19 November, 2025 07:37 AM IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર
ઑફિસ કે સોશ્યલ ગેટ-ટુગેધરમાં અજાણ્યા લોકો સાથે નમ્ર અને મિલનસાર રહેતા લોકો જ્યારે ઘરના દરવાજાની અંદર પ્રવેશે છે ત્યારે બધી જ ધીરજ અદૃશ્ય થઈ જાય છે. જે વ્યક્તિને સૌથી વધુ પ્રેમ કરીએ છીએ તે જ ગુસ્સાનો ભોગ બની જાય છે. તે પછી જીવનસાથી હોય કે બાળકો હોય, તે આપણાં ઇમોશન્સને ઠાલવવાનું ડમ્પિંગ ગ્રાઉન્ડ બની જાય છે. આ સ્વભાવ પાછળનું કારણ લાગણીઓનું વિષમ સંતુલન તો છે જ પણ સાથે આપણા મગજની કાર્યપદ્ધતિ, વર્ષો જૂની અનપ્રોસેસ પેઇન અને આપણી લાઇફસ્ટાઇલમાં આવતા સ્ટ્રેસનું કૉમ્પ્લીકેટેડ કૉમ્બિનેશન છે. આવું શા માટે થાય છે અને એને રોકવા અને રિલેશન પ્રભાવિત ન થાય એ માટે કેવાં પગલાં ભરવાં જોઈએ એ વિશે નિષ્ણાતોને પૂછીએ.
બ્રેઇન ફંક્શન્સ છે જવાબદાર
બહાર સભ્ય વ્યવહાર અને ઘરમાં ખાર કાઢવા પાછળ મગજનાં ફંક્શન્સ જવાબદાર હોય છે ત્યારે એનાથી થતી સાઇડ-ઇફેક્ટ્સ વિશે વાત કરતાં માટુંગામાં કાઉન્સેલિંગ સાઇકોલૉજિસ્ટની પ્રૅક્ટિસ કરતાં સાઇકોલૉજિસ્ટ આશના ગડા કહે છે, ‘લાગણીઓને નિયંત્રિત કરવામાં, લાંબા ગાળાનાં પરિણામો વિશે વિચારવામાં અને યોગ્ય નિર્ણય લેવામાં મગજની આગળનો ભાગ પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ એટલે કે PFC મહત્ત્વપૂર્ણ કામ કરે છે. તેને મગજનું મેસેન્જર કહેવાય. જ્યારે તમે કોઈ અજાણી વ્યક્તિ એટલે કે ઑફિસના લોકો કે સમાજનાં કોઈ ફંક્શનમાં જાઓ તો દૂરના લોકો સાથે હો તો PFC હાઈ અલર્ટ પર હોય છે. એ તમારા શબ્દો, ચહેરાના હાવભાવ અને રીઍક્શન્સને સતત ફિલ્ટર કરતું રહે છે જેથી તમે કોઈ અયોગ્ય વાત ન કરો અને તમારી છબી ખરાબ ન થાય. આને કારણે તમે શાંત અને નિયંત્રિત દેખાઓ છો, પણ તમે જ્યારે પાર્ટનરની સાથે હો ત્યારે તમારું મગજ એ વાત જાણે છે કે આ વ્યક્તિ તમને છોડીને જશે નહીં ત્યારે અંદર ધરબાયેલી બધી જ અનફિલ્ટર્ડ લાગણીઓ બહાર આવે છે અને તમે તેમની સામે બધાં જ ઇમોશન્સ ઠાલવો છો. બધી લાગણીઓ બહાર આવવા લાગે ત્યારે બે સમસ્યાઓ ઊભી થઈ શકે છે. પહેલી એ કે તમે લાગણીઓ પર કાબૂ ગુમાવો છો. જ્યારે ગુસ્સો, દુઃખ કે તનાવ ફીલ થાય ત્યારે કંઈ પણ વિચાર્યા વગર રીઍક્ટ કરો છો. બીજું એ કે ઇમોશનલ આઉટસોર્સિંગ થાય છે એટલે તમારી લાગણી તમારા લવ્ડ વન્સ પર ઠાલવો છો. ઉદાહરણ તરીકે ઑફિસમાં વર્ક લોડ વધારે હોય અથવા બૉસે બે કડવા શબ્દો કહ્યા હોય તો તમે ઘરે આવીને તમારા પાર્ટનર પર નાની વાતોમાં ગુસ્સો કરો છો.’
અનપ્રોસેસ્ડ પેઇન
આપણે જે ગુસ્સો વ્યક્ત કરીએ છીએ એ સેકન્ડરી ઇમોશન હોય છે એ વાત પર ઍન્ગર આઇસબર્ગનો સિદ્ધાંત જણાવતાં અનુભવી રિલેશનશિપ કોચ ધનસુપ્રિયા છેડા સમજાવે છે, ‘જે ગુસ્સો દેખાય છે એનું મૂળ બીજાં ઇમોશન્સ હોય છે. ડર, દુઃખ, અસલામતી, અપમાનની લાગણી, અથવા વૅલિડેટ ન થવાની લાગણી છુપાયેલી હોય છે. હસ્બન્ડ ઑફિસના સ્ટ્રેસને કારણે થાકી ગયો હોય અને જ્યારે તે ઘરે આવે ત્યારે નાની-નાની વાતમાં ચીડ-ચીડ કરે છે. તેણે કહેલું કામ ન થતાં નાની વાત ટ્રિગર બની જાય છે અને પાર્ટનર પર ગુસ્સો કરે છે. ઉદાહરણ લઈએ કે હસબન્ડે સવારે તેની વાઇફને ઇલેક્ટ્રિસિટી બિલ ભરવાનું કહ્યું હતું પણ બીજા કામને લીધે તે આ કામ ભૂલી ગઈ અને તેનો હસબન્ડ આ ભૂલને પકડીને ઑફિસનો ગુસ્સો ઘરમાં કાઢે છે. આ એક પ્રકારનું ઇમોશનલ આઉટસોર્સિંગ છે જ્યાં વ્યક્તિ પોતાના સ્ટ્રેસ અને ઍન્ગરને કન્ટ્રોલ કરી શકતી નથી અને પાર્ટનર પર પોતાનાં ઇમોશન્સ ઠાલવીને નર્વસ સિસ્ટમને રેગ્યુલેટ કરવાનો પ્રયત્ન કરે છે.’
લાઇફસ્ટાઇલ પણ છે કારણભૂત
બગડતા સંબંધો અને નાની-નાની વાતમાં સ્ટ્રેસ આવવાનું કારણ લાઇફસ્ટાઇલ પણ હોઈ શકે છે એમ જણાવતાં આશના કહે છે, ‘પ્રિયજનો સાથે સતત સંપર્કમાં હોવાથી આપણા મગજમાં તેમની નાની-નાની આદતો અને ભૂલોની એક લાઇબ્રેરી તૈયાર થાય છે. નાની-નાની ભૂલો પર ઇન્સ્ટન્ટ્લી રીઍક્ટ કરવામાં ન આવે તો બૅક ઑફ ધ માઇન્ડ એ જમા થાય છે અને પછી નાની ઘટના પણ ટ્રિગર બની જાય છે. ઉદાહરણ તરીકે ઘણા લોકોને મોટેથી ચાવીને ખાવાની આદત હોય, વસ્તુ જગ્યા પર ન મૂકે, વાસણ સિન્કમાં ન મૂકવા એવી નાની ચીજો સમય જ્યાં ટ્રિગર બની જાય છે એને ઇમોશનલ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કહે છે. જેમ રકમ તમે બૅન્કમાં મૂકો અને વ્યાજ લાગે એમ નાની ખામી કે ભૂલ અથવા ખરાબ આદત પર ચડતી ચીજ સમય જતાં વધે છે અને પછી એનો વિસ્ફોટ થાય છે. આ ઉપરાંત લાઇફસ્ટાઇલના બીજા ફૅક્ટર્સ પણ કારણભૂત બને છે. અપૂરતી ઊંઘ, કામનું ભારણ અથવા માતા-પિતા વચ્ચેના તનાવપૂર્ણ સંબંધ જેવાં નાનાં ટ્રિગર્સ મોટા રીઍક્શનનું કારણ બને છે. જો બાળપણમાં માતા-પિતા વચ્ચેના સંબંધો તનાવપૂર્ણ હોય જ્યાં એક પાર્ટનર બહુ ડૉમિનેટિંગ હોય અને બીજો પાર્ટનર દબાયેલો રહેતો હોય તો બાળક મોટું થઈને આ ટ્રૉમેટિક પેટર્નનું પ્રોજેક્શન પોતાના સંબંધોમાં કરે છે. તે કાં તો પોતે ડોમિનેટ કરનાર વ્યક્તિ બને છે અથવા ડર અને ગુસ્સાથી દબાઈ જાય છે.’
કમ્યુનિકેશનની કળા
સંબંધ પતિ-પત્નીનો હોય, મા-દીકરાનો હોય કે માતા-પિતા સાથેનો હોય; કમ્યુનિકેશન બહુ મહત્ત્વનો રોલ પ્લે કરે છે એમ જણાવતાં ધનસુપ્રિયા કહે છે, ‘ગુસ્સાવાળા વર્તનનું મુખ્ય કારણ એ છે કે વ્યક્તિ પોતાનાં ઇમોશન્સની જવાબદારી લેવા સક્ષમ હોતી નથી. જો વ્યક્તિ સતત ‘હું કેમ પ્રતિક્રિયા આપી રહ્યો છું’ને બદલે ‘તું આમ કેમ કરી રહ્યો છે’ના મોડમાં રહે તો સંબંધમાં સમસ્યા વધે છે. ઍન્ગરના ઇમોશનને નિયંત્રણમાં લાવવા ઍક્શન અને વર્ડ્સ વચ્ચે સુસંગતતા હોવી જરૂરી છે. કન્ટ્રોલિંગ એન્વાયર્નમેન્ટમાં સંબંધોનો વિકાસ થવાને બદલે તૂટે છે. જ્યારે મતભેદ થાય અથવા આર્ગ્યુમેન્ટ થવાની હોય એવું લાગે ત્યારે બન્ને પક્ષે જવાબદારી સ્વીકારવી જોઈએ. ભૂલ એકની તો હોતી નથી, બન્ને ભાગીદાર હોય છે. ભલે ૫૦-૫૦ નહીં પણ ૩૦-૭૦ કે ૯૦-૧૦ હોય જ છે. તેથી ભૂલનો સ્વીકાર કરવો જરૂરી છે. અહીં અડધો પ્રૉબ્લેમ સૉલ્વ થઈ જશે. ગુસ્સામાં સામેવાળાને `બ્લેમ` કરવાનું ટાળવું જોઈએ. સંવાદની શરૂઆત `મને લાગે છે કે...` થી કરવી જોઈએ, જેમ કે `મને લાગે છે કે આપણે વાત કરતી વખતે મોબાઇલ એક બાજુમાં રાખવો જોઈએ` એને બદલે `તું હંમેશાં મોબાઇલમાં જ રહે છે` એમ કહેવાનું ટાળો. સંબંધોમાં મી વર્સસ યુની લડાઈ ન હોવી જોઈએ, પણ કપલ વર્સસ પ્રૉબ્લેમનો અપ્રોચ હોવો જોઈએ. ગુસ્સાને નિયંત્રિત કરવાને બદલે, તેને પ્રોસેસ કરવો વધુ મહત્ત્વનો છે. જ્યારે ગુસ્સો આવે ત્યારે બ્રેક લો. પાર્ટનરને સ્પષ્ટ કહો કે `હું જોઉં છું કે તારાં ઇમોશન્સ અત્યારે હાઈ છે. હમણાં વાત કરવાથી કોઈ ફાયદો નથી. આપણે શાંત થઈએ પછી વાત કરીએ.` ઘણી વાર મગજને શાંત થતાં સમય લાગે છે તો બીજા દિવસે સવારે પણ વાત કરી શકાય. ઘણા લોકો કહે છે કે ઝઘડો થાય એ દિવસે સૉલ્વ કર્યા વગર સૂવું જોઈએ નહીં, પણ હું આ થિયરીમાં નથી માનતી. આપણે સૂઈ જઈએ તો મગજ વધુ રિલૅક્સ થાય છે અને સવારે ફ્રેશ માઇન્ડથી વધુ સારી રીતે માઇન્ડફુલનેસ સાથે કમ્યુનિકેશન થાય અને પ્રૉબ્લેમનું સોલ્યુશન પણ વધુ સારું નીકળી શકે છે. આથી એકબીજાને થોડો સમય આપો, ઇમોશન્સને પ્રોસેસ કરો. શું ફીલ થાય છે અને એ ફીલ થવાનું મૂળ કારણ શું છે. કારણ મળશે અટલે સોલ્યુશન આપોઆપ મળી જશે. જે ફીલ થાય એને સારા શબ્દોમાં અને પૉઝિટિવલી એક્સપ્રેસ કરશો તો જિંદગીભર વાંધો આવશે નહીં. સક્સેસફુલ રિલેશનશિપ એ નથી કે લગ્ન થઈ ગયાં. લગ્ન થયા બાદ સંબંધને જાળવવો પડે છે.’
સેલ્ફ લવ ઇઝ ધ કી
બીજાને પ્રેમ કરવા પહેલાં પોતાને પ્રેમ કરો એ થિયરીમાં માનતાં ધનસુપ્રિયા કહે છે, ‘જો તમે તમારી જાતને પ્રેમ, આદર અને સમજણ આપી શકતા નથી તો તમે સતત એ વસ્તુઓની અપેક્ષા તમારા પાર્ટનર પાસેથી રાખો છો અને એક પ્રકારે ડિપેન્ડન્ટ થઈ જાઓ છો. દરેક વાતમાં વૅલિડેશન અને અશ્યૉરન્સ શોધવા લાગો છો. આનાથી ઇમોશનલ ડિપેન્ડન્સ પેદા થાય છે. આનું સોલ્યુશન છે લૉ ઑફ રિલેશનશિપ ઇઝ ઇક્વલ ટુ લૉ ઑફ સેલ્ફ લવ. તમારું રિલેશન તમારા સેલ્ફ લવનું રિફ્લેક્શન છે. આથી પહેલો સંબંધ તમારી જાત સાથે મજબૂત હોવો જોઈએ. જ્યાં સુધી તમે તમારી અંદરના ઘાને રૂઝવશો નહીં અને લાગણીનો આદર નહીં કરો ત્યાં સુધી તમે બહારની વ્યક્તિને ખુશ કરવાની જવાબદારી સોંપશો એ તમારા સંબંધમાં સંઘર્ષ લાવશે.’