વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ

22 February, 2024 08:56 AM IST  |  Mumbai | Alpa Nirmal

આ કથા તો જાણીતી છે, પરંતુ આપણે ગણપતિને ક્યારેય મનુષ્યના મુખવાળા  કલ્પ્યા નથી. ખેર, આપણે પામર મનુષ્ય. આવી કલ્પના કરવાનું પર આપણું ગજું નથી

નરમુખ વિનાયકની મૂર્તિ

સોશ્યલ મીડિયાનો એક ફાયદો તો છે જ. કોઈ પણ તહેવાર આવવાના હોય કે સ્પેશ્યલ દિવસો આવવાના હોય (ચાહે એ ધાર્મિક હોય), એ ખાસ દિવસોનું ઇન્ટિમેશન પહેલાંથી જ આવવા લાગે છે અને જિજ્ઞાસુઓ જો ચાહે તો એ ફેસ્ટિવલ, એ ખાસ તિથિનું રિલિજિયસ મહત્ત્વ વિવિધ ઑનલાઇન પ્લૅટફૉર્મ પરથી મેળવી શકે છે. જોકે એ ઇન્ટરનેટિયા જ્ઞાનની ઑથેન્ટિસિટી કે સત્યતા કેટલી છે અને આપણે શું સાચું માનવું એ દરેક વ્યક્તિની વિવેકબુદ્ધિ પર નિર્ભર કરે છે. પરંતુ એક વાત તો ગૌર કરવી જ રહી કે આ પ્રસાર માધ્યમોએ અમુક પ્રમાણમાં જાગૃતિ ક્રીએટ કરી જ છે. 

વેલ, વેલ, વેલ, આ પ્લૅટફૉર્મ પર આપણે સોશ્યલ મીડિયાનાં સારાં-નરસાં પાસાંનો તાગ મેળવવા ભેગા નથી થયા. આપણે તો મળ્યા છીએ ભારતનાં અવનવાં, પ્રાચીન, અર્વાચીન તીર્થો જુહારવા. તો ભક્તગણો, માઘી ગણેશજયંતી નિમિત્તે આજે આપણે જઈએ છીએ એવા દુંદાળા દેવનાં દર્શને જેમનું મુખ મનુષ્યનું છે. તામિલનાડુ રાજ્યનું પૂનથોટ્ટમ ગામ જે ચેન્નઈથી ૨૭૨ કિલોમીટરના અંતરે છે ત્યાં ભારતના ઓન્લી વન નરમુખ વિનાયક બિરાજમાન છે. 

આમ તો એકદંતના જન્મની કથા અત્યંત પ્રચલિત છે. પાર્વતી માતા એક વખત સ્નાન કરી રહ્યાં હતાં ત્યારે તેમના શરીરમાંથી હળદર કે લોટના થર નીકળ્યા (કેટલાક એને મેલ પણ કહે છે). એ થરના ચાર પિંડ બનાવી તેમણે એક બાળકની આકૃતિ બનાવી અને એમાં પ્રાણ પૂર્યા. ત્યાર બાદ એ બાળકને પોતાના સ્નાનાગારની બહાર રખેવાળ તરીકે બેસાડી દીધો. પાર્વતી પુત્ર માતાના રખેવાળની ડ્યુટી કરી રહ્યા હતા. એ દરમ્યાન શંકર ભગવાન પત્નીને મળવા પધાર્યા. માતાએ બાળ વિનાયકને સૂચના કરી હતી કે કોઈ પણ વ્યક્તિ અંદર ન પ્રવેશે એનું ધ્યાન રાખવું. એ જ ન્યાયે બાળકે ભોળાનાથને એ ગુફામાં પ્રવેશતાં રોક્યા. (અહીં એ વિદિત કરવું રહ્યું કે નહોતી વિનાયકને ભસ્માધારી વિશે ખબર કે નહોતો ત્રિનેત્રધારીને બાળકના જન્મના પ્રસંગનો ખ્યાલ.) શંભુનાથને પોતાના જ આવાસમાં પ્રવેશવા ન મળ્યું એટલે તેઓ ક્રોધિત થઈ ગયા અને ગુસ્સામાં ને ગુસ્સામાં પોતાના ત્રિશૂળથી એ બાળકનો શિરચ્છેદ કરી નાખ્યો. બાળ ગણેશની ચીસ સાંભળીને પાર્વતી બહાર દ્વાર પર ધસી આવ્યાં અને પોતાના જ શરીરમાંથી ઉત્પન્ન થયેલા બાળકને મૃત્યુ પામેલો જોઈ ચોધાર આંસુએ રડી પડ્યાં. પત્નીને રડવાનું કારણ પૂછતાં હિમાલય પુત્રીએ કૈલાસનાથને આખી કહાની કહી અને એ કથા જાણી શિવજીએ તેમને આશ્વાસન આપ્યું કે આપ રડો નહીં, હું આ બાળકને જીવિત કરી દઈશ. હવે પાર્વતી પતિએ બાળકનું માથું કાપી નાખ્યું હતું એટલે કરવું શું? એનો તોડ કાઢતાં તેમણે તેમના ગણ (શિષ્યો)ને આજુબાજુ મોકલાવ્યા અને કહ્યું કે જે માતા તેના શિશુથી વિરુદ્ધ બાજુ ઉત્તર દિશામાં માથું રાખીને સૂતી હોય તેનું માથું તમે લઈ આવો. 

શંભુ ગણે પ્રભુના કહ્યા અનુસાર આજુબાજુ શોધ આદરી અને તેમને એક હાથણી તેના બાળકની તરફ પીઠ રાખીને સૂતી હતી એ દેખાઈ. નટારજના આદેશ અનુસાર તેમણે હાથણીનો વધ કર્યો અને તેનું માથું કાપી ભગવાન પાસે લઈ આવ્યા. ભોલે બાબાએ એ હાથણીનું માથું બાળકના શરીર સાથે જોડી દીધું અને પાર્વતીપુત્રને જીવતદાન આપી તેમને ગણ (જનસમૂહ)ના પતિ બનાવ્યા. સાથે કોઈ પણ દેવતાની પૂજા કરવા પૂર્વે ગણેશપૂજન પહેલાં કરવામાં આવશે એવું વરદાન આપ્યું. 

આ કથા તો જાણીતી છે, પરંતુ આપણે ગણપતિને ક્યારેય મનુષ્યના મુખવાળા  કલ્પ્યા નથી. ખેર, આપણે પામર મનુષ્ય. આવી કલ્પના કરવાનું પર આપણું ગજું નથી, પરંતુ ૧૪૦૦ વર્ષ પહેલાં મંદિરના નિર્માણકર્તાઓએ આવું ઇમૅજિનેશન કર્યું હશે અને અન્ય ટિપિકલ ગણેશ મંદિરથી હટકે અહીં વક્રતુંડ અને મહાકાયને બદલે માનવ ચહેરાના ગજાનન બનાવડાવી સ્થાપિત કર્યા છે. આ મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું એના કોઈ ઠોસ પુરાવા નથી મળ્યા, પરંતુ રામચરિત માનસમાં આ સ્થાનને બહુ પવિત્ર ગણવામાં આવ્યું છે. કહેવાય છે કે આ સ્થળે શિવ અને પાર્વતી પુત્ર ગણેશ સાથે મુક્તિશ્વર અને સ્વાર્ગવલ્લી રૂપે પધાર્યાં હતાં. એ સમયે આ સ્થાન થિલાથર્પણપુરી તરીકે જાણીતું હતું. કિંવદંતી અનુસાર રામ, લક્ષ્મણ, સીતાજી વનવાસમાં હોવાથી રાજા દશરથના દેહાંતના સમાચાર તેમને બાદમાં મળ્યા અને તેઓ પિતાનો અગ્નિસંસ્કાર કે એ પછી તરત થતી કોઈ વિધિ ન કરી શક્યાં ત્યારે આ ભૂમિ પર પિતાના દેવલોકગમનના ખબર મળતાં તેમણે ચાર પિંડ બનાવી એમાં તલ નાખી પિતાજીનું તર્પણ કર્યું હતું. એટલે આ સ્થળને થિલાથર્પણપુરી કહેવામાં આવ્યું. (તામિલ ભાષામાં ત અક્ષરનો ઉચ્ચાર થ કરવામાં આવે છે.)

આ કથા અનુસાર એમ પણ કહે છે કે રામ-લક્ષ્મણે પિતાની શ્રાદ્ધવિધિ તો કરી, પરંતુ મૃત દશરથ રાજાનો આત્મા તૃપ્ત થયો નહીં. ત્યારે શ્રી રામે તેમના આરાધ્યદેવ શિવજીને પ્રાર્થના કરી અને શંકર ભગવાને સાક્ષાત પ્રગટ થઈ રામજીને મંથરાવણ જઈ હરિસોલ નામક નદીમાં સ્નાન કરવાનું સૂચવ્યું. અને ત્યાર બાદ તર્પણ વિધિ કરવાનું કહ્યું. રામે મહેશના એ સૂચનનું પાલન કર્યું. સ્થાનિક લોકકથા મુજબ પિંડ તરીકે રાખેલા એ ચાર ભાતના ગોળા શિવલિંગ બની ગયા. એ સાથે તેઓ એમ પણ માને છે કે ભોલેનાથે દશરથના આત્માને અહીં મોક્ષ પ્રદાન કર્યો છે. 
ઉપરાંત સીતાજીના અપહરણ વખતે રાવણની ચુંગાલમાંથી હટાવવા જટાયુએ દશાનન સાથે યુદ્ધ કર્યું અને ત્યાર બાદ ઘાયલ થઈ પ્રાણ ત્યાગ કર્યા. એની તર્પણ વિધિ પણ શ્રી રામ પ્રભુએ આ ભૂમિ પર કરી છે. 

પૂનથોટ્ટમ ગામ અને એના આજુબાજુના વિસ્તારમાં અરૂલ્મિગુ મુક્તિશ્વર મંદિર તરીકે જાણીતા આ મંદિર પરિસરમાં મુખ્ય મંદિર શિવજીનું છે. તો એ સાથે આદિ વિનાયક તરીકે ઓળખાતા ભગવાન ગણેશનું પણ નાનું ટેમ્પલ છે અને  સૂર્ય અને ચંદ્રની મૂર્તિ પણ છે. આજે પિતૃતર્પણ માટેના ઉત્તમ તીર્થ તરીકે જાણીતા આ મંદિરમાં દર અમાવસ્યાએ સેંકડો લોકો વિધિ અર્થે અથવા દર્શનાર્થે પધારે છે. મંદિરમાં સ્નાન કરવા એક તળાવ પણ છે, જેને ચંદ્ર તીર્થ કહે છે. ખાસ કરીને જેમને પિતૃદોષની સમસ્યા હોય એવા પરિવારો અહીં આવી પિતૃશાંતિ કરાવે છે અને તેમની આસ્થા એટલી પ્રબળ હોય છે કે આ ભગવાનનાં દર્શન અને પૂજાથી દરેક તકલીફ દૂર થાય છે. 

તામિલનાડુના પ્રસિદ્ધ સિટી ચિદમ્બરમથી પૂનથોટ્ટમ ગામ માત્ર ૬૪ કિલોમીટર છે અને અહીં આવનારા ભક્તો મોટા ભાગે ચિદમ્બરમ રહેવાનું પ્રિફર કરે છે. પૃથ્વીનું સેન્ટર પૉઇન્ટ ગણાતું ચિદમ્બરમનું નટરાજ મંદિર તો દેશ-વિદેશના સનાતનધર્મીઓ માટેનું મહાતીર્થ છે એટલે અહીં રહેવા-ખાવા-પીવાની દરેક બજેટની મબલક સુવિધાઓ છે. એ જ રીતે મુંબઈથી ચિદમ્બરમ જવા ઘણી ટ્રેન ઉપલબ્ધ છે ને ત્યાંથી ટૅક્સી દ્વારા પૂનથોટ્ટમ જઈ શકાય છે. 

પૉઇન્ટ ટુ બી નોટેડ
નરમુખ ગણેશ અથવા આદિવિનાયક મંદિર કૂટનૂર ગામે છે જે ખૂબ નાનું ગામડું છે. એટલે આ વિસ્તાર નજીકનું મુખ્ય મથક પૂનથોટ્ટમ તરીકે વધુ વિખ્યાત છે. 
થિલથર્પણપુરી આ મંદિરથી ફક્ત ત્રણ કિલોમીટર દૂર છે જ્યાં પિતૃવિધિ કરાય છે. 
કૂટનૂર ગામે કૉફી-બિસ્કિટ વેચતી નાની હાટડીઓ જ છે અને જો લંચ કે બ્રેકફાસ્ટના ટાઇમે પહોંચો તો ઇડલી કે ઉત્તપા જેવા જાળીદાર ઢોસા મળી જાય છે.

columnists travel travelogue travel news alpa nirmal