માણસને તેની સમગ્રતામાં ઓળખવાનો પ્રયત્ન કરવો એ પણ એક સત્કાર્ય જ છે

31 March, 2025 07:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તમે માણસને તક આપો. સમય આપો, સહાનુભૂતિ આપો... ત્યાર બાદ થોડી વાર પછી તે માણસ બદલાયેલો લાગશે

પ્રતીકાત્મક તસવીર

જગતમાં કેટલાય માણસો એવા હોય છે જેમની સાથે સંવાદ સાધવાના પ્રયત્નો નિષ્ફળ જાય છે. એ માટે માણસને ઓળખવાનો પ્રયત્ન .કરવો પડે છે. કોઈ અજાણ્યા માણસ પ્રત્યે તિરસ્કાર આવવો સહેલો છે. તેના માટે ભાવનો અભાવ હોય છતાં તે એક મનુષ્ય છે એ હકીકત આપણા અંતરમાં કોતરાઈ રહે તો અંતરમનમાંથી ક્યારેક સહાનુભૂતિનું ઝરણું ફૂટી આવે એ શક્ય હોય જ છે. મનુષ્યના સારાપણાની, સારા હોવાની શક્યતા સાવ નકારી શકાય નહીં. દરેક મનુષ્યમાં કંઈક શુભતત્ત્વ, એક પ્રકારનું સંવાદીપણું, સંગીતનો રડ્યોખડ્યો સૂર હોવાની શક્યતા હોય છે. આપણે જો સહાનુભૂતિથી એને ક્યાંક સ્પર્શી શકીએ તો આ સહાનુભૂતિનો તંતુ (અંગ્રેજીમાં મનોચિકિત્સકો એને Sympathetic Strings કહે છે) તેના જીવનમાં પરિવર્તન લાવી શકે છે. જ્યારે લતા મંગેશકરનું ‘સ્ટાર ઑફ ધ મિલેનિયમ’ તરીકે સન્માન કરવામાં આવ્યું ત્યારે અમિતાભ બચ્ચને લતા મંગેશકરનું અભિવાદન કરતાં કહ્યું હતું કે ‘જ્યારે લતાદીદી ગાય છે ત્યારે તેમના પ્રમુખ સૂર સાથે આપણા હૃદયના ‘સિમ્પેથેટિક સ્ટ્રિનન્ગ્સ’ પણ રણઝણી ઊઠે છે. સિતારના તારોની નીચે બીજા તાર હોય છે, ઉપરના તારને પ્રમુખ તાર કહે છે અને એની નીચેના તારને સિમ્પેથેટિક સ્ટ્રિનન્ગ્સ કહેવાય છે. 
આજે જીવન અનેક પ્રકારના સંઘર્ષો, વિવાદો અને કોલાહલથી ભરેલું છે. નાની એવી વાતમાં માણસોનો મિજાજ છટકે છે અને સ્વભાવ બદલાઈ જાય છે. નાની વાતોને મોટું સ્વરૂપ આપવાથી ઝઘડો વધે છે અને ક્યારેક વાત કોર્ટ સુધી પહોંચી જતી હોય છે. માણસ પાસે સમય નથી. સમય નથી એટલે શાંતિ નથી. શાંતિ નથી એટલે સ્વસ્થતાથી વિચારી શકતો નથી. કોઈ પણ ઘટના પોતાને અનુકૂળ ન હોય તો તરત જ પ્રત્યાઘાત દર્શાવી દે છે.

તમે માણસને તક આપો. સમય આપો, સહાનુભૂતિ આપો... ત્યાર બાદ થોડી વાર પછી તે માણસ બદલાયેલો લાગશે. પવિત્ર કહેવાતી નદીઓના જળમાં સ્નાન કરવાથી જ માત્ર પવિત્ર થવાય છે એવું નથી હોતું. મનુષ્યના સ્વભાવને બદલવાની ક્ષમતા ધરાવતા પ્રયત્નો પણ વહેતી પુણ્ય સલિલા જેવા છે, જેમાં સ્નાન કરીને પણ મનુષ્યના જીવનમાં પરિવર્તન લાવી શકાતું હોય છે. વિસંવાદની મલિનતા આવી ભાગીરથીઓમાં ધોવાઈ જાય છે. આખરે મનુષ્ય એ મનુષ્ય છે. પથ્થર નથી. પશુ-પંખી પણ પ્રેમ અને અનુકંપાને વશ થાય છે તો માણસ સંવાદી-સંગીતથી વશ ન થાય? 
માણસને તેની સમગ્રતામાં ઓળખવાનો પ્રયાસ કરવો એ પણ એક સત્કાર્ય જ છે.

જિંદગીમાં દરેક ક્ષણે જુદી-જુદી પ્રકૃતિના, વિરોધી સ્વભાવના મનુષ્યો સાથે આપણને કામ કરવાનુ આવતું હોય છે. ત્યારે માણસ કઈ રીતે કાર્યાન્વિત થાય છે, કેવી રીતે તેની સાથે કામ પાડે છે, કેવી રીતે સંવાદિતા સાધવાનો પ્રયત્ન કરે છે એ વાત જિંદગીમાં ખૂબ મહત્ત્વની છે. એને જીવવાની કળા પણ ગણી શકાય.. જીવન કેમ જીવવું એની આ ચાવી છે.

- હેમંત ઠક્કર
(લેખક જાણીતા પ્રકાશનગૃહ એન.એમ. ઠક્કરની કંપનીના સૂત્રધાર છે)

sex and relationships columnists gujarati mid-day life and style