પહેલાં જેવી સેક્સ-ડ્રાઇવ માટે બેસ્ટ ટોનિક કયું?

05 October, 2022 01:15 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

અનહેલ્ધી શરીરમાં તમે ગમે એટલી દવા નાખો તો પણ જોઈએ એવું રિઝલ્ટ મળે નહીં

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મારી ઉંમર ૬૩ વર્ષ છે, હું રિટાયર ગવર્નમેન્ટ ઑફિસર છું. સ્ત્રીઓની કામશક્તિ અને આનંદ માણવાની ક્ષમતા જીવનભર હોય છે, પરંતુ પુરુષોમાં એવું હોય? પુરુષોમાં ઉત્થાનની સમસ્યાની શરૂઆત થયા પછી જાતીય ક્ષમતાઓ ક્ષીણ થવા માંડે છે. સેક્સલાઇફ માટે બજારમાં એટલી બધી પ્રોડક્ટ્સ મળે છે કે એમાંથી કઈ દવા સારી અને કઈ ખરાબ એ સમજાતું નથી. શું આયુર્વેદ શાસ્ત્રમાં બુઢાપામાં પણ સેક્સલાઇફ માટેનાં ટોનિક છે? શુક્રવર્ધક દવાઓનો ત્રણ મહિનાનો કોર્સ કર્યો, પણ એનાથી ગૅસ અને કબજિયાત રહે છે. તમારી દૃષ્ટિએ ઉત્તમ સેક્સ-ટોનિક હોય તો બતાવજો. ગોરેગામ

એક સીધો નિયમ છે કે જાતીય જીવન તો જ સ્વસ્થ રહે જ્યારે તમારું શરીર સ્વસ્થ હોય. શરીરને સ્વસ્થ અને સદા યુવાન રાખતી દવાઓ તમામ શાસ્ત્રોમાં છે, પણ એ એની અસર સાચી રીતે ત્યારે જ દેખાડી શકે જ્યારે તમે હેલ્ધી હો. અનહેલ્ધી શરીરમાં તમે ગમે એટલી દવા નાખો તો પણ જોઈએ એવું રિઝલ્ટ મળે નહીં એટલે પહેલાં તમારી હેલ્થને તમે બેસ્ટ ડિઝાઇન કરો. જો એવું થશે તો આપોઆપ ઘણી સમસ્યા નીકળી જશે.

બીજું, આપણે ત્યાં વડીલોમાં એક ખરાબ આદત છે. તેઓ દિવસમાં ૧૫-૨૦ ગોળીઓ કે પછી દવાની ફાકીઓ ખાઈ લેવા તૈયાર છે, પણ શરીરને સક્રિય રાખવા માટે એક્સરસાઇઝ કરવાની દિશામાં ધ્યાન નથી આપતા. આ જે આળસ છે એને કાઢવી અત્યંત જરૂરી છે. યોગ અને મેડિટેશન જેવા અનેક ઉપકારક રસ્તાઓ હવે તો સૌની સામે છે ત્યારે એનો ઉપયોગ શું કામ ન કરવો એ પણ વિચારવા જેવી વાત છે. શરીરની હલનચલત થતી રહે અને શારીરિક રીતે સજ્જતા અકબંધ રહે એ જેટલું જરૂરી છે એટલું જ જરૂરી છે કે તમે ખોરાકમાં શું લેતા હો છો.

સાદો ખોરાક સ્વાસ્થ્યને શ્રેષ્ઠ રાખે છે તો સાથોસાથ એ સેક્સલાઇફને પણ વધારે બળવત્તર બનાવવાનું કામ કરે છે માટે શક્ય હોય ત્યાં સુધી સાદો ખોરાક લેવાનું અને લાઇફસ્ટાઇલને મનની મરજી મુજબ નહીં, પણ શરીરની જરૂરિયાત મુજબ સેટ કરવાનું કામ કરો. તમારે એક પણ પ્રકારના ઉપચાર શાસ્ત્રની દિશામાં જવું નહીં પડે. એ પછી દેશી વાયેગ્રા જ તમારી સેક્સડ્રાઇવને સરસ રીતે સેટ કરી દેશે અને એ પણ જ્વલ્લે જ લેવી પડશે.

columnists sex and relationships life and style