07 April, 2024 01:50 PM IST | Mumbai | Aashutosh Desai
કચ્ચાતિવુ આઇલૅન્ડ
હમણાં પાંચ-છ દિવસ પહેલાં ભારત અને શ્રીલંકાની નજીક આવેલા એક આઇલૅન્ડ માટે થોડા સમાચારો વહેતા થયા છે. હા, એ વાત સાચી કે લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ વાગી ચૂક્યું છે. આથી હવે અનેક રાજકીય પક્ષો આવીબધી અનેક બાબતોનો પોતાના મત ખેંચવાની એક સ્ટ્રૅટેજી તરીકે ઉપયોગ કરવાનો મોકો શોધશે જ. જોકે સાથે જ એ વાત પણ એટલી જ સાચી કે એથી ઇતિહાસ કે વાસ્તવિકતા પલટાઈ જતાં નથી.
આ આઇલૅન્ડનું આપણામાંના ઘણા લોકોએ તો નામ પણ પહેલી વાર સાંભળ્યું હશે, ખરુંને? ‘કચ્ચાતિવુ આઇલૅન્ડ’. ભારત અને શ્રીલંકાની નજીક આવેલો એક એવો આઇલૅન્ડ જે શ્રીલંકાની ટેરિટરી તો ગણાય છે, પરંતુ ક્યારેક એ ભારતનો હિસ્સો હતો. હવે આમ જોવા જઈએ તો આ આઇલૅન્ડ પર કોઈ માનવવસ્તી પણ નથી કે નથી ત્યાં કોઈ વેપારધંધો ચાલતો. છતાં ઇન્ટરનૅશનલ બૉર્ડર અને વૉર-સ્ટ્રૅટેજી તરીકે આ ટાપુ મહત્ત્વનો તો ખરો જ. વાત કંઈક એવી છે કે તામિલનાડુ BJP દ્વારા એક RTI નાખવામાં આવી હતી અને કચ્ચાતિવુ આઇલૅન્ડ વિશેની પૂરેપૂરી માહિતી અને ઇતિહાસ ભારત સરકાર પાસે મગાવવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ જે માહિતીઓ બહાર આવી એના પર હમણાં જોરશોરમાં ચર્ચા ચાલી રહી છે. તો પ્રશ્ન એ થાય કે માનવવિહોણો આ આઇલૅન્ડ એવો તે કેવો મહત્ત્વનો છે કે ભારતમાં એ વિશે RTI થાય અને વિદેશપ્રધાન સહિત ભારતના વડા પ્રધાને પણ એના પર ટિપ્પણીઓ કરવી પડે?
ભૌગોલિક સ્થાન
સૌથી પહેલાં તો એ જાણી લઈએ કે આ કચ્ચાતિવુ આઇલૅન્ડ છે ક્યાં? શ્રીલંકાની ઉત્તરે આવેલો અને ભારતની દક્ષિણે પૂર્વ તરફ શ્રીલંકાની ઉપર જે એક નાનું બિંદુ જેવું આપણે નકશામાં જોઈએ છીએ એ જ કચ્ચાતિવુ આઇલૅન્ડ!
ભારતના પૂર્વ દક્ષિણ છેડે ભગવાન મહાદેવનું ધામ રામેશ્વરમ તો આપણને બધાને ખબર છે, બરાબરને? બસ, એ રામેશ્વરમથી માત્ર પચીસ કિલોમીટરના અંતરે ૨૮૫ એકર જમીનનો એક ટુકડો છે જે કચ્ચાતિવુ આઇલૅન્ડ તરીકે ઓળખાય છે. ભારતનો સૌથી નજીકનો છેડો રામેશ્વરમ છે અને કચ્ચાતિવુ આઇલૅન્ડ માટે શ્રીલંકાનો સૌથી નજીકનો છેડો છે જાફના જ્યાંથી આ દ્વીપનું અંતર ૬૨ કિલોમીટર જેટલું છે.
ટાપુ પર થયેલું રાજકારણ
૧૯૭૪ સુધી આ ટાપુ ભારતનો હિસ્સો હતો. ત્યાર બાદ એ શ્રીલંકાનો બની ગયો અને શરૂ થયું એના પરનું રાજકારણ. ૧૯૯૧માં તો તામિલનાડુની વિધાનસભામાં આ ટાપુને ફરી ભારતમાં જોડવા માટેનો એક પ્રસ્તાવ પણ રજૂ થયો હતો અને સર્વસંમતિએ એ પ્રસ્તાવ તામિલનાડુની વિધાનસભામાં પસાર પણ થઈ ગયો હતો. જોકે આપણા દેશના કોઈ રાજ્યની સરકાર પ્રસ્તાવ પસાર કરે એથી કોઈ બીજો દેશ જમીનનો હિસ્સો આપી દે એવું તો બને નહીં. આથી ત્યાર બાદ ૨૦૦૮માં તત્કાલીન મુખ્ય પ્રધાન જયલલિતાજી આ મુદ્દાને ભારતની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટમાં પણ લઈ ગયાં હતાં જેની પાછળનું એક કારણ રાજકારણ પણ ખરું જ.
હવે વાત કંઈક એવી છે કે તામિલનાડુ ભારતના દરિયાકિનારે આવેલું રાજ્ય છે અને એટલે ત્યાં માછીમારીનો વ્યવસાય કરતી પ્રજા પણ હોવાની જ. હવે માછીમારોના મત જો પોતાના પક્ષમાં કરવા હોય તો કચ્ચાતિવુ આઇલૅન્ડનો મુદ્દો ખૂબ કારગત નીવડે એમ હતું. ચાલો, રાજકારણ માટે જ હશે પણ જયલલિતાજીએ પ્રયત્નો કર્યા કે કોઈક રીતે ભારતની સરકાર પર દબાણ લાવી શકાય અને કચ્ચાતિવુ આઇલૅન્ડ ફરી ભારતને મળે. જોકે એમ થયું નહીં અને ૨૦૨૩માં ફરી એક વાર આ દ્વીપ પાછો મેળવવા માટેની ચર્ચાએ જોર પકડ્યું. આ વખતે આ ચર્ચા તમિલનાડુના હાલના મુખ્ય પ્રધાન સ્ટૅલિન દ્વારા ઉઠાવવામાં આવી. તેમણે ફરી એક વાર કહ્યું કે આ આઇલૅન્ડ ભારતનો છે અને એ ભારતને પાછો મળવો જોઈએ. હવે ૨૦૨૪ની ચૂંટણી પહેલાં ફરી એક વાર આ મુદ્દો સપાટીએ આવ્યો છે.
ભારત અને એની જમીન
આપણા દેશ સાથે એક સૌથી મોટી કરુણતા એ રહી છે કે આપણા બધા પાડોશી દેશો કાયદેસર રીતે અથવા ગેરકાયદે આપણી ભૂમિ પચાવી પાડીને એવા બેઠા છે કે ઓડકાર સુધ્ધાં ખાતા નથી. POK પાકિસ્તાનહસ્તક છે જે વાત આપણા કોઈથી અજાણી નથી. ચીન સાથેના યુદ્ધ પછી અકસાઈ ચીન જે વાસ્તવમાં ભારતની ભૂમિ છે એ ચીનના કબજામાં છે એ વાત પણ આપણે જાણીએ છીએ. તો વળી બંગલાદેશ સાથેનો મામલો તો એવો છે કે જમીન છોડો, એ દેશના લોકો પણ આપણે ત્યાં છાશવારે ઘૂસણખોરી કરીને પગપેસારો કરી રહ્યા છે. શ્રીલંકા સાથેની વાત કરીએ તો કચ્ચાતિવુ આઇલૅન્ડ જે ભારતે એક જમાનામાં દાનેશ્વરી બનીને કોઈ પણ જાતના કડક નિયમો કર્યા વિના દાનમાં આપી દીધો હતો.
આઇલૅન્ડનો ઇતિહાસ
વાસ્તવમાં આ દ્વીપ એક કુદરતી ઘટનાને કારણે અસ્તિત્વમાં આવેલો ટાપુ છે. ૧૪મી શતાબ્દી દરમ્યાન સમુદ્રમાં એક જ્વાળામુખી વિસ્ફોટ થયો હતો. જ્વાળામુખી વિસ્ફોટ બાદ એમાંથી જે સતત ગરમ લાવા બહારની તરફ વહેતો હોય એ લાવા કાળક્રમે ઠંડો પડીને જમીનનું નિર્માણ કરે છે એ આપણે સૌ જાણીએ છીએ. એ જ રીતે આ સમુદ્રી જ્વાળામુખીના લાવાને કારણે જે જમીનનું સર્જન થયું એ સમુદ્રની વચ્ચે એક ટાપુ તરીકે સર્જાયો જે કચ્ચાતિવુ ટાપુ!
૧૪મી સદી બાદ મધ્યકાલીન ઇતિહાસ પર નજર નાખીએ તો જાણવા મળે છે કે શ્રીલંકાના જાફનામાં એ સમય દરમિયાન જે જાફના સામ્રાજ્ય હતું એનું આ આઇલૅન્ડ પર શાસન હતું, પરંતુ ૧૭મી સદીમાં આ ટાપુની માલિકી બદલાઈ અને એની માલિકી જાફના સામ્રાજ્ય પાસેથી મદુરાઈના જમીનદાર રામનાથજી પાસે આવી. ૧૭મી સદીમાં ભારતવર્ષને મળેલા આ ટાપુ પર છેક ૨૦મી સદીમાં ફરી એક વાર શ્રીલંકાએ દાવો કર્યો. સાલ હતી ૧૯૨૧ની. આ સાલમાં શ્રીલંકાએ કહેવા માંડ્યું કે આ ટાપુ ભારતનો નહીં પરંતુ શ્રીલંકાનો છે. સ્વાભાવિક છે કે ભારત લંકાના આવા ખોટા દાવાઓને ન જ સ્વીકારે અને તેથી જ આ ટાપુ ભારતનો જ અભિન્ન અંગ હોવાનું સતત કહેવાતું રહ્યું અને એ માટેના નક્કર પુરાવાઓ પણ રજૂ થયા. એટલું જ નહીં, એ સમય પહેલાંના થોડા પાછળ પર સમય પર નજર નાખીએ તો ભારતમાં જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે અંગ્રેજોએ ત્યાં એક ચર્ચ પણ બનાવડાવ્યું હતું જે આજે પણ ત્યાં છે. જોકે ૧૯૭૪માં તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીને કારણે ફરી એક વાર ભારતનો ભૌગોલિક, સામાજિક અને રાષ્ટ્રીય ઇતિહાસ બદલાવા જઈ રહ્યો હતો.
૧૯૭૪ની સાલ અને કચ્ચાતિવુ
હવે જાણીને નવાઈ લાગે એવી વાત એ છે કે ૧૯૭૪ની સાલ સુધી આ આઇલૅન્ડ ભારતની માલિકીનો તો હતો જ, પરંતુ એ વિના કોઈ શરત શ્રીલંકાને મળી ગયો.
બન્યું કંઈક એવું કે ૧૯૭૪માં ભારત શ્રીલંકા સાથેના એના સંબંધો વધુ ગાઢ બનાવવા માગતું હતું. આથી એ સમયે બન્ને દેશો વચ્ચે સમુદ્રી સીમાઓને લઈને એક સમજૂતી થઈ. હવે બે દેશો વચ્ચે કોઈક બાબત અંગે સમજૂતી થાય એટલે સ્વાભાવિક છે કે એ સમજૂતીના દસ્તાવેજો થાય. લંકા સાથેની એ સમજૂતી દરમ્યાન ઇન્દિરાજીએ જરાય ખચકાટ વિના આ કચ્ચાતિવુ આઇલૅન્ડ શ્રીલંકાને આપી દીધો. ભેટ ગણો, ખેરાત ગણો, સમજૂતી ગણો કે દરિયાદિલી... જે ગણો એ પણ આ સમજૂતીનું પરિણામ એ આવ્યું કે ભારતનો કચ્ચાતિવુ આઇલૅન્ડ શ્રીલંકા પાસે જતો રહ્યો. અને જાણો છો એ આપી દેવા પાછળના કારણ તરીકે શું કહેવામાં આવ્યું? ભારતનાં તત્કાલીન વડાં પ્રધાન અને તેમની સરકારનું માનવું હતું કે ‘એ આઇલૅન્ડ આમ પણ કંઈ કામનો નથી, ત્યાં કોઈ માનવવસ્તી તો છે નહીં. વળી ભારતની જમીન પર નહીં પરંતુ દરિયામાં આવેલા આ નાના જમીનના ટુકડાને ભારત પોતાની પાસે રાખી મૂકીને શું કરશે? એના કરતાં શ્રીલંકાને દોસ્તીદાવે ભેટ આપી દઈએ. ભારતને તો એની કોઈ જરૂર જ નથી.’
હા, એ વાત સાચી કે અહીં માનવવસ્તી નથી, ત્યાં કોઈ રહેતું પણ નથી. આખા આઇલૅન્ડ પર માત્ર એક ઇમારત છે જે સેન્ટ ઍન્થની ચર્ચ છે. પણ એથી શું? એ ભારતનું અંગ નથી કે ભારતને એની કોઈ જરૂર નથી એવું તો નહીં જ માની લેવાય. આ સિવાય ૧૯૭૪માં જ શ્રીમતી ઇન્દિરાજીએ બીજી પણ એક સમજૂતી બંગલાદેશ સાથે કરી હતી જેમાં પણ જમીનની બાબતમાં ભારતને ખોટ સહન કરવી પડી હતી. ૧૯૭૪માં જ થયેલી આ સમજૂતી અનુસાર ભારતની ૧૭,૧૫૮ એકર જમીન બંગલાદેશ પાસે ચાલી ગઈ અને ભારતને એના બદલામાં બંગલાદેશમાંથી માત્ર ૭,૧૧૦ એકર જમીન મળી. જોકે આ સમજૂતીનો પ્રસ્તાવ ભારતની લોકસભામાં છેક ૨૦૧૫ની સાલ સુધી પસાર નહોતો થયો જે નરેન્દ્ર મોદીની સરકારે પસાર કરીને બંગલાદેશને એ જમીન આપી દીધી અને બદલામાં એક નાનો ટુકડો લીધો એ અલગ વાત છે.
દયાની મા ડાકણ થાય
હવે માનનીય દૂરંદેશી વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ લંકા સાથે જે ઍગ્રીમેન્ટ કર્યું હતું એમાં ખરેખર તો એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આ આઇલૅન્ડ પર ભારતના માછીમારો કોઈ પણ જાતના વીઝા કે પરવાનગી વિના માછીમારી માટે જઈ શકશે અને તેમની માછલી પકડવાની જાળ સૂકવી શકશે, આરામ કરી શકશે. એટલું જ નહીં, ભારતના ખ્રિસ્તીઓ પણ ત્યાંના ચર્ચમાં પ્રેયર માટે જઈ શકશે એવું આ સમજૂતીના કરારમાં નક્કી થયું હતું. આ બધી જ શરતો અને સમજૂતીઓનો ઉલ્લેખ ભારત-લંકા વચ્ચે થયેલા ઍગ્રીમેન્ટમાં છે જ. જોકે ૨૦૧૪ની સાલ પછી ભારતીય માછીમારોને એ આઇલૅન્ડથી માછલીઓ પકડવાની લંકન સરકાર દ્વારા મનાઈ ફરમાવી દેવામાં આવી, સાથે જ તેમને એ આઇલૅન્ડની નજીક જવાની પણ પરવાનગી નથી એમ કહી દેવામાં આવ્યું.
એને કારણે આજે હવે પરિણામ એ છે કે માછીમારો ત્યાં માછલી પકડવા જઈ શકતા નથી અને ધારો કે કોઈ ત્યાં પહોંચી ગયું તો લંકન સેના તે લોકોને પકડી લઈને બંદી બનાવી લે છે અને તેમના પર કાર્યવાહી કરવામાં આવે છે. લંકન સરકાર ભારતીય માછીમારોને ત્યાં આવવાની પરવાનગી તો નથી જ આપી રહી સાથે જ ધાર્મિક મહત્ત્વ પણ સ્વીકારવા તૈયાર નથી. ભારતના ખ્રિસ્તીઓ એ ચર્ચમાં પણ પ્રેયર માટે હવે નથી જઈ શકતા.
વર્તમાન સંજોગો પ્રમાણે કચ્ચાતિવુ આઇલૅન્ડ માત્ર ચૂંટણીલક્ષી રાજકારણ હશે, પરંતુ તામિલનાડુની સામાન્ય જનતાની ધાર્મિક લાગણીથી લઈને રોજગારી-સર્જનનો એક મહત્ત્વનો હિસ્સો તો આ આઇલૅન્ડ છે જ. વળી બંગાળની ખાડીને અરબ સાગર સાથે જોડતા સમુદ્રમાં આવ્યો હોવાને કારણે એનું ભૌગોલિક મહત્ત્વ પણ ખૂબ વધી જાય છે.
ભારત માટે શા માટે અગત્યનો છે આ ટાપુ?
સૌથી પહેલી વાત તો એ કે જો કચ્ચાતિવુ આઇલૅન્ડ ભારતની માલિકીનો હોત તો ભારતીય (દરિયાઈ) સીમાઓ છેક એ આઇલૅન્ડ સુધી વિસ્તૃત હોત. એને કારણે નેવી ત્યાં અભ્યાસથી લઈને પોતાનું વૉચ-સ્ટેશન સુધ્ધાં બનાવી શકી હોત. બંગાળની ખાડીને અરબ સાગર સાથે જોડતા પાણીમાં આ આઇલૅન્ડ આવેલો હોવાને કારણે ભૌગોલિક દૃષ્ટિએ ભારત માટે એનું મહત્ત્વ ખૂબ વધી જાય છે, કારણ કે ભારતના એ ખૂણાની દૂર ઉત્તરે બંગાળ અને બંગલાદેશ આવેલું છે અને બંગલાદેશનો દરિયાઈ માર્ગે થતો બધો વેપાર અને વ્યવહાર આ જ સમુદ્રથી થઈને પસાર થાય છે. વળી રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે પણ આ આઇલૅન્ડ એક મહત્ત્વની ચૅનલ બની શકે એમ છે. યાદ છે પાકિસ્તાનની મેલી મુરાદને કારણે ભારત પર થયેલો પેલો સબમરીન-હુમલો? જ્યારે ભારતનું વિશાખાપટ્ટનમ પોર્ટ ઉડાવી દેવાની પાકિસ્તાને પેરવી કરી હતી. જો આ ટાપુ ભારતીય સુરક્ષા દળો (નેવી)ના હાથમાં હોત તો એ સમયે પણ એ ભારતને ખૂબ ઉપયોગમાં આવી શક્યો હોત. એટલું જ નહીં, એનું ધાર્મિક મહત્ત્વ પણ ઓછું નથી. ભારતથી લંકા સુધી પ્રભુ શ્રીરામ અને તેમની સેના દ્વારા જે રામસેતુ બનાવવામાં આવ્યો હતો એની મધ્યમાં આ દ્વીપ આવે છે. અર્થાત્, આ દ્વીપની નીચેથી જ રામસેતુ પસાર થાય છે. વળી જ્વાળામુખીના ફાટવાથી એના લાવા દ્વારા સર્જાયેલો આઇલૅન્ડ હોવાને કારણે આપણે એ પણ સમજી શકીએ છીએ કે એ કુદરતી ધનસંપદાઓથી ભરપૂર તો હોવાનો જ હોવાનો. અચ્છા, જ્વાળામુખીથી થયેલા સર્જનને કારણે જ આ આઇલૅન્ડની ફળદ્રુપતા એટલી છે કે એની આજુબાજુ માછલીઓ જબરદસ્ત મોટા પ્રમાણમાં મળે છે. અર્થાત્, ભારતના માછીમારોને એનો સીધો અને ખૂબ મોટો ફાયદો મળી શકે.