ચાલો જઈએ, મિની ગોવા ગણાતા દીવની સફરે

12 January, 2020 05:26 PM IST  |  Mumbai Desk | darshini vashi

ચાલો જઈએ, મિની ગોવા ગણાતા દીવની સફરે

થોડા સમય પૂર્વે મુંબઈથી દીવ સુધીની ક્રૂઝ સર્વિસ શરૂ કરવામાં આવી છે જેનો લાભ પણ ટૂરિસ્ટોને મળી શકશે.

દેશમાં પાર્ટી માટેનું બેસ્ટ ડેસ્ટિનેશન કયું છે એવું ક્યારેય ગૂગલ પર સર્ચ કરશો તો એનો જવાબ ગોવા જ આવશે, પરંતુ જો ગોવા જેવું બીજું કયું સ્થળ છે એવું સર્ચ એન્જિનમાં નાખશો કે તરત ‘દીવ’નું નામ આવશે. દીવ એટલે ગુજરાતનું ગોવા. ગોવાની જેમ જ અહીં બ્યુટિફુલ બીચ છે ફોર્ટ, વૉટર સ્પોર્ટ્સ છે. અફલાતૂન ફેસ્ટિવલ જામે છે અને લાસ્ટ બટ નૉટ ધ લિસ્ટ, ગોવા જેવી રંગીન નાઇટલાઇફ છે બસ. આટલું પૂરતું છે દીવ અને બીજું ગોવા બનવા માટે. તો ચાલો જઈએ દેશના કેન્દ્રશાસિત પ્રદેશ અને ગુજરાતના મિની ગોવાની સફરે...

બીચ
દીવ ખૂબ નાનકડો વિસ્તાર ધરાવે છે જેને લીધે અહીં ગોવા જેટલા બીચ તો નથી, પરંતુ ઓછા બીચ છે. જેટલા બીચ છે એટલા મિસ કરવા જેવા નથી, જેમાં પ્રથમ ક્રમાંકે આવે છે નાગોવા બીચ. કદાચ આ બીચને લીધે જ દીવને મિની ગોવા કહેવાતું હશે એવું લાગે છે. સ્વચ્છ અને સુંદર એવા આ અર્ધગોળાકાર બીચ પર કલાકો વીતી જશે એની ખબર પણ નહીં પડે. ફૅમિલી અને કપલ માટે આ બીચ પર્ફેક્ટ લોકેશન છે. સનસેટ બાદ આ બીચ પર નાહવા જવાની પરવાનગી નથી, પરંતુ બીચ પર બેસીને અહીંના નજારાને માણવા સામે કોઈ પ્રતિબંધ નથી. વધુ એક બીચ છે ગોમતીમાતા બીચ. અહીંના અન્ય બીચની જેમ આ પણ એક સુંદર બીચ છે, પરંતુ અહીં સમુદ્રને માણવા સિવાય બીજું કશું કરવા જેવું નથી. સમુદ્રની નજીક આવીને મોટાં જહાજ જોવા નહીં મળે તો શું મજા આવે? દીવમાં વધુ એક બીચ છે વનબકરા બીચ, જ્યાં આ ઇચ્છા પૂરી થઈ શકે છે. બીચના એક કિનારે લાંગરવામાં આવેલી મોટી મોટી બોટ અને જહાજો જોવાનું ગમશે. બીચ પર આવેલા ઊંચા-નીચા અને ઊબડખાબડ ખડકો સાથે અથડાતાં સમુદ્રનાં ઊંચાં-ઊંચાં મોજાં અહીંનો નજરો એટલો જ સુંદર બનાવે છે, પરંતુ આ મોજાં ક્યારેક જોખમી પણ સાબિત થતાં હોવાથી અહીં ટૂરિસ્ટોને સાવચેતી રાખવાની સલાહ પણ આપવામાં આવે છે. વધુ એક બીચ એટલે ઘોઘલા બીચ. દીવ શહેરના ઉત્તરીય ભાગમાં આવેલો આ બીચ શાંતિપ્રિય લોકોને ગમશે. આ ઉપરાંત અહીં અનેક વૉટર-સ્પોર્ટ્સ પણ થાય છે, પરંતુ એના વિશે ઘણા લોકોને ખબર નથી. આવો જ એક જલંધર બીચ છે જ્યાં વૉટર-સ્પોર્ટ્સ થાય છે. આ બીચનું નામ એક રાક્ષસના નામ પરથી રાખવામાં આવ્યું છે.
કિલ્લો
બીચ પછી જો કંઈક જોવા જેવું હોય તો એ છે દીવ ફોર્ટ જે અહીંનું સૌથી મુખ્ય આકર્ષણ છે, જેનું એક કારણ છે એનું બાંધકામ જે  પોર્ટુગીઝ સમયમાં થયું હતું. પોર્ટુગીઝ લોકોએ ૧૫૩૫ની સાલમાં આ કિલ્લાનું બાંધકામ કર્યું હતું. આ ફોર્ટની ખાસિયત એ છે કે આ ફોર્ટ ત્રણેય બાજુએથી સમુદ્રના પાણીથી ઘેરાયેલો છે. એને લીધે આ કિલ્લો આકર્ષક બને છે. કિલ્લાની અંદર એક લાઇટહાઉસ પણ છે જેની ટોચ પર જવા માટે અગાઉ ટૂરિસ્ટોને પરવાનગી આપવામાં આવતી હતી, પરંતુ હવે અહીં ઉપર ચડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફોર્ટની પોર્ટુગીઝ સમયની જેલ પણ છે, જે સમુદ્રની વચ્ચે છે. ફોર્ટની અંદર અનેક ફિલ્મોનાં શૂટિંગ પણ થાય છે. ફોર્ટની ઉપરની બાજુએ એક ખુલ્લો ભાગ છે જ્યાં સમુદ્ર તરફ મોઢું રાખીને તોપ ગોઠવવામાં આવી છે જાણે હમણાં એને હુમલો કરવાનો આદેશ મળશે અને એમાંથી દારૂગોળો છૂટશે. અહીંથી સમુદ્રનો સુંદર નજરો પણ જોવા મળે છે. ખુરશી નાખીને થોડી પળ અહીં વિતાવવાનો વિચાર પણ આવી જાય. ફોર્ટની અંદર જ નહીં, પરંતુ ફોર્ટની બહાર પર મજા પડે એવું છે. કિલ્લાને અથડાતાં સમુદ્રનાં મોજાંને કિનારે આવેલા પથ્થર પર બેસીને જોવાની મજા પડશે. આ કિલ્લો સવારે ૮થી સાંજે પાંચ વાગ્યા સુધી ટૂરિસ્ટો માટે ખુલ્લો રહે છે. કિલ્લાને નિરાંતે જોવો હોય તો ત્રણ કલાકનો સમય લાગે છે. હવે વાત કરીએ સમુદ્રની વચ્ચે આવેલા કિલ્લા-કમ-જેલની, જેને અહીં પાણીકોઠા કહે છે. ભૂતકાળમાં કેદીઓને કાળાં પાણીની સજા આપવા માટે આ જેલમાં પૂરવામાં આવતા હતા. અહીં સુધી જવા માટે બોટ ઉપલબ્ધ છે. રાતના સમયે અહીં સ્પેશ્યલ લાઇટ ઇફેક્ટ આપવામાં આવે છે જેને લીધે આ કિલ્લો ઝગમગી ઊઠે છે.
મ્યુઝિયમ, મંદિર અને મેમોરિયલ
દીવ આવવાના હો તો તમારા જોવાનાં સ્થળોના લિસ્ટમાં સેન્ટ પૉલ ચર્ચનું નામ અવશ્ય રાખજો. આ ચર્ચ દીવ કિલ્લાથી એક કિલોમીટરના અંતરે આવેલું છે. પોર્ટુગીઝ સમયમાં બધાયેલું આ ચર્ચ આશરે ૪૦૦ વર્ષ જૂનું છે. સફેદ રંગે રંગાયેલું ચર્ચ બહારથી અને અંદરથી ઘણું વિશાળ છે. ચર્ચની બહાર અને અંદરની દીવાલો પર કરવામાં આવેલું કામ બહેતરીન છે. ચર્ચની અંદર સિસમના લાકડા પર કામ કરવામાં આવ્યું છે. ચર્ચની બાજુમાં દીવ મ્યુઝિયમ આવેલું છે જે સવારે ૯ વાગ્યાથી લઈને સાંજે ૭ વાગ્યા સુધી ખુલ્લું રહે છે. આ મ્યુઝિયમ અગાઉ એક ચર્ચ હતું જેનું નામ સેન્ટ થૉમસ ચર્ચ હતું, પરંતુ થોડાં વર્ષો પૂર્વે એને મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવ્યું હતું. મ્યુઝિયમની સામે એક ગાર્ડન છે જે પણ એટલું જ સુંદર છે. નાગોવા બીચની બાજુમાં સી શેલ મ્યુઝિયમ આવેલું છે જે વિશ્વનું એકમાત્ર કહી શકાય એવું શંખ અને છીપલાંનું મ્યુઝિયમ છે જ્યાં આ વસ્તુઓને મૅગ્નિફાય ગ્લાસની નીચે રાખવામાં આવી છે જેથી અહીં અવનારા મુલાકાતીઓ એનું બારીકાઈથી અવલોકન કરી શકે. અહીં ઇન્ડિયન નેવીના એક જહાજની યાદમાં સમુદ્રકિનારે એક મેમોરિયલ બની રહ્યું છે, જેનું નામ છે આઇએનએસ ખુકરી. ખુકરી એક યુદ્ધજહાજનું નામ છે. ૧૯૭૧ની સાલમાં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે પાકિસ્તાનની સબમરીને આ જહાજ પર ત્રણ ગોળા વરસાવ્યા હતા. ત્યારે આ જહાજની અંદર ભારતના ૧૮ ઑફિસર અને ૧૭૬ સૈનિકો હતા. એ સમયે તેમની પાસે બે વિકલ્પ બચ્યા હતા, ક્યાં તો પાકિસ્તાનને કબજે થઈ જવું અથવા તો પાણીમાં ડૂબીને મરી જવું. એ સમયે તેઓએ પાકિસ્તાનને હવાલે થવાને બદલે સામૂહિક જળસમાધિ લેવાનો નિર્ણય લીધો હતો. તેમની યાદમાં અહીં મેમોરિયલ બનાવવામાં આવી રહ્યું છે. અત્યારે તો આ સ્થળ અન્ડર કન્સ્ટ્રક્શન છે, પરંતુ અહીં આ જહાજનું એક મૉડલ મૂકવામાં આવ્યું છે એ જોઈને અંદાજ આવી જશે કે હકીકતમાં આ જહાજ કેટલું વિશાળ અને મજબૂત હશે. અહીંનાં ચર્ચ અને મ્યુઝિયમ જેટલાં ફેમસ છે એટલાં જ ફેમસ અહીંનાં મંદિરો પણ છે. એમાંનું એક મંદિર ગંગેશ્વર મંદિર છે. કહેવાય છે કે મહાભારતકાળ દરમ્યાન અહીં પાંડવો તેમના વનવાસના સમયે અહીં આવ્યા હતા. ત્યારે તેમણે પોતાના કદ પ્રમાણે પાંચ શિવલિંગ બનાવ્યાં હતાં. સૌથી મોટું શિવલિંગ ભીમનું છે, જ્યારે નાના શિવલિંગ નકુલ અને સહદેવનાં છે. એવું પણ કહેવાય છે કે રાત થતાં એક શિવલિંગ પાણીની અંદર ડૂબી જાય છે અને સવાર થતાં એ પાછું બહાર આવી જાય છે. અહીં આવો ત્યારે આ સ્થળની ચોક્કસ મુલાકાત લેવા જેવી છે.
બીચ ફેસ્ટિવલ
એશિયાનો સૌથી લાંબો ચાલતો મ્યુઝિક ફેસ્ટિવલ ફિસ્ટા દ દીવનું આયોજન અહીં દર વર્ષે ડિસેમ્બર મહિનામાં શરૂ થાય છે જે ફેબ્રુઆરીના મધ્ય સુધી ચાલે છે. એમાં ભાગ લેવા દેશ-વિદેશથી મ્યુઝિકપ્રેમીઓ અહીં આવી પહોંચે છે. મ્યુઝિક જ નહીં, આ ફેસ્ટિવલ આર્ટ, ઍડ્વેન્ચર અને કલ્ચરનો પણ સમન્વય છે. આ ફેસ્ટિવલનું આયોજન બીચ પર થાય છે જેને લીધે અહીં બીચ પર અલગ-અલગ પ્રકારની સગવડ ધરાવતા ટેન્ટ પણ બનેલા હોય છે જે આ સીઝન દરમ્યાન ઍડ્વાન્સમાં હાઉસફુલ થઈ જાય છે. આ વર્ષથી ફેસ્ટિવલમાં ઍડ્વેન્ચર ઝોનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય જ્યારે કોઈ દિવસ કોઈ ક્રાર્યક્રમ નહીં હોય ત્યારે ટૂરિસ્ટોને મનોરંજન પૂરું પાડવા માટે અહીં એન્ટરટેઇનમેન્ટ પૂરું પાડવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હૉટ ઍર બલૂન રાઇડ, ઝિપલાઇન અને બન્જી જમ્પિંગ પણ ઑફર કરવામાં આવે છે.
આ પણ જોવા જવાય
નાગોવા બીચના રસ્તા પર ફુદમ બર્ડ સૅન્ક્ચ્યુઅરી એટલે પક્ષીવિહાર આવેલું છે, જ્યાં વિવિધ પ્રકારનાં પક્ષીઓ જોવા મળશે, પરંતુ જો તમે અહીં વહેલી સવારે આવશો તો શાંતિપૂર્ણ વાતાવરણમાં વધુ પક્ષીઓ જોવા મળશે. વહેલી સવારે અહીં પક્ષીઓ પાણી પીવા આવે છે. જો તમે કૅમેરા સાથે લઈ ગયા હશો તો તમને ફોટો અને વિડિયો લેવાની ખૂબ મજા પડશે એ ચોક્કસ છે. બર્ડ સૅન્ક્ચ્યુઅરી જેવું જ અહીં આગળ એક ડાયનાસૉર પાર્ક પણ છે. આમ તો આ ડાયનાસૉર પાર્ક ખૂબ નાનો છે અને અહીં ખાસ જોવા જેવું કંઈ છે પણ નહીં, પરંતુ આ પાર્ક સમુદ્રને અડીને બનાવવામાં આવેલો હોવાથી અહીં આવવાનું ગમશે. પાર્કની અંદર અલગ-અલગ પ્રજાતિનાં ડાયનાસૉરનાં વિશાળ પૂતળાં મૂકવામાં આવ્યાં છે. બાળકોને રમવા માટેના પ્લેગ્રાઉન્ડ ઇક્વિપમેન્ટ પણ મૂકવામાં આવ્યાં છે. સમુદ્રને સમાંતર બેસવાની બેન્ચ મૂકવામાં આવી છે. દીવ શહેરથી બે કિલોમીટરના અંતરે નાયડા ગુફા આવેલી છે. આ ગુફાને લઈને અનેક વાતો ફરે છે. કેટલાક કહે છે કે આ ગુફા જ્યાં છે ત્યાં અગાઉ એક પહાડ હતો જેને પોર્ટુગીઝોએ પોતાની જરૂરયાત મુજબ તોડીને ગુફા બનાવી દીધી છે, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે કુદરતી આફતોને કારણે આ ગુફાનું નિર્માણ થયું છે. ખેર, સ્ટોરી જે હશે એ પરંતુ આ ગુફા ખરેખર જોવા જેવી છે. પીળા અને બ્રાઉન રંગના પથ્થરની ગુફા અંદરથી ચિત્ર-વિચિત્ર આકારની દેખાય છે. ફોટોગ્રાફર માટે આ બેસ્ટ લોકેશન પુરવાર થઈ શકે છે. લાસ્ટ બટ નૉટ ધ લિસ્ટ હોકા વૃક્ષો, જે ભારત તેમ જ એશિયામાં ઘણાં જૂજ પ્રમાણમાં જોવા મળે છે. આફ્રિકામાં આવાં વૃક્ષો જોવા મળે છે, જેનાં ફળ પણ અલગ જ હોય છે.
ક્યારે અને કેવી રીતે જવું?
દીવમાં ઠંડી અને ગરમીનો સમય ગુજરાત સમાન જ છે, પરંતુ સમગ્ર ગુજરાતની સરખામણીમાં અહીં ગરમી અને ઠંડી ઓછી રહે છે એટલે અહીં કોઈ પણ સમયે આવી શકાય. આ ઉપરાંત અહીં ડિસેમ્બરથી લગભગ ફેબ્રુઆરી સુધી ફેસ્ટિવલનું આયોજન થાય છે જે દરમ્યાન પણ અહીં આવી શકાય છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની સાથે દીવ સડકમાર્ગે જોડાયેલું છે. અમદાવાદથી દીવનું અંતર ૫૦૦ કિલોમીટર છે. દીવ સુધી કોઈ રેલવે લિન્ક નથી એટલે જો રેલવે મારફત અહીં સુધી આવવું હોય તો વેરાવળ ઊતરવું પડે છે, જ્યાંથી દીવ સુધીનું અંતર લગભગ ૯૦ કિલોમીટર છે. જોકે નાગોવા ખાતે ઍરપોર્ટ આવેલું છે જેથી ઍરવે સરળ છે. થોડા સમય પૂર્વે મુંબઈથી દીવ વચ્ચે ક્રૂઝ સર્વિસનો પ્રારંભ કરવામાં આવ્યો છે એવી જ રીતે દમણથી દીવ સુધીની સીધી હેલિકૉપ્ટર સર્વિસ પણ છે. 


થોડું શૉર્ટમાં
ક્યાં આવેલું છે : ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલો દીવ જિલ્લો કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવનો એક જિલ્લો છે.
સત્તાવાર ભાષા : હિન્દી અને ગુજરાતી
વસ્તી : ૫૨,૦૦૦ની આસપાસ
તાપમાન : લઘુતમ ૧૫ ડિગ્રી અને મહત્તમ ૩૦  ડિગ્રી સેલ્સિયસ.
શું ફેમસ છે : પોર્ટુગીઝ કૉલોની, છ બ્યુટિફુલ બીચ, ચર્ચ, દીવ ફોર્ટ, મ્યુઝિયમ વગેરે.
કેટલા દિવસ ફરવા માટે જોઈએ : ૩થી ૪ દિવસ

travel news darshini vashi weekend guide