રાત્રે પાર્ટનર તમારી બાજુમાં હોય ત્યારે વારંવાર ઊંઘમાં ખલેલ પહોંચે છે?

10 September, 2026 06:48 PM IST  |  Mumbai | Kajal Rampariya

પાર્ટનરનાં નસકોરાં, બ્લૅન્કેટની ખેંચતાણ કે પછી વારંવાર પડખાં ફેરવવાને લીધે તમારી ઊંઘમાં ખલેલ પહોંચે ત્યારે અલગ સૂવાનો વિચાર આવે છે. જોકે આ વિચારથી કપલ્સ વચ્ચેની ઇન્ટિમસી અને પ્રેમ પ્રભાવિત થશે? એ જાણીએ આ આર્ટિકલમાં

બેડટાઇમ કનેક્શન

એજ રિવર્સિંગ માટે કરોડો રૂપિયા ખર્ચતા અમેરિકાના બિઝનેસમૅન બાયન જૉન્સને તાજેતરમાં કહ્યું હતું કે તે કદી પોતાની ગર્લફ્રેન્ડ સાથે સૂતો નથી. એક બેડ પર સૂવાથી ઊંઘ અધૂરી અને ડિસ્ટર્બ્ડ રહે છે. આ સમાચારને કારણે સ્લીપ ડિવૉર્સનો મુદ્દો ફરી એક વાર વૈશ્વિક સ્તરે ચર્ચામાં આવ્યો છે. અભ્યાસ કહે છે કે એક બેડ પર સૂવાથી સ્ત્રીઓની ઊંઘ સૌથી વધુ ખલેલવાળી હોય છે. જોકે બીજી તરફ સાથે સૂવું એ સ્ત્રીઓ માટે ઇમોશનલ સેફ્ટીનું પણ બહુ મોટું માધ્યમ છે. સ્લીપ-એક્સપર્ટ માનસી મેવાડા પાસેથી જાણીએ સાથે સૂવાથી કેવાં કારણોસર ઊંઘ પર અસર થાય છે અને રિલેશનશિપ કાઉન્સેલર હિતાક્ષી વ્યાસ જોશી પાસેથી જાણીએ કે ઊંઘ માટે સાથે ન સૂતાં હોય એવાં યુગલોએ સંબંધને ઇમોશનલી કનેક્ટેડ રાખવા શું કરવું જોઈએ.

વિજ્ઞાન શું કહે છે?

પુરુષોની સરખામણીએ મહિલાઓની ઊંઘની રચના ખૂબ જ સંવેદનશીલ હોય છે એમ જણાવીને સ્લીપ-સ્પેશ્યલિસ્ટ માનસી મેવાડા કહે છે, ‘જો પાર્ટનર સતત નસકોરાં બોલાવતો હોય કે રાત્રે વારંવાર પડખાં ફરતો હોય તો એનાથી મહિલાની ઊંઘમાં ખલેલ પહોંચે છે. પરિણામે તે ડીપ સ્લીપ સુધી પહોંચી શકતી નથી. આ ઉપરાંત તેનામાં સાઉન્ડ-સેન્સિટિવિટી પણ વધુ હોવાથી અનિદ્રાનું પ્રમાણ પુરુષો કરતાં દોઢથી બેગણું વધુ જોવા મળે છે. પ્રેગ્નન્સીના પ્રથમ ટ્રાઇમેસ્ટરથી અને બાળકના જન્મ પછી મહિલાનું મગજ બાળકના રડવાનો કે સહેજ અવાજ સાંભળવા ઑટોમૅટિકલી હાઇપર અલર્ટ મોડમાં રહે છે. સાથે જ પ્રી-મેન્સ્ટ્રુઅલ, પ્રેગ્નન્સી અને મેનોપૉઝ દરમ્યાન થતા હૉર્મોનલ બદલાવ તેની ઊંઘને વધુ પ્રભાવિત કરે છે.
રાત્રે ડીપ સ્લીપ દરમ્યાન આપણી સિસ્ટમ મગજમાંથી ઝેરી કચરો સાફ કરે છે અને ડૅમેજ થયેલા સેલ્સને રિપેર કરે છે. પૂરતી ઊંઘ ન મળવાથી ફોકસ ઘટવું, બ્રેઇન ફૉગ થવો અને લાંબા ગાળે ડિમેન્શિયા કે ઑલ્ઝાઇમર્સ જેવી બીમારી થવાનું જોખમ રહે છે. આ ઉપરાંત ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર અને સ્ટ્રેસ વધે છે. જો એક પાર્ટનરનાં નસકોરાંને કારણે બીજા 
પાર્ટનરની ઊંઘ પ્રભાવિત થતી હોય તો અલગ સૂવું કે નહીં એ પ્રશ્ન થવાને બદલે નસકોરાંનું કારણ શું છે એ પ્રશ્ન હોવો જોઈએ અને જરૂર પડે તો સ્લીપ ફિઝિશ્યન પાસે તપાસ કરાવવી જોઈએ.’

શું અલગ સૂવાથી કનેક્શન તૂટી જાય?

લોકો અવારનવાર એવું માને છે કે અલગ બેડ પર સૂવું એટલે સંબંધ પૂરો થવો, પણ રિલેશનશિપ કાઉન્સેલર હિતાક્ષી વ્યાસ જોશી કહે છે, ‘એક જ બેડમાં સૂવાથી દરેક વ્યક્તિની ઊંઘ ખરાબ થાય છે એવું નથી. જો બન્નેને આરામથી ઊંઘ આવે તો પાર્ટનરની નજીક હોવું હગ, કડલિંગ, સ્પર્શ અને ઇમોશનલ સેફ્ટી આપી શકે છે. સાથે સૂવાથી એ ઇમોશનલ સેફ્ટી આપે છે એ ચોક્કસ છે, પણ માત્ર એક જ બેડ પર સૂવાથી સંબંધ સારો નથી થઈ જતો. મેં એવાં ઘણાં કપલો જોયાં છે જેઓ એક જ બેડ પર સૂએ છે છતાં તેમની વચ્ચે કોઈ કમ્યુનિકેશન કે ઇન્ટિમસી નથી હોતી. બીજી તરફ બેડ અલગ રાખીને પણ કપલ્સ સારું ઇમોશનલ બૉન્ડિંગ જાળવી શકે છે.’
જો તમે સ્લીપ ડિવૉર્સ એટલે કે અલગ-અલગ સૂવાનો વિચાર કરતા હો તો એક સેલ્ફ-ટેસ્ટ કરીને દરરોજ તમારી જાતને ૦થી ૧૦ના સ્કેલ પર ચકાસો. જો અલગ સૂવાથી તમારી ઊંઘ સુધરે છે અને દિવસ દરમ્યાન એકબીજા પ્રત્યે પ્રેમ, કમ્યુનિકેશન અને નિકટતા જળવાય છે તો અલગ સૂવામાં કોઈ જ વાંધો નથી. આને સાતથી ૮નો સ્કોર આપી શકાય. જો તમને સતત અટૅચમેન્ટની કમી લાગતી હોય કે સંબંધ દૂર થઈ રહ્યો હોય એવું લાગે તો તમારે સંબંધના બૉન્ડિંગ પર તાત્કાલિક કામ કરવાની કે થેરપિસ્ટની મદદ લેવાની જરૂર છે. આવી સ્થિતિમાં સ્કોર પાંચ અથવા એનાથી ઓછો હોવાનું કહી શકાય.
રિલેશનશિપ કાઉન્સેલર હિતાક્ષી વ્યાસ જોશીના મતે અચાનક અલગ બેડ પર જવાથી પાર્ટનરમાં રિજેક્શન કે ઇનસિક્યૉરિટીની લાગણી ઊભી થઈ શકે છે એટલે શરૂઆત ધીમે-ધીમે કરવી અને સતત રીઍશ્યૉરન્સ આપવું જરૂરી છે કે હું તારી સાથેનો સંબંધ ઓછો કરવા માટે નહીં, સારી ઊંઘ માટે અલગ સૂઈ રહી છું, પણ આપણું કનેક્શન એ જ રહેશે. એનું કારણ એ કે સારી ઊંઘ ન મળવાથી ચીડિયાપણું વધે, કમ્યુનિકેશન બગડે અને ઝઘડા વધે તો અંતે સંબંધને જ નુકસાન થઈ શકે.

બેડ અલગ, બૉન્ડિંગ નહીં

અલગ સૂતા કપલ માટે સૌથી અગત્યની બાબત છે બેડટાઇમ કનેક્શન એમ જણાવીને હિતાક્ષી વ્યાસ જોશી કહે છે, ‘અલગ સૂવાનો નિર્ણય સંબંધથી દૂર થવાનો સંકેત હોવો જરૂરી નથી. જો ઊંઘ સુધરે અને સાથે જ વાતચીત, સ્પર્શ, ઇન્ટિમસી અને ક્વૉલિટી ટાઇમ જળવાય તો અલગ સૂવું વ્યવહારુ નિર્ણય બની શકે છે; પરંતુ જો અલગ બેડ સાથે વાતચીત બંધ થઈ જાય, ઇન્ટિમસી ખતમ થઈ જાય, એકબીજા માટે સમય ન રહે અને માત્ર લગ્નનું સ્ટેટસ જ બાકી રહે તો સમસ્યા ઊંઘની નથી. અહીં રિલેશનશિપ કાઉન્સેલરની મદદ લેવાની જરૂર પડી શકે છે.’
સમાજમાં હજી પણ એવી માન્યતા છે કે કપલ અલગ રૂમમાં સૂએ એટલે સંબંધમાં કંઈક બગડ્યું છે, પણ એક જ બેડમાં સૂતા બે લોકો પણ એકબીજાથી ભાવનાત્મક રીતે દૂર હોઈ શકે છે. બીજી તરફ અલગ બેડમાં સૂતા બે લોકો વચ્ચે મજબૂત વિશ્વાસ, પ્રેમ અને ઇન્ટિમસી હોઈ શકે છે.
એટલે સંબંધનો સાચો માપદંડ એ નથી કે તમે એક જ બેડમાં સૂઓ છો? સાચા સવાલો તમે એકબીજાની વાત સાંભળો છો? એકબીજાને માન આપો છો? મુશ્કેલીમાં એકબીજાની સાથે ઊભા રહો છો? ઇમોશનલ અને ફિઝિકલ કનેક્શન જળવાયેલું છે? બન્નેને પૂરતી ઊંઘ મળે છે? એ હોવા જોઈએ. જો આ સવાલોના જવાબ હા છે તો બે અલગ બેડ વચ્ચેનું અંતર કદાચ તમારા પ્રેમ વચ્ચેનું અંતર નથી.

અલગ સૂવા છતાં ઇન્ટિમસી જાળવવાની માઇક્રો-હૅબિટ્સ

જો ઊંઘની ગુણવત્તા માટે અલગ બેડ વાપરવો જ પડે તો ઇમોશનલ બૉન્ડિંગ જાળવી રાખવા હિતાક્ષી વ્યાસ જોશી કેટલીક ટેવો અપનાવવાની સલાહ 
આપે છે.
 પોતાના અલગ પલંગ પર જતાં પહેલાં સાથે સમય વિતાવો, કડલિંગ કરો, એકબીજાને હગ કે કિસ કરો.
 રોજ દિવસમાં ઓછામાં ઓછી ૧૫ મિનિટ સ્ક્રીન કે સ્માર્ટફોન વગર માત્ર એકબીજા સાથે દિલ ખોલીને વાતો કરો.
 વીકમાં એક ચોક્કસ દિવસ નક્કી કરો જ્યારે પર્સનલ ક્વૉલિટી ટાઇમ સાથે જ વિતાવવો.
 સવારની ચા કે કૉફી સાથે પીવી અને દિવસનું પ્લાનિંગ સાથે બેસીને બનાવવું.
 પાર્ટનરને સ્પષ્ટ કહો કે હું મારી સારી હેલ્થ અને શાંત ઊંઘ માટે અલગ સૂઉં 
છું, પણ મારું દિલ અને પ્રેમ તારી સાથે જ છે.

અલગ સૂવાનો નિર્ણય લેતાં પહેલાં આટલું ધ્યાનમાં રાખો

જો પાર્ટનરને નસકોરાંનો પ્રૉબ્લેમ કે સ્લીપ ઍપ્નિયાનો પ્રૉબ્લેમ હોય તો તાત્કાલિક સ્લીપ-ફિઝિશ્યનની મુલાકાત લઈને નસકોરાંની તકલીફનો ઇલાજ કરાવવો જોઈએ.
 જો તમે એક જ બ્લૅન્કેટ સાથે લઈને સૂતા હો અને સૂતી વખતે જો ખેંચતાણને કારણે નીંદર ન આવતી હોય તો બ્લૅન્કેટ સેપરેટ કરી લો. એક જ બેડ પર બે સેપરેટ બ્લૅન્કેટ વાપરો, જેથી બ્લૅન્કેટને લઈને થતી તકલીફ દૂર થશે.
 જો પાર્ટનર વારંવાર પડખાં ફરતો હોય અને એને કારણે ઊંઘમાં પ્રૉબ્લેમ થાય તો એક જ કિંગ સાઇઝના બેડ પર અલગ-અલગ બે ગાદલાંની ગોઠવણ કરો. આને લીધે પાર્ટનર વારંવાર પડખાં ફરશે તો તેના હલનચલનની અસર તમારા ગાદલા સુધી ટ્રાન્સફર નહીં થાય.
 અલગ જ બેડ પર સૂવું હોય તો એક જ રૂમમાં બે અલગ-અલગ સિંગલ બેડ મૂકવા. આનાથી પાર્ટનર નજીક હોવાનો અનુભવ રહે છે અને ઊંઘ પણ બગડતી નથી.
 જો ઉપરના તમામ વિકલ્પો નિષ્ફળ જાય ત્યારે જ અલગ રૂમ પસંદ કરવો. ઓનાથી સ્વાસ્થ્ય જળવાય છે, પણ સાથે માઇક્રો-હૅબિટ્સ પાળવી જરૂરી છે. જો રાત્રે પૂરી અને શાંત ઊંઘ મળશે તો સવારે ચીડચીડિયાપણું ઓછું થશે, કમ્યુનિકેશન સુધરશે અને ઝઘડા ઘટશે.

lifestyle news life and style relationships sex and relationships gujarati mid day