૧૨૮૦ કિલો શુદ્ધ સોનામાંથી બનેલી કાનુડાની આ મૂર્તિનું મૉનેટરી મૂલ્ય તો આંકી શકાય, પરંતુ આ બંશીધર...

19 April, 2026 03:33 PM IST  |  Mumbai | Laxmi Vanita

અને અમને લાગે છે કે ભારતની અસલી અસ્મિતા, સંસ્કૃતિ, સંસ્કાર ભારતના આ બેબસ, લાચાર, રાંક, વંચિત મનુષ્યો જ સાચવીને બેઠા છે.

મંદિરમાં ભવ્ય સુવર્ણ મૂર્તિ હોવા છતાં કોઈ સ્પેશ્યલ સિક્યૉરિટી કે ગાર્ડ નથી. સ્વયં શ્રીકૃષ્ણ પોતાની રક્ષા કરે છે.

ઝારખંડ રાજ્યના ગઢવા જિલ્લામાં આવેલા નગર ઉંટારીમાં શ્રીકૃષ્ણની સુવર્ણ મૂર્તિ છે. સૉલિડ ગોલ્ડમાંથી બનેલી આ પ્રતિમા કોણે બનાવી એનું કોઈ પ્રમાણ નથી, પરંતુ લગભગ ૧૫૦ વર્ષ (એક માન્યતા અનુસાર ૫૦૦ વર્ષ) પૂર્વેથી ખોબા જેવડા નગર ઉંટારીએ બાંકે બિહારીના આ અનમોલ સ્વરૂપનાં રખોપાં કરવાની સાથે પ્રભુને સ્નેહથી તરબોળ કર્યા છે

આ બંશીધરની મૂર્તિ કમળના ફૂલ પર શેષનાગ પર ઊભી છે. કહે છે કે એ સાડાચાર ફુટની ઉપર દેખાય છે અને પાંચ ફુટ જમીનની અંદર જડાયેલી છે. જોકે શણગારમાં સજ્જ હોવાથી મૂર્તિની એ વિશેષતાઓ દર્શનાર્થીઓને દેખાતી નથી.

બિઝનેસમેનો માટે ભારત મુંબઈ, દિલ્હી, બૅન્ગલોર, અમદાવાદ, ચંડીગઢ, ચેન્નઈ જેવાં મહાનગરોમાં રહેલી અઢળક ધંધાની ઑપોર્ચ્યુનિટી ધરાવતો દેશ છે. ઘુમક્કડો માટે ભારત ગોવા, કાશ્મીર, શિલૉન્ગ, કેરલમ, લદ્દાખ, સોલાન જેવાં સુંદર ટૂરિસ્ટ-સ્પૉટ્સનો દેશ છે. તીર્થાટનપ્રેમીઓ માટે ભારત કેદારનાથ, તિરુપતિ, દ્વારકા, શત્રુંજય, જગન્નાથપુરી, રામેશ્વરમ્, ઉજ્જૈન જેવી ઈશ્વરની જાગૃત ભૂમિનો દેશ છે તો રાજકારણીઓ માટે ભારત અનેક પ્રકારના કાવાદાવા, કૌભાંડો, ભ્રષ્ટાચાર, કોમી વૈમનસ્ય ફેલાવીને વોટ-બૅન્ક તગડી કરવાના મોકાઓ આપતો દેશ છે. જોકે એ ઉપરાંત ભારત તન તોડીને મજૂરી કરવા છતાં બે ટંકનો રોટલો રળી ન શકનારા બેબસોનો દેશ પણ છે. ભારત યોગ્ય આરોગ્યસેવા વિના મરણને શરણે થતાં વૃદ્ધો, બાળકો, મહિલાઓનો દેશ પણ છે. ભારત પેઢી દર પેઢીથી વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા રહેતા રાંક મનુષ્યોનો દેશ પણ છે અને ભારત પ્રતિભાશાળી, કૌવતવંત યુવાનો-કિશોરોનો પણ દેશ છે જેઓ જરૂરી કેળવણી અને ભણતરના અભાવે ધૂળમાં જ ધરબાઈને રહી જાય છે.

અને અમને લાગે છે કે ભારતની અસલી અસ્મિતા, સંસ્કૃતિ, સંસ્કાર ભારતના આ બેબસ, લાચાર, રાંક, વંચિત મનુષ્યો જ સાચવીને બેઠા છે.

ઉંટારીના શ્રી બંશીધર મંદિરનાં દર્શન કરતાં તમને પણ આવી અનુભૂતિ થશે, કારણ કે આ છેવાડાના ગામમાં સરકારી સુવિધાના નામે નાનકડું રેલવે-સ્ટેશન, અડધો વખત બંધ રહેતી સ્કૂલ અને હૉસ્પિટલ સિવાય કશુંય નથી. સ્થાનિક લોકો બહુ મુશ્કેલીથી પેટિયું રળે છે અને અહીંના રહેવાસીઓ તેમની આખી જિંદગી સામાન્ય પૈસાથી સુલઝી જાય એવી ઢગલોએક સમસ્યા સામે લડવામાં ખર્ચી નાખે છે છતાં તેમને ગામમાં રહેલી અબજો રૂપિયાનું મૂલ્ય ધરાવતી બંશીધરની સુવર્ણ મૂર્તિ વિશે કોઈ ગલત વિચાર નથી આવતા. બાકી ભારતમાંથી અમૂલ્ય ધરોહર સમી પ્રાચીન કલાકૃતિઓ, મૂર્તિઓ, ઍન્ટિકસ વિદેશમાં મોટી કિંમતે વેચવાનો બિનસત્તાવાર ધંધો આજે પણ ધમધોકાર ચાલે છે. આજના સોનાના ભાવે આ ભારેખમ મૂર્તિની કિંમત માંડીએ તો રકમમાં એટલાં શૂન્ય ચડે કે એ ઝીરોનો પણ સરવાળો કરવો પડે. અને હા, એમાં ઍન્ટિક હોવાનો રેટ પણ ઉમેરાય.

 આ ભોળા ગ્રામજનો માટે તેમના ખોબા જેવડા ગામમાં રહેલા ૩૨ મણ વજનના શુદ્ધ સુવર્ણના શ્રીકૃષ્ણ અલભ્ય જણસ નથી, એ તેમની ઊંડી શ્રદ્ધા અને પ્રેમનું પ્રતીક છે. આથી જ તો આગળ કહ્યુંને કે ભારતની અસલી અસ્મિતા, સંસ્કાર-વારસો આવા સરળ મનુષ્યોથી સચવાય છે.

વેલ, આજે અક્ષયતૃતીયા છે, સોનું ખરીદીને શુકન કરવાનો દિવસ છે ત્યારે આપણે જઈએ ૧૨૮૦ કિલો શુદ્ધ સોનામાંથી બનેલા બંશીધરના મંદિરે. અહીંની માનસયાત્રા કરવા માટે આજથી વધુ સપરમો દહાડો કયો હોઈ શકે ભલા?

મુંબઈથી ઑફિશ્યલી શ્રી બંશીધરનગર નામે ઓળખાતા ઉંટારીનું ડિસ્ટન્સ ૧૫૬૪ કિલોમીટર છે. બાય રોડ જાઓ તો પણ ૨૬ કલાક લાગે અને ટ્રેનમાં જાઓ તો અહીંથી જબલપુર અને જબલપુરથી હાવડા જતી શક્તિપુંજ એક્સપ્રેસ પકડો એ પછી ૧૪ કલાકની રેલ-મુસાફરી બાદ નગર ઉંટારી રેલવે-સ્ટેશન ઉતરાયણ. અને હા, અહીંની ટ્રેનોને બેથી ૬ કલાક મોડી ચાલવાની આદત છે. જો આવી લાંબી લપમાં ન પડવું હોય અને ઝટ-ઝટ સોનેરી રાધાસ્વામી પાસે પહોંચવું હોય તો મુંબઈ હવાઈ મથકથી ઊડો રાંચી ઍરપોર્ટ અને ત્યાંથી ૨૧૨ કિલોમીટરનું ડ્રાઇવ કરો એટલે મરક-મરક થતા લાલજી રાધારાણી સંગ ભક્તોની વાટ જોતા ઊભા જ છે.

અફકોર્સ, તેમનું મંદિર નાનું છે, સાવ સામાન્ય છે અને મંદિરના ગુંબજ પર લખેલા ઇતિહાસ અનુસાર સંવત ૧૮૮૫ મીન્સ ઈસવીસન ૧૮૨૮-’૨૯માં બન્યું છે. હા, એ પછી એનું બાહરી વિસ્તરણ થયું છે. એય સામાન્ય અને સાદું છે. જોકે મંદિર ભવ્ય હોય કે સાધારણ, યશોદાના લાલને એનાથી કોઈ ફરક નથી પડતો. તેમનું મુખ એવું ઝળહળે છે કે એક વખત દર્શન કરનાર વ્યક્તિ જીવન પર્યંત મોહનનું પ્રસન્નવદન ભૂલી શકતી નથી.

મંદિરની તવારીખ કહે છે કે નગરગઢના મહારાજ ભવાની સિંહનાં રાણી શિવમણિદેવી શ્રીકૃષ્ણનાં અનન્ય ભક્ત હતાં. મહારાજના નિધન બાદ તેઓ દિવસનો સંપૂર્ણ સમય નંદલાલના લાલન-પાલનમાં વિતાવતાં. એ અરસામાં જન્માષ્ટમીના દિવસે તેમણે ઉપવાસ કર્યો ને આખો દિવસ શ્રીકૃષ્ણની ભક્તિમાં લીન રહ્યાં. એ મધ્યરાત્રિએ રાણીને સપનામાં સ્વયં બ્રજબિહારી આવ્યા અને પોતાની મૂર્તિ નજીકના દુદ્ધી ક્ષેત્રની શિવપહરી નામની પહાડી પર ધરબાયેલી પડી છે એ કાઢીને એને ઉંટારીમાં સ્થાપિત કરવાનો આદેશ આપ્યો. શિવમણિદેવી તો આ સપનું જોઈને ઘેલાં-ઘેલાં થઈ ગયાં, કારણ કે એક તો તેમને પોતાના આરાધ્યદેવ સમણામાં આવ્યા. વળી પરમ ભક્ત સમજીને તેમની મૂર્તિ હોવાનો જે-તે સ્થળે હોવાનો અને ત્યાંથી કાઢવાનો આદેશ પણ આપ્યો. સવાર પડતાં જ રાણીસાહેબા પોતાના લાવલશ્કર સાથે તેમના મહેલથી વીસેક કિલોમીટર દૂર આવેલી શિવપહરી પહાડીએ પહોંચ્યાં અને જાતે જ પાવડાથી ખોદકામ શરૂ કર્યું. ઍન્ડ ચમત્કાર... થોડું ખોદકામ કરતાં જ ઠાકોરજીની મૂર્તિ નીકળી આવી. રાણી ભાવવિભોર થઈ એ પ્રતિમાને હાથીની અંબાડી પર સ્થાપિત કરીને નગરગઢ લઈ આવ્યાં. ગજરાજ ૨૦ કિલોમીટર તો સરસ ચાલ્યા, પરંતુ નગરગઢના સિંહદરવાજે પહોંચીને બેસી ગયા. હાથીને ઊભો કરવાના અનેક પ્રયત્નો કરાયા, પણ ગજવર ત્યાંથી ન હલ્યો કે ન ચાલ્યો. આખરે રાણી શિવમણિએ રાજપુરોહિતો સાથે મસલત કરીને કાનુડાની પ્રતિમાને ત્યાં જ સ્થાપવાનું નક્કી કર્યું અને જલદી-જલદીમાં એક નાનકડું મંદિર બંધાવીને મૂર્તિની પૂજા શરૂ કરી.

ડુંગરમાંથી બાંકે બિહારીજીની એકલાની જ મૂર્તિ નીકળી હતી, પણ પછી રાજપરિવાર અને ગ્રામજનોએ કાનુડાને એકલો ન રાખતાં તેમની સાથે રાધારાણીને પણ પધરાવ્યાં. આથી તેમણે બંશીધરના કદ-કાઠી સાથે શોભતી અષ્ટધાતુની રાધાજીની મૂર્તિ વારાણસીથી મગાવી અને તેમને પણ અહીં પ્રતિષ્ઠિત કર્યાં. અગેઇન, રાધા-રાણીની પ્રતિમા કોણે બનાવડાવી, ક્યારે બિરાજમાન કરાઈ એનું કોઈ પ્રમાણ નથી. એ જ રીતે અંગ્રેજોના શાસનકાળમાં આ મૂર્તિ ક્યાં હતી, કોણ રખોપાં કરતું હતું એની પણ કોઈ માહિતી નથી. બની શકે કે એ સમયમાં આ કનકમૂર્તિનાં રખોપાં ઉંટારીના શાસક દેવપરિવારે કર્યાં હોય.

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ

 બંશીધર મંદિર સવારે ૬ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધી અને ફરી ૩ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી ખુલ્લું રહે છે. અહીં દિવસમાં પાંચ વખત ભોગ ચડાવાય છે તથા બે સમય આરતી થાય છે.
 મંદિરના પરિસરમાં ભોલેનાથ અને દુર્ગા માતાનાં બેસણાં પણ છે. જોકે અહીંથી નજીક રાજા પહાડી પર આવેલું શિવાલય પ્રાચીન પણ છે અને અદ્ભુત પણ.  ઉંટારીથી ૨૦ કિલોમીટરની દૂરીએ પલામુ કિલ્લો છે જે ઐતિહાસિક સ્થળ છે તો ૪૦ કિલોમીટર દૂર આવેલું બેતલા નૅશનલ પાર્ક અનેક વન્યપ્રાણીઓનું કાયમી નિવાસસ્થાન છે. એમ તો અહીંથી ૬૦ કિલોમીટરના અંતરે આવેલો લોધ વૉટરફૉલ્સ લોનાવલાના ધબધબાઓને કૉમ્પ્લેક્સ અપાવી દે એટલો કમનીય છે.

હા, બિહાર, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ રાજ્યની સીમાના ત્રિભેટે વસેલા આજના ઝારખંડ રાજ્યનું શ્રી બંશીધરનગર (પહેલાંનું નગર ઉંટારી) અંગ્રેજોના કાળખંડમાં અલાયદું રાજ્ય હતું. ભૈયા રુદ્ર પ્રતાપ દેવ આ ક્ષેત્ર પર શાસન કરવાવાળા અંતિમ શાસક હતા. સ્વતંત્રતા મળ્યા બાદ રુદ્ર પ્રતાપ દેવના પુત્ર ભૈયા શંકર પ્રતાપ દેવ બિહાર સરકારમાં ભૂતપૂર્વ પ્રધાન અને વિધાનસભાના સદસ્ય પણ રહ્યા હતા. વર્તમાનમાં પરિવારના મુખિયા રાજા રાજ રાજેન્દ્ર પ્રતાપ દેવ છે અને પૂર્વેના રાજાઓની જેમ આજે પણ તેમનો પરિવાર તેમના ઉંટારીમાં આવેલા રાજાશાહી મહેલમાં રહે છે. ​ટિલ ટુડે સ્થાનિક પ્રજા રાજપરિવારની માન-મર્યાદા જાળવે છે. બાવીસ સ્ક્વેર કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલા આ ગામની હાલની વસ્તી ત્રીસથી બત્રીસ હજાર છે. એમાં મોટા ભાગના લોકો ખેતી તથા અન્ય શહેરોમાં કામકાજ કરે છે. હિન્દી, ભોજપુરી તથા અસુરી (એક આગ્નેય ભાષા, જે સાઉથ ઈસ્ટ એશિયાના લોકોમાં બોલાતી હોય એમાંની એક) ભાષા બોલે છે અને દુર્ગાપૂજા, દિવાળી, હોળી, છઠપૂજા, મકર સંક્રાન્તિ, જન્માષ્ટમી આદિ તહેવારો ઊજવે છે. એમાંય જન્માષ્ટમીના દિવસે આજુબાજુનાં ગામો, રાજ્યો, શહેરોથી અનેક પરિવારો આ હેમના બંશીધરના દર્શનાર્થે આવે છે. સોશ્યલ મીડિયાના પ્રભાવે હવે દૂરનાં રાજ્યોમાંથી પણ ભક્તોનું આવવા-જવાનું વધ્યું છે. મંદિરની બહાર પ્રસાદ વેચતી દુકાનો તેમ જ શાકાહારી વ્યંજનોની લારીઓ, ધાબાઓ છે જ્યાં સમોસા, જલેબી, પરાઠા, શાક, દાલ-ચાવલ સાથે ગોલગપ્પા, ચાઉમીન અને બર્ગર પણ મળી જાય છે. જોકે શ્રદ્ધાળુઓનું આવાગમન વધવા છતાં અહીં રહેવા માટે કોઈ સુવિધા નથી. મંદિરથી ત્રણેક કિલોમીટર દૂર આવેલા સ્ટેશન નગર ઉંટારી પાસે સાવ સામાન્ય ગેસ્ટહાઉસો છે. આમ તો ઉંટારીની નજીક-નજીકમાં ઘણાં નાનાં-મોટાં નગરો છે, પરંતુ અહીંથી ૭૫ કિલોમીટરના અંતરે આવેલું ડાલ્ટનગંજ પ્રમાણમાં મોટું શહેર છે. અહીં રહેવાની અને જમવાની સુઘડ વ્યવસ્થાઓ છે તો ફરવાનીયે જગ્યાઓ છે. અને હા, અહીનાં મંદિરો પણ દર્શનીય છે. આપણે પણ ક્યારેક જઈશું તીર્થાટન એક્સપ્રેસ લઈને ડાલ્ટનગંજ. બાકી તમારે અહીં જવું હોય તો મુંબઈથી રાંચી અને રાંચીથી બે-ત્રણ દિવસ માટે ટૅક્સી કરી લો તો ગઢવા જિલ્લામાં અનેક સ્થળોએ ફરાઈ જાય. લૉન્ગ ડ્રાઇવ ગમતી હોય તો મુંબઈથી જ ગાડી લઈને ઊપડી જાઓ.

travelogue travel travel news jharkhand alpa nirmal columnists gujarati mid day lifestyle news life and style