29 April, 2025 07:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
તમે જોયું હશે કે માણસ જ્યારે ગુસ્સે થઈ જાય છે ત્યારે કે બે જણ ઝઘડતા હોય છે ત્યારે મોટે-મોટેથી બોલવા લાગે છે. તબીબી દૃષ્ટિએ અને માનસશાસ્ત્રીય દૃષ્ટિએ આની પાછળનું કારણ સમજવું રસપ્રદ થઈ પડશે. ડૉક્ટર કહે છે કે જ્યારે તમે ગુસ્સે થઈ જાઓ છો ત્યારે હૃદયના ધબકારા વધી જાય છે. તેથી વધુ લોહી ધમનીમાં વહેવા લાગે છે, એડ્રિનલિન ગ્રંથિનું પ્રમાણ વધી જાય છે. તેથી શરીરમાં જોમ-જુસ્સો આવે છે. આંખો મોટી થઈ જાય છે અને અવાજ પણ મોટો થઈ જાય છે. બે વ્યક્તિ સાવ બાજુ-બાજુમાં જ ઊભી હોય તો પણ મોટે-મોટેથી બૂમો પાડી ઝઘડે છે.
માનસશાસ્ત્રીની દૃષ્ટિએ જોઈએ તો જ્યારે તમારું મન અને મગજ સંવાદિતામાં હોય ત્યારે શાંતિ અનુભવાય છે. મન સામાન્યતઃ નૈતિકતા તરફ ઝૂકેલું હોય છે અને મગજ દુન્યવી ગણતરી કરતું હોય છે. તેથી ક્યારેક વિસંવાદિતા ઊભી થાય છે અને અશાંતિ સર્જાય છે. મોટે-મોટેથી બોલીને હકીકતમાં તો આપણે આપણને જ સમજાવતા હોઈએ છીએ. તમે ક્યારેક તમને પોતાને જ કહ્યું હશે કે ‘જવા દેને, જે થશે એ જોયું જવાશે. મારું મન નથી માનતું.’ આનું કારણ આ સંવાદિતાની, શાંતિની ઝંખના. ધંધામાં મળતો મોટો ઑર્ડર કે ઊંચા પગારવાળી નોકરી મન ન માનતું હોવાથી જ છોડી દેવામાં આવે છે. મન-મગજની વિસંવાદિતાને કારણે જ માણસ ક્યારેક એકલો-એકલો બબડતો હોય છે.
અવગણના અને ઉપેક્ષાને મગજ સ્વીકારી નથી શકતું. મન કહેશે, ‘અહીં તારું માન નથી, નીકળી જા.’ પણ મગજ કહેશે, ‘મારી સાથે જ તેણે આવું કેમ કર્યું? જોઈ લઈશ.’ અને ગુસ્સામાં મોટે-મોટેથી બોલવા લાગે છે.
ટીનેજર સંતાન વાત ન માને ત્યારે, પત્નીની કોઈ વાત પતિ ન માને ત્યારે, માલિકનું કહ્યું નોકર ન કરે ત્યારે, ટ્રાફિકમાંથી રસ્તો ન નીકળે ત્યારે લોકો બૂમો પાડે છે. મન કારણો સમજે છે, વગર શબ્દે પણ મગજ પરિસ્થિતિનો સ્વીકાર કરવા તૈયાર થતું નથી.
આ જ વિભાવનાને થોડી વિસ્તારીએ તો જણાશે કે આતંકવાદનાં મૂળ પણ મન-મગજની વિસંવાદિતામાં જ છે. ફરક એટલો કે એ વિસંવાદિતા સામૂહિક ક્ષેત્રે અને જાતિગત, ધર્મગત વિશાળ ફલક પર છે. બન્ને તરફનો સમૂહ એમ જ કહે છે કે અમે માનીએ છીએ એ જ સાચું છે એટલું જ નહીં, પોતાની ઊભી કરેલી આ માન્યતાને સમર્થન આપતાં કારણો પણ અજ્ઞાતપણે પોતે જ ઊભાં કરી દે છે તેથી બન્ને તરફ મોટા ફલક પર બૂમોને બદલે હિંસા પ્રવર્તે છે.
બીજી તરફ, તમે જોયું/અનુભવ્યું હશે કે બે પ્રેમીઓ એકબીજા સાથે અત્યંત ધીમે-ધીમે બોલતા હોય છે છતાં બધું સમજી જતા હોય છે. ક્યારેક તો બોલતા પણ નથી, આંખોના ઇશારે જ વાર્તાલાપ થઈ જતો હોય છે. કારણ? તેમનાં બન્ને મન અને બન્ને મગજ વચ્ચે સંપૂર્ણ સંવાદિતા સ્થપાઈ ચૂકી હોય છે. ‘નજરથી નજર મિલાવો તો કરું સાબિત, કે દિલની વાત મેં શબ્દો વિના કરી કે નહીં.’