરી કે એની શું ખાતરી છે કે તમે રાઇટ વ્યક્તિ સાથે જ લગ્ન કરી રહ્યા છો, રિન્યુઅલનો ઑપ્શન હોય અને એક્સપાયરી ડેટ હોય તો કોઈએ લાંબા સમય માટે હેરાન ન થવું પડે.
આ એપિસોડ ટેલિકાસ્ટ થયો ત્યારથી આ આખી વાતને ચર્ચાનો સૂર મળ્યો છે.
આમ જોવા જઈએ તો આ સવાલ કંઈ નવીનવાઈનો નથી. ઑલરેડી કૉન્ટ્રૅક્ટ મૅરેજનો કન્સેપ્ટ વર્ષોથી ચર્ચાઈ રહ્યો છે અને વિદેશમાં તો એનું અમલીકરણ પણ થાય છે. વર્ષો પહેલાં આવેલી કાજોલ અને અનિલ કપૂરની ફિલ્મ ‘હમ આપકે દિલ મેં રહતે હૈં’માં કૉન્ટ્રૅક્ટ મૅરેજનો કન્સેપ્ટ ડિસ્કસ થયો હતો. લગ્નનો કૉન્ટ્રૅક્ટ હોય ત્યાં સુધી પતિ-પત્ની તરીકે સાથે રહેવાનું, કૉન્ટ્રૅક્ટ પૂરો એટલે લગ્ન પણ પૂરાં. એક્સપાયરી ડેટ અને રિન્યુઅલ ડેટ ક્યાંક ને ક્યાંક આ કૉન્ટ્રૅક્ટ-રિન્યુઅલની જ વાત કરે છે. ભારતીય સંસ્કૃતિની ધરોહર ગણાતી લગ્નસંસ્થામાં રિન્યુઅલ અને એક્સપાયરી ડેટનો કન્સેપ્ટ ખરેખર કેટલો ઍપ્લિકેબલ છે એ વિષય પર વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે ચર્ચા કરીએ.
આ વાતથી સંપૂર્ણ એટલે સંપૂર્ણ અસહમત છું, શું લગ્ન કોઈ મજાક છે? : ઍક્ટર મેહુલ બુચ
સંબંધોમાં તમે એક્સપાયરી ડેટની વાત કરતા હો તો તમે સંબંધોને સમજ્યા જ નથી એમ જણાવીને તીખી દલીલો કરતાં ઍક્ટર મેહુલ બુચ કહે છે, ‘આ વાત સાથે હું સોએ સો ટકા સહમત નથી. સંબંધોમાં ઉતારચડાવ હોય, સારાનરસા દિવસો જાય, ગમા-અણગમા ટકરાય અને એવા સમયે ન ફાવે તો છૂટા પડવાવાળા કન્સેપ્ટ સાથે કે એક્સપાયરી ડેટની રાહ જોતા બેસી રહેનારા લોકો જીવનમાં ક્યારેય કોઈ સંબંધ નિભાવી ન શકે. લગ્ન પણ એક સંબંધ છે જેમ સંતાન અને માબાપનો કે ભાઈ અને બહેનનો. જો તમે રિન્યુઅલ અને એક્સપાયરી ડેટની વાત કરતા હો તો એમાં પણ આ વાત લાગુ કરવી પડેને? ઍટ લીસ્ટ પાર્ટનરમાં તો તમને પસંદગીનો અવકાશ છે. પેરન્ટ્સ કે સિબલિંગ્સમાં તો તમારી પાસે કોઈ ચૉઇસ જ નથી? તો એવા સંબંધોમાં જો ન ફાવ્યું તો તેમની સાથે પણ સંબંધોમાં રિન્યુઅલવાળો કન્સેપ્ટ અપનાવવો જોઈએને? આ કેટલી વાહિયાત વાત છે. લગ્ન વધુ ખાસ છે, કારણ કે પસંદગી ભલે પોતે કરી હોય તો પણ લગ્ન પછી જુદા ઇન્ડિવિજ્યુઅલ્સ જોડાય અને જીવનને સહિયારું જીવે. એટલે એમાં ખટરાગ હોય અને એની જ મજા છે. સુરેશ દલાલ કહે છે એમ લગ્ન એટલે એકબીજા સાથે ઘરડા થવું. એમાંથી રસ ઊડી ગયો એટલે ચાલો હવે બીજો પાર્ટનર ગોતો, બીજામાંથી રસ ઊડ્યો એટલે ચાલો ત્રીજો પાર્ટનર... એક પાર્ટનર સાથેના સંબંધને માત્ર એક્સપાયરી ડેટ સુધી નિભાવવાનો? શું બકવાસ છે આ. લગ્ન શું બ્રેડનું પૅકેટ છે કે દવાની બાટલી છે કે વાપરો અને ફેંકી દો. બને કે એમાં અણગમા આવે, વિચારો ટકરાય; પણ એ પછીયે પાછા ભેગા થવાનું અને હૂંફને અનુભવવાની હોય. સંબંધમાં આવતા આવા ઉતારચડાવોથી સંબંધને કાપીને નવા સંબંધથી જોડાઈ જવાની નીતિ જરાય યોગ્ય નથી. મારી દૃષ્ટિએ આ ભાગેડુ નીતિ છે, પલાયનવૃત્તિ છે, એક જાતનું એસ્કેપિઝમ છે. ગમે છે ત્યાં સુધી સબસ્ક્રાઇબ કરો અને પછી અનસબસ્ક્રાઇબ કરી નાખવાનું... આવું સંબંધોમાં ના ચાલે.’
મારી દૃષ્ટિએ આ વાસ્તવિક નહીં પણ માત્ર TRP વધારવા માટે થયેલું સ્ટેટમેન્ટ છે : સાઇકોલૉજિસ્ટ સપના પાટકર
લગ્ન કરતાં પહેલાં જે ચકાસણી કરવી હોય એ કરી લો પણ લગ્નમાં જોડાયા પછી ભરોસો, પ્રેમ અને આદરના પાયા પર સંબંધ ટકતો હોય છે. મૅરેજ કાઉન્સેલર, રિલેશનશિપ એક્સપર્ટ સપના પાટકર કહે છે, ‘કાજોલને ઓળખું છું અને તેમના લગ્નજીવનની સફળતાને જાણું છું એટલે કહું છું કે આ જે કંઈ તમે શોમાં જોયું છે એનાથી કાજોલની પર્સનલ લાઇફ જુદી છે. શોમાં તેણે કરેલું સ્ટેટમેન્ટ માત્ર ને માત્ર ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP) ગિમિકથી વધારે નથી લાગતું. બેશક, લગ્નની વ્યાખ્યા વ્યક્તિએ વ્યક્તિએ જુદી હોય છે. એક્સપાયરી ડેટ કે રિન્યુઅલની સંબંધોમાં વ્યવસ્થા હોય તો સંબંધ ટકે જ નહીં. જીવનની દરેક ક્ષણમાં સ્પાઇસ ન હોય. ક્યારેક મોનોટોની પણ લાગે, પરંતુ એ પછીયે એને એક્સપાયરી ડેટના દાયરામાં બાંધી દો એ વાત બેબુનિયાદ છે. લગ્ન એક સ્પિરિચ્યુઅલ યુનિયન છે જ્યાં એકબીજાની સાથેનું જોડાણ ડૉક્યુમેન્ટ પૂરતું મર્યાદિત નથી હોતું. સંબંધમાં ઊંડાણ હોય ત્યાં આ કાગળિયાનો કોઈ અર્થ રહેતો નથી. ઝઘડીને પણ એકબીજાનો કાયમી સાથ રહે એમાં જ લગ્નની મીઠાશ છે. પ્લસ એમાં મૅરિડ અને હૅપીલી મૅરિડ જેવો પણ કોઈ ભેદ નથી, કારણ કે હૅપીનેસ એ પાર્ટનર પાસેથી કે બહારથી નહીં પણ તમારી અંદરથી આવતી હોય છે. તમે લગ્ન વિના પણ હૅપી રહી શકો અને લગ્ન કરીને પણ હૅપી રહી શકો. તમે લગ્ન વિના પણ અનહૅપી હોઈ શકો અને લગ્ન સાથે પણ અનહૅપી હોઈ શકો. આમાં લગ્ન મુદ્દો નથી પણ આમાં તમારી ઇચ્છા, તમારું માઇન્ડસેટ અને તમારી અનરીઝનેબલ અપેક્ષાઓ જવાબદાર છે. એક જમાનો હતો જ્યારે કંઈક તૂટતું તો રિપેર કરતા, જ્યારે આજે તૂટે તો એને રિપ્લેસ કરવામાં આવે છે. સંબંધો રિપ્લેસમેન્ટ નહીં પણ રિપેરિંગ માગતા હોય છે, કારણ કે રિપ્લેસમેન્ટનો કોઈ અંત જ નથી. આપણે ત્યાં લગ્નથી જોડાવું એ જનમોજનમનો સાથ મનાય છે, પરંતુ વેસ્ટર્ન કલ્ચરથી પ્રેરાઈને ડિવોર્સ વગેરે શરૂ થયા છે. જોકે સાચું કહું તો એ પણ લાંબું ટકવાનું નથી. લગ્ન આપણા દેશની ધરોહર છે અને એ મૂળિયાં એટલાં ઊંડાં છે કે આવી વાતો, આવા પ્રવાહો આવશે અને જશે પણ લગ્ન વ્યવસ્થાની અનિવાર્યતા અકબંધ રહેશે.’
ખરેખર કાજોલ હિંમતવાન છે કે તેણે જાહેરમાં આ વાત સ્વીકારી : ઍડ્વોકેટ દીપેશ મહેતા
બૉલીવુડની ઘણા સેલિબ્રિટીઝ માટે ઍડ્વોકેટ તરીકે સક્રિય એવા અગ્રણી ઍડ્વોકેટ દીપેશ મહેતા કાજોલની વાતની અનિવાર્યતા સ્વીકારે છે, પરંતુ આપણા અત્યારના સામાજિક માળખાને જોતાં આવનારા ત્રણથી ચાર દશક સુધી તો આવું કંઈ કાયદાકીય દૃષ્ટિએ થાય એવી સંભાવના તેમને નથી લાગતી. દીપેશભાઈ કહે છે, ‘શરૂઆતના થોડાક મહિનાઓ કે વર્ષોને બાદ કરતાં મોટા ભાગનાં લગ્નો ટકાવવાં પડ્યાં હોય અને ટક્યાં છે. એ રિલેશનમાં કોઈ સત્ત્વ નથી બચ્યું. પ્રેમ અને અફેક્શનનું તો ક્યારનુંય બાષ્પીભવન થઈ ચૂક્યું છે, પણ છૂટા નથી પડ્યા એનાં હજારો કારણો હોઈ શકે. આદત, કન્વીનિયન્સ, સોશ્યલ સ્ટેટસ, પારિવારિક જવાબદારીઓ કે ફાઇનૅન્શિયલ જરૂરિયાત જેવાં કારણોને લીધે જ બહારથી મૅરિડ કપલ વર્ષો સુધી મૅરિડ જ રહેતાં હોય છે અને અંદરખાને પોતપોતાના અન્ય પાર્ટનર સાથે પોતાને જોઈતો આનંદ મેળવી લેતાં હોય છે અથવા અંદરોઅંદર સફોકેટ થતાં હોય છે. બહુબધા દાખલાઓ જોયા પછી કહું છું કે જો લગ્નમાં એક્સપાયરી ડેટનો કન્સેપ્ટ આવે તો ૯૮ ટકા કપલ્સ તાત્કાલિક જુદાં પડે એમ છે. હ્યુમન સાઇકોલૉજીની દૃષ્ટિએ પણ જ્યારે બે વ્યક્તિ સાથે રહેવા માંડે ત્યારે એક હજાર દિવસમાં જ એકબીજા માટેનું આકર્ષણ, લસ્ટ કે સેક્સ માટેની ડિઝાયર સમાપ્ત થઈ ગઈ હોય છે. જેમ તમે રેસ્ટોરાંમાં જાઓ ત્યારે બીજાના ટેબલ પર કઈ ડિશ છે એના પર તમારું ધ્યાન હોય એમ લગ્નના એક હજાર દિવસ પછી તમારા કરતાં બીજાના પાર્ટનરમાં તમને વધુ રસ પડતો હોય છે. જોકે આપણા સમાજમાં આ વાતને પબ્લિક્લી સ્વીકારવી એ ખરેખર ડેરિંગ માગતી બાબત છે. કાજોલ કરેજિયસ છે. અફકોર્સ, કાયદાકીય દૃષ્ટિએ કહું તો જ્યાં હજી સેમ જેન્ડરનાં લગ્નને લીગલ સપોર્ટ નથી મળ્યો ત્યાં લગ્ન કર્યા પછી પાર્ટનર સાથેના સંબંધમાં એક્સપાયરી ડેટ કે રિન્યુઅલ જેવું પ્રોવિઝન આવવાની સંભાવના પણ બહુ દૂર છે, કારણ કે દેશના નાગરિકનું માઇન્ડસેટ છે કે તમે મંદિરમાં પૂજા કરવા જાઓ કે મંદિર બનાવો ત્યારે લોકોના ફેવરિટ બનો છો. કોઈ નેતા આવા કાયદાને પસાર કરવાનું શું એનો જાહેરમાં ઉલ્લેખ કરવાનું પણ અવૉઇડ કરશે, અન્યથા તેમની વોટ-બૅન્ક તેમનાથી રિસાઈ જશે. હું એવાં કેટલાંય કપલને ઓળખું છું જેઓ જાહેરમાં એવી રીતે સાથે હોય જાણે કે મેડ ફૉર ઈચ અધર લાગે, પણ ઘરમાં તેમના જુદા રૂમ હોય અને પાર્ટનર પણ જુદા હોય. આ થયું છે એમાં કંઈ અજુગતું પણ નથી. પહેલાં કરતાં આજે કનેક્ટિવિટી અને સ્ટેબિલિટી વધી છે. વ્યક્તિ વધુ એક્સપ્રેસિવ થઈ છે. વધુ કનેક્શન હોય ત્યારે વધુ ખેંચાણ થવાની, વધુ કોઈકનાથી પ્રભાવિત થવાની સંભાવના હોય એવામાં પોતાના પાર્ટનર સાથે જો બરાબર ગાડી ન ચાલતી હોય તો સહજપણે વ્યક્તિ એક્સ્ટ્રા-મૅરિટલમાં જોડાઈ જતી હોય છે. આજે સેક્સ્યુઅલ ઍક્ટિવિટીનો એજ-ક્રાઇટેરિયા બદલાઈ ગયો છે. સ્કૂલમાં ભણતા હોય ત્યા સુધીમાં બે-ત્રણ પાર્ટનર બદલાઈ ગયા હોય અને બધા જ સેક્સ્યુઅલ એક્સપરિમેન્ટ કરી લીધા હોય. એવામાં આઇ લવ યુથી બ્રેકઅપની સફર બહુ દૂર નથી હોતી. અફકોર્સ ફરી કહીશ કે લગ્નજીવનમાં અત્યારે જે ખટરાગ જોઈ રહ્યા છીએ એને લીધે દરેક કપલને એક્સપાયરી અને રિન્યુઅલનો આઇડિયા ગમવાનો છે. અને જો આવનારાં વીસ-પચીસ વર્ષ પછીની વાત કરીએ તો કદાચ લગ્નસંસ્થા કેટલી ટકશે એ પણ જોવું રહ્યું. લગ્નને બદલે લોકો પાર્ટનરશિપ કૉન્ટ્રૅક્ટ કરશે.’