17 August, 2026 09:56 PM IST | Mumbai | Jigisha Jain
મને કોઈની મદદની જરૂર નથી ખરેખર આ મજબૂતી છે કે અંદર છુપાયેલું એકાંત?
એક વયસ્ક તરીકે શું તમને કોઈ પાસે હેલ્પ માગવી બિલકુલ ગમતી નથી? કોઈ તમારી કાળજી કરે એ તમને ગમતું નથી? જો મદદ માગવી પડે તો તમને એ મદદ ખૂબ અસ્વસ્થ કરી દે છે. મોટા ભાગે આવા વયસ્ક બહારથી મજબૂત દેખાતા હોય છે અને ખૂબ ગર્વથી કહેતા હોય છે કે મને કોઈની મદદની જરૂર નથી, પણ અંદરથી તેઓ થાકેલા હોય છે અને એ ભાવના પ્રબળ હોય છે કે કોઈને મારી પડી નથી. આવી લાગણી અનુભવવા પાછળ કયાં કારણો જવાબદાર છે અને એનો ઉપાય શું એ સમજીએ
આપણને કોઈનુંયે પાંચ્યું પણ ન ખપે... આપણે બધું જાતમહેનતે જ કર્યું છે અને એમ જ આગળ વધીશું.
કોઈ પાસે હાથ ફેલાવવા જેવો છે નહીં, કારણ કે અહીં મારા માટે કોઈ કશું કરવાનું નથી. બધું જાતે જ કરવાનું છે ત્યારે બીજા સામે હાથ શું ફેલાવીને કરું?
મારા જેવી રસોઈ આમ પણ કોઈ બનાવી શકવાનું છે નહીં તો કુક રાખીને શું કરું? પગ ખૂબ દુખે છે રસોડામાં સતત કલાકો ઊભા રહીને; પણ વાંધો નથી, હું પહોંચી વળીશ.
કોઈને મારી ક્યાં પડી છે? બસ હું એકલા-એકલા કર્યે રાખું. આટલાં વર્ષોથી એકલાએ જ કર્યું છે અને એકલાએ જ કરવાનું છે.
તને કેટલી વાર ના પાડી છે કે મારા માટે તારે કપડાં લાવવાની જરૂર નથી. મારે જે જોઈતું હશે એ હું જાતે લઈ આવીશ. તું ખોટા પૈસા બગાડે છે.
આ બધા લેણદેણના જ સંબંધો છે. આજે કોઈ મારા માટે આ લાવ્યું તો કાલે સામે અપેક્ષા કરશે કે હું લાવું. બધે બસ સ્વાર્થ છે. આજ પહેલાં તેણે મને કંઈ આપ્યું નથી તો કારણ વગર આજે ગિફ્ટ આપવાની શું જરૂર છે?
આપણા સમાજમાં એવા ઘણા લોકો છે જેમને બીજી વ્યક્તિ પાસે મદદ માગવી બિલકુલ ગમતી નથી. સ્વાભિમાનથી છલકાતા આ લોકોને જોઈને ઘણી વાર ગર્વ થઈ આવે; પણ કોઈ એવું વિચારી ન શકે કે આ વ્યક્તિ પણ પીડામાં છે, તકલીફમાં છે. આપણી કાળજી કોઈ લે એ કોને ન ગમે? પણ ધ્યાનથી આજુબાજુ નજર દોડાવશો તો સમજાશે કે એવા ઘણા લોકો છે જેમની કોઈ કાળજી કરે તો તેઓ ખુશ થવાને બદલે અસ્વસ્થ થઈ જાય. ક્યારેક જ્યારે તેમણે કોઈની મદદ લેવી જ પડે ત્યારે તેઓ અંદરથી અકળાય છે, અણગમો જતાવે છે કારણ કે તેમને અંદરથી ‘આ ઉપકાર હું કેમ લઉં છું’ એવી લાગણી થઈ આવે છે. આવું કેમ છે એ સમજવાની કોશિશ કરીએ.
ઘણા લોકો બહારથી ખૂબ સ્વતંત્ર અને મજબૂત દેખાય છે. તેઓ ગર્વથી કહે છે કે મારું કામ હું જાતે કરી લઈશ, મારે કોઈ પર આધાર રાખવો નથી, બીજાની મદદ લઈને શું કરવાનું? આ જે આપણને દેખાય છે એ એક મજબૂત પિક્ચર છે, પણ એની પાછળ ઘણું બધું છૂપું હોય છે એમ સમજાવતાં સાઇકોલૉજિસ્ટ નેહા મોદી કહે છે, ‘આ કથન પાછળની માનસિકતા એ હોય છે કે મારે મારી સંભાળ જાતે જ રાખવી પડશે, કારણ કે કોઈ મારા માટે ખરેખર હાજર નહીં રહે. આ વ્યક્તિના જીવનનું સૌથી મોટું દુખ જ એ છે કે તે એકલી છે. લોકોની વચ્ચે તે રહેતી હોય છે, પણ અંદરથી સંપૂર્ણ રીતે એકલી હોય છે. એટલું જ નહીં, આ વ્યક્તિ ખૂબ થાકેલી હોય છે. મનોવિજ્ઞાનમાં એક શબ્દ છે ‘બર્ન-આઉટ’. આવી વ્યક્તિ આ અવસ્થાએ ખૂબ સરળતાથી પહોંચી જાય છે. બર્ન-આઉટને સરળ ભાષામાં સમજીએ તો એનો અર્થ થાય ભરપૂર થાક. એટલા બધા થાકી ગયા હોવા છતાં તેઓ બીજાની મદદ લેવાનું ટાળે છે.’
આવી વ્યક્તિઓ અને તેમની આ પરિસ્થિતિ પાછળ પણ બાળપણના અમુક બનાવો જવાબદાર હોય એવું જોવા મળે છે એ સમજાવતાં નેહા મોદી કહે છે, ‘જ્યારે બાળક રડતું હોય કે ઇમોશનલ હોય ત્યારે તેને કહેવામાં આવે કે તું રડવાનું બંધ કરે, તું મોટો થઈ ગયો છે, આટલી નાની બાબતમાં શું દુખી થવાનું, પોતાની સમસ્યા જાતે ઉકેલ વગેરે ત્યારે બાળકની ભાવનાત્મક જરૂરિયાતો પૂરી થતી નથી. આવું વારંવાર બને ત્યારે બાળક સમજે છે કે મારી જરૂરિયાતો મહત્ત્વની નથી, બીજાને મારે મારી જરૂરિયાતો વિશે કંઈ કહેવું નથી, કોઈ મને નહીં સંભાળે, મારે જ સંભાળવું પડશે. મોટા થઈને આ વિચારો એક એક્સ્ટ્રીમ ઇન્ડિપેન્ડન્સમાં બદલાઈ જાય છે.’
કોઈ કહી શકે કે આ બાબતે ખોટું શું છે? એ તો સારી બાબત છે કે વ્યક્તિ કોઈના પર નિર્ભર નથી, બધું જાતે કરી શકે છે; પરંતુ વ્યક્તિ સ્વતંત્ર છે કે એકલી છે એ બન્ને વચ્ચે એક પાતળી ભેદરેખા છે એ સમજવી જરૂરી છે. જે વ્યક્તિ સાચી રીતે સ્વતંત્ર છે તે માને છે કે હું મારી જવાબદારી ઉઠાવી શકવા સક્ષમ છું, પણ જરૂર પડ્યે મદદ માગી શકું છું. કોઈની મદદ લેવી કે મદદ માગવી એ ખરાબ વસ્તુ નથી. આ બાબત ખોટી ત્યારે ઠરે છે જ્યારે તમે માની લો છો કે મારે મદદ લેવી જ નથી, ભલે હું અંદરથી તૂટી જાઉં. આવું કેમ થાય છે એ સમજાવતાં નેહા મોદી કહે છે, ‘માણસ હંમેશાં પોતાના અનુભવો પરથી જ શીખે છે. ભૂતકાળમાં વ્યક્તિએ મદદ માગી હોય અને તેને બદલામાં ટીકા, અપમાન, અસ્વીકાર, ઉપેક્ષા મળ્યાં હોય ત્યારે મગજ નક્કી કરે છે કે મદદ માગવી એ સારો અનુભવ નથી. ફરી મદદ માગવાના વિચારમાત્રથી એ સમયે થયેલી નિરાશાની લાગણી વ્યક્તિને ઘેરી વળે છે. મેં મદદ માગી અને મારી નબળાઈનો સામેવાળી વ્યક્તિએ ફાયદો ઉઠાવ્યો તો? મને આ ઉપકાર વારંવાર યાદ અપાવવામાં આવશે ત્યારે, જો હું આ મદદ લઈશ તો ખબર નહીં મારે એની ચુકવણી કેટલી અને કેવી રીતે કરવી પડશે. આ ડર અને અસુરક્ષિત ભાવનાને કારણે વ્યક્તિ મદદ નથી માગતી.’
વ્યક્તિ જ્યારે કહે છે કે મારે કોઈની જરૂર નથી એનો અર્થ ઊંડેથી એવો પણ થતો હોય છે કે મારી કોઈને પડી નથી. આ બન્ને વિધાનો એકબીજાથી વિપરીત દેખાય છે, પણ છે નહીં એમ સમજાવતાં નેહા મોદી કહે છે, ‘વ્યક્તિ જ્યારે વારંવાર પોતાની લાગણીકીય જરૂરિયાતોને દબાવે છે ત્યારે થાય છે એવું કે લોકોને પણ તેની જરૂરિયાત ખબર નથી હોતી. એટલે લોકો તમને પ્રેમ કરતા હોવા છતાં તમને મદદ કરી શકતા નથી. જેમ કે ગૃહિણી કે મા મોટા ભાગે બધું એકલી કર્યા કરતી હોય છે. ઘરના લોકો તેને પ્રેમ નથી કરતા એવું નથી હોતું, પણ જ્યાં સુધી તે બરાડે નહીં કે ઘરનાં કામ તેણે એકલાએ જ કરવાનાં? ત્યાં સુધી કોઈ તેની મદદે નથી આવતું, કારણ કે બધાને લાગે છે કે મમ્મી તો વર્ષોથી કરે છે અને કરી લેશે એટલે તેઓ મમ્મીની મદદે આવતા નથી; પરંતુ બીજી તરફ મમ્મીને લાગે છે કે કોઈને જ મારી પડી નથી. આમ સમજવા જઈએ તો થાય છે શું? આપણી જરૂરિયાત આપણે કોઈ પણ કારણસર વ્યક્ત કરતા નથી જેને કારણે મદદ મળતી નથી એટલે વ્યક્તિ એકલી પડી જાય છે. એ ભાવ સ્ટ્રૉન્ગ બને છે મનમાં કે કોઈને મારી પડી નથી. એટલે વ્યક્તિ વધુ કઠોર બને છે અને કોઈના પર નિર્ભર રહેવું નથી; બસ, હું ખુદ જ કામ કરીશ એવું વધુ દૃઢ કરે છે. આમ તે મદદ માગવાનું ફરીથી ટાળે છે. આમ આવી વ્યક્તિના જીવનમાં તેને લાગે છે કે બધા લોકો મને સરખા જ મળે છે. હકીકત એ છે કે તેનો બધા લોકો સાથેનો વહેવાર સરખો છે એટલે રિઝલ્ટ સરખું મળે છે.’
સાઇકોલૉજિસ્ટ નેહા મોદી પાસેથી સમજીએ આ પરિસ્થિતિનો ઉપાય.
ખુદ પર નિર્ભર રહેવું અને બીજાની મદદની જરૂર ન પડવી એ ગુણ છે, પણ જરૂર પડ્યે તમે મદદ ન માગી શકો અથવા તો મદદ માગવી જ નથી એવો દુરાગ્રહ છોડો. એટલે ખુદ સાથે એક સંવાદ સાધો. હું મારી જાતને સંપૂર્ણ રીતે સંભાળી શકું છું, મારી જવાબદારીઓ પૂરી નિષ્ઠાથી પૂરી કરું છું; પણ હું એકલી કે એકલો જ બધું સંભાળું એ જરૂરી નથી. જેમ હું દરેક વ્યક્તિની જવાબદારી ઉપાડી શકું છું, દરેકને મદદ કરી શકું છું એમ હું મદદ સ્વીકારી પણ શકું છું. આ સંવાદ તમને સાચી દિશા તરફ લઈ જશે.
પહેલાં તો એ સમજવું કે ‘મારે મદદ માગવી કેમ નથી?’ તમને આવતા ગુસ્સા અને અકળામણ પર અટકી ન જાઓ. જાતને પૂછો કે જો હું એ મદદ સ્વીકારીશ તો શું થશે? શું મને નબળા દેખાવાનો ડર છે? શું મને નિયંત્રણ ગુમાવી દેવાનો ડર છે? શું મને લાગે છે કે આ વ્યક્તિ મારી પાસેથી કોઈ અપેક્ષા રાખી રહી છે? કે પછી કોઈ જૂના અનુભવની અસરના રૂપે મને મદદ નથી જોઈતી? આ પ્રશ્નોના જવાબમાં ઘણું બધું છુપાયેલું છે. એને સમજવાની કોશિશ કરો.
મદદને ઉપકારથી અલગ રીતે જોતાં શીખો. સંબંધો મહામૂલા એટલે હોય છે કારણ કે એ માનવીય જરૂરિયાતોનો મોટો ભાગ છે. આજે તમે મને સહારો આપો તો કાલે હું તમને આપું એ માનવીય ગુણધર્મ છે. મદદ સ્વીકારવી એટલે ઋણી બની જવું એવું નથી હોતું. કોઈ મિત્ર તમને હૉસ્પિટલમાં લઈ જાય, જીવનસાથી તમારું કામ વહન કરે અથવા કોઈ તમને ભાવનાત્મક રીતે ટેકો આપે તો એ હંમેશાં નિર્ભરતા નથી, હેલ્ધી કનેક્શન પણ હોઈ શકે.
તમે ક્યારેય કોઈ પાસે કશું માગતા ન હો તો નાનકડી વસ્તુઓથી શરૂ કરો. જેમ કે તમને જેના પર પ્રેમ હોય કે વિશ્વાસ હોય તેને પૂછો કે આ કામમાં થોડી હેલ્પ કરીશ? આજે મારું મન થોડું ભારે છે, તું બેસીશ મારી પાસે? મને આ નિર્ણયમાં તારો અભિગમ જોઈએ છે, મને જણાવીશ? આવું કર્યા પછી તમને શું અનુભવ થાય છે એના પર ખાસ ધ્યાન આપો. આ રીતે ધીમે-ધીમે મગજને શીખવી શકાય કે મદદ માગવી હંમેશાં ખોટી નથી હોતી.
‘બધું હું જ કરું, હું જ કરું’નો આગ્રહ છોડો. જે વસ્તુ સરળ રીતે - સહજ રીતે થતી હોય એ ચોક્કસ કરો; પણ સમય નથી, તબિયત નથી, પૈસા નથી કે બીજી કોઈ કપરી પરિસ્થિતિમાં તમારું કામ અને જવાબદારી વહેંચી લેવામાં જ સમજદારી છે. હું બધાનું કરીશ પણ કોઈ મારું કરે એ ન ચાલે. એ હેલ્ધી વિચારધારા નથી. આવું કરીને તમે ખુદને હર્ટ કરતા બચાવી લેશો, પણ હેલ્ધી સંબંધો વિકસાવી નહીં શકો અને અંતે એકલા પડી જશો. ઘણા લોકો પોતે બીજા લોકો માટે જાત ઘસી નાખતા હોય છે, પણ બીજા લોકો કંઈ કરે તો અસ્વસ્થ થઈ જતા હોય છે એટલે કોઈ કંઈ આપે તો તરત બોલી ઊઠે છે કે ‘ના, ના... રહેવા દો. હું ગિફ્ટ લેતી નથી.’ એને બદલે કોઈ સાચા મનથી આપે ત્યારે કહી શકાય કે ‘થૅન્ક યુ, મને ખૂબ ગમ્યું.’ મદદ સ્વીકારવી પણ એક આવડત છે. સ્વસ્થ સંબંધો માત્ર ‘હું તારા માટે છું’થી નથી બનતા, ‘જ્યારે મને જરૂર હોય ત્યારે હું તારા સુધી પહોંચી શકું છું’ એ વિશ્વાસથી પણ બને છે એ ન ભૂલો.