શું તમને લાગે છે કે તમારી પત્ની ખૂબ કટ-કટ કરે છે?

12 June, 2026 12:48 PM IST  |  Mumbai | Jigisha Jain

આજે આ તકલીફનો તોડ સમજીએ...

પ્રતીકાત્મક તસવીર

ઘણા પુરુષોની એક સામાન્ય ફરિયાદ એ રહે છે કે તેમની પત્ની કટ-કટ ખૂબ કરે છે. કામ પરથી ઘરે જાઓ ત્યારે સતત તે ફરિયાદો જ કરતી રહે છે. સંબંધની શરૂઆતમાં મીઠી વાતો કરતી પત્ની અચાનક કેમ કડવી થઈ જાય છે કે કેમ તે દરરોજ કટ-કટ કરતી હોય છે? મોટા ભાગના પુરુષો ફક્ત પત્નીને કર્કશાની ઉપાધિ આપી દે છે, પરંતુ એ નથી વિચારતા કે આની પાછળ કારણ શું છે અને એનો ઉપાય શું હોઈ શકે છે. આજે આ તકલીફનો તોડ સમજીએ...

ઑફિસ છૂટી ગયા પછી પણ એની કૅન્ટીનમાં બે પરિણીત પુરુષો બેઠા હતા. ગરમ ચા પીતાં-પીતાં પોતાની આપવીતી કહેતાં બેઠા હતા. બંનેનું ઘરે જવાનું મન ન હતું. એકે કહ્યું, ‘ભાઈ, મારી બૈરી સતત કટ-કટ કર્યા કરે છે. જ્યારે જુઓ ત્યારે તેની પાસે ફરિયાદો જ હોય છે. માણસ કામેથી ઘરે જાય અને બસ, આ ફરિયાદોનું બ્યુગલ ચાલુ થઈ જાય છે. એક નંબ જાઉં. એટલે જ આજકાલ ઘરથી બહાર વધારે રહેવા લાગ્યો છું.’

ત્યાં બીજાએ એની વાતમાં સૂર પુરાવ્યો, ‘સાચે યાર, મારાં લગ્નને બે જ વર્ષ થયાં છે. મારી હાલત તારા જેટલી નહીં, પણ ખરાબ તો છે જ. તમે તો સંયુક્ત પરિવારમાં રહો છો એટલે કદાચ ભાભીને અઘરું પડતું હશે, પણ અમે તો એકલાં રહીએ છીએ. કોઈ જાતની રોક-ટોક નથી, કશું જ ફરજિયાત નથી, પણ તોય એને તકલીફ છે. સતત હું સમય નથી આપતો, ધ્યાન નથી આપતો એવી ફરિયાદો કર્યા કરે છે. મને આ કિચ-કિચ ગમતી નથી. હું ઘરે જાઉં એટલે મને જોઈએ મારો સોફો અને હાથમાં ટીવીનું રિમોટ. બે કલાક આમ પસાર ન કરું તો મને ચાલે નહીં. લગ્નની શરૂઆતમાં આવી ન હતી તે. ખબર નહીં શું થતું જાય છે દિવસે-દિવસે?’

આ વાતચીત પુરુષોમાં સામાન્ય છે. ઘણા પુરુષો છે જે પોતાની પત્નીની કચ-કચથી ત્રાસેલા હોય છે. એમને પોતાની વાઈફ ફરિયાદોનું પોટલું લાગતી હોય છે, જે એમના માથા પર હંમેશાં નાચતું હોય છે. એ વાત સાચી છે કે પુરુષો કામ પરથી ઘરે આવે ત્યારે એમને શાંતિ જોઈતી હોય છે, પણ દરેક પુરુષ એ મેળવી નથી શકતો હોતો. પણ તકલીફ ત્યાં છે કે એમની આ તકલીફ માટે તેઓ શું કરે છે? શું એમણે કોઈ દિવસ વિચાર્યું કે આવું કેમ થઈ રહ્યું છે? આ કચ-કચ કેમ થઈ રહી છે? એની પાછળના કારણો શું છે? શું હું કંઈ કરી શકું જેનાથી એ બંધ થઈ જાય? આટલું બધું પુરુષો વિચારતા હોત તો જીવન કદાચ ઘણું સરળ થઈ જાત. આજે ઘરે-ઘરે જોવા મળતી આ તકલીફમાં ઊંડા ઊતરીએ અને આ પ્રૉબ્લેમને ઊંડાણથી સમજવાની કોશિશ કરીએ. એનો કોઈ ઉપાય જો શક્ય હોય તો લાવીએ.

પહેલો પ્રશ્ન

આ બાબતે પ્રથમ પગથિયું સમજાવતાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. શ્યામ મિથિયા કહે છે, ‘જો તમારી પત્ની કટ-કટ કરતી હોય તો પહેલો પ્રશ્ન તમારે તમારી જાતને એ પૂછવાનો છે કે તે ફક્ત તમારી સાથે કટ-કટ કરે છે કે તેની આસપાસના બધા જ લોકો એનાથી ત્રસ્ત છે. જો બધા જ સાથે તે એવું કરે છે તો એનો અર્થ થયો કે એ તેના સ્વભાવમાં છે અને સ્વભાવ બદલતાં થોડી વાર લાગે. જો આવું હોય તો એના જીવનના પ્રશ્નો અને એની તકલીફોને સમજવી પડે અને એને અંદરથી હિલિંગ આપવી પડે. માણસના જીવનમાં અમુક પ્રકારના અનુભવોને લીધે તેનો સ્વભાવ એવો થઈ જતો હોય છે, પણ પ્રેમ અને કાળજી એના સ્વભાવમાં બદલાવ લાવી શકે છે. બીજું એ કે જો તે બધા જ લોકો સાથે સારી હોય, પણ ફક્ત તમારી સાથે કટ-કટ કરતી હોય તો એનો અર્થ એ કે તેની આ પરિસ્થિતિ પાછળ ફક્ત તમે જવાબદાર છો. આ સત્ય કદાચ કડવું લાગે, પણ એને સ્વીકારીને આગળ વધશો તો ઉપાય શક્ય બનશે. આમ, જો પત્ની દુનિયા સાથે સારી અને તમારી સાથે જ કર્કશ છે તો મોટો વાંક તમારો છે એ પહેલાં સ્વીકારવું.’

તકલીફ

સંબંધની શરૂઆતમાં કોઈ પણ સ્ત્રી કર્કશા નથી હોતી. તો એવું શું થાય છે કે જેને લીધે ધીમે-ધીમે તે એવી બનતી જાય છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. શ્યામ મિથિયા કહે છે, ‘સ્ત્રીઓને પોતાને એક્સપ્રેસ કરતાં આવડે છે. કોઈ પણ ભાવના, કોઈ પણ અનુભવ તે હંમેશાં એક્સપ્રેસ કરવા માગતી હોય છે એ એની જરૂરિયાત હોય છે. પુરુષોમાં એવું હોતું નથી. એટલે જ પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ બોલકી હોય છે. સંબંધની શરૂઆતમાં જ્યારે તે તમારી સામે વાત કરે છે અને તમે એને સાંભળવા નથી માગતા, જ્યારે એ તમારો સમય માગે છે ત્યારે તમે સતત વ્યસ્ત રહો છો, સમય નથી આપી શકતા. જ્યારે તમે સમય આપો છો ત્યારે એના તરફ ધ્યાન નથી આપતા, એ બોલે છે ત્યારે તમે ફક્ત હાએ હા કર્યા કરો છો ત્યારે તકલીફ ઊભી થાય છે. આ વર્તનને ઇમોશનલ નિગ્લેક્ટ કહે છે. એટલે કે એની લાગણીઓનો તમે તિરસ્કાર કરો છો. જો તમને એની વાતો કરતાં ફાલતું રીલ્સમાં વધુ રસ પડતો હોય તો એ હર્ટ થાય છે, જેના પરિણામસ્વરૂપ એ કડવી બનતી જાય છે.’

સ્ત્રીની જ નહિ, કોઈ પણ વ્યક્તિની લાગણીઓને અવગણવામાં આવે તો એને ઠેસ પહોંચે છે. જીવનસાથી પાસે સર્વાધિક અપેક્ષા હોય છે કે તે તમારી લાગણીને પહેલા તો સાંભળે, પછી માન્યતા આપે, એને સમજે અને છેલ્લે સ્વીકારે. આવું જ્યારે નથી થતું ત્યારે વ્યક્તિનું મન ખરાબ થઈ જાય છે એટલે જે વાત પ્રેમથી થઈ શકતી હતી તે કડવાશ સાથે થાય છે. મનમાં ફરિયાદો સતત ઘૂમરાતી રહે છે, પણ તે વ્યક્તિને પોતાના જીવનસાથી પાસેથી ફરિયાદ એક જ છે કે મને તે પ્રેમથી સાંભળતા કે સાંભળતી  નથી. મને તે સમજતા કે સમજતી નથી. મારા તરફ એનું ધ્યાન નથી. આ તકલીફ કટ-કટ બનીને સામે આવતી હોય છે.

કરવું શું?

પ્રેમાળ પત્નીને કર્કશા પત્નીમાં ટ્રાન્સફૉર્મ ન થવા દેવા માટે શું કરી શકાય?

 જો તમે ઇચ્છતા હો કે તમારી પત્ની કટ-કટ ન કરે તો એની બકર-બકર વાતોને પ્રેમથી સાંભળો.

 પોતાના પાર્ટનર સાથે સ્ત્રીઓ હંમેશાં લાગણીથી અને પુરુષો હંમેશાં લૉજિકથી ચાલે છે. એટલે જ્યારે સ્ત્રીઓ પોતાના પ્રૉબ્લેમ્સ ખેતી હોય ત્યારે પુરુષો એ પ્રૉબ્લેમનું સૉલ્યુશન આપવા મંડી જાય છે. આવું બિલકુલ ન કરો. તમે તેને પ્રેમથી તેના તરફ પૂરું ધ્યાન આપીને તેને સાંભળો.

 સાંભળી લીધા પછી એ શું કહેવા માગે છે એ સમજવું પણ એટલું જ જરૂરી છે, જેનો અર્થ એ થયો કે સ્ત્રી દુખી હોય કે ત્રસ્ત હોય તો તું ખોટું વિચારે છે એવું કહેવાને બદલે તું આવું કેમ અનુભવી રહી છે એ હું સમજુ છું કે તારું દુખ હું સમજુ છું એ ભાવના સ્થાપિત થવી જોઈએ. મોટા ભાગે આ સ્ટેપ સુધીમાં સ્ત્રીઓ માંથી રાહત અનુભવે છે અને બધું ઠીક થઈ જાય છે.

પણ એ પછી જો સ્ત્રી માગે કે મને આનો ઉપાય જોઈએ છે તો જ તેને તમને શું લાગે છે એ જણાવવું. એ ઉપાય પણ એની માથે થોપી દેવાની જરૂર નથી. આવું મને લાગે છે એના પર જરા વિચાર કરજે એમ કહીને તમારો દૃષ્ટિકોણ સ્પષ્ટ કરવો.

છેલ્લે બંને હેલ્ધી ડિસ્કશન કે ચર્ચા દ્વારા તકલીફનો નિવેડો લાવે એ યોગ્ય છે. જો તકલીફનો ઉપાય ન મળે તો પણ એ તકલીફને શાંત કરવાની શક્તિ આ પ્રોસેસમાંથી મળી રહે છે.

આ ફક્ત સ્ત્રીઓ સાથે જ નથી થતું, પુરુષોમાં પણ આ પ્રૉબ્લેમ આવે છે

એવું તો છે નહીં કે પતિઓને લાગણીઓ હોતી નથી અને જે હોય છે એ ક્યારેય અવગણવામાં આવતી નથી. એટલે જ એવું નથી કે પત્ની જ કટ-કટ કરે. પતિ પણ કરી શકે છે. પતિની લાગણી અવગણાય ત્યારે એ કટ-કટ કરવાને બદલે બરાડે છે. ગુસ્સે થાય છે. પોતાનું ધાર્યું કરવા-કરાવવામાં લાગી પડે છે. આવું થાય તો તેમને સંભાળવા અઘરા નથી પડતા. આનાથી ગંભીર સ્ટેજ એ હોય છે જ્યારે એ સાઇલન્ટ ટ્રીટમેન્ટ આપવાનું શરૂ કરી દે છે. વાત કરવાનું બંધ કરી દે છે. દૂર રહેવાનું શરુ કરી દે છે. તમે તેમની લાગણીને અવગણી તો તે તમને અવગણવાનું શરુ કરી દે છે. લાગણી પુરુષની હોય કે સ્ત્રીની બંનેનું મહત્ત્વ છે. બંનેની  લાગણીઓને માન આપવું તેમના જીવનસાથીની ફરજ છે. જે જીવનસાથી પોતાના જીવનસાથીની લાગણીઓનું પૂરતું માન જાળવે છે તેમના ઘરમાં સુખ અને શાંતિ બંને વસે છે.

sex and relationships relationships mental health life and style lifestyle news columnists Jigisha Jain