શું તમારું સંતાન પણ માતા-પિતામાંથી કોઈ એકને વધુ પસંદ કરે છે?

06 November, 2025 01:13 PM IST  |  Mumbai | Heena Patel

જો આવું હોય તો સંતાનની નહીં, પણ ક્યાંક એક પેરન્ટ તરીકે બાળકનો ઉછેર કરવામાં તમારી ભૂલ થઈ છે. એને સુધારવા માટે તમે શું કરી શકો અને એક સંતાન તેનાં માતા-પિતા બન્ને સાથે સમાનરૂપે સહજતાથી રહી શકે એ શા માટે જરૂરી છે એ વિશે પેરન્ટિંગ એક્સપર્ટ પાસેથી જાણીએ

પ્રતીકાત્મક તસવીર

ઘણી વાર એવું બનતું હોય કે બાળક તેનાં મમ્મી કે પપ્પામાંથી કોઈ એક પેરન્ટને વધુ પસંદ કરતું હોય. એટલે કે બાળક કોઈ એક પેરન્ટ સાથે ભાવનાત્મક રીતે થોડું વધુ જોડાયેલું હોય. એક પૉડકાસ્ટમાં અભિનેતા નકુલ મેહતાએ આને લઈને પોતાના મનની વાત કરી હતી. નકુલ અને જાનકીને બે સંતાનો છે. દીકરો સૂફી અને દીકરી રૂમી. પૉડકાસ્ટમાં જાનકીએ નકુલને પૂછ્યું હતું કે સેકન્ડ પ્રેફર્ડ પેરન્ટ હોવું કેવું લાગે? શું આ વિશે તમે વાત કરવા ઈચ્છશો? એના જવાબમાં નકુલે કહ્યું હતું, ‘જ્યારે કોઈ મજેદાર કામ કરવાનું હોય ત્યારે સૂફી એને પપ્પા સાથે કરવા ઇચ્છે છે, પણ જ્યારે તે પરેશાન કે દુખી હોય તે મને છોડીને સીધો તારી પાસે ભાગે છે. ક્યારેક-ક્યારેક આ વસ્તુ મારું દિલ તોડી નાખે છે.’

નકુલનો કહેવાનો અર્થ એવો હતો કે દીકરો જ્યારે ખુશ હોય ત્યારે બીજા લોકો સાથે રહેવાનું પસંદ કરે છે, પણ જ્યારે તેને સુકૂન અને સાંત્વન જોઈએ ત્યારે તે તેની મમ્મી પાસે જાય છે અને આ વાતનું એક પિતા તરીકે મને દુઃખ છે.

આવી પરિસ્થિતિમાં એક પેરન્ટ તરીકે તેઓ શું કરે છે એને લઈને નકુલ અને જાનકીએ ત્રણ વાતો શૅર કરી છે, જેથી સૂફી પોતાના પપ્પાને એટલું જ પસંદ કરે જેટલું પોતાની મમ્મીને કરે છે.

ડૅડા અને સૂફી ટાઇમ બનાવવો : કેટલીક ખાસ બાબતો એવી છે જે સૂફી ફક્ત નકુલ સાથે જ કરે છે. એમાં જાનકી ભાગ લેતી નથી, જેથી બાપ-દીકરાનું બૉન્ડિંગ વધારે સારું થાય. જે પણ રમતો સૂફી રમે છે જેમ કે સ્વિમિંગ હોય, ફુટબૉલ કે ક્રિકેટ, બધી જ પપ્પા સાથે રમે છે.

થોડું પાછળ હટવું : જાનકી ધીમે-ધીમે ઘણાં કામોમાંથી પોતાની જાતને પાછળ રાખીને નકુલને આગળ રાખે છે. સૂફીનો બેડટાઇમ હોય, બાથટાઇમ હોય અથવા તો તે ગુસ્સામાં હોય કે રડી રહ્યો હોય તો જાનકી પાછળ હટી જાય છે અને નકુલ તેને સંભાળે છે.

ખોટું લગાડવાનું ટાળો : નકુલ કહે છે, સંતાન જેને ઓછું પસંદ કરતા હોય એ પેરન્ટે દિલ પર ન લેવું જોઈએ. એના કરતાં સંતાન બન્ને પેરન્ટ્સ સાથે હૂંફ, લાગણી અને પ્રેમ અનુભવે એની ખાતરી કરવી વધારે જરૂરી છે.

શું કામ જરૂરી?

આ વિષય પર પેરન્ટિંગ મેન્ટર સ્વાતિ પોપટ વત્સ પાસેથી મળેલી વિગતવાર માહિતી પ્રસ્તુત છે. ‘પ્રિફર્ડ પેરન્ટ’ આ ટર્મ સારી છે, પણ ઘણી વાર આપણે બાળકને જાણતાં-અજાણતાં જ એવા સવાલો પૂછીએ છીએ કે તને મમ્મી વધારે પસંદ છે કે પપ્પા? તેના મનમાં એવી ભાવના ઠસાવીએ છીએ કે ફેવરિટ પેરન્ટ કે પ્રેફર્ડ પેરન્ટ જેવું પણ કંઈ હોય. બાળકનો જન્મ થાય ત્યારે તે મમ્મી સાથે વધારે ક્લોઝ હોય કારણ કે તે તેને સ્તનપાન કરાવે છે. જોકે હવે વધુમાં વધુ ફાધર અટૅચમેન્ટનું મહત્ત્વ સમજી રહ્યા છે. અટૅચમેન્ટ એવી વસ્તુ છે જે તમને તમારા ચાઇલ્ડ સાથે બૉન્ડ ક્રીએટ કરવામાં મદદ કરે છે. સંતાનને માતા-પિતામાંથી કોઈ એક વધારે પસંદ આવે અને બીજા સાથે એટલું સહજ ન થઈ શકે એનું કારણ એ છે કે શરૂઆતથી જ બાળક સાથેનો બૉન્ડ એવી રીતે ક્રીએટ નથી થયો જેવી રીતે થવો જોઈતો હતો. એવામાં એક પેરન્ટ તરીકે તમે શું કરી શકો અને માતા-પિતા બન્ને સાથે બાળકનો એકસરખો બૉન્ડ હોવો કેમ જરૂરી છે એ જાણવું ખૂબ જરૂરી બની જાય છે.’

સ્વાતિ પોપટ વત્સના આ વિષય વિશેના વધુ વિચારો તેમના જ શબ્દોમાં જાણીએ...

બાળકના ઉછેરમાં પિતાની ભૂમિકા

અનેક પિતાઓને હું એવું કહેતાં સાંભળું છું કે હું મારી પત્નીને બાળકની સંભાળ લેવામાં મદદ કરું છું. વાસ્તવિકતા એ છે કે તમે મદદ નથી કરી રહ્યા, પરંતુ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છો. બાળક ફક્ત માતાનું નથી હોતું, તે માતા અને પિતા બન્નેનું સમાન રૂપથી હોય છે. એટલે તેનો ઉછેર, તેની જરૂરિયાતોનું ધ્યાન રાખવું અને તેની સાથે સમય વ્યતીત કરવાની બન્નેની બરાબર જવાબદારી છે. બાળકની સંભાળને મદદ માનવી એ વિચાર જ ખોટો છે, કારણ કે આ માન્યતા એ વાતને મજબૂત બનાવે છે કે બાળકની સંભાળ રાખવાનું કામ ફક્ત માતાનું છે અને પિતા ફક્ત સહયોગ કરે છે. આ વિચાર માતા, પિતા કે બાળક કોઈના હિતમાં નથી. દરેક પિતાએ પોતાના મનમાંથી એ વિચાર કાઢી નાખવો જોઈએ કે બાળકની સંભાળ લેવી એ વધારાની જવાબદારી છે. આ તો તમારા જીવનનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે જ્યાં તમારો સમય, તમારી હાજરી, તમારી હૂંફ અને તમારો પ્રેમ બાળકના વિકાસ માટે એટલો જ જરૂરી છે જેટલો માતાનો સ્નેહ અને મમતા. પિતા આ ભૂમિકાને દિલથી નિભાવે છે ત્યારે બાળક બન્ને પેરન્ટ્સ સાથે પોતાની જાતને વધુ સુરક્ષિત અને પ્રેમ, લાગણીથી જોડાયેલું અનુભવે છે.

બૉન્ડિંગ વધારશો કેવી રીતે?

જ્યારે માતા બાળકને સ્તનપાન કરાવી રહી હોય અથવા એવા કોઈ કામમાં વ્યસ્ત હોય જે ફક્ત તે જ કરી શકતી હોય તો એ વખતે પણ પિતાએ એમ ન વિચારવું જોઈએ કે આ સમય ફક્ત માતા-બાળકનો છે અને તેનો કોઈ રોલ નથી. એવા સમય પર પણ જો તમારાથી શક્ય હોય તો બાળક પાસે બેસવું જોઈએ. તેની સાથે રહેવું જોઈએ. તમારું ત્યાં હોવું બાળકને એ અનુભૂતિ અપાવે છે કે પપ્પા મારી સાથે છે. બાળક સાથે આઇ કૉન્ટૅક્ટ બનાવી રાખવો, હળવું સ્માઇલ આપવું, તેની નાની-નાની ક્રિયાઓ, હાવભાવ જોવા જોઈએ જે તમારા અને તમારા બાળક વચ્ચેનો ભાવનાત્મક સંબંધ મજબૂત બનાવે છે. આ જોડાણ ફક્ત એ પળ માટે નથી હોતું પણ એ બાળકના અવચેતન મનમાં એ ભરોસો અપાવે છે કે તેના પિતા હંમેશાં તેની પાસે છે, તેને જોઈ રહ્યા છે, સમજી રહ્યા છે અને તેને પ્રેમ કરે છે. આ એ જ વિશ્વાસ અને સુરક્ષાનો અનુભવ છે જે બાળકના માનસિક અને ભાવનાત્મક વિકાસનો પાયો નાખે છે.

આ રીતે જવાબદારી નિભાવો

આજકાલનાં મૉડર્ન માતા-પિતા પોતાની જવાબદારીઓ વહેંચી લે છે જેમ કે ડાયપર હું બદલી નાખીશ, તું જમવાનું બનાવી દેજે અથવા નવડાવવાનું મારું કામ અને સુવડાવવાનું તમારું. પહેલી નજરમાં આ રીતે જવાબદારીને વહેંચી લેવી સુવિધાજનક લાગે, પણ ઊંડાણપૂર્વક વિચારીએ તો બાળકનો ઉછેર ફક્ત કામની વહેંચણીનો વિષય નથી પણ ભાવનાત્મક જોડાણ અને સહિયારી જવાબદારીનો વિષય છે. મને લાગે છે કે માતા-પિતા બન્નેએ બધા જ પ્રકારનું કામ કરવું જોઈએ. ક્યારેક પિતા ડાયપર બદલી શકે, ક્યારેક માતા ભોજન કરાવી શકે. ક્યારેક પિતા સુવડાવી શકે તો ક્યારેક માતા સ્ટોરીઝ સંભળાવી શકે. એમ કરવાથી બાળકના મનમાં એ ધારણા નહીં બને કે આ કામ હોય ત્યારે મમ્મી પાસે જ જવાનું કે પેલું કામ હોય તો પપ્પા પાસે જ જવાનું. બાળકને એવું ફીલ થવું જોઈએ કે તેની કોઈ પણ જરૂરિયાત માટે માતા અને પિતા બન્ને સમાન રૂપથી તેના માટે હાજર છે.

પેરન્ટ એક ટીમ બનીને કામ કરે

જ્યારે બાળક બેમાંથી કોઈ એકસાથે વધુ લગાવ અનુભવે અને બીજા સાથે થોડું ઓછું બૉન્ડિંગ હોય ત્યારે એ ખૂબ જરૂરી છે કે જેને બાળક વધુ પસંદ કરે છે એ પેરન્ટ એક ડગલું પાછળ હટી જાય અને પાર્ટનરને સંતાનની નજીક આવવાનો અવસર દે. આ કોઈ ત્યાગ નથી, પણ એક સંતુલિત ઉછેરની દિશામાં ઉઠાવવામાં આવેલું સમજદારીભર્યું પગલું છે. બાળક માટે એ ખૂબ જ આવશ્યક છે કે તેનો માતા-પિતા બન્ને સાથે બરાબરનો સંબંધ બને જેથી એ બન્ને સાથે સેફ, સિક્યૉર ફીલ કરે. જ્યારે બાળક બન્ને સાથે સમય વિતાવવાનું શીખે છે ત્યારે એ ભાવનાત્મક, સામાજિક અને માનસિક રીતે વધુ મજબૂત બને છે. એ અલગ-અલગ રીતથી પ્રેમ, અનુશાસન, સંવાદ અને સહાનુભૂતિને સમજે છે જે તેના વ્યક્તિત્વના વિકાસમાં ઊંડી અસર પાડે છે. સાથે જ જે પેરન્ટ થોડી પીછેહઠ કરે છે તેને પણ એક ફાયદો થાય કે તેને પોતાનો મી-ટાઇમ મળે છે જેમાં તે પોતાની જાતને રીચાર્જ કરી શકે. એ દરમિયાન તમારો પાર્ટનર બાળકની સંભાળ રાખશે, એની સાથે ટાઇમ સ્પેન્ડ કરશે જેથી બન્ને વચ્ચેનું બૉન્ડિંગ સારું થાય.

બન્ને સાથે કેમ જરૂરી?

આજના સમયમાં લગભગ દરેક ઘરમાં માતા-પિતા બન્ને વર્કિંગ હોય છે. એવામાં જો ક્યારેય કોઈ એક પેરન્ટને વર્ક-ટ્રિપ પર જવું પડે અને એ દરમિયાન બાળકને કોઈ સમસ્યા થઈ જાય તો એક પડકારરૂપ સ્થિતિ બની શકે છે. સામાન્ય રીતે બાળકોનો ઝુકાવ જે પેરન્ટ તરફ વધુ હોય તે તેના આવવાની રાહ જોશે. તે વિચારશે કે હું આ વાત મમ્મીના આવ્યા પછી જ કહીશ અથવા તો તે આવશે ત્યારે જ પૂછીશ. એવામાં બાળક પોતાની તકલીફ, ડર અથવા મૂંઝવણ મનમાં જ દબાવીને રાખશે, જેનાથી સમસ્યા વધુ ગંભીર બની શકે છે. એટલે એ બહુ જરૂરી છે કે બાળક માતા-પિતા બન્ને સાથે સમાન રૂપથી સહજતાનો અનુભવ કરે. તેને એ ભરોસો હોવો જોઈએ કે હું મારી કોઈ પણ વાત મમ્મી અને પપ્પા બન્નેને કહી શકું છું અને બન્ને મને સમજશે. 

lifestyle news life and style columnists exclusive gujarati mid day