14 January, 2026 11:47 AM IST | Mumbai | Jigisha Jain
હૅપી મૅરેજિસમાં પણ લોકો ચીટ કેમ કરે છે?
સમાજમાં ચારે તરફ નજર કરીએ તો દેખાશે કે લગ્નેતર સંબંધો વધતા જઈ રહ્યા છે. તમે તમારાં લગ્નમાં ખુશ નથી, કંકાસભર્યા જીવનથી ત્રસ્ત થઈને તમે લગ્નેતર સંબંધો તરફ આકર્ષાઓ તો તમારી પાસે બહાનું છે. પરંતુ જે લોકો પોતાના લગ્નજીવનમાં ખુશ છે, પાર્ટનર પ્રેમાળ છે, બાળકો છે, જીવન એકદમ પિક્ચર પર્ફેક્ટ દેખાય છે એવા લોકો ચીટ શું કામ કરે છે? તેમના મનમાં શું ચાલી રહ્યું હોય છે એ આજે સમજવાની કોશિશ કરીએ
જેમના લગ્નેતર સંબંધો છે એમાંથી અમુક લોકોનું લગ્નજીવન ખૂબ જ ખરાબ છે. પાર્ટનર સાથે પ્રેમ નથી, સમજદારી નથી, કંકાસ વધુ છે અને સુખ છે જ નહીં એવા લોકો જ્યારે લગ્નની બહાર સંબંધ બાંધે છે ત્યારે એ પગલું સુખની તલાશમાં લીધેલું પગલું હોય છે (જેમાંથી ભાગ્યે જ કોઈને સુખ મળે છે, એ પછી જુદી વાત છે કારણ કે તમે કોઈને દુઃખ આપીને સુખ મેળવી શકવાના નથી). પરંતુ હર્યોભર્યો દેખાતો સુખી પરિવાર, જેને જોઈને કોઈ પણ કહે કે પિક્ચર પર્ફેક્ટ ફૅમિલી છે એમાં કેમ ચીટિંગ જોવા મળે છે? એમાં લોકો લગ્નેતર સંબંધો કેમ બાંધે છે? આ તો ખુદના સુખમાં આગ ચાંપી કહેવાય. આજની તારીખે જ્યારે લગ્નેતર સંબંધોના કિસ્સાઓ ઘણા સાંભળવા મળે છે ત્યારે સમજવાની કોશિશ કરીએ કે સુખી પરિવારોમાં આવું કેમ થાય છે.
દેખીતા સુખી
સુખી પરિવારોમાં જ્યારે ચીટિંગ થાય ત્યારે એ બે પ્રકારની હોય છે - એક કહેવાતો સુખી પરિવાર જે ફક્ત સુખી દેખાય છે, ખરેખર છે નહીં. અને બીજો ફક્ત દેખાતો જ નહીં, ખરેખર જે સુખી છે એવો પરિવાર. આ બન્નેમાં પણ જે કહેવાતો અને દેખાતો સુખી પરિવાર છે એમાં ચીટિંગ થવાની શક્યતા ઘણી વધુ છે. એનું કારણ સમજાવતાં રિલેશનશિપ કાઉન્સેલર અને સાઇકોલૉજિસ્ટ નેહા મોદી કહે છે, ‘આજકાલ જીવન ઘણું ફેક થઈ ગયું છે. ઇન્સ્ટાગ્રામ પર ખુશ દેખાતો પરિવાર ખરેખર ખુશ છે કે નહીં એ એક મોટો પ્રશ્ન છે. પરિવારનું મોટું નામ હોય, બિઝનેસ મોટો હોય તો સમાજમાં એક સારી ઇમેજ હોવી પણ અત્યંત આવશ્યક બને છે. એટલા માટે પણ લોકો આવી સુખી દેખાતા પરિવારની ઇમેજને ઓઢીને જીવતા હોય છે પરંતુ અંદરથી દુખી હોય છે. મનમેળ હોતો નથી. દરરોજના ઝઘડાથી ત્રાસી ગયા હોય છે અને ક્યાંક મનના ખૂણે શાંતિ શોધતા હોય છે. એ શાંતિ ખુદની અંદર શોધવાને બદલે જ્યારે વ્યક્તિ બહાર દુનિયામાં શોધવા નીકળી પડે ત્યારે તે માર્ગ ભટકે છે અને લગ્નેતર સંબંધોમાં પડી જાય છે.’
ખરેખર સુખી છે તેમનું શું?
લગ્નેતર સંબંધોની દુનિયામાં ઘણા લોકો એવા છે જે ખરેખર પોતાના પાર્ટનરને પ્રેમ કરે છે. પોતાના પતિ કે પત્ની અને તેમનાં બાળકો સાથેનો તેમનો સંસાર તેમની સ્ટ્રેન્ગ્થ છે. એક સુરક્ષિત જગ્યા છે જેને તેઓ ઘર કહે છે. તો પછી આવા લોકોને લગ્નેતર સંબંધોની જરૂર શું એ વિશે વાત કરતાં રિલેશનશિપ કાઉન્સેલર અને સાઇકોલૉજિસ્ટ સોની શાહ કહે છે, ‘જીવન આવા લોકોને કંટાળાજનક લાગતું હોય છે. તેમના લગ્નસંબંધમાં તેઓ થ્રિલ શોધતા ફરતા હોય છે. જે એડ્રિનલિન રશ તેમને પહેલાં પોતાના સંબંધમાં આવતો હતો એ હવે આવતો નથી. કેટલાક એવા પણ છે જે આજના યુવાનોની લાઇફ એક્સપ્લોર કરવા માગે છે. જેમ કે ડેટિંગ ઍપ્સ કે હુક-અપ ઍપ્સ જેવી સુવિધાઓ પોતાના સમયમાં નહોતી, હવે છે તો એના તરફ મન લલચાય છે અને એક વાર વાપરી તો જોઉં એમ લાગે છે. આ રીતે કોઈ પણ રૅન્ડમ વ્યક્તિ સાથે પ્રેમભરી વાતો, સેક્સ ટૉક, છુપાઈને મળવાની થ્રિલ તેમને મજા અપાવી જાય છે. આવા લોકો પોતાનું ઘર ક્યારેય તોડવા નથી માગતા હોતા, તેમને એ જોઈએ જ છે પણ આ દુનિયા પણ તેમને વહાલી લાગે છે. બે અલગ-અલગ દુનિયામાં જીવવાનું તેમને ગમે છે. આવા લોકો જેની સાથે શારીરિક સંબંધ બાંધે તેને ઓળખતા ન પણ હોય, તે એક રાતનું સીક્રેટ સમજીને જવા પણ દેતા હોય છે. ઘણા લોકોને આમાં થ્રિલ પણ લાગે છે. આ જે લગ્નેતર ક્રિયાઓ છે એને તેઓ પરિવાર સાથે જોડતા જ નથી. એ બન્ને જુદાં વિશ્વો છે. પોતાના પાર્ટનર સાથે તેમને રહેવું જ છે પણ થોડી ક્ષણોની મજા પણ કરવી જ છે.’
પણ વધુ સુખી થવા માગીએ છીએ
સુખી લોકો કેમ ચીટિંગ કરે છે એની પાછળની મૉડર્ન માનસિકતા વિશે વાત કરતાં નેહા મોદી કહે છે, ‘આજે આપણી પાસે એક સારો ફોન છે જેમાં બધાં જ ફીચર્સ છે પણ તોય આપણને એનાથી વધુ ફીચર્સવાળો ફોન લેવો હોય છે. હું હૅપી છું, પણ હૅપીઅર થઈ શકું છું એટલે કે હું ખુશ છું પણ હું વધુ ખુશ થઈ શકું છુંની ઘેલછા માણસને આવા સંબંધો તરફ ધકેલતી હોય છે. બીજું એક એવું છે કે જે જાણીતું છે તે કમ્ફર્ટ આપે છે પણ એનાથી એક્સાઇટમેન્ટ આવતી નથી. પતિ-પત્નીનો સંબંધ જ્યાં રિવાઇવ થતો નથી, સતત નવસંવેદના એમાં પ્રગટતી નથી એ બોરિંગ બની જાય છે. એટલે માણસો સુખી છે પણ એક્સાઇટમેન્ટ માટે બહાર તરફ મીટ માંડે છે.’
ભૂલ નહીં, સજાગ નિર્ણય
આજની તારીખે લગ્નેતર સંબંધો કોઈ ભૂલ નથી હોતી. એ એક સજાગ નિર્ણય હોય છે. લગ્ન અને બાળકો થયા પછી જો કોઈ બહેકી જાય કે કોઈનો પગ લપસે તો એને ભૂલ કહેવી યોગ્ય ગણાય? જે માણસો ચીટિંગ કરે છે પછી એમાં પુરુષ હોય કે સ્ત્રી, સૌથી મહત્ત્વની વાત એ છે કે તે આ ઉંમરે સિક્યૉર ફીલ કરે છે. સોની શાહ કહે છે, ‘જેમનો પરિવાર છે અને પાર્ટનર તેના પર ઇમોશનલી, આર્થિક કે સામાજિક અથવા તો બધી જ રીતે નિર્ભર છે, બાળકો થઈ ગયાં છે એટલે બાળકોને ખાતર પણ હવે અલગ થવાની ગુંજાઈશ ઓછી છે એવામાં માણસ અંદરથી ફીલ કરે છે કે મારો પાર્ટનર મને છોડીને ક્યાં જશે? અહીં ફક્ત પુરુષો એવું નથી વિચારતા, ઘણી સ્ત્રીઓ પણ એવું વિચારતી હોય છે. એટલે ચીટિંગ કરતાં તેમને ભય લાગતો નથી. તેમને એવું લાગતું નથી કે તેમનો સંસાર હલી જશે. પહેલાં તો તેમની તૈયારી પાકે પાયે હોય છે કે તેઓ કોઈ પણ રીતે પકડાય નહીં અને જો પકડાઈ જાય તો બધી જ ગણતરી મગજમાં કરી રાખી હોય છે. બધા જ સીન વિચારી રાખ્યા હોય છે. એટલે તેમને આવું કરવામાં ભય લાગતો નથી.’
સ્ત્રીઓ માટે
કિસ્સો - લીલા, શેઠ પરિવારનાં ઘરની લક્ષ્મી. જન્મથી લઈને ૪૭ વર્ષની થઈ ત્યાં સુધી જીવનના બધા જ રોલ તેણે ખૂબ સારી રીતે નિભાવ્યા. ‘ગુડ ગર્લ’ની વ્યાખ્યા જાણે તેને જોઈને જ સર્જાયેલી હોય એવું તેનું જીવન પણ ૪૭ વર્ષે તેણે લગ્નેતર સંબંધ બાંધ્યો એ પણ તેના ઘરના માળી સાથે. બધાને નવાઈ એ લાગી રહી હતી કે આ ઉંમરે હજી શું રહી જતું હતું? છોકરાઓનાં લગ્નની ઉંમરે લીલાને આ શું સૂઝ્યું? ખરેખર એવું હતું કે લીલા હંમેશાં દાયરાઓમાં બંધ રહી હતી. ૪૭ વર્ષે તેને આઝાદી જોઈતી હતી. તેને ફ્રી થવું હતું. માળીના શરીરથી તે આકર્ષાઈ નહોતી પણ તે એક યુવાન છોકરો હતો જેણે આખા શરીરે ટૅટૂ ચીતર્યાં હતાં. તે એક ફ્રી સ્પિરિટની જેમ જીવી રહ્યો હતો જેની સાથે જિવાતી થોડી ક્ષણોમાં લીલાબહેનને લાગતું કે તે પોતે એક ફ્રી સ્પિરિટેડ વ્યક્તિ છે. ખરેખર આ એક ફેઝ છે. લીલાબહેનને લગ્નેતર સંબંધોમાં કોઈ રસ નથી. સમાજ કે બાળકો સામે તે કોઈ ખોટું ઉદાહરણ પાડવા પણ નથી માગતાં. જે ખૂટતું હતું એ પૂરવાનો કોઈ સાચો માર્ગ તે શોધી ન શક્યાં એટલે આ ખોટા માર્ગના રવાડે ચડી ગયા.
પુરુષો માટે
પુરુષોમાં એક ઉંમર પછી અલગ પ્રકારના એક્સાઇટમેન્ટની ઇચ્છા હોય છે જે તેમને તેમની પત્ની સાથે ન આવતી હોય અથવા તો આવતી પણ હોય તો પણ લગ્નેતર સંબંધો અમુક પુરુષોનો ઈગો બૂસ્ટ કરવાનું કામ કરતા હોય છે એમ સમજાવતાં નેહા મોદી કહે છે, ‘લગ્નેતર સંબંધોને કારણે પુરુષોમાં ‘આપણે તો આ ઉંમરે પણ છોકરી પટાવી શકીએ છીએ’ જેવો
છીછરો ભાવ તેમની અંદર જાગ્રત કરે છે. પોતાના સર્કલમાં આપણી માર્કેટ વૅલ્યુ આજે પણ ઘણી છે એવી નકલી વાહવાહી તેમને ગમવા લાગે છે પણ વિચારવાનું એ છે કે આવું કેમ છે? મોટા ભાગના પુરુષો માટે ફૅમિલી એટલે જવાબદારીઓ. મજાક-મસ્તી માટે બહાર જ જવું પડે એવું તેમને લાગે છે કારણ કે મજા અને મસ્તી હંમેશાં તેમને બહારથી જ મળ્યાં છે. કન્ડિશનિંગ ફક્ત સ્ત્રીઓનું જ નથી હોતું, પુરુષોનું પણ હોય છે. એને કારણે તેઓ આ સ્ટેજ સુધી પહોંચે છે.’
કિસ્સો - ૧૬ વર્ષની ઉંમરથી નોકરીમાં જોતરાયા પછી દિલીપભાઈએ નાનાં ભાઈ-બહેનને ભણાવ્યાં, લગ્ન કર્યાં પણ એ બધા પ્રત્યેની જવાબદારી નિભાવવા. દિલીપભાઈએ જીવનમાં એક પ્રોવાઇડરની ભૂમિકા ખૂબ સારી રીતે ભજવી. તેમને તેમની પત્ની સુશીલા પ્રત્યે માન હતું પણ ૪૦ વર્ષે તેમની મુલાકાત સ્કૂલના મિત્રો સાથે થઈ. એ બધા પોતપોતાના લગ્નેતર કિસ્સાઓ એકદમ નૉર્મલ રીતે સંભળાવી રહ્યા હતા. દિલીપભાઈએ જોયું કે તેમના મિત્રો ગજબ ખુશ છે. સહજ રીતે કુતૂહલથી દિલીપભાઈ એક દિવસ મિત્રો સાથે જ એક સેક્સવર્કર પાસે ગયા. આવું કરવાથી તેમને ગિલ્ટને બદલે ખુશી થતી હતી. તેમને લાગ્યું કે કંઈક તો છે જીવનમાં જે તેમણે ફક્ત ખુદ માટે કર્યું, બીજા માટે નહીં. આ રીતે તેમણે પોતાના જીવનનો ખૂટતો ભાગ પૂર્યો જે ખરેખર પુરાયો તો નહીં પણ થોડી ક્ષણો માટે એવી ભ્રાંતિ ચોક્કસ થઈ.
ખૂટતું પૂરવાની ઇચ્છા
કોઈ પણ વ્યક્તિ લગ્નેતર સંબંધમાં કેમ જોડાય છે એની પાછળની માનસિકતામાં એવું છે કે તેમના જીવનમાં જે ખૂટે છે એ વ્યક્તિ એ પૂરવા માટે આ લગ્નેતર સંબંધમાં જોડાય છે. એ ખૂટતું ફક્ત કોઈ આછકલું સુખ જ હોય એવું જરૂરી નથી. આ જ વાતને સ્ત્રી અને પુરુષના સંદર્ભમાં સમજવાની કોશિશ કરીએ.