૧૭ વર્ષના દીકરાની બુક્સમાંથી કૉન્ડોમ મળે તો માબાપે શું કરવું જોઈએ?

30 March, 2026 12:36 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

શરીરમાં હૉમોર્ન્સનાં પરિવર્તનોને કારણે સેક્સના આવેગો અત્યંત તીવ્ર હોય છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ગયા અઠવાડિયે એક પેરન્ટ્સ મળવા આવ્યા. બન્ને મળવા સાથે આવ્યા, પણ જેવી ટૉપિકની શરૂઆત થઈ એટલે તે લેડી ઊભાં થઈને બહાર જતાં રહ્યાં અને પપ્પાએ વાતની શરૂઆત કરી. તેમને ૧૭ વર્ષનો એક દીકરો છે. છેલ્લા થોડા સમયથી તે દીકરાનું બિહેવિયર બદલાયેલું લાગતું હતું એટલે મમ્મીએ દીકરાનો મોબાઇલ ચેક કર્યો. મોબાઇલમાં છોકરીઓના ફોટો અને પૉર્ન વિડિયો મળ્યા. તે રૂમમાં એકલો હોય ત્યારે મોડે સુધી ફોન પર ગર્લફ્રેન્ડ સાથે વાતો કરતો, જેનો અવાજ પણ બહાર સંભળાતો. માબાપની ચિંતામાં વધારો ત્યારે થયો જ્યારે તેની મમ્મીને દીકરાની બુક્સમાંથી કૉન્ડોમનાં બે પૅકેટ મળ્યાં. રાતે રૂમમાં એકલો વાંચતો હોય ત્યારે છાનોમાનો મૅસ્ટરબેશન કરતો હોય એવું પણ મમ્મીએ પકડ્યું અને પપ્પાને સ્પર્મનાં ડ્રૉપ્સ પણ દેખાડ્યાં. પપ્પા-મમ્મીને ટેન્શન એ વાતનું હતું કે જે ઉંમરે દીકરો આ બધા રસ્તા પર ચાલે છે એ ઉંમરના તે લોકો હતા ત્યારે તેમને તો દૂર-દૂર સુધી આવો વિચાર સુધ્ધાં નહોતો આવતો. પહેલાં ઘરમેળે તે બન્નેએ બહુ ચર્ચા કરી, પણ કોઈ રસ્તો મળ્યો નહીં એટલે આવા સંજોગોમાં શું કરવું એની સલાહ લેવા માટે તે આવ્યાં હતાં. તેમને ડર હતો કે જો દીકરાને તેઓ રોકે અને દીકરાને નહીં ગમે તો? બીજો ડર એ પણ હતો કે જો કંઈ કહે નહીં અને દીકરો વધુ છૂટછાટ લેતો થઈ જાય તો?

જો આજના સમયને જોઈને વાત કરવાની હોય તો કહેવું પડે કે આજનો ટીનેજર પણ હવે યંગસ્ટર જ કહેવાય. તેની સેક્સ્યુઅલિટી વિશેની સાચી સમજણ હજી બંધાવી શરૂ થઈ હોય છે અને નવી-નવી સુંવાળી લાગણીઓમાં વ્યક્તિને રાચવાનું ગમતું હોય છે. આ ઉંમરે વિજાતીય આકર્ષણ થાય અને વિજાતીય વ્યક્તિઓ સાથે સુંવાળી વાતો કરવી ગમે એ સ્વાભાવિક છે. શરીરમાં હૉમોર્ન્સનાં પરિવર્તનોને કારણે સેક્સના આવેગો અત્યંત તીવ્ર હોય છે. એને દબાવી રાખવાને બદલે દીકરો જો મૅસ્ટરબેશન દ્વારા સંતોષ મેળવી લેતો હોય તો એમાં કશું જ ખોટું નથી, કારણ કે મૅસ્ટરબેશન ખરાબ નથી જ નથી અને એની સૌથી સારી વાત એ છે કે મૅસ્ટરબેશન મનનો વિકાર ઓછો કરી નાખે છે. કલ્પનાઓમાં રહીને જાતે સુખી થનારા કરતાં સંતોષથી વંચિત વ્યક્તિની માનસિકતા વધુ વિકૃત હોઈ શકે છે.

દીકરા પર કડક થવાને બદલે તક મળે ત્યારે તેને સેક્સની બાબતની સાચી સમજણ આપવી જરૂરી છે. દીકરો કૉન્ડોમ સાથે રાખે એ વાત દુન્યવી રીતે ભલે ખરાબ લાગે, પણ હકીકતે એ તો સારું જ છે કે તેને પ્રોટેક્ટિવ સેક્સની સભાનતા છે. આ ઉંમરે જો સેક્સ બાબતે કોઈ પ્રકારની રોક લગાવવાની કોશિશ કરવામાં આવે તો વાત બગડવાના ચાન્સ‌િસ વધી શકે છે. સેક્સ ખરાબ છે એવું માનવું ભૂલભરેલું છે. ખોટી સોબતમાં ન પડે અને તે પોતાની રીતે સેક્સને એક્સપ્લોર કરે એના કરતાં જો તેને સાચી સમજણ આપવામાં આવે તો નવી જનરેશન બહુ ઝડપથી સાચી દિશામાં જાય એવી છે. આવું કોઈના પણ સંતાન સાથે થતું હોય તો કહેવાનું કે તેમની સાથે મિત્ર બનીને વાત કરો અને સમજાવો કે મૅરેજ પહેલાંનું સેક્સ યોગ્ય નથી. 

sex and relationships relationships life and style lifestyle news columnists