27 July, 2026 07:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થોડા સમય પહેલાં અંદાજે ૩૪ વર્ષના એક સક્સેસફુલ કૉર્પોરેટ લેડીને મળવાનું થયું. આર્થિક રીતે સધ્ધર હોવા છતાં તે મૅરેજ સાથે જોડાવા નહોતાં માગતાં, પણ મધરહુડની ફીલ માટે તે સરોગસી કે દત્તક અડૉપ્શનથી સિંગલ મધર બનવા ઇચ્છતાં હતાં. તેમણે બહુ સરસ સવાલ કર્યો કે સિંગલ મધર બન્યા પછી મારી સાથે હસબન્ડ કે ફૅમિલી નહીં હોય એવા સમયે એકલા હાથે બાળક ઉછેરવાનો મારો નિર્ણય ચાઇલ્ડ સાઇકોલૉજીની દૃષ્ટિએ યોગ્ય કહેવાય કે નહીં?
આજે ઇન્ડિપેન્ડન્ટ યંગસ્ટર્સ સિંગલ પેરન્ટ બનવા માટે આગળ વધે છે ત્યારે તેઓ માત્ર પોતાનો કમ્ફર્ટ ઝોન જુએ છે, પણ આવનાર બાળકે
ભવિષ્યમાં શું-શું સહન કરવું પડી શકે છે એ વિશે વિચારવાનું ચૂકી જાય છે જે વિચારવું ખૂબ અગત્યનું છે. ચાઇલ્ડ સાઇકોલૉજીમાં સૌથી પહેલાં કહેવાયું છે કે બાળકના સર્વાંગી વિકાસ માટે મા અને પિતા બન્નેના જેન્ડર રોલ મહત્ત્વના છે, કારણ કે બન્નેની ભૂમિકાઓ અલગ-અલગ છે. બાળકને માતા પાસેથી હૂંફ, કરુણા અને સંવેદના મળે છે તો પિતા (અને પરિવાર) પાસેથી સુરક્ષા, શિસ્ત અને વાસ્તવિક દુનિયાનો સામનો કરવાનું બળ મળે છે. બાળક જ્યારે માત્ર સિંગલ પેરન્ટ સાથે ઉછરે છે ત્યારે તે એક ચોક્કસ દિશામાં ખાલીપો અનુભવે છે જે તેના માટે ખરાબ પરિણામ લાવી શકે છે. મને-કમને પણ સ્વીકારવું રહ્યું કે સિંગલ પેરન્ટ ગમે તેટલા આર્થિક રીતે સધ્ધર હોય, પણ તે એકસાથે બન્ને પાત્રોની જવાબદારી નિભાવી નથી શકતા.
ઘણી વાર એવું પણ બને છે કે સિંગલ પેરન્ટ પોતાની તમામ એકલતા અને ઇચ્છાઓ માત્ર બાળક પર કેન્દ્રિત કરી દે, જેને કારણે બાળક પર અતિશય પઝેસિવનેસ અને અપેક્ષાઓનું ભારણ વધી જાય છે એ પણ બાળકને ડિસ્ટર્બ કરી શકે છે.
લગ્નજીવન માત્ર શારીરિક સંબંધ પૂરતું મર્યાદિત નથી, પરંતુ એ એક કૌટુંબિક સપોર્ટ સિસ્ટમ ઊભી કરે છે જે બાળકના ઘડતરમાં ઢાલ બનીને ઊભી રહે છે. કહેવાનું તાત્પર્ય એ કે સરોગસી કે અડૉપ્શન દ્વારા સિંગલ પેરન્ટ બનવું એ પેપર પર કે વિચારધારાની દૃષ્ટિએ ભલે પ્રગતિશીલ લાગે, પણ વાસ્તવિક જીવનમાં સાથી કે પરિવાર વિના બાળક ઉછેરવું એ બાળકના માનસિક વિકાસ માટે એક મોટો પડકાર છે. માત્ર પોતાનું એકલવાયાપણું દૂર કરવા માટે બાળકને માતા કે પિતાના પ્રેમથી વંચિત રાખવું એ કેટલી હદે યોગ્ય છે એનો વિચાર દરેકે વ્યક્તિગત રીતે કરવો જોઈએ. હા, સિંગલ પેરન્ટિંગ ઇચ્છતી વ્યક્તિ પોતે જૉઇન્ટ પરિવારમાં રહેતી હોય તો આ પરિસ્થિતિ થોડી ક્ષમ્ય બની શકે છે.