થેલી-ટ્યુબ કઢાવ્યા પછી વાઇફને સેક્સનું મન નથી થતું, શું કરવું?

20 October, 2021 07:07 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

ડૉક્ટરે તેનું ગર્ભાશય કાઢ્યું નથી તો શું હજી પણ પ્રેગ્નન્સી રહેવાની શક્યતા ખરી? અમારાં બાળકો મોટાં છે અને હવે આગળ સંતાન નથી જોઈતું. તો હવે ગર્ભનિરોધ ન વાપરીએ તો ચાલે? 

પ્રતીકાત્મક તસવીર

મારી પત્નીની ઉંમર ૪૩ વર્ષ છે. છેલ્લા એકાદ વર્ષથી ખૂબ માસિક જતું હતું. ત્રણેક મહિના પહેલાં તેનું ટ્યુબ અને ઓવરી કઢાવવાની સર્જરી થઈ. જોકે હજી તેની કામેચ્છા ઠીક નથી થઈ. પહેલાં તો તેને નબળાઈને કારણે મન નહોતું થતું, પણ હવે તો બધું બરાબર છે તો કેમ એવું થતું હશે? ડૉક્ટરે તેનું ગર્ભાશય કાઢ્યું નથી તો શું હજી પણ પ્રેગ્નન્સી રહેવાની શક્યતા ખરી? અમારાં બાળકો મોટાં છે અને હવે આગળ સંતાન નથી જોઈતું. તો હવે ગર્ભનિરોધ ન વાપરીએ તો ચાલે? 
દહિસરના રહેવાસી

લાંબા સમયની માંદગી અને નબળાઈ પછી વ્યક્તિની શારીરિક સ્થિતિ સારી ન હોય એ પણ સમજી શકાય અને માનસિક અવસ્થા કથળી હોય એવું પણ ધારી શકાય. મહિનાઓની બીમારીમાંથી પાછા બેઠા થવા માટે પૂરતો સમય આપવો જરૂરી છે એટલે હજી માત્ર ત્રણ મહિના થયા છે. એક વાત યાદ રાખો કે ઘસારો લાગ્યો હોય એ સરભર થવો જોઈએ. તમારી વાઇફના શરીરને લાગેલો ઘસારો રિકવર થાય એટલી તંદુરસ્તી આવશે તો સ્વાભાવિક રીતે તે પોતાની ઓરિજિનલ રિધમમાં આવી જશે. 
ઓવરી કાઢી નાખે ત્યારે શરીરમાં સ્ત્રી-હૉર્મોન્સની કમી ઊભી થાય, જેને લીધે મેનોપૉઝ જેવી અવસ્થા પેદા થાય છે. હૉર્મોન્સની અચાનક કમીને પણ સેટલ થવા માટે થોડો સમય જોઈશે. લોહીની કમી હોય તો વિટામિન્સ, આયર્નની વધુ જરૂરિયાત પેદા થાય છે. ગાયનેકોલૉજિસ્ટે દવાઓ આપી હશે. જો ન આપી હોય તો નબળાઈ માટે સપ્લિમેન્ટ્સ લખી આપવાનું કહેજો. થોડો સમય સેક્સને બદલે રોમૅન્ટિક બનો. રોમૅન્ટિક સમય પસાર કરવાથી આપમેળે મન થશે. 
બીજી વાત પ્રેગ્નન્સીની. જો સર્જરી દરમ્યાન બન્ને ઓવરી કાઢી નાખી હોય તો પ્રેગ્નન્સી રહેવાના ચાન્સિસ નથી. સ્ત્રીબીજ જ પેદા ન થતાં હોય ત્યારે ગર્ભાશય હોય કે ન હોય, પ્રેગ્નન્સી રહી શકતી નથી. સાથોસાથ એ પણ યાદ રાખજો કે કૉન્ડોમનો ઉપયોગ ભુલાય નહીં. કૉન્ડોમ માત્ર ગર્ભનિરોધ જ નથી, એમાં આર્ટિફિશ્યલ લુબ્રિકન્ટ હોય છે જે મૂવમેન્ટ દરમ્યાન ઘર્ષણ પેદા થવા નથી દેતું અને પ્લેઝરને નવી ઊંચાઈ પર લઈ જાય છે.

columnists sex and relationships