हम पर जब इश्क जताने का सवाल आता है, हम तेरी मांग में सिंदूर सजा देते हैं।

13 May, 2025 07:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

मेरे सर में किसी के नाम का सिंदूर भर दोगे, मुझे मुझसे बिना पूछे मुझी से दूर कर दोगे।

પ્રતીકાત્મક તસવીર

પ્રેમની પરિણતી જાણે લગ્નમાં જ હોય એટલી હદે સિંદૂર આપણી સંસ્કૃતિમાં વણાઈ ગયું છે. એક અનિવાર્ય સામાજિક રિવાજ થઈ ગયો છે. વિવાહિત સ્ત્રીની જાણે ઓળખ જ સિંદૂર છે. પરણ્યા એટલે પ્યારાં લાડી અને આ પ્યારાં લાડીએ સિંદૂર ન પૂર્યું હોય તો સૌને અડવું-અડવું લાગે. નવીનવેલી નવવધૂને સેંથીમાં સિંદૂર કે કુમકુમ પૂરવામાં અનેરો રોમૅન્સ પણ આવતો હોય છે. કારણ કાળાભમ્મર વાળને ઘનઘોર રાત સાથે સરખાવતા સાજનને સિતારાઓથી સેંથી સજાવવાના અભરખા પણ હોય છે. નાહીધોઈને સદ્યસ્નાતા સેંથીમાં જ્યારે સિંદૂર પૂરે ત્યારે દૂર ઊભો-ઊભો સાજન હોઠના ખૂણેથી (जेर-ए-लब) હળવેકથી જરાક હસી લે ને એમાં જ સજનીના બત્રીસે કોઠે દીવા થઈ જાય!

नहा धो कर मैं अपनी माँग में जब सिंदूर भरती हूँ तो न जाने जेर-ए-लब क्यों मुस्कुराते हैं मेरे साजन।  છ-આઠ મહિના જાણે રોજ દિવાળી! ઇન્દિરા ગાંધીની છાપવાળા મોટા પાંચ રૂપિયાના સિક્કાની કિનારી લાલ કરીને જ્યારે એ સેંથી પર ગોળ ફેરવતી ત્યારે દર્પણ પણ અંજાઈને લાલ લાલ થઈ જતું. સમય જતાં ઘરની જવાબદારી વધતી જાય ને વાળ ઓળવાનો સમય પણ ન મળતો હોય ત્યારે સેંથી સજાવવાનો સમય ક્યાંથી કાઢવો? ‘સજના હૈ મુઝે સજના કે લિએ’ના ઊછળતા તરંગો ધીમે-ધીમે શાંત થતા જાય એ સહજ અને સ્વાભાવિક છે. નવી-નવી વહુને નેહભર્યા નયને નખશિખ જોનારાને પછી ધ્યાનમાં પણ હોતું નથી કે તેણે આજે કયા રંગનો ચાંદલો કર્યો છે.

સામાજિક વક્રતા કેવી છે કે આ જ સિંદૂર જેને ચડાવાય છે એ દેવ હનુમાન બ્રહ્મચર્યના પ્રતીક છે. રોજ સવારે સેંથીમાં સિંદૂર પૂરનારી જ સિંદૂરિયા દેવ હનુમાનના મંદિરે ન જઈ શકે. આના સૂચિતાર્થ કોઈ પણ હોઈ શકે, પણ સામાન્યજન માટે તો આ વક્રતા એક કોયડો જ છે.

આપણા સમાજમાં પુત્રીનાં લગ્ન તો એક સોદાબાજી જ હતાં. પુત્રીને પૂછવાનું શેનું હોય? રાજકુમારીઓ તો રાજ્યોના કાવાદાવાના શતરંજની એક ચાલરૂપે જ ગણાતી. પુત્રીને પૂછ્યા વગર સગાઈ કરી દેનારા આ સમાજ સામે એક પુત્રી કેવા વ્યંગમાં પોતાનું દુઃખ વ્યક્ત કરે છે, જુઓ...
 मेरे सर में किसी के नाम का सिंदूर भर दोगे, मुझे मुझसे बिना पूछे मुझी से दूर कर दोगे।

- યોગેશ શાહ

sex and relationships culture news hinduism columnists