આફ્રિકાનું 1 ઑફ ધ બેસ્ટ વિઝિટેડ ડેસ્ટિનેશન માટીમાંથી સોનું બનેલો રવાંડા

26 January, 2020 04:51 PM IST  |  Mumbai Desk | darshini vashi

આફ્રિકાનું 1 ઑફ ધ બેસ્ટ વિઝિટેડ ડેસ્ટિનેશન માટીમાંથી સોનું બનેલો રવાંડા

આવી સુંદર હિલ્સ પર રહેવાનું કોને ન ગમે? કોઈ માળીએ સુંદર હરિયાળી પર પોતાની કળા ઉતારી હોય તે રીતે અહીંની હિલ્સ સજેલી છે, જેના પર સ્થાનિક લોકોનાં ઘર બનેલાં છે, આવું તો અહીં ઠેકઠેકાણે જોવા મળે છે.

વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમે આફ્રિકાના સૌથી સુરક્ષિત દેશમાં રવાંડાનું નામ મૂક્યું છે, એટલું જ નહીં, જૉન એફ કૅનેડી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટથી લઈને રવાંડા સુધીની સીધી ઇન્ટરનૅશનલ ફ્લાઇટ પણ શરૂ કરી દીધી છે, જેને લીધે આ દેશનું ટૂરિઝમ ક્ષેત્ર નવો ઇતિહાસ રચવા તરફ આગળ વધી શકે છે એવું અનુમાન મૂકવામાં આવ્યું છે ત્યારે જાણીએ આ ઓછા જાણીતા દેશ વિશેની રોચક માહિતી...

ફૉરેન કન્ટ્રીમાં ફરવા જવા માટેના વિકલ્પો વિચારવા માટે કહેવામાં આવે તો ક્યાં તો યુરોપનું ડેસ્ટિનેશન યાદ આવી જાય ક્યાં તો દુબઈ અને છેલ્લે થાઇલૅન્ડ યાદ આવી જાય, પરંતુ ઈસ્ટ-આફ્રિકાના કોઈ દેશ કોઈને યાદ આવતા નથી, કેમ કે ઈસ્ટ-આફ્રિકાના દેશ પ્રત્યે પહેલાંથી જ ટૂરિસ્ટો પક્ષપાતભર્યું વલણ ધરાવે છે, કેમ કે અન્ય ફૉરેન ડેસ્ટિનેશનની સરખામણીમાં અહીં કંઈ ખાસ મિસ કરવા જેવું નથી, પરંતુ મિડલ ઈસ્ટ-આફ્રિકામાં આવેલા રવાંડા દેશ માટે પણ જો એવું વિચારશો તો તમે ઘણુંખરું મિસ કરી દેશો. જો તમે નેચર અને વાઇલ્ડ લાઇફના ચાહક છો અને કંઈક નવું જોવામાં રસ ધરાવો છો તો રવાંડા તમારા માટે એકદમ પર્ફેક્ટ ડેસ્ટિનેશન બની રહેશે. રવાંડા નામ ઘણા માટે અપરિચિત છે-વાંધો નહીં, આજે આપણે એના વિશે જાણી લઈએ.

લૅન્ડ ઑફ થાઉઝન્ડ હિલ
રવાંડાનું ઉપનામ લૅન્ડ ઑફ થાઉઝન્ડ હિલ પણ છે, જેનું કારણ અહીં સપાટ જમીન કરતાં હિલ વધારે છે. સુંદર કલાકારી કરેલી હરિયાળીથી આચ્છાદિત હિલ્સ રવાંડાનું મુખ્ય આકર્ષણ છે. આ ગ્રીન હિલ્સનો આસમાની નજારો જબરદસ્ત છે. આ હિલ પર ઘણા પાક પણ થાય છે, એટલું જ નહીં, પરંતુ સવારે સૂર્યોદયના સમયે અને રાતે સૂર્યાસ્તના સમયે આ હિલમાં જાણે પ્રાણ ફૂંકાયો હોય એવું દૃશ્ય નિર્માણ થાય છે એટલે જ એને આફ્રિકાના છૂપા ખજાનાનું બિરુદ પણ મળેલું છે. જોકે અહીંની સુંદરતા હજી પણ મોટા ભાગના લોકોની જાણકારીની બહાર છે. અહીં આવેલાં મોટા ભાગનાં સ્થળો હિલ એરિયામાં છે જેને લીધે એને કુદરતી સુંદરતા ભેટ મળેલી છે. નેચર અને વાઇલ્ડ લાઇફનું બેસ્ટ સમન્વય જોવું હોય તો રવાંડા આવવું જ પડે.

કિગાલી
કિગાલી રવાંડાની રાજધાની છે. આ ઉપરાંત આફ્રિકાની સૌથી સ્વચ્છ સિટી પણ છે. એટલું જ નહીં, પરંતુ આફ્રિકાની મૉડર્ન સિટીમાંની એક છે. દેશની દસ ટકા જેટલી વસ્તી આ શહેરમાં રહે છે. કિગાલી લગભગ ૧૦૦૦ જેટલી ટેકરી પર વસેલું શહેર છે. એટલે કેટલું સુંદર હશે કિગાલી તે વિચારવું રહ્યું. શહેર જેટલું ખૂબસૂરત છે એટલા જ સુંદર છે અહીંનાં મ્યુઝિયમો, સંગીત અને સાંસ્કૃતિક બાબતો. કિગાલીમાં એક મેમોરિયલ પણ બનાવવામાં આવેલું છે. ૧૯૯૪ની સાલમાં રવાંડામાં બે જાતિના લોકો વચ્ચે સંઘર્ષ થતાં તેનું પરિણામ ખૂબ જ ખરાબ આવ્યું હતું. અહીં સુધી માત્ર ૧૦૦ જ દિવસની અંદર દેશની ૨૦ ટકાથી અધિક વસ્તીની કતલ થઈ હતી. જેની યાદમાં એક કિગાલી નરસંહાર મેમોરિયલ બનાવવામાં આવેલું છે  જેની અંદર તે સમયના દર્દનાક ફોટો વિગેરે મૂકવામાં આવેલા છે. જો તમને આ જોવું હોય તો તમારું કાળજું કઠણ કરવું પડશે, કેમ કે અહીં ઘણાંખરા ફોટો કાળજું કંપાવી દેનારા છે. આ ઘટના એટલી ખરાબ હતી કે તેનો ભય આજે પણ અહીંના સ્થાનિક લોકોની આંખમાં જોવા મળી રહ્યો છે.

માઉન્ટેન ગોરીલા
વિશ્વમાં ઘણી એવી ઓછી જગ્યાઓ છે જ્યાં માઉન્ટેન ગોરીલાને સુરક્ષિતપણે જોઈ શકાય છે. રવાંડા તેમાંનું એક છે. કહેવાય છે કે વિશ્વમાં ત્રણ દેશમાં પહાડી ગોરીલા જોવા મળે છે, જેમાંના મોટાભાગના ગોરીલા અહીં જોવા મળે છે. એવું પણ કહેવાય છે કે આજે વિશ્વમાં પહાડી ગોરીલાની વસ્તી લગભગ ૯૦૦ જેટલી જ છે જે આજે આફ્રિકાના કેટલાક દેશોમાં છે. રવાંડાના વૉલકેનો નૅશનલ પાર્કમાં પહાડી ગોરીલાના દસ કુટુંબ રહે છે. જોકે આ પહાડી ગોરીલાની ઘટી રહેલી વસ્તી અહીંની સરકારનો ચિંતાનો વિષય બની રહી છે. આ વૉલકેનો નૅશનલ પાર્ક એટલે આફ્રિકાનો સૌથી જૂનો અને રવાંડાનો સૌથી નાનો નૅશનલ પાર્ક. અહીં ફરવા માટે ઘણુંબધું છે. ગોરીલા ટ્રેકિંગ, ગોલ્ડન મંકી ટ્રેકિંગ, માઉન્ટેન કલાઇમ્બિગ, હાઇકિંગ અને નેચર વૉક અહીંની મેઇન અૅક્ટિવિટી છે. આ સિવાય અહીં ઠરી ગયેલા પાંચ જ્વાળામુખી છે. ગોરીલા ટ્રેકિંગ માટે અહીંની સરકારની મંજૂરી લેવી પડે છે. જો તમારા નસીબ સારા હશે તો તમે ગોરીલાને નજીકથી પણ જોઈ શકો છો. હા, પણ ગાઈડ હોવો આવશ્યક છે. વૉલકેનો નૅશનલ પાર્કની જેમ અહીં બીજો પણ એક નૅશનલ પાર્ક છે જેનું નામ નુગ્વે નૅશનલ પાર્ક. જ્યાં ૧૦૦૦ જેટલા અલગ-અલગ પ્રકારના વન્ય જીવો છે.

એકેગેરો નૅશનલ પાર્ક
આફ્રિકા ખંડ વરસાદ, લીલોતરી અને પ્રાણીઓના વૈવિધ્ય માટે જાણીતો છે. એટલે રવાંડા પણ તેમાં બાકાત નથી. રવાંડાની રાજધાનીથી ૧૦૦ કિલોમીટરના અંતરે એકેગેરો નૅશનલ પાર્ક આવેલું છે. અહીં એક કેગેરો નદી આવેલી છે જેના પરથી આ પાર્કનું નામ પડ્યું હતું. ૧૨૨૨ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલું આ જંગલ એક વખત જોવા જેવું છે. આ જંગલની વિશેષતા વિશે વાત કરીએ તો અહીં વિશ્વના અલગ-અલગ ઠેકાણેથી પ્રાણીઓ લાવવામાં આવેલા છે. જેમ કે બ્લેક હિપ્પોપોટેમશ બેલ્જિયમથી લાવવામાં આવેલો છે, તો કેન્યાથી જિરાફ લાવવામાં આવેલા છે. આજે આ જિરાફની સંખ્યા અહીં ૮૦ થઈ ગઈ છે. આ પાર્કમાં મોટી સંખ્યામાં સિંહ પણ હતા, પરંતુ હવે તેની સંખ્યા ઓછી થઈ ગઈ છે. આ પાર્કમાં વિવિધ જંગલી પ્રાણીઓ જ નહીં પરંતુ જંગલી વનસ્પતિઓ પણ છે. 

કિંગ્સ પૅલેસ મ્યુઝિયમ
રવાંડાના કલ્ચરલ હેરિટેજને માણવું હોય તો કિંગ્સ પૅલેસ મ્યુઝિયમ બેસ્ટ વિકલ્પ છે. આપણે ત્યાં જેમ પૂર્વે વાંસના ઘરો હતાં તેમ અહીં પણ તેવા જ પ્રકારની સમાનતા ધરાવતાં ઘરો છે, પરંતુ તેની રચના  અને મટિરિયલમાં ફરક છે. રવાંડા સરકારે થોડા સમય પૂર્વે ટૂરિઝમને આકર્ષવાના ભાગરૂપે કિંગ્સ મ્યુઝિયમ પૅલેસ ટૂરિસ્ટો માટે ખુલ્લો મૂક્યો હતો. કિગાલીથી ૮૮ કિલોમીટરના અંતરે ન્યાન્ઝા આવેલું છે જ્યાં આ મ્યુઝિયમ છે. હકીકતમાં આ પૅલેસ ૧૯મી સદીમાં તે સમયના રાજાએ બાંધ્યો હતો જેનું શારકામ કરીને હવે તેને મ્યુઝિયમ રૂપે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ પૅલેસની સાથે લાંબા શિંગડાવાળી શણગારેલી ગાય, સ્થાનિકમાં જોવા મળતાં ઢોર, પારંપારિક વસ્ત્રોમાં સજ્જ મહિલાઓ અહીંના વાતાવરણને એકદમ એન્ટિક લૂક આપે છે. અહીં તમે તેની સાથે ફોટો પણ પાડી શકો છો. અહીં બહાર રેસ્ટોરન્ટથી લઈને તમામ સુવિધા પણ ઑફર કરવામાં આવી છે. આ પૅલેસને બહારથી બામ્બુ ફ્રેન્સ લગાડવામાં આવેલી છે. પૅલેસની અંદર પ્રવેશવા માટે જૂતાં બહાર કાઢીને જવું પડે છે, અંદર ગયા બાદ તમને જોવા મળશે કે તેની જમીન પર હાથેથી વણેલી ચટાઈ પાથરવામાં આવેલી છે. પૅલેસનો આકાર કાચબાની પીઠ જેવો છે. આ પૅલેસની દીવાલો બામ્બુથી જ બનેલી છે અને પીલર પણ બામ્બુથી જ બનેલાં છે. પીલર ઘાસ અને બામ્બુથી બનેલા છે. આખો પૅલેસ વોટરપ્રૂફ છે. અહીં સુધી અંદરની તમામ વસ્તુઓ પણ બામ્બુથી જ બનાવવામાં આવેલી છે.

રુબાવુ
વૉલકેનો નૅશનલ પાર્કથી એક કલાકના અંતરે લૅક વ્યૂ ધરાવતું એક ટાઉન રુબાવુ આવેલું છે. ટ્રેકિંગ અને હેરિટેજ ટૂર કરીને થાકી ગયા હોવ તો રુબાવુ આવી જવું. લાલ માટીનો કિનારો, ઠંડો પવન,  ચોખ્ખું પાણી, પક્ષીઓનો કલરવ મનને શાંતિ આપશે. આ સિવાય અહીં વોટર સ્પોર્ટસના વિકલ્પો પણ છે. રુબાવુ ટાઉન પણ એટલું જ રૂડું છે. અહીંની જૂની વસાહતો, કતારબદ્ધ વૃક્ષો અને ખેતરો તમને જોવા ગમશે.

કેટલીક રોચક જાણકારી...
ભારતની જેમ અહીંના લોકો પણ ગાયને પૂજનીય ગણે છે. અહીં સુધી ઇલેક્શનમાં પણ પ્રચાર માટે ગાયનો આશરો લેવામાં આવે છે.
વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં રવાંડામાં રાજકીય ક્ષેત્રે સ્ત્રીઓની ભૂમિકા ઘણી મહત્ત્વની અને વિસ્તૃત છે. જેનું એક ઉદાહરણ આપીએ તો અહીંની સંસદમાં મહિલાઓની સંખ્યા ૫૦ ટકાથી વધારે છે.
અહીં ૨૦૦૮ની સાલથી પ્લાસ્ટિક પર સંપૂર્ણ બેન છે, અહીં સુધી ટૂરિસ્ટોને પણ પ્લાસ્ટિકની બૅગ વાપરવા પર પ્રતિબંધ છે.
રવાંડા દેશ પર અગાઉ ઘણાં વર્ષો સુધી અનેક સત્તાઓએ શાસન કર્યું હતું. યુરોપથી માંડીને જર્મની, બેલ્જિયમ સુધીના સત્તાધીશો અહીં રાજ કરી ચૂક્યા છે.
અહીંના ૯૦ ટકા લોકો કૃષિ આધારિત ક્ષેત્ર પર નિર્ભર છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે અહીંના ૮૦ ટકા લોકો પાસે એક હેકટર કરતાં પણ ઓછી જમીન છે.
સાફસફાઈ અને ચોખ્ખાઈની બાબતમાં રવાંડાની નોંધ વિશ્વસ્તરે લેવામાં આવી છે. કિગાલીમાં અહીં દર મહિનાના એક શનિવારે સામૂહિક સાફસફાઈ અભિયાન હાથ ધરવામાં આવે છે. જેમાં રાષ્ટ્રપતિથી લઈને તમામ વર્ગના લોકો ભાગ લે છે.

ક્યારે અને કેવી રીતે જવું ?
રવાંડામાં ચાર સીઝન હોય છે - બે ચોમાસાની અને બે ડ્રાય સીઝન. તો ડ્રાય સીઝન ફરવા માટે બેસ્ટ ગણાઈ છે. જૂનથી મિડ સપ્ટેમ્બર અને ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી ડ્રાય સીઝન હોય છે, જ્યારે હવામાન ખુશનુમા હોય છે ત્યારે અહીં આવવાનો પ્લાન કરી શકાય છે. મુંબઈથી કિગાલી સુધીની ફ્લાઇટ અવેલૅબલ છે, પરંતુ તેની ફ્રિકવન્સી ઓછી છે તેમ જ કોસ્ટલી પણ છે, પરંતુ ઇન-ડાયરેકટ ફ્લાઇટના ઑપ્શન ઘણાં છે જે પોકેટ ફ્રેન્ડલી તો છે પરંતુ લોન્ગ જર્ની ઑફર કરે છે.

થોડું શોર્ટમાં...
ક્યાં આવેલું છે? રવાંડા
મધ્ય-પૂર્વ આફ્રિકામાં આવેલું છે. જેની બોર્ડર યુગાન્ડા, ટાન્ઝેનિયા, બૂરુન્ડી અને ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ ધ કૉન્ગોને સ્પર્શે છે.
રાજધાની : કિગાલી
વિસ્તાર : ૨૬,૦૦૦ વર્ગ કિલોમીટર (ભારતના સૌથી નાના કેરળ રાજ્ય કરતાં પણ નાનો)
વસ્તી : લગભગ ૧ કરોડની આસપાસ
ભાષા : અંગ્રેજી, ફ્રેન્ચ, કિન્યારવન્ડા અને સ્વાહિલી
ચલણ :  રવાંડા ફ્રૅન્ક
મુખ્ય આકર્ષણ : વૉલકેનો નૅશનલ પાર્ક,  નયગ્વે નૅશનલ પાર્ક, કિગાલી, ગોરીલા પાર્ક, કિગાલી મેમોરિયલ વિગેરે વિગેરે...
કેટલા દિવસની ટૂર : ત્રણથી ચાર દિવસ
મહત્ત્વની ઐતિહાસિક ઘટના : ૧૯૯૪ની સાલમાં હુતુ અને તુત્સી સમુદાયની વચ્ચે રોષનો દાવાનળ ફાટી નીકળ્યો હતો, જેને લીધે માત્ર ૧૦૦ દિવસની અંદર દસ લાખ લોકોની ખૂબ જ દર્દનાક રીતે હત્યા કરવામાં આવી હતી. કહેવાય છે આ હિંસામાં દેશની ૨૦ ટકા જનતા મૃત્યુ પામી હતી. આ ઘટનાનો સમાવેશ વિશ્વની સૌથી દર્દનાક ઘટનાઓમાં થાય છે.