વાળમાં કાતર ફેરવવાથી ખરેખર મનનો બોજ હળવો થાય છે?

01 April, 2026 01:02 PM IST  |  Mumbai | Heena Patel

હેરકટ કરાવવી એ માત્ર દેખાવ બદલવાની વાત નથી પણ એ એક ખૂબ જ ઊંડી સાઇકોલૉજિકલ પ્રોસેસ છે. જ્યારે આપણે વાળ કપાવીએ છીએ ત્યારે આપણું મન એને એક નવી શરૂઆત તરીકે સ્વીકારે છે.

પ્રતીકાત્મક તસવીર

શું તમે ક્યારેય વિચાર્યું છે કે બ્રેકઅપ પછી કે જીવનમાં મોટા બદલાવ વખતે છોકરીઓ સૌથી પહેલાં હેર કટ કરીને લુક ચેન્જ કરે છે? ક્રિતી સૅનન જેવી સેલિબ્રિટીઝ જ્યારે કહે છે કે હેરકટ એક થેરપી છે ત્યારે એ માત્ર ફૅશનની વાત નથી હોતી. સોશ્યલ મીડિયા પર જેને આપણે બ્રેકઅપ બૅન્ગ્સ કે ટ્રાન્સફૉર્મેશન હેરકટ કહીએ છીએ એની પાછળ મનનો એક ઊંડો સંઘર્ષ છુપાયેલો હોય છે

સોશ્યલ મીડિયા પર સ્ક્રૉલ કરતા હોઈએ ત્યારે અચાનક કોઈ ફ્રેન્ડ કે ઇન્ફ્લુઅન્સરની રીલ સામે આવે જેમાં તેના વર્ષો જૂના લાંબા વાળ ગાયબ હોય અને એકદમ નવો બૉબ કટ કે બૅન્ગ્સવાળો લુક હોય ત્યારે મનમાં પહેલો વિચાર આવે કે શું આનું બ્રેકઅપ થયું છે? આ માત્ર મજાક નથી, પણ સોશ્યલ મીડિયા પર એક બહુ મોટો ટ્રેન્ડ છે જેને દુનિયા બ્રેકઅપ હેરકટ અથવા બ્રેકઅપ બૅન્ગ્સ તરીકે ઓળખે છે. અમેરિક સિંગર અને અૅકટ્રેસ સલીના ગોમેઝ આ ટ્રેન્ડનું સૌથી મોટું ઉદાહરણ છે. જ્યારે પણ તે માનસિક તનાવ અથવા બ્રેકઅપમાંથી પસાર થઈ છે ત્યારે તેણે તેના વાળ કપાવ્યા છે અથવા તેનો રંગ બદલ્યો છે. તે માને છે કે દેખાવમાં બદલાવ તેને અંદરથી હીલ થવામાં મદદ કરે છે. અમેરિકન સિંગર કેટી પેરીએ તેના છૂટાછેડા પછી તેના વાળ એકદમ ટૂંકા કરાવી નાખ્યા હતા અને એને પ્લૅટિનમ બ્લૉન્ડ કલર કર્યો હતો. તેણે કહ્યું હતું કે આ હેરકટ તેને તેની જૂની ઓળખમાંથી મુક્ત થવામાં મદદરૂપ થઈ હતી. થોડા દિવસ પહેલાં જ અભિનેત્રી ક્રિતી સૅનને શૉર્ટ હેરકટમાં તેના ફોટોગ્રાફ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા. એની સાથે તેણે પાવરફુલ કૅપ્શન આપતાં લખ્યું હતું કે એક સારી હેરકટ મારા માટે એક પ્રકારની થેરપી છે, એ મૂડને તરત જ રીસેટ કરે છે અને નવી ઊર્જા આપે છે. એ પછીથી ફરી એક વાર બ્રેકઅપ હેરકટને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. એવામાં આજે આપણે આ બિહેવિયર પાછળની સાઇકોલૉજી સાઇકોલૉજિસ્ટ મિતી મહેતા પાસેથી તેમના જ શબ્દોમાં સમજવાનો પ્રયત્ન કરીએ...

સાઇકોલૉજી સમજો

હેરકટ કરાવવી એ માત્ર દેખાવ બદલવાની વાત નથી પણ એ એક ખૂબ જ ઊંડી સાઇકોલૉજિકલ પ્રોસેસ છે. જ્યારે આપણે વાળ કપાવીએ છીએ ત્યારે આપણું મન એને એક નવી શરૂઆત તરીકે સ્વીકારે છે. ઘણી વાર જીવનની પરિસ્થિતિઓ જેમ કે બ્રેકઅપ, નોકરી છૂટવી કે કોઈ આઘાત આપણા નિયંત્રણમાં હોતાં નથી. આવા સમયે આપણે લાચારી અનુભવીએ છીએ. હેરકટ એક એવી વસ્તુ છે જેનો નિર્ણય સંપૂર્ણપણે આપણા હાથમાં છે. વાળ કાપવાથી મનને એવો સંદેશ મળે છે કે ભલે બીજું બધું વિખેરાઈ ગયું હોય પણ મારા જીવન પર હજી મારો કાબૂ છે. વાળ ઘણી વાર આપણી સેલ્ફ-ઇમેજ અને ભૂતકાળના આપણા વ્યક્તિત્વ સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા હોય છે. તેથી જ્યારે એમાં કોઈ મોટો બદલાવ કરીએ છીએ ત્યારે એ માત્ર દેખાવમાં નહીં પરંતુ અંદરના વિચારો અને લાગણીઓમાં પણ નવી શરૂઆતનો અહેસાસ કરાવે છે. અરીસામાં જ્યારે આપણે એક સાવ નવો ચહેરો જોઈએ છીએ ત્યારે મગજ એને રીસેટ બટન તરીકે જુએ છે. આ નવો દેખાવ આપણને એ માનવા માટે મજબૂર કરે છે કે આપણે એ જૂની વ્યક્તિ નથી રહ્યા જે દુખી હતી. આ નવો અવતાર નવી આશાઓ અને નવા ઉત્સાહ સાથે જીવનના આગામી તબક્કામાં પ્રવેશવાનો સંકેત છે. કોઈ પણ મોટા જીવનપરિવર્તન પછી નવી પરિસ્થિતિમાં પોતાની જાતને ઢાળવા માટે સમય અને ધૈર્યની જરૂર હોય છે. એવા ટ્રાન્ઝિશન પિરિયડમાં વાળ કપાવવા જેવો બાહ્ય ફેરફાર માનસિક રીતે મોટી મદદ કરે છે. એ માત્ર દેખાવ નથી બદલતો પણ અંદર ચાલી રહેલા દુઃખને પ્રોસેસ કરવામાં અને વિખેરાયેલી લાગણીઓને વ્યવસ્થિત કરવામાં એક માધ્યમ બને છે. પરિણામે વ્યક્તિ પહેલાં કરતાં વધુ હળવાશ અને આત્મવિશ્વાસનો અનુભવ કરે છે. જ્યારે કોઈ અતૂટ ગણાતો સંબંધ વિખેરાય છે ત્યારે માત્ર એક સાથી નથી છૂટતો પણ વ્યક્તિની પોતાની ઓળખ પણ જાણે ક્યાંક ખોવાઈ જાય છે. મનોવિજ્ઞાનની ભાષામાં આને ‘સેલ્ફ-કન્સેપ્ટ ક્લૅરિટી`માં આવેલો ઘટાડો કહેવાય છે. વ્યક્તિને પ્રશ્ન થાય છે કે એના વગર હવે હું કોણ છું? આવા સમયે અરીસામાં દેખાતી નવી હેરકટ એ ધૂંધળી થઈ ગયેલી ઓળખને ફરીથી સ્પષ્ટ કરવાનું એક માધ્યમ બને છે. એ અહેસાસ કરાવે છે કે ભલે સંબંધ બદલાયો, પણ આ `નવી હું` હજી પણ અસ્તિત્વ ધરાવે છે અને એ પોતાની રીતે સક્ષમ છે.

ઉકેલ સારો કે ખરાબ?

હેરકટ કે દેખાવમાં ફેરફાર કરવો એ મનોવિજ્ઞાનની દૃષ્ટિએ એક બેધારી તલવાર જેવું છે. એ ક્યારેક હીલિંગમાં મદદ કરે છે તો ક્યારેક માત્ર ક્ષણિક આવેગ હોય છે. જ્યારે હેરકટ જીવનના નવા પ્રકરણની સ્વીકૃતિનું પ્રતીક હોય ત્યારે એ હેલ્ધી છે. જો તમે એવું અનુભવતા હો કે જૂનો લુક તમને ભૂતકાળમાં જકડી રાખે છે અને નવો લુક તમને આગળ વધવા માટે આત્મવિશ્વાસ આપે છે તો એ એક સકારાત્મક પગલું છે. એ તમને વિક્ટિમ ભાવનામાંથી બહાર કાઢીને  પોતાના પર કાબૂ આપે છે. જ્યારે હેરકટ માત્ર અંદરના અસહ્ય દુઃખ કે ગુસ્સાથી બચવાનો રસ્તો હોય ત્યારે એ આવેગ છે. બ્રેકઅપના ગણતરીના કલાકોમાં અત્યંત રડતાં-રડતાં કે ગુસ્સામાં આવીને જ્યારે કોઈ ફેરફાર કરવામાં આવે ત્યારે એ ઇમ્પલ્સિવ ગણાય છે. આવા કિસ્સામાં વ્યક્તિ ઘણી વાર એવો લુક અપનાવે છે જે તેના વ્યક્તિત્વને સૂટ નથી કરતો અને પછીથી એને અરીસામાં જોતાં વધુ અફસોસ કે પસ્તાવો થાય છે. તમારો નિર્ણય હેલ્ધી છે કે ઇમ્પલ્સિવ એ ઓળખવા માટે આ ૩ ફિલ્ટર વાપરી શકાય. કોઈ પણ મોટો ફેરફાર કરતાં પહેલાં ઓછામાં ઓછા ૩ દિવસ થોભો. જો ૩ દિવસ પછી પણ તમને એવું જ લાગે કે આ ફેરફાર જરૂરી છે તો એ હેલ્ધી નિર્ણય હોવાની શક્યતા વધુ છે. તમારી જાતને પૂછો, શું હું આ ફેરફાર મારી ખુશી માટે કરું છું કે કોઈને નીચા બતાવવા માટે? જો એ માત્ર બીજાને બતાવવા માટે હોય તો એ લાંબો સમય ખુશી નહીં આપે. જો હેરકટ કરાવ્યા પછી પણ મન સતત અશાંત રહેતું હોય અને તમે વારંવાર લુક બદલ્યા કરતા હો તો એ સંકેત છે કે સમસ્યા વાળમાં નથી પણ અંદરનાં ઇમોશન્સમાં છે. આવા સમયે હેરકટની નહીં પણ વાતચીતની જરૂર હોય છે.

અન્ય રસ્તાઓ

જ્યારે લોકો માનસિક તનાવ કે જીવનના મુશ્કેલ તબક્કામાંથી પસાર થતા હોય ત્યારે હેરકટ સિવાય પણ અનેક એવી પ્રવૃત્તિઓ છે જેના તરફ તેઓ વળતા હોય છે. એક હેલ્ધી કોપિંગ મેકૅનિઝમ હોય છે જેમાં જિમ જવું, દોડવું અથવા યોગ કરવા. મનના વિચારો અને લાગણીઓને કાગળ પર ઉતારવાં; પેઇન્ટિંગ, રસોઈ, ગાર્ડનિંગ કે કોઈ નવું સંગીત શીખવું. આ પ્રવૃત્તિઓ મનને `ફ્લો સ્ટેટ`માં લઈ જાય છે જ્યાં વ્યક્તિ પોતાની ચિંતાઓ ભૂલી જાય છે. બીજું, અનહેલ્ધી કોપિંગ મેકૅનિઝમ હોય છે જેમાં વ્યક્તિ વધુપડતું ખાવા લાગે, વધુપડતું ઊંઘવા લાગે, જરૂર ન હોય છતાં મૂડ સુધારવા શૉપિંગ કરે, લોકોથી કૉન્ટૅક્ટ તોડીને એકલતામાં સરી પડે; આ બધી વસ્તુઓ ટેમ્પરરી સારું ફીલ કરાવી શકે પણ લાંબા ગાળે નુકસાન કરતી હોય છે.

ઇન્ટરેસ્ટિંગ ફૅક્ટ

ટ્રેન્ડ પર નજર કરીએ તો બ્રેકઅપ કે ભાવનાત્મક તનાવ પછી હેરકટ કરાવવાનું પ્રમાણ પુરુષો કરતાં સ્ત્રીઓમાં નોંધપાત્ર રીતે વધુ જોવા મળે છે. મોટા ભાગની સંસ્કૃતિઓમાં સ્ત્રીઓના લાંબા વાળને સુંદરતા અને સ્ત્રીત્વના પ્રતીક તરીકે જોવામાં આવે છે. જ્યારે કોઈ સ્ત્રી તેના વાળ કાપે છે ત્યારે એ સામાજિક રીતે એક મોટો બદલાવ ગણાય છે. પુરુષો માટે નિયમિત હેરકટ કરાવવી એ એક સામાન્ય ગ્રૂમિંગ પ્રક્રિયા છે, તેથી એનો ફેરફાર એટલો પ્રભાવશાળી દેખાતો નથી.

બ્રેકઅપ હેરકટ પર થયેલા સંશોધનનાં મુખ્ય તારણો

એક સર્વે મુજબ આશરે ૬૯ ટકા મહિલાઓ બ્રેકઅપ પછી પોતાની હેરસ્ટાઇલ બદલે છે.
 સૌથી વધુ જોવા મળતા ફેરફારોમાં વાળ કાપવા (૬૧ ટકા), વાળનો રંગ બદલવો (૫૬ ટકા) અને હેરસ્ટાઇલ બદલવી (૪૬ ટકા) સામેલ છે.
 ૭૪ ટકા મહિલાઓએ નવા લુક પછી વધુ આત્મવિશ્વાસ અનુભવ્યો હોવાનું સ્વીકાર્યું છે, જ્યારે ૬૮ ટકા મહિલાઓએ જણાવ્યું કે નવો લુક તેમને વધુ ખુશ કરે છે.
 હેરકટ એક વિઝ્યુઅલ માર્ક તરીકે કામ કરે છે. એ જીવનના `પહેલા` અને `પછી`ના તબક્કાને અલગ પાડે છે, જે જૂની નકારાત્મક લાગણીઓમાંથી બહાર આવવામાં મદદરૂપ થાય છે.
 જીવનમાં આવતા મોટા પરિવર્તનનાં બે અઠવાડિયાંની અંદર જ ૭૩ ટકા મહિલાઓ પોતાના વાળમાં મોટો ફેરફાર કરી નાખે છે.
 સૌથી ચોંકાવનારી વાત એ છે કે ૮૬ ટકા મહિલાઓ માને છે કે જો તેમને ફરીથી તક મળે તો પણ તેઓ આ જ નિર્ણય લેશે. એટલે કે આવેગમાં લીધેલા આ નિર્ણયનો પાછળથી પસ્તાવો થવાની શક્યતા ખૂબ ઓછી છે.

sex and relationships mental health columnists fashion healthy living lifestyle news life and style