17 September, 2024 11:23 AM IST | Mumbai | Laxmi Vanita
પ્રતીકાત્મક તસવીર
વડીલોમાં સુસાઇડનો દર વધી રહ્યો છે અને ભવિષ્યમાં તેઓ કદાચ વધુ એકલા પણ થઈ જશે. સિનિયર સિટિઝનમાં મહિલાઓ કરતાં પુરુષોમાં સુસાઇડનો દર વધારે છે. પાછલી વયે જીવનમાં જીવંતતા બરકરાર રહે એ માટે વડીલોએ શું કરવું? ચાલો જાણીએ કેટલાક એવા લોકો પાસેથી જેમણે વડીલોને ચિયરઅપ કરી તેમને એન્ગેજ અને એન્ટરટેઇન્ડ રાખવા માટે કંઈક કર્યું છે. સાથે જ વડીલોને ખુશ રાખવા માટે સોશ્યલાઇઝેશન કેમ જરૂરી છે એનું મહત્ત્વ પણ જાણીએ
ગયા અઠવાડિયે મુંબઈમાં મલાઇકા અરોરાના પિતાનું અવસાન ચર્ચાનો વિષય રહ્યો હતો. મલાઇકાના ૬૨ વર્ષના પિતાએ નાની દીકરી અમૃતા અરોરાને ફોન કરીને કહ્યું કે ‘હું થાકી ગયો છું’. ત્યાર બાદ છઠ્ઠા માળેથી નીચે પડવાને કારણે તેમનું મૃત્યુ થયું છે એટલે અટકળો લગાવવામાં આવી રહી છે કે તેમણે આત્મહત્યા કરી છે. નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યુરોના ૨૦૨૧ના પ્રકાશિત અહેવાલ મુજબ ૬૦ વર્ષની ઉપરના પુરુષોમાં ૫૪ ટકા અને મહિલાઓમાં ૩૩ ટકા સુસાઇડ-રેટ વધ્યા છે. આ આંકડાઓ અને એનાં કારણો NCRBની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આ માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરમાં આ આંકડાઓનો વધતો દર જે-તે દેશો માટે ચિંતાજનક છે ત્યારે આપણે ખાસ વાત કરીએ કે વડીલો પાસે જ્યારે હવે નવરાશનો સમય છે, તેમનાં પોતાનાં સપનાં જેઓ પૂરાં નહોતાં કરી શક્યા તેઓ પૂરાં કરવાનો સમય છે ત્યારે હતાશ કેમ થઈ રહ્યા છે. આપણે એક સમાજ તરીકે કેવી રીતે તેમના અનુભવનો ઉપયોગ કરીને તેમના મહત્ત્વને સમજાવી શકીએ.
જીવનમાં હેતુની ખોટ
વિજ્ઞાન અને ટેક્નૉલૉજીની મદદથી વાસ્તવિક સમસ્યાઓનું સમાધાન કરીને માનવજીવનને સરળ બનાવવામાં માનતા સિનિયર સિટિઝનો માટે ખાસ ડિઝાઇન કરાયેલી ૧૦ લાખ યુઝર ધરાવતી ઍપ Khyaalના ચીફ એક્ઝિક્યુટિવ હિમાંશુ જૈન કહે છે, ‘૨૦૦૮માં મારાં મમ્મીને મેં કૅન્સરને કારણે ગુમાવ્યાં. એ સમયે હું મારી કરીઅર બનાવવામાં વ્યસ્ત હતો. મારા પપ્પા અહીં એકલા હતા. આપણા વડીલો ક્યારેય તેમનાં સંતાનોની કારકિર્દી અને પ્રગતિ વચ્ચે બાધક નથી બનવા માગતા. કાં તો તેઓ તેમની પાસેથી મદદ માગતાં ખચકાય છે કે કદાચ બાળકો તેમને જજ કરશે. જે વ્યક્તિ દરરોજ કામ પર જતી હોય તેની પાસે હેતુ કે એક સિસ્ટમ હોય છે. કર્મચારીઓ સાથે કામ કરવામાં કે વાત કરીને દિવસ પસાર થતો હોય છે. નિવૃત્તિ પછી આ સિસ્ટમ બંધ થઈ જાય છે અને તેઓ પોતાના જીવનનો હેતુ ગુમાવી બેસે છે. સાયન્ટિફિક રીતે વાત કરું તો અભ્યાસ એવું કહે છે કે મહિલાઓ પુરુષો કરતાં વધારે જીવે છે અને એનું મૂળ કારણ સોશ્યલાઇઝેશન છે. જ્યારે વ્યક્તિ લોકોની સાથે વાત કરતી હોય ત્યારે તે એક ગ્રુપનો ભાગ હોય છે, પણ જ્યારે એ ગ્રુપ નથી રહેતું ત્યારે તેમનું જીવન હતાશ થઈ જાય છે. એકલા રહીને તેમને જીવનમાં પૂરા નહીં થયેલાં સપનાંઓનો વસવસો થાય છે. જેમ કે તેમને દુનિયા ફરવી હતી કે કંઈક નવું શીખવું હતું વગેરે જેવી વાતો યાદ આવે છે. એ સિવાય આજના સમયમાં વડીલોનાં દરેક બાળકો બીજા શહેરમાં કામ અર્થે સ્થાયી થઈ ગયાં હોય તો તેમને તેમનાં પૌત્ર-પૌત્રીઓ કે દોહિત્ર-દોહિત્રીઓ જોવા નથી મળતાં. તેમને ટેક્નૉલૉજી દ્વારા થતા નાના કામ માટે બીજા પર આધાર રાખવો પડે છે અને વારંવાર કોઈકની મદદ લેવામાં સંકોચ પણ થાય છે. અન્ય કારણોમાં બીમારી પણ સામેલ છે. આ બધી પરિસ્થિતિમાં તેઓ પોતાને નિઃસહાય માને છે અને વધુ ને વધુ એકલતા તરફ ધકેલાતા જાય છે.’
વિધિ અગ્રવાલે મમ્મી-દાદીની પ્રેરણાથી વડીલો માટે ડાન્સ-પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે.
ટેક્નૉલૉજી કમ્પેનિયન બની શકે
પોતાના પરિવાર અને ખાસ તેમના પિતાના જીવનમાંથી પ્રેરણા લઈને ઍપ શરૂ કરનાર હિમાંશુ કહે છે, ‘હું અમેરિકા હતો ત્યારે મારા પપ્પા મને રાતે ફોન કરીને બધા બિલનું પેમેન્ટ ઑનલાઇન કરવાનું કહેતા. બધા જ વડીલો સાઇબર-ફ્રૉડથી ડરે છે, કાં તો તેમને કડવા અનુભવ થયા છે. આપણા વડીલો હંમેશાં આપણા ખ્યાલમાં રહેતા હોય છે એટલે જ સિનિયર સિટિઝનની મદદ માટે Khyaal ઍપનો વિચાર અમલમાં મૂક્યો. આજે દરેક વડીલ પાસે ઍન્ડ્રૉઇડ કે સ્માર્ટફોન છે અને એ બહુ જ પાવરફુલ સાધન સાબિત થઈ શકે એમ છે. પહેલાં મેં વિચાર્યું કે એક એવું ડિવાઇસ જે માત્ર વડીલો સહેલાઈથી વાપરી શકે એવું ડિઝાઇન કરું, પરંતુ પછી વિચાર આ દિશામાં ફેરવ્યો કે વડીલોને ટેક્નૉલૉજીથી જ માહિતગાર કરું. જે વડીલોએ આપણને ફિયરલેસ બનાવ્યા તેમને ફિયરલેસ બનાવવાનો હવે આપણો વારો છે. તેઓ ઑનલાઇન ટ્રાન્ઝૅક્શન કરતાં ડરતા ન હોવા જોઈએ, નિવૃત્તિ પછી અમુક ક્ષેત્રમાં વડીલો માટે જૅબ વેકેન્સી હોય છે. દુનિયાના ખૂણેખૂણામાં ફરવા માટે તેમની પાસે પ્લાનર હોવા જોઈએ, તેમને ઑલ્ઝાઇમર્સથી દૂર રાખવા ગાણિતિક રમતો રમાડનાર કોઈક હોવું જોઈએ, તેમની માનસિક અને શારીરિક હેલ્થ માટે યોગ કરાવતા ટ્રેઇનર હોવા જોઈએ અને તો આ દરેક પાસાંઓને આવરીને આ ઍપનું નિર્માણ થયું જેને હું ફ્રીમિયમ કહું છું, કારણ કે પહેલાં તમે ફ્રીમાં ઉપયોગ કરી જુઓ અને તમને ફાવી જાય તો પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન લો. વડીલોને ધ્યાનમાં રાખીને સોમવારથી શુક્રવાર એમાં લાઇવ ક્લાસિસ હોય છે જેમ કે સવારે યોગ, બપોરનું સેશન ખાસ ડિજિટલ ફ્રૉડથી બચવા માટે શું કરવું એના પર હોય છે અને સાંજે ગેમ્સ કે ઍક્ટિવિટી કે હળવું મનોરંજન હોય છે. ઇન્ટર-જનરેશનલ કનેક્શન પણ વડીલોને મદદરૂપ થઈ શકે એટલે કે બાળકો સાથે મળીને તેઓ કોઈ પણ નવી વસ્તુ શીખી શકે. મારી ૯ વર્ષની દીકરી અને મારા પપ્પા એ બન્ને પાસે બહુ સમય છે અને એ બન્ને એકબીજા પાસેથી શીખે છે.’
વડીલો માટે ખાસ ડાન્સ કોર્સ
લોઅર પરેલ અને અંધેરીમાં સિનિયર સિટિઝનો માટે ખાસ ડાન્સ કોર્સ ઑફર કરતી ‘કર્ટેઇન અપ ડાન્સ ઍકૅડેમી’નાં ફાઉન્ડર વિધિ અગ્રવાલ કહે છે, ‘૨૦૧૭માં મેં ડાન્સ ઍકૅડેમી શરૂ કરી હતી જેમાં બાળકો અને યંગસ્ટર્સ માટે કોર્સ હતા. સિનિયર સિટિઝનના ડાન્સ-પ્રોગ્રામ માટે મારી દાદી અને મમ્મી પ્રેરણા બન્યાં છે. ૨૦૧૯માં અમારા એક સમાજના ફંક્શનમાં દાદી અને મમ્મીને સ્ટેજ પર્ફોર્મ કરવું હતું તો તેમણે મને મદદ કરવા કહ્યું. મેં તેમને માટે ખાસ સ્ક્રિપ્ટ લખીને ડાન્સ તૈયાર કર્યો અને તેઓ દરરોજ રિહર્સલ કરવા જતાં. ત્યારે દરેક વડીલ મહિલાઓએ મને તેમને માટે ડાન્સ ડિઝાઇન કરવા પર ભાર આપ્યો. દરેક વડીલને ધાર્મિક પ્રવૃત્તિમાં રસ ન પણ હોય તો તેમની પાસે વિકલ્પ હોવો જોઈએ. જ્યારે આ કોર્સ ડિઝાઇન કરીને તેમને પૂછ્યું કે તમારે અઠવાડિયામાં બે દિવસ ડાન્સ માટે આપવા પડશે ત્યારે તેમનો જવાબ હતો કે ‘અમે તો નવરાં જ છીએ’ કે ‘ઘરે કોઈ કામનાં નથી’ એવા શબ્દો વાપર્યા. તેમની એકલતા તમારે પૂછવી ન પડે, તમને દેખાઈ આવે. હું તો મારી મમ્મીનું જ ઉદાહરણ લઈશ કે ઘરમાં બધા જ પોતાના કામમાં વ્યસ્ત અને તે એકલી પડી જતી. અમુક સચ્ચાઈ તો એવી છે જેના પર વાત જ ન કરી શકાય. વડીલોએ તેમનું ડાન્સનું પૅશન તેમનાં સંતાનો કે હસબન્ડથી છુપાઈને કરવું પડે છે. દરેક પરિવાર વડીલોની પ્રવૃત્તિને પ્રોત્સાહન નથી આપતા. આ ડાન્સ-પ્રોગ્રામમાં જે વડીલો આવ્યા હતા તેમની સ્ટોરી સાંભળીને મને બહુ નવાઈ લાગતી અને સંતોષ પણ થતો. ડાન્સ બાદ તેમના ઘરના લોકો મને ફોન કરીને તેમનામાં આવેલા પૉઝિટિવ બદલાવ વિશે ફીડબૅક શૅર કરતા હતા. વડીલોને કૅમેરાથી થોડો ખચકાટ થાય છે એટલે તેમના વિડિયો કે ફોટો હું શૅર નથી કરતી, પરંતુ અમુક વિડિયો તેમની પરવાનગીથી મેં અપલોડ કર્યા છે. ગયા અઠવાડિયે જ મને એક વડીલનો ફોન આવ્યો કે તેઓ ડાન્સ શીખવી શકે છે. ત્યારે મેં એ દિશામાં વિચારવાનું શરૂ કર્યું કે વડીલો પણ મારા ટીમ-મેમ્બર બની શકે છે. તો હવે હું એ વિકલ્પ પણ આપવા માગું છું. બધા લોકો વડીલો સાથે શાંતિથી ડીલ નથી કરી શકતા. નો ડાઉટ, વડીલો ક્યારેક અઘરા હોય છે, પરંતુ જ્યારે તમે બાળકોની ધમાલ-મસ્તી ચિડાઈને પણ સ્વીકારી લો છો તો સિનિયર સિટિઝનની કેમ નહીં. મારી સાથે ક્લાસમાં હંમેશાં કોઈ મેડિકલ નૉલેજ ધરાવતી વ્યક્તિ હોય છે, કારણ કે વડીલો સાથે કંઈ પણ થાય તો સિચુએશન મૅનેજ થઈ જવી જોઈએ.’
મુંબઈમાં લગભગ દરેક હૉસ્પિટલ, સંસ્થાઓ અને લોકલ ગ્રુપ સિનિયર સિટિઝન માટે નિયમિત ઇવેન્ટ્સનું આયોજન કરતાં હોય છે. મોટા ભાગના વડીલો કોઈ ને કોઈ ભજન-મંડળ સાથે જોડાયેલા હોય છે. દરેક વિસ્તારમાં એક સિનિયર સિટિઝન ગ્રુપ તો મળી જ રહેશે જેઓ દરરોજ કે અઠવાડિયામાં એક વખત કોઈક ઇવેન્ટનું આયોજન કરતા હોય છે. એ સિવાય ઇન્ટરનેટ પર આજે તેમનું માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે કમ્યુનિટીઓ કામ કરી રહી છે. બસ, તમારે તમારા ઘરના વડીલોને આ ગ્રુપમાં જોડવાના છે.
વડીલોની વધતી વસ્તી
કન્ઝ્યુમર નૉલેજ ફર્મ, ઑર્મેક્સ કમ્પાસ દ્વારા પ્રકાશિત અહેવાલ મુજબ મહારાષ્ટ્રની વસ્તી અંદાજે ૧૨૫ મિલ્યન એટલે કે અંદાજે ૧૨.૫ કરોડ છે જેમાંથી ૧૧.૭ટકા એલ્ડરલી પૉપ્યુલેશન એટલે કે સિનિયર સિયિઝનો છે જે રાષ્ટ્રીય દર ૧૦ ટકા કરતાં વધારે છે. મહારાષ્ટ્રમાં એ દર ૧૫ ટકા સુધી પહોંચી જશે. જેમાં મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં ૨૦૩૧ સુધીમાં સિનિયર સિટિઝનોની વસ્તી ૨૪ લાખ જેટલી હશે. એમાં ચિંતાની વાત એ છે કે તેઓએ જ પોતાનું ધ્યાન રાખવાનું હશે અને કદાચ એકલા હશે. માનસિક, શારીરિક અને આર્થિક રીતે પોતાનું ધ્યાન રાખવા માટે તેમણે તૈયાર થવું પડશે.