શું છે તમારી લવ-લૅન્ગ્વેજ?

19 April, 2025 07:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રેમ દરેક વ્યક્તિ કરે છે, પણ એ પ્રેમની ભાષા દરેકની જુદી હોય છે. કોઈ પ્રેમમાં પ્રિયતમ માટે દરરોજ ગુલાબ લાવે છે તો કોઈ દરરોજ શાકભાજી. બન્ને કેસમાં વ્યક્તિ બીજી વ્યક્તિને પ્રેમ જ કરે છે, પણ એને જતાવવાની કે વ્યક્ત કરવાની રીત જુદી છે. આ રીત એટલે જ લ

પ્રતીકાત્મક તસવીર

પ્રેમ દરેક વ્યક્તિ કરે છે, પણ એ પ્રેમની ભાષા દરેકની જુદી હોય છે. કોઈ પ્રેમમાં પ્રિયતમ માટે દરરોજ ગુલાબ લાવે છે તો કોઈ દરરોજ શાકભાજી. બન્ને કેસમાં વ્યક્તિ  બીજી વ્યક્તિને પ્રેમ જ કરે છે, પણ એને જતાવવાની  કે વ્યક્ત કરવાની રીત જુદી છે. આ રીત એટલે જ લવ-લૅન્ગ્વેજ. એક થિયરી મુજબ એનું પાંચ  ભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. જો તમારી  અને તમારા પાર્ટનરની લવ-લૅન્ગ્વેજ શું છે એ તમે  જાણી લો અને એ પોતે પણ શીખી લો તો તમારા  સંબંધની મોટા ભાગની તકલીફો દૂર થઈ શકે છે.

પ્રેમ તો દુનિયાની દરેક વ્યક્તિ કરતી હોય છે, પણ પ્રેમની ભાષા દરેકની જુદી-જુદી હોય છે. કોઈ આંખોથી જતાવી દેતું હોય છે તો કોઈ ગ્રંથના ગ્રંથ લખી દેતું હોય છે. કોઈ પ્રેમમાં દરરોજ ગુલાબનું એક ફૂલ લાવતું હોય છે તો કોઈ દરરોજ શાકભાજી. કોઈ પ્રેમમાં પ્રિય પાત્ર માટે ઘર ચોખ્ખું રાખીને સજાવતું હોય છે તો કોઈ તેના પ્રિય પાત્રની સિક્યૉરિટી માટે ઘર ખરીદીને રાખતું હોય છે. કોઈ તેના પ્રિય પાત્રને સતત વળગીને જ રહે છે, એક દિવસ પણ તેના વગર ચાલતું નથી; જ્યારે કોઈ લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં પણ પોતાની પ્રામાણિકતા જાળવીને રહે છે, કારણ કે તે પ્રેમ તો કરે જ છે પણ પ્રિય પાત્રના કામને તે એટલું જ માન આપે છે. પ્રેમને જતાવવાની રીત દરેકની પોતાની છે, પરંતુ આ ભાષાને મુખ્યત્વે પાંચ ભાગમાં વહેંચવામાં આવી છે. 
પ્રેમની ભાષાના આ પાંચ પ્રકાર કયા છે એને વિસ્તારથી સમજવાનો પ્રયાસ કરીએ.

 વર્ડ્સ ઑફ અફર્મેશન 
લાગણી છે તો છે એમ ન હોય, લાગણીને વાચા આપવી પડે. પ્રેમ કરતા હો એટલું પૂરતું નથી, બોલવું પડે. જે વ્યક્તિની લવ-લૅન્ગ્વેજ વર્ડ્સ ઑફ અફર્મેશન હોય તે વ્યક્તિ ખુદ પોતાના પાર્ટનરને બેધડક આઇ લવ યુ કહી શકે છે, તેનાં વખાણ કરે છે, તેનો ઉત્સાહ વધારે છે, તેની જે પણ લાગણી છે એ બિન્દાસ વર્ણવી શકે છે.

તકલીફ એ છે કે જે તમારી લવ-લૅન્ગ્વેજ છે એમાં તમે પ્રેમ જતાવો છો, પણ સામે તમને લાગે છે કે તમારો પાર્ટનર પણ આ જ ભાષામાં તેનો પ્રેમ પ્રગટ કરે. ત્યાં થાય છે તકલીફ. એ વિશે વાત કરતાં ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ અને રિલેશનશિપ એક્સપર્ટ સોની શાહ કહે છે, ‘મોટા ભાગે છોકરીઓને આ તકલીફ હોય છે. છોકરાઓને આદત નથી હોતી કે તેમની લાગણીઓને તેઓ વાચા આપી શકે. તેઓ ઝટ દઈને વખાણ પણ કરતા નથી, જેને કારણે છોકરીઓને લાગે છે કે તેમના પાર્ટનરને તેમના પ્રત્યે પ્રેમ નથી. ઘણી વાર છોકરીઓ સામેથી પૂછે છે કે હું કેવી લાગું છું? આ પ્રશ્ન પર વખાણ કરવાને બદલે છોકરાઓ ચિડાઈ જતા હોય છે. આમ ઝઘડા થાય છે.’

 ક્વૉલિટી ટાઇમ 
એકબીજા સાથે એવો સમય વિતાવવો જેમાં ધ્યાન અને સમય બન્ને સંપૂર્ણપણે એકબીજાનાં જ હોય; જેમાં કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો થઈ શકે, એકબીજાને સમજવાની પહેલ થઈ શકે. જેમની લવ-લૅન્ગ્વેજ આ હોય તે વ્યક્તિ જ્યારે તેના પ્રિય પાત્ર સાથે હોય ત્યારે ફોન આપોઆપ બાજુ પર મૂકી દે છે. ભલે આખો દિવસ વ્યસ્ત હોય, પણ દિવસનો થોડો સમય તેને બસ તેના સાથી સાથે રહેવું હોય. જરૂરી નથી કે ત્યારે તે કંઈ વાત કરે જ, પણ બસ તે પૂરેપૂરી તમારી જ છે એવો અહેસાસ દેવડાવે.

કોઈ પણ સંબંધમાં અત્યંત જરૂરી એવો ક્વૉલિટી ટાઇમ તો ખૂબ સારી લવ-લૅન્ગ્વેજ છે, પરંતુ એમાં તકલીફ ક્યારે આવે છે એ વાત સમજાવતાં સોની શાહ કહે છે, ‘આજની તારીખે જ્યાં વ્યક્તિને એકબીજા માટે સમય નથી, કામ અને જવાબદારીઓ વચ્ચે શાંતિની બે પળ કાઢવી મુશ્કેલ છે ત્યારે આ પ્રકારની પ્રેમની અભિવ્યક્તિ મેળવવી મુશ્કેલ છે. ઘણાને લાગે છે કે પત્નીઓની આ ફરિયાદ હોય છે પતિથી; પણ આજકાલ પતિઓને પણ આ પ્રૉબ્લેમ સતાવવા લાગ્યો છે, કારણ કે વર્કિંગ વાઇફ જે ઘર, બાળકો અને પોતાની ઑફિસના કામમાં ખેંચાઈ રહે છે ત્યારે તેની પાસે ક્વૉલિટી ટાઇમ આપવા માટે સમય જ નથી હોતો. થાય છે એવું કે જેની આ ભાષા છે તેને એ અભિવ્યક્તિ ન મળવાને લીધે તે વધુ ને વધુ ઉદાસ બનતી જાય છે. સમયના અભાવને પ્રેમના અભાવ તરીકે લેવામાં આવે છે અને સંબંધ બગડે છે.’

ગિફ્ટ્સ 
વર્ષોથી ગિફ્ટ પ્રેમની અભિવ્યક્તિ તરીકે વાપરવામાં આવે છે. જેમના પ્રેમની ભાષા આ પ્રકારની છે તેઓ પોતાના પાર્ટનરને ચાંદો અને તારા તોડીને આપવા માગતા હોય છે. ઘણા મોંઘી ગિફ્ટ આપીને ખુશ થાય છે તો ઘણા પોતાના સાથીને શું ઉપયોગી થઈ શકે એ વિચારીને ગિફ્ટ આપે છે એ વિચાર જ તેમનો પ્રેમ છે. આ ભાષામાં મહત્ત્વનું છે આપવું. 
જેની લવ-લૅન્ગ્વેજ ગિફ્ટ હોય તે વ્યક્તિ સતત ભરી-ભરીને બીજાને ગિફ્ટ્સ આપતી જોવા મળે છે. એ વિશે વાત કરતાં સોની શાહ કહે છે, ‘તકલીફ ત્યાં થાય છે જ્યારે તે પોતાના સાથી પાસેથી પણ એ જ અપેક્ષા રાખે છે કે તે પણ મને ભરી-ભરીને ગિફ્ટ આપે. જ્યારે સાથી એવું કરે નહીં તો તે ખૂબ દુખી થઈ જાય છે. આવા લોકો પોતાના પાર્ટનરને કંજૂસ ગણે છે. તેમને દુખ થાય છે કે હું આટલું લાવું છું તેના માટે, પણ સામેવાળી વ્યક્તિ મને કશું આપવા જ નથી માગતી. આ વિચારે તે આહત થઈ જાય છે.’

ઍક્ટ્સ ઑફ સર્વિસ 
જ્યારે પણ સાથીને જરૂર હોય, ફિઝિકલી કે મેન્ટલી, તે વ્યક્તિ હાજર હોય; સાથીની જવાબદારી સુખેથી વહેંચવા તૈયાર હોય; તેની મદદે તે બોલાવે એ પહેલાં પહોંચી જાય એ પ્રેમની ભાષા એટલે ઍક્ટ્સ ઑફ સર્વિસ. આજકાલ આ ભાષા સંબંધિત શું તકલીફ આવે છે એ વર્ણવતાં સોની શાહ કહે છે, ‘ઘણી સ્ત્રીઓ ફરિયાદ કરતી હોય છે કે ઘરની બધી જ જવાબદારી ફક્ત મારા પર છે, પુરુષો એ જવાબદારી લેવા તૈયાર જ નથી. સ્ત્રી ઇચ્છે છે કે પુરુષો પણ તેમનો ભાર ઓછો કરે, બાળકોના લાલન-પાલનમાં પણ સક્રિય રહે જેથી તેની જવાબદારી વહેંચાય. પુરુષોમાં પણ આ પ્રકારનો અસંતોષ જોવા મળે છે કે મારા પર જ પૂરેપૂરી આર્થિક જવાબદારી છે; જો પત્ની થોડી જવાબદારી વહેંચી લે, ઘરની લોનના હપ્તા તે પણ ભરે તો તેને રાહત મળે. આ ગુસ્સો અને અસંતોષ ઘર તોડે છે.’

​ ફિઝિકલ ટચ 
કોઈ વ્યક્તિની પ્રેમ વ્યક્ત કરવાની ભાષા આ હોય તો તેના માટે ગળે મળવું, હાથ પકડી રાખવો, એકબીજાની અડોઅડ બેસવું, 
કિસ કરવી જેવી ક્રિયાઓ સહજ ગણાય છે. આવી વ્યક્તિ રાત્રે કાં તો ચોંટીને સૂએ છે અથવા હાથ પકડીને સૂએ છે કે પછી એક પગની ટચલી આંગળી જેટલો પણ 
સ્પર્શ તેને જોઈએ જ છે જેનાથી તેને સુરક્ષિત લાગે છે.

ઘણાં ઘરોમાં આ પ્રકારનું વર્તન સારું માનવામાં આવતું નથી એટલે માતા-પિતા પણ બાળકોને ગળે લગાડતાં નથી જેને લીધે ઊભા થતા પ્રૉબ્લેમ વિશે વાત કરતાં સોની શાહ કહે છે, ‘આવાં બાળકો જેમને નાનપણમાં એ પ્રેમ મળ્યો નથી તેમને મોટા થઈને પણ પ્રેમ આ રીતે અભિવ્યક્ત કરી શકાય એવું આવડતું નથી. એટલે જો તેમના પાર્ટનરની લવ-લૅન્ગ્વેજ ફિઝિકલ ટચ હોય તો તેમના માટે અઘરું બને છે. ઘણી સ્ત્રીઓ ફરિયાદ કરે છે કે તેમના પતિને સેક્સમાં જ રસ છે, ઇન્ટિમસીમાં નહીં. એને લીધે બન્ને વચ્ચે શારીરિક સંબંધ છે, પણ પ્રેમ અને સંબંધની ઘનિષ્ઠતા દેખાતી નથી જે સંબંધને શુષ્ક બનાવે છે.’

આવો સમજીએ એકમેકની ભાષા 
સામાન્ય જીવનમાં હું ગુજરાતીમાં બોલું છું તો સામેની વ્યક્તિ પણ ગુજરાતીમાં જ બોલે એવું થાય તો બેસ્ટ, પણ એવું થવું હંમેશાં શક્ય નથી હોતું; એવું જ પ્રેમનું છે એમ સમજાવતાં કાઉન્સેલિંગ સાઇકોલૉજિસ્ટ નેહા મોદી કહે છે, ‘જો પત્નીની લવ-લૅન્ગ્વેજ ગિફ્ટ હોય તો પતિએ આ લૅન્ગ્વેજ અપનાવવી. જો પતિની લવ-લૅન્ગ્વેજ ક્વૉલિટી ટાઇમ હોય તો પત્નીએ પણ એ ભાષાને અપનાવવી જરૂરી છે. આમ એકબીજાની ભાષાને માન આપીએ, સમજીએ તો પ્રેમ એકબીજા સુધી પહોંચાડી શકીએ. અમારી પાસે આવતાં લગભગ બધાં જ કપલ્સને કાઉન્સેલિંગમાં અમે પહેલાં એ રિયલાઇઝ કરાવીએ છીએ કે તેમની ખુદની લવ-લૅન્ગ્વેજ કઈ છે? પછી સમજાવીએ છીએ કે તેમના પાર્ટનરની લવ-લૅન્ગ્વેજ શું છે. એ ખબર પડે એ પછી અડધું કામ સરળ બની જાય છે. અંતે એકબીજાની ભાષા સમજાઈ જાય તો કમ્યુનિકેશન સધાય એમ અહીં એકબીજાની લવ-લૅન્ગ્વેજ સમજાય એટલે મિસ-કમ્યુનિકેશન દૂર થાય અને એને કારણે થનારા ઝઘડા રિઝૉલ્વ થાય.’ 

પછી શું?
એકબીજાની લવ-લૅન્ગ્વેજ જાણી લીધા પછી શું? આ પ્રશ્નનો જવાબ આપતાં નેહા મોદી કહે છે, ‘વ્યક્તિ જ્યારે ખુદની અને તેના પાર્ટનરની લવ-લૅન્ગ્વેજ ઓળખી કાઢે છે ત્યારે એક સમજણ ડેવલપ થાય છે. એટલે કે જ્યારે પત્નીને સમજાય કે મારા પતિની લવ-લૅન્ગ્વેજ વર્ડ્સ ઑફ અફર્મેશન નથી એટલે તે ક્યારેય મને આઇ લવ યુ જેવા શબ્દો કહેતા જ નથી કે મારા વખાણ કરતા નથી ત્યારે વર્ષોથી મનમાં ધરબાયેલી ફરિયાદો ઓગળે છે. તો પછી પતિની લવ-લૅન્ગ્વેજ શું છે? એ વિચાર સાથે જવાબ મળે છે કે તે હંમેશાં મારું ભલું ઇચ્છે છે અને વગર જતાવ્યે મારી કાળજી રાખે છે. એટલે કે તેમની લવ-લૅન્ગ્વેજ ઍક્ટ્સ ઑફ સર્વિસ છે. એટલે પત્નીના મનમાં એ ધરપત થાય છે કે તે પ્રેમ તો કરે છે. જોકે આટલું પૂરતું નથી. બીજા છેડે પતિને જ્યારે એ ખબર પડે કે મારી પત્નીની લવ-લૅન્ગ્વેજ વર્ડ્સ ઑફ અફર્મેશન છે તો તેણે પણ શબ્દો દ્વારા પ્રેમ જતાવવાનો પ્રયાસ કરવો જરૂરી છે. આમ તમારા પાર્ટનરની લવ-લૅન્ગ્વેજ ભલે તમારા કરતાં જુદી હોય, પણ સુખી દામ્પત્ય માટે તમારે એ લૅન્ગ્વેજને અપનાવવી જરૂરી છે. આ રીતે બૅલૅન્સ સર્જાય છે, પ્રેમ એકબીજા સુધી પહોંચે છે અને બૉન્ડ વધુ સ્ટ્રૉન્ગ બને છે.’

ફેક લવ-લૅન્ગ્વેજ
પ્રેમ એકબીજા સામે દર્શાવવાનો હોય ત્યારે સંબંધ ગાઢ બને, પણ જ્યારે આ જ સંબંધ દુનિયાને બતાવવાનો હોય ત્યારે જે લૅન્ગ્વેજ વાપરવામાં આવે છે એ ફેક લવ-લૅન્ગ્વેજ બની જાય છે એ વિશે વાત કરતાં સોની શાહ કહે છે, ‘ઇન્સ્ટાગ્રામ પર આખી દુનિયા કપલ- રીલ્સ બનાવી રહી છે ત્યારે કોઈ એક વ્યક્તિ પોતાના પાર્ટનરને પ્રેમ જતાવવા માટે રીલ બનાવવા આગ્રહ કરે એ ફેક લવ-લૅન્ગ્વેજ છે. કપલ્સ એકબીજાને બાબુ-શોના કહે છે તો આપણે પણ કહીએ એ ફેક વર્ડ્સ ઑફ અફર્મેશન છે. આખી દુનિયા મૉલદીવ્ઝ હનીમૂન માટે જાય છે તો આપણે પણ જઈએ એ ફેક ક્વૉલિટી ટાઇમ છે. વીંટી તો ડાયમન્ડની જ હોવી જોઈએ એ ફેક ગિફ્ટનું એક્સપ્રેશન છે. લોકો શું કહેશે એટલે ફક્ત દેખાડા માટે દેવામાં આવતો સાથ એ ફેક ઍક્ટ ઑફ સર્વિસ છે. ચાહીને લોકો જુએ છે એટલે હાથ પકડેલો રાખવો કે અમારી વચ્ચે સારો બૉન્ડ છે એ દેખાડવા માટે એકબીજા સાથે રહેવું એ ફેક ફિઝિકલ ટચ છે. ફેક લવ-લૅન્ગ્વેજ સંબંધોને વધુ ને વધુ બગાડે છે, બન્ને વચ્ચેના ખાલીપાને વધુ પ્રબળ કરે છે.’

બધાની પોતપોતાની પ્રેમ-ભાષા 
પ્રેમની દરેકની પોતાની ભાષા હોય એ વાત તો સાચી, પરંતુ એ ભાષા તમને ખબર હોવી જોઈએ એ વાત સમજાવતાં કાઉન્સેલિંગ સાઇકોલૉજિસ્ટ નેહા મોદી કહે છે, ‘જો તમે ગુજરાતીમાં વાત કરતા હો અને સામેવાળી વ્યક્તિ તામિલમાં બોલે, તમને બન્નેને એકબીજાની ભાષા સમજાતી નથી તો તમારી વચ્ચે કમ્યુનિકેશન કઈ રીતે સધાય? બસ, એવું જ પ્રેમની ભાષાનું છે. પતિ પત્નીનો મેડિક્લેમ કરાવે કારણ કે તે પત્નીની સુરક્ષા ઇચ્છે છે, પરંતુ પત્નીને ડાયમન્ડની રિંગ જોઈતી હોય છે. પત્ની આખા કુટુંબનું ધ્યાન રાખતી હોય કારણ કે પતિના ઘરવાળા અને તેમની જવાબદારીને તે પોતાની સમજતી હોય, એ રીતે તે તેનો પ્રેમ જતાવતી હોય; પણ પતિને એમ હોય કે પત્ની તેના માટે સમય કાઢે. પત્ની રાત્રે થાકીને પથારીમાં આડી પડે એવી સૂઈ જાય ત્યારે પતિને લાગે કે પત્નીને તેની પડી જ નથી. પ્રેમની ભાષા બન્નેની અલગ છે એટલે પ્રેમ હોવા છતાં એકબીજા સુધી એ પહોંચી શકતો નથી.’ 

લવ-લૅન્ગ્વેજ ક્યારે જાણવી જરૂરી હોય?
જ્યારે કપલ્સમાં ઝઘડા વધી ગયા હોય, ફરિયાદો વધી ગઈ હોય તો એ જાણવું જરૂરી છે કે તમારી અને તમારા સાથીની લવ-લૅન્ગ્વેજ શું છે? તો શું જેમની વચ્ચે ઝઘડા નથી તેઓ એકબીજાની લવ-લૅન્ગ્વેજ જાણતા હોય છે? અમુક નસીબદાર કપલ્સ જાણતાં હોય છે, જ્યારે બાકીના મોટા ભાગના લોકો એવા હોય છે જેઓ પોતાની ફરિયાદો અને ઝઘડાઓ સાથે કૉમ્પ્રોમાઇઝ કરી ચૂક્યાં હોય છે; સ્વીકારી ચૂક્યાં હોય છે કે તેમનો સંબંધ કૉમ્પ્રોમાઇઝ પર ટકેલો છે, પ્રેમ પર નહીં. આવી પરિસ્થિતિમાં એ વધુ જરૂરી છે કે તમે જાણો કે તમારી અને તમારા સાથીની લવ-લૅન્ગ્વેજ શું છે જેથી સંબંધમાં પ્રેમના બીજનું વાવતેર ફરીથી કરી શકાય.

sex and relationships relationships love tips tips life and style