આવનારી પેઢી માટે ગ્રીન પેરન્ટિંગ કેમ જરૂરી છે?

28 July, 2026 05:09 PM IST  |  Mumbai | Heena Patel

વર્લ્ડ નેચર કન્ઝર્વેશન ડે નિમિત્તે જાણીએ કે ગ્રીન પેરન્ટિંગ કેવી રીતે બાળકોને સ્વચ્છ હવા, શુદ્ધ પાણી અને હરિયાળું ભવિષ્ય આપી શકે છે. રોજિંદી નાની ટેવો અને જવાબદાર નિર્ણયો પર્યાવરણ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

આવનારી પેઢી માટે ગ્રીન પેરન્ટિંગ કેમ જરૂરી છે?

આજે બાળકો માટે સૌથી મોટી ભેટ કઈ હોઈ શકે? મોંઘાં રમકડાં, મોટું ઘર કે બૅન્ક-બૅલૅન્સ નહીં; શુદ્ધ હવા, સ્વચ્છ પાણી અને હરિયાળું પર્યાવરણ. વર્લ્ડ નેચર કન્ઝર્વેશન ડે આપણને યાદ અપાવે છે કે કુદરતનું સંરક્ષણ માત્ર જંગલો બચાવવા પૂરતું નથી, એની શરૂઆત ઘરમાંથી થાય છે. બાળકનો જન્મ થાય એ દિવસથી જ મમ્મી-પપ્પાનો દરેક નાનો નિર્ણય જેમ કે ડાયપરથી લઈને રમકડાં અને કપડાંથી લઈને રોજિંદી ટેવો સુધી પર્યાવરણ પર અસર કરે છે. નેક્સ્ટ જનરેશન માટે પૃથ્વી જીવવા જેવું સ્થળ રહે એ માટે કેવું પેરન્ટિંગ જરૂરી છે એ જાણીએ

આપણે સૌ આપણાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે રાત-દિવસ એક કરીને સંપત્તિ, ઘર, સારી કાર જેવી વસ્તુઓ ભેગી કરવામાં લાગેલા રહીએ છીએ; પરંતુ ક્યારેય વિચાર્યું છે કે જો આપણે તેમને શ્વાસ લેવા માટે શુદ્ધ હવા, પીવા માટે સ્વચ્છ પાણી અને જીવવા માટે સુંદર કુદરતી વાતાવરણ જ નહીં આપી શકીએ તો આ તમામ ભૌતિક સુખસુવિધાઓનો શો અર્થ રહેશે? આજે વર્લ્ડ નેચર કન્ઝર્વેશન ડે છે. આ દિવસ માત્ર પર્યાવરણ બચાવવાનાં ભાષણો આપવાનો નહીં, આપણા ઘરની ચાર દીવાલો વચ્ચેથી જ એક નાની શરૂઆત કરવાનો છે. આપણે બાળકોને જે પર્યાવરણ સોંપીને જવાના છીએ એની કાળજી લેતાં તેમને શીખવવાની જવાબદારી પણ આપણી જ છે. આ જ વિચારમાંથી જન્મ લે છે ગ્રીન પેરન્ટિંગનો કન્સેપ્ટ.

ગ્રીન પેરન્ટિંગ શું છે?

ગ્રીન પેરન્ટિંગ એટલે બાળકોના ઉછેર દરમ્યાન એવી જીવનશૈલી અપનાવવી જે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડે અને સાથે બાળકોમાં પણ નાનપણથી જ પ્રકૃતિ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવે. 
વયજૂથ અનુસાર બાળકના ઉછેરમાં કુદરતના સંરક્ષણ વિશેની સંવેદનશીલતા કેવી રીતે વિકસે એની માર્ગદર્શિકા યુનિસેફ દ્વારા તૈયાર કરવામાં આવી છે. જો આપણે બાળકો સાથે આટલું કરતાં થઈ જઈએ તો આવનારી પેઢી માટે પૃથ્વી જીવવા જેવી જગ્યા બની રહેશે.

૩ વર્ષ સુધીનાં બાળકો માટે

આ ઉંમરે પર્યાવરણના રક્ષણની શરૂઆત મમ્મી-પપ્પાની પોતાની ટેવોથી થાય છે.

રી-યુઝેબલ નૅપીઝનો ઉપયોગ : નવજાત શિશુ માટે દિવસમાં પાંચ-છ ડિસ્પોઝેબલ ડાયપર વપરાય છે જે કચરામાં જઈને વર્ષો સુધી સડતાં નથી. કાપડનાં નૅપીઝ વાપરવાથી પર્યાવરણ સાથે તમારા પૈસા પણ બચશે.
ઘરે જ બાળખોરાક બનાવો : બજારના રેડીમેડ બેબી-ફૂડને બદલે ઘરે બનાવેલો પૌષ્ટિક ખોરાક આપવો. એ વધુ સ્વાસ્થ્યપ્રદ છે, આર્થિક રીતે સસ્તો છે અને પૅકિંગના કચરાથી બચાવે છે.
ઇકો-ફ્રેન્ડ્લી લૉન્ડ્રી : બાળક નાનું હોય ત્યારે કપડાં વધુ ધોવાં પડે છે. વૉશિંગ મશીન ફુલ લોડ થાય ત્યારે જ ચલાવો, ઓછા તાપમાને કપડાં ધુઓ અને કેમિકલ-ફ્રી કે ઇકો-ફ્રેન્ડ્લી ડિટર્જન્ટનો ઉપયોગ કરો.

ચારથી ૬ વર્ષનાં બાળકો માટે

આ ઉંમરે બાળકો નવી ટેવો ઝડપથી શીખે છે અને અનુકરણ કરે છે.
વીજળી બચાવવાની ટેવ : રૂમમાંથી બહાર નીકળતી વખતે લાઇટ-ફૅન બંધ કરવાની ટેવ પાડો. બાળકોને સરળ ભાષામાં સમજાવો કે વીજળી ક્યાંથી આવે છે અને એનું મહત્ત્વ શું છે.
પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને પાલતુ પ્રાણી : ઘરમાં પેટ - પાળી શકાય એવાં પ્રાણી અથવા શેરીનાં શ્વાન, બિલાડી કે પક્ષીઓ માટે દાણાપાણીની વ્યવસ્થા બાળકો પાસે કરાવો. આનાથી તેમનામાં દયાભાવના અને જવાબદારીનો વિકાસ થશે.
છોડ દત્તક લેવો : ઘરમાં એક કૂંડું કે છોડ બાળકને સોંપો. એને રોજ પાણી પાવું, સુકાયેલાં પાંદડાં હટાવવા અને છોડનો વિકાસ જોવો આ પ્રક્રિયા બાળકને કુદરતની નજીક લાવશે.
જૂનાં રમકડાં અને કપડાંનો પુનઃ ઉપયોગ : મિત્રો કે સગાંસંબંધીઓ પાસેથી વપરાયેલાં કપડાં કે રમકડાં લેવામાં અચકાશો નહીં. વર્ષમાં એક વાર ન વપરાતાં રમકડાં કે કપડાં જરૂરિયાતમંદોને દાન કરવાની ટેવ પાડો.

સાતથી ૧૨ વર્ષનાં બાળકો માટે

આ ઉંમરે બાળકો પ્રયોગો અને પ્રોજેક્ટ્સ દ્વારા શીખવાનું પસંદ કરે છે.
ઘરે નાનું ગાર્ડન બનાવો : ઘરની બાલ્કનીમાં શાકભાજી કે છોડ વાવો. બાળક જ્યારે પોતે વાવેલું અનાજ કે શાકભાજી જોશે ત્યારે તેને ખોરાકનું મૂલ્ય સમજાશે.
કુદરતના ખોળે સમય વિતાવો : બાળકને વૉકિંગ, હાઇકિંગ, કૅમ્પિંગ કે પિકનિક માટે કુદરતી વાતાવરણમાં લઈ જાઓ. લીલોતરી વચ્ચે સમય વિતાવવાથી તેમનો શારીરિક અને માનસિક વિકાસ ઝડપી બનશે.
કચરાનું વર્ગીકરણ : ભીનો અને સૂકો કચરો અલગ કરવાની પ્રક્રિયામાં બાળકને સામેલ કરો. કચરો કેવી રીતે રીસાઇકલ થાય છે એની માહિતી આપો.
વેસ્ટમાંથી બેસ્ટ : પ્લાસ્ટિક, કાગળ કે નકામી વસ્તુઓમાંથી નવી વસ્તુઓ બનાવવાની પ્રવૃત્તિ કરાવો. આનાથી એમની સર્જનાત્મકતા વધશે અને પુનઃ ઉપયોગની સમજ કેળવાશે.
ખોરાકનો બગાડ અટકાવવો : થાળીમાં જોઈતું હોય એટલું જ ખાવાનું લેવાની ટેવ પાડો. વધેલો ખોરાક ફ્રિજમાં સાચવીને કેવી રીતે વાપરવો એ શીખવો.
પાણીની બચત : બ્રશ કરતી વખતે નળ બંધ રાખવો, નહાવામાં પાણીનો બગાડ અટકાવવો અને બહાર જતી વખતે પ્લાસ્ટિકની બૉટલ ખરીદવાને બદલે ઘરની રી-યુઝેબલ બૉટલ સાથે રાખવી.
ઇલેક્ટ્રોનિક સાધનો પ્લગ-આઉટ કરવાં : ચાર્જર, ટીવી કે કમ્પ્યુટર બંધ કર્યા પછી એની સ્વિચ કે પ્લગ કાઢી લેવાની ટેવ પાડો, કારણ કે બંધ મોડમાં પણ એ વીજળી વાપરે છે.
STEM (વિજ્ઞાન અને ટેક્નૉલૉજી) શિક્ષણને પ્રોત્સાહન : બાળકને વિજ્ઞાન, પ્રયોગશાળા કે સાયન્સ મ્યુઝિયમની મુલાકાતે લઈ જાઓ જેથી તે પર્યાવરણીય સમસ્યાઓ અને જળવાયુ-પરિવર્તનના વૈજ્ઞાનિક ઉકેલો સમજી શકે.
સફાઈ-અભિયાનનું આયોજન : સોસાયટીમાં કે સ્થાનિક પાર્કમાં બાળકના મિત્રો સાથે મળીને સફાઈ-ઝુંબેશ ગોઠવો. આનાથી ટીમવર્ક અને સ્વચ્છતા પ્રત્યેની જવાબદારી વધશે.

૧૩થી ૧૬ વર્ષનાં ટીનેજર્સ માટે

આ ઉંમરે બાળકોમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને સામાજિક જવાબદારીની લાગણી પ્રબળ હોય છે.
ચાલવાની કે સાઇકલ ચલાવવાની ટેવ : નજીકની સ્કૂલમાં કે ટ્યુશનમાં જવા માટે સાઇકલ પર જવાનો અથવા ચાલવાનો આગ્રહ રાખો. આનાથી પ્રદૂષણ ઘટશે અને સ્વાસ્થ્ય સારું રહેશે.
ક્લાઇમેટ ચેન્જ અંગે ખુલ્લી ચર્ચા : પર્યાવરણ અને હવામાનમાં બદલાવ વિશે તેમની સાથે ચર્ચા કરો. તેમને ઇન્ટરનેટ પરથી સાચી અને ભરોસાપાત્ર માહિતી શોધતાં શીખવો.
બાળકો પાસેથી શીખવાની તૈયારી : ટીનેજર્સ આજનાં નવાં સંશોધનોથી વધુ માહિતગાર હોય છે. જો તમારું બાળક 
ઇકો-ફ્રેન્ડ્લી વિકલ્પો સૂચવે તો તેની વાત ખુલ્લા મનથી સાંભળો અને અમલમાં મૂકો.
પ્રેરણાસ્પદ ઉદાહરણો આપો : પર્યાવરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામ કરી રહેલા અન્ય યુવાનોના સમાચાર અને લેખો તેમની સાથે શૅર કરો. આનાથી તેમને સકારાત્મક ઊર્જા મળશે અને ચિંતાને બદલે કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરશે.

અમારા ઘરે કચરાનો ડબ્બો જ નથી

ઇન્સ્ટાગ્રામ પર ૧,૭૩,૦૦૦થી વધુ ફૉલોઅર્સ ધરાવતા અને બીજા પેરન્ટ્સને સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ તેમ જ સસ્ટેનેબલ પેરન્ટિંગ વિશે માર્ગદર્શન આપતાં મિતાલી ઝકાતદાર કહે છે, ‘એક વાક્ય ખૂબ જાણીતું છે કે બાળકો આપણી શિખામણોથી નહીં, આપણી વર્તણૂકથી શીખે છે. અમારા ઘરમાં અમે શક્ય હોય ત્યાં સુધી સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ ફૉલો કરવાનો પ્રયત્ન કરીએ છીએ. હું મારી બન્ને દીકરીઓ રૈના અને નૈનાને પણ એ જ શીખવાડું છું, કારણ કે આપણને જોઈને જ આપણાં સંતાનો બધી વસ્તુઓ શીખતાં હોય છે. અમારા ઘરે કચરાનો ડબ્બો જ નથી. કિચનમાંથી જે ભીનો કચરો જનરેટ થાય છે એનું અમે ઘરે જ ઑર્ગેનિક ખાતર બનાવીએ છીએ. નૂડલ્સ કે મૅગીનાં પૅકેટ્સ અથવા બહારથી ફૂડ ઑર્ડર કરતી વખતે પ્લાસ્ટિકનાં જે કન્ટેનર્સ આવે છે એ બધાને અમે બરાબર ધોઈને અને સૂકવીને જમા કરીએ છીએ. એ પછી એક-બે ગૂણી જેટલો પ્લાસ્ટિક વેસ્ટ જમા થઈ જાય એટલે એને અમે રીસાઇક્લિંગ માટે આપી દઈએ છીએ. ઘરે જે ખાતર તૈયાર થાય એને અમે ગાર્ડનિંગમાં વાપરીએ છીએ. ગાર્ડનિંગના કામમાં હું મારી બન્ને દીકરીઓને પણ ઇન્વૉલ્વ કરું છું. અમે બહાર જઈએ ત્યારે સાથે એક કપડાની થેલી, ઘરની પાણીની બૉટલ અને એક રૂમાલ અચૂક રાખીએ છીએ. ઘણા લોકોને લાગે છે કે ટિશ્યુપેપર યુઝ કરી લીધું તો શું થઈ ગયું, એ તો બાયોડિગ્રેડેબલ છે; પણ તમે એને જેટલા વાપરો છો સામે એટલાં ઝાડ કપાય છે. આ સિવાય સૅનિટરી પૅડ્સ પણ અમે ક્લોથનાં વાપરીએ છીએ, કારણ કે નૉર્મલ સૅનિટરી પૅડ્સમાં જે પ્લાસ્ટિક અને કેમિકલ્સ હોય છે એ પર્યાવરણ માટે જ નહીં, આપણી હેલ્થ માટે પણ એટલાં જ હાનિકારક છે. ટૂંકમાં, બાળકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરતાં પહેલાં એક પેરન્ટ તરીકે આપણે પોતે એવી લાઇફસ્ટાઇલ અપનાવવી પડશે. એવું કરીશું તો જ એ તમારા બાળક માટે સહજ જીવનશૈલી બની શકશે અને તેમણે એના માટે કોઈ એક્સ્ટ્રા એફર્ટ્‍સ નહીં કરવા પડે. પર્યાવરણની જાળવણી એ કોઈ એક દિવસનું કામ નથી, રોજિંદા જીવનની નાની-નાની ટેવોનું પરિણામ છે.’

પર્યાવરણની જાળવણી એક દિવસનું નહીં, રોજબરોજનું કામ છે

ઐરોલીમાં રહેતાં દામિની ત્રિપાઠી જોશી તેમની બે મહિનાની નાની દીકરી ત્રિનયાનો ઉછેર અત્યારથી જ પર્યાવરણને અનુકૂળ રહે એ રીતે કરી રહ્યાં છે. પોતાના આ અનુભવ વિશે વાત કરતાં દામિની કહે છે, ‘મારી પ્રેગ્નન્સી શરૂ થઈ ત્યારથી જ મેં ઇકો-ફ્રેન્ડ્લી પેરન્ટિંગ પર ઘણું રિસર્ચ કર્યું હતું અને પહેલેથી જ પૂરતી તૈયારીઓ કરી રાખી હતી. મારી ડિલિવરી સી-સેક્શનથી થઈ હતી. શરૂઆતમાં હું હૉસ્પિટલમાં હતી ત્યારે તો કોઈ ઇકો-ફ્રેન્ડ્લી વસ્તુઓ વાપરવી શક્ય નહોતી; કારણ કે સર્જરી પછી રિકવર થતી વખતે આપણી અનુકૂળતા પણ જોવી પડે. જ્યારે અમે હૉસ્પિટલથી ઘરે આવ્યા ત્યારે જોયું કે ડિસ્પોઝેબલ ડાયપરને લીધે બેબીને રૅશિસ થઈ ગયા હતા. પરંપરાગત કાપડની લંગોટની વાત કરીએ તો એનું કાપડ બહુ પાતળું હોય અને તરત જ ભીનું થઈ જાય. એટલે પછી અમે ક્લોથ ડાયપર વાપરવાનું શરૂ કર્યું. આ ડાયપર દેખાવમાં નૉર્મલ ડાયપર જેવાં જ હોય છે, પણ કાપડનાં બનેલાં હોવાથી શિશુની કોમળ ત્વચા માટે એકદમ સેફ હોય છે. ઉપરાંત બાળકો બહુ ઝડપથી મોટાં થઈ જાય છે એટલે તેમનાં કપડાં ટૂંકાં પડી જાય છે. આજકાલ માર્કેટમાં પ્યૉર કૉટનનાં કપડાં પણ ઓછાં મળે છે જે ફેંકી દીધા પછી જમીનમાં ઓગળી કે ભળી જાય. આ કપડાં છેવટે કચરાના મોટા ઢગલામાં જ જાય છે. આ માટે મેં મારા એવા કઝિન્સનો સંપર્ક કર્યો જેમને છેલ્લાં બેથી ૪ વર્ષમાં બાળકો થયાં હોય. મેં તેમને કહ્યું કે તેમનાં બાળકોનાં વપરાયેલાં કપડાં મને આપી દે. એ કપડાં બહુ ઓછી વાર વપરાયેલાં અને સારી સ્થિતિમાં જ હતાં. આ સિવાય દીકરીની છઠ્ઠીના ઇન્વિટેશન કાર્ડમાં પણ અમે સ્પષ્ટ લખ્યું હતું કે બેબી માટે કોઈએ રમકડાં લાવવા નહીં, કારણ કે અમારે પ્લાસ્ટિકનો વપરાશ ટાળવો હતો. આજકાલ માર્કેટમાં પ્લાસ્ટિક સિવાય બીજાં રમકડાં મળતાં પણ નથી. આથી મારા હસબન્ડે ઑનલાઇન લાકડાનાં જ રમકડાં મગાવ્યાં. મારી બાળકી પ્રૉપર લેચ નહોતી કરી શકતી એટલે એ સમસ્યાને લીધે મારે મિલ્ક પમ્પ કરવું પડતું હતું. એક-બે વાર પમ્પિંગ બૉટલ ગરમ કરતી વખતે એનો શેપ બગડી ગયો. માઇક્રોપ્લાસ્ટિક્સ સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે એના પર ઘણા રિસર્ચ-પેપર્સ ઉપલબ્ધ છે. આથી અમે પ્લાસ્ટિકને બદલે ગ્લાસ કે સ્ટેનલેસ સ્ટીલની બૉટલ વાપરવાનું વિચાર્યું. કાચની બૉટલ તૂટી જવાનો ભય રહે છે એટલે અમે સ્ટેનલેસ સ્ટીલની બૉટલ વાપરવાનું શરૂ કર્યું.’

lifestyle news life and style parenting tips relationships sex and relationships