10 November, 2025 12:18 PM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ઘટના બૅન્ગલોરની છે, પણ એની ઇમ્પૅક્ટ યુનિવર્સલ છે. બન્યું એવું કે પંદરેક વર્ષની દીકરીએ સુસાઇડ કર્યું. એજ્યુકેશનના ભાર વચ્ચે તેણે આવું પગલું ભરવું પડ્યું હશે એવું માનીને કોઈ લાંબી કાર્યવાહી થઈ નહીં અને દીકરીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. બધી વિધિ પૂરી થયા પછી પંદરેક દિવસે તેના પેરન્ટ્સે દીકરીનો મોબાઇલ હાથમાં લીધો. પહેલાં પણ લીધો હતો, પણ તેમને અમુક ટેક્નિકની ખબર નહોતી. આ વખતે મોબાઇલ હાથમાં લીધા પછી તેમના ધ્યાનમાં આવ્યું કે દીકરીના સોશ્યલ મીડિયા પર એક રિયલ અને બીજું ફેક એમ બે અકાઉન્ટ હતાં. જે ફેક ID હતું એ અકાઉન્ટ પરથી તે અમુક લોકો સાથે ચૅટ કરતી, જે ધીમે-ધીમે સેક્સ-ચેટમાં કન્વર્ટ થતી. પેલા લોકોએ પણ કંઈ તે છોકરીને બ્લૅકમેઇલ કરી હોય એવું નહોતું, પણ છોકરીના ન્યુડ ફોટોગ્રાફ્સ જોઈ લીધા પછી, ઇલ્યુઝરી-પ્લેઝર ભોગવી લીધા પછી તે લોકોએ ચૅટ કરવાનું બંધ કર્યું અને છોકરી તે લોકોને સતત ચેઝ કરતી રહી, જેને લીધે કદાચ તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. ઘણા સેક્સોલૉજિસ્ટ એવું કહે છે કે પુરુષ સેક્સ માટે પ્રેમ આપે છે અને સ્ત્રી પ્રેમ માટે સેક્સ આપે છે. વાત સાચી, પણ ટીનેજર્સમાં આ વાત વિસ્ફોટક બને છે. ક્યુરિયોસિટી અને સાથોસાથ સેન્ટર ઑફ ઍટ્રૅક્શન બનવાની માનસિકતા.
વિચારો તમે, આજે કેટલા પેરન્ટ્સ એવા છે જે પોતાના ટીનેજ સંતાનોના મોબાઇલ ચેક કરતા હશે? એક પેરન્ટ્સ સાથે આ વાત થઈ ત્યારે તેમણે દલીલ કરી કે એ તો તેની પ્રાઇવસી પર તરાપ કહેવાય. ખોટી વાત, આ પેરન્ટ્સની જવાબદારી છે અને એમાંથી છટકવા માટે જવાબદારીનું બહાનું આપીને પેરન્ટ્સ સારા દેખાવાની કોશિશ કરે છે. દસમાંથી ૮ ટીનેજ સંતાનો પણ પોતાના મોબાઇલ પાસવર્ડ પ્રોટેક્ટેડ રાખે છે. હું સ્કૂલ-કૉલેજમાં લેક્ચર માટે જતો હોઉં છું ત્યારે કહેતો હોઉં છું કે જો તમે સાચા હો, જો તમે કંઈ ખોટું ન કરતા હો તો તમારે એવું કોઈ પ્રોટેક્શન મોબાઇલમાં રાખવાની જરૂર નથી; પણ તમને ખબર છે કે તમે ખોટું કરો છો એટલે જ તમારે પાસવર્ડ રાખવો પડે છે.
ટીનેજ એક એવી ઉંમર છે જે દરમ્યાન હૉર્મોન્સમાં ખાસ્સો મોટો બદલાવ આવતો હોય છે. એ બદલાવ મોટા ભાગે ફિઝિકલી હોય છે. આ સમયે ટીનેજરને ઑપોઝિટ ઍટ્રૅક્શન થાય, થાય ને થાય જ. એ ન થાય તો નવાઈ! આ જે ઍટ્રૅક્શન છે એ પિરિયડમાં પેરન્ટ્સ તેની આસપાસ હોય એ બહુ જરૂરી છે, ખાસ કરીને દીકરીના પેરન્ટ્સ માટે. સોશ્યલ મીડિયાના સમયમાં પેરન્ટ્સ પણ દીકરીના ઑફિશ્યલ અકાઉન્ટ સાથે જોડાયેલા હોવાથી છોકરીઓ ફેક અકાઉન્ટ બનાવે છે અને એ અકાઉન્ટ દ્વારા ઑપોઝિટ કૅરૅક્ટર શોધે છે, જે હકીકતમાં શરીરમાં થતા સેક્સ્યુઅલ હૉર્મોનલ ચેન્જિસની અસર છે.