02 July, 2024 07:45 AM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર
થોડા સમય પહેલાં એક છોકરી મળવા આવી. સંકોચ સાથે તેણે જે વાત કરી એ તમારી સાથે શૅર કરવી જરૂરી છે. તે છોકરીનું કહેવું હતું કે તેણે ઑનલાઇન જાતે જ શોધખોળ કરીને કેટલીક એવી મેડિસિન મગાવી જેનાથી તેનાં સ્તનનો ગ્રોથ વધે અને એ ભરાવદાર બને. લગભગ એકાદ વર્ષ તેણે એ મોંઘીદાટ દવાઓ લીધી, પણ એનાથી ફરક પડવાને બદલે ઊલટું તેની એ જગ્યાની સ્કિન તતડી ગઈ અને એમાં ઇન્ફેક્શન શરૂ થયું. એને લીધે તેણે નાછૂટકે પહેલી વાર ડૉક્ટરને મળવાનું નક્કી કર્યું. તે પોતાની સાથે એ દવા લાવી હતી. મેં એ મેડિસિન જોઈ. એ મેડિસિન હતી જ નહીં. એ બધાં ઊંટવૈદાં હતાં અને હર્બલ-આયુર્વેદિક ઓસડિયાંનો ઉપયોગ કરીને એ રીતે એને કૉસ્મેટિક પ્રોડક્ટ તરીકે વેચવામાં આવતી હતી જેથી કોઈ પ્રકારનું ફાર્મસી લાઇસન્સ લેવું ન પડે.
તે છોકરી સાથે વાત કરતાં ખબર પડી કે માત્ર તે પોતે જ નહીં, તેની ઘણી ફ્રેન્ડ્સ એ મેડિસિન વાપરતી. આ જે ઊંટવૈદ્યું છે એ જોખમી છે અને આ વાત માત્ર છોકરીઓએ જ નહીં, છોકરાઓએ પણ સમજવાની જરૂર છે. તમને યાદ હોય તો થોડા સમય પહેલાં જપાની તેલનું બહુ માર્કેટિંગ થતું હતું. પ્રાઇવેટ પાર્ટની સાઇઝ વધારવાનો દાવો કરતું એ તેલ પણ હમ્બગ છે. મેન્થોલના વપરાશ સાથે તૈયાર થતું એ ઑઇલ સ્કિનના કૉન્ટૅક્ટમાં આવે એટલે જે ઝણઝણાટી થાય એને લીધે અપ્લાય કર્યાની શરૂઆતની મિનિટમાં સન્સેશન આવે, જેને લીધે એ વાપરનારાને એવું લાગે કે તેણે ઑઇલ કે ઑઇનમેન્ટ વાપર્યું એની અસર દેખાય છે. જપાની તેલ પછી હવે થાઇ મસાજર આવ્યાં છે, જે એવો દાવો કરે છે કે એનો વપરાશ કરવાથી પુરુષોનો પ્રાઇવેટ પાર્ટ મોટો થાય છે. આ જે પ્રોડક્ટ છે, આ જે મેડિસિનના નામે ધતિંગ છે એ સાવ એટલે સાવ વાહિયાત છે. સૌથી પહેલાં તો તમને એ કહેવાનું કે આવી પ્રોડક્ટની બે જ માર્કેટ છે : એશિયા અને આફ્રિકા. એ સિવાય એની કોઈ માર્કેટ નથી જેનું કારણ પણ છે.
અન્ય દેશો અને ખંડોમાં ફિઝિકલ રિલેશન અને પ્રાઇવેટ પાર્ટ્સ વિશે એટલી અવેરનેસ આવી ગઈ છે કે લોકો આવા અખતરાઓની દિશામાં આગળ નથી વધતા. બીજું એ કે ત્યાંના લોકોમાં એ સમજ પણ આવી ગઈ છે કે જો એ વિષય પર કોઈ પ્રશ્ન મનમાં જન્મે તો એનો જવાબ ડૉક્ટર પાસે લેવા જવું જોઈએ. સેક્સોલૉજિસ્ટને મળવા જવું એ છોછ નથી. આ વાતને હવે વેસ્ટર્ન કન્ટ્રીઝે સરળ માની લીધી છે અને આપણે પણ એ કરવાનું છે તો સાથોસાથ એ વાત પણ સમજવાની જરૂર છે કે પ્રાઇવેટ પાર્ટની સાઇઝ અને પર્સનલ લાઇફને કશું લાગતું-વળગતું નથી. પર્સનલ લાઇફનું પ્લેઝર સાઇઝ-આધારિત હોતું જ નથી એટલે મનમાં એવું બિલકુલ રાખવું નહીં.