મૈહર કો તુમ આમ ન સમઝો... યહાં વિશ્વ પ્રસિદ્ધ કથાએં હૈં...

15 February, 2024 08:29 AM IST  |  Mumbai | Alpa Nirmal

મધ્ય પ્રદેશના સતના જિલ્લામાં આવેલા મૈહરમાં માતાનો ગળાનો હાર (આભૂષણ) પડ્યો એટલે ટેક્નિકલી એ શક્તિપીઠ નથી પરંતુ આ સ્થળનું સત્ત્વ એવું પ્રબળ છે કે આ તીર્થસ્થળનો દબદબો શક્તિપીઠથી પણ અગ્રિમ છે.

મૈહરમાં માતા મંદિર

સિતારવાદક પંડિત રવિશંકરના ગુરુ ઉસ્તાદ અલાઉદ્દીન ખાનસાહેબ જે નગરીના રહેવાસી હતા એ નગરમાં મા શારદાને સમર્પિત અતિ પ્રાચીન મંદિર છે. ભક્તોને બળ, બુદ્ધિ, વિવેક પ્રદાન કરતી આ મહાશક્તિના આંગણે વસંત પંચમીના રોજ અદ્ભુત ઓચ્છવ રચાય છે, જેના સાક્ષી બનવા લાખો શ્રદ્ધાળુઓ આદિ શક્તિના દરબારે પોગી જાય છે

‘બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિના વિવાહ સ્વયંભુવ મનુની પુત્રી પ્રસૂતિ સાથે થયાં અને દક્ષ તેમ જ પ્રસૂતિને ત્યાં ૧૬ પુત્રીરત્નોનો જન્મ થયો. આ ૧૬માંની એક પુત્રી સતી, જેમણે પિતા દક્ષની નામરજી છતાં ભોલેનાથ સાથે લગ્ન કર્યાં.’ આ કથાનું પછીનું ચરણ ઑલમોસ્ટ તમામ સનાતનધર્મીઓને ખ્યાલ જ છે. છતાં એને એક વખત રિવાઇન્ડ કરીએ તો પિતા દક્ષે એક વિરાટ યજ્ઞનું આયોજન કર્યું; જેમાં સમસ્ત લોકના દેવ, ઋષિઓને નિમંત્ર્યા પણ દીકરી- જમાઈને આમંત્રણ મોકલ્યું નહીં. નિમંત્રણ ન હોવા છતાં સતી તેમના પતિ શંકરજીને લઈ પિતાએ યોજેલા ધાર્મિક અનુષ્ઠાનમાં પહોંચ્યા, જ્યાં દક્ષ પ્રજાપતિએ જમાઈનું યોગ્ય સ્વાગત ન કરતાં સતીને માઠું લાગ્યું અને તેઓ ત્યાં જ યોજાયેલા યજ્ઞના અગ્નિમાં કૂદી ગયાં. આ જોઈ ભોલે ભંડારી ક્રોધિત થઈ ગયા અને સતીનું અર્ધ બળેલું મૃત શરીર લઈ પૃથ્વી પર બહાવરા થઈ ઘૂમવા લાગ્યા. પૃથ્વીલોકનું રક્ષણ કરવા વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી સતીના દેહનો વિચ્છેદ કર્યો અને એ વિચ્છેદનમાં ૫૧ જગ્યાઓએ માતા સતીનાં અંગો પહ્યાં જે આજે શક્તિપીઠ તરીકે પુજાય છે.

મધ્ય પ્રદેશના સતના જિલ્લામાં આવેલા મૈહરમાં માતાનો ગળાનો હાર (આભૂષણ) પડ્યો એટલે ટેક્નિકલી એ શક્તિપીઠ નથી પરંતુ આ સ્થળનું સત્ત્વ એવું પ્રબળ છે કે આ તીર્થસ્થળનો દબદબો શક્તિપીઠથી પણ અગ્રિમ છે.

‘માઈ કા હાર’ પડ્યો એટલે મઈહર તરીકે જાણીતું આ શહેર હવે મૈહર તરીકે ઓળખાય છે અને સતનાથી ૩૪ કિલોમીટરના અંતરે છે. મા શારદાની નગરી મંદિરને કારણે આજે વિશ્વ પ્રસિદ્ધ છે પરંતુ માતા શારદાનું પ્રાગટ્ય અને પરચાની કહાનીઓ તો સદીઓથી પૉપ્યુલર છે. કહેવાય છે કે દોઢ હજારથી વધુ વર્ષો પૂર્વે આ પ્રદેશ હરિયાળી અને વૃક્ષોથી અલંકૃત હતો. ત્યારે એક દિવસ એ વનની નજીકના ગામમાં રહેતો ગોવાળ ગાયોના ધણને ચરાવતાં-ચરાવતાં અહીં પહોંચી ગયો. એ વખતે તેણે જોયું કે તેની ગાયો સાથે એક સોનેરી ગાય પણ અહીં ચરી રહી છે. એ ગાયને જોતાં જ ગોવાળને ખ્યાલ આવી ગયો કે આ ગાય તેની નથી. તેણે વિચાર્યું કે ગામમાં પરત ફરી આ ગાયના માલિક પાસેથી મહેનતાણું લઈશ. પરંતુ તેઓ ગામમાં પાછા આવ્યા ત્યારે એ ધણ સાથે પેલી સોનેરી ગાય ન હતી. એ તો ગાયબ થઈ ગઈ હતી. બીજે દિવસે ફરી ગોવાળ ગાયો સાથે પેલી જગ્યાએ પહોંચ્યો અને ફરી તેણે ગોલ્ડન કાઉ જોઈ. એટલે ગોવાળને થયું, આજે તો હું એ ગાયની પાછળ જ રહું અને તેનો માલિક પાસેથી મજૂરી લઈ જ લઉં. આમ તે ગાયની પાછળ ચાલતો ચાલતો ડુંગર પર પહોંચ્યો અને ગાય એક ગુફામાં પ્રવેશી. ગાય ગુફામાં દાખલ થતાં જ ચમત્કારિક રીતે ગુફા બંધ થઈ ગઈ. પેલો ચારવાહ અવાચક બનીને જોતો રહ્યો. ત્યાં તો સફેદ વસ્ત્રોમાં એક વયસ્ક મહિલા પ્રગટ થયાં અને ગોવાળે માતાને બધી વાત કરી. માતાએ ગાયને ચરાવવા બદલ ગોવાળને થોડા જવના દાણા આપ્યા. ગોવાળે ઘરે જઈને પેલા જવના દાણા જોયા તો એ અમૂલ્ય હીરા-મોતી બની ગયાં હતાં. ગોવાળે વિચાર્યું મારે આ કીમતી રત્નોનું શું કામ? હું એ રાજાને આપીશ અને બદલામાં યોગ્ય વસ્તુ મેળવીશ. બીજા દિવસે ગોવાળ તો પહોંચ્યો રાજા પાસે. રાજનને આખી ઘટના કહી અને પેલાં રત્નો આપ્યાં. બરાબર એ જ રાત્રે સપનામાં રાજાને પેલા ધવલ વસ્ત્રધારી બુઢી અમ્મા આવ્યાં અને કહ્યું કે ‘હું શારદા માતા છું. મારા માથે છત કરાવ અને ભક્તો મારા મઢ સુધી આવી શકે એ માટે અનુચિત માર્ગ કરાવ. રાજા જાગી ગયો અને ગોવાળને લઈ પહોંચ્યો પેલી ગુફા પાસે. ખોદકામ કરાવતાં માતા શારદાની મૂર્તિ મળી અને રાજાએ અહીં મંદિર બનાવડાવ્યું.’

આ કથા ક્યારની છે, માતા શારદાની મૂર્તિ ક્યારની છે એનો તો અહીં ઉલ્લેખ નથી પણ મંદિરની પાસેના એક શિલાલેખમાં વિક્રમ સંવત ૫૫૯ અર્થાત્ ઈ. સ. ૫૦૨માં ચૈત્ર વદ ચૌદશ અને મંગળવાર જેવું આલેખન છે. એ સાથે દેવનાગરી લિપિમાં બૌદ્ધ અને જૈન ધર્મોનાં પણ અનેક ચિહ્નો કોતરાયેલાં છે. 

સ્થાનિક કથા અનુસાર આ ક્ષેત્રના બે કિશોરો, આલ્હા અને ઉદ્દલ જે શારદામાના પરમ ભક્ત હતા, તેમણે ૧૨ વર્ષ આદ્યશક્તિની આકરી તપસ્યા કરી. માતાના આદેશ પ્રમાણે આલ્હાએ પોતાનું શિશ કાપી માતાનાં ચરણોમાં ચડાવ્યું હતું, જેનાથી પ્રસન્ન થઈ માતાએ એને અપ્રતિમ બળ તેમ જ અમરત્વનું વરદાન આપ્યું હતું. વાયકા પ્રમાણે તેમણે પાડોશી રાજ્યના તાકાતવર રાજવી પૃથ્વીરાજ ચૌહાણ સાથે યુદ્ધ કરી તેમને પણ હરાવ્યા હતા. આલ્હા માતાને શારદા માઈ નામે બોલાવતા અને એથી માનું આ નામ લોકપ્રિય થઈ ગયું. આજે પણ અહીં આલ્હા-ઉદ્દલ તળાવ છે જે બારે મહિના કમળોથી ભરેલું રહે છે. તેમ જ આલ્હા-ઉદ્દલનો અખાડો છે જ્યાં એ બે ભાઈઓ કુસ્તીની પ્રૅક્ટિસ કરતા. ભક્તો માતાની યાત્રા કરવા પૂર્વે આલ્હા અને ઉદ્દલના મંદિરે જાય છે. બાદમાં જ એક હજાર ૬૩ પગથિયાં ચડી માતાને ભેટવા જાય છે. ત્રિકુટા પહાડીની ટોચે દરિયાઈ સપાટીથી ૬૦૦ ફીટ ઊંચે આવેલું માતાજીનું મંદિર સામાન્ય છે. પરંતુ એક હાથમાં મધનું પાત્ર અને બીજા હાથમાં પુસ્તક ધારણ કરેલી શારદા માઈની શ્યામવર્ણી પ્રતિમા અત્યંત પ્રભાવશાળી છે. હા, ઉપર પહોંચવા રોપવેની સુવિધા છે. પ્રમાણમાં તેની ટિકિટ પણ સહુને પરવડે એવી છે છતાં માઈ ભક્તો પરમ શ્રદ્ધાથી આ ગોન્ડોલા કરતાં પગપાળા જવાનું વધુ પ્રિફર કરે છે.

મંદિરમાં નરસિંહ ભગવાન (જે પણ પ્રાચીન છે), ગણપતિ, શિવલિંગ તેમ જ અન્ય દેવી- દેવતાઓ પણ બિરાજમાન છે. રોજિંદા ધોરણે દિવસમાં ત્રણ વખત માતાની પૂજા-આરતી કરાય છે. બાકી બેઉ નવરાત્રિમાં માતાનો બ્રાહ્મી, માહેશ્વરી, ગૌમારી, વૈષ્ણવી, ઇન્દ્રાણી, ચામુંડેશ્વરી, ગજલક્ષ્મી જેવો શણગાર કરાય છે અને રથયાત્રા પણ કઢાય છે. વસંત પંચમીના દિવસે યોજાતા સમારોહ વિશેષ પૂજા, અર્ચના, ભોગ સહિત ભજન તેમ જ અનન્ય ઉત્સવનું આયોજન થાય છે એ જ રીતે રામનવમીએ પણ અહીંનો માહોલ અદ્વિતીય બની રહે છે.

સવારના પાંચ વાગ્યાથી ૮ વાગ્યા સુધી અને સાંજે ૪થી ૯ વાગ્યા સુધી ખુલ્લા રહેતા આ મંદિરની બહાર આખો દિવસ ભંડારો ચાલતો રહે છે જ્યાં ફક્ત દસ રૂપિયામાં શીરો, પૂરી, શાક, દાળ, ભાતનું ભોજન મળે છે. એ જ રીતે આરામ કરવા ઉપર થોડી રૂમોનો પણ પ્રબંધ છે. દર્શન, હવન, મુંડન હેતુ યાત્રિકોને લાંબી કતારમાં ઊભા રહેવું ન પડે એ હેતુએ ફ્રી ટિકિટનું બુકિંગ શરૂ થયું છે, જેની માહિતી મા શારદા દેવી મૈહર - શક્તિપીઠની ઑફિશ્યલ વેબસાઇટ પરથી મળી રહે છે.

મુંબઈથી મધ્ય પ્રદેશ, વેસ્ટ બંગાળ, ઉત્તર પ્રદેશ જતી અનેક ટ્રેનો મૈહર ઊભી રહે છે. ૧૭થી ૧૮ કલાકની રેલ જર્ની ડાયરેક્ટ મૈહર ઉતારે છે અને સ્ટેશનથી મંદિર ફક્ત પાંચ કિલોમીટર છે. એ ઉપરાંત સતના, કટની, જબલપુરથી પણ રોડ પરિવહન છે, જે માતાના ધામમાં લઈ જાય છે. આ ટેમ્પલ ટાઉનમાં રહેવા માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. 

પૉઇન્ટ ટુ બી નોટેડ
અમુક ક્મ્યુનિટીમાં બાળકોને શાળાએ મોકલતાં પૂર્વે અહીંની મા શારદાના આશીર્વાદ લેવડાવવાની પ્રથા છે. એ જ રીતે શિશુઓનું પ્રથમ મુંડન પણ અહીં કરાય છે.
ડુંગર ઉપર કોઈને રહેવાની અનુમતિ નથી. પૂજારી પણ મંદિર મંગલ કરી રાત્રે નીચે ઊતરી આવે છે.
સવારે શારદા માતાની પૂજા કઈ રીતે થઈ ગઈ હોય છે એ રહસ્યોનો તાગ મેળવવા અનેક મિડિયા કર્મી અને વૈજ્ઞાનિકોએ અહીં ડેરા ડાલ્યા હતા પરંતુ એનાં સગડ કોઈને સાંપડ્યાં નથી.
મૈહર હિન્દુસ્તાની સંગીતનું એક પ્રચલિત ઘરાના છે જે શૈલી ભારતીય શાસ્ત્રીય સંગીતમાં અતિ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પદ્મ વિભૂષણ ઉસ્તાદ અલાઉદ્દીન ખાન દ્વારા સ્થાપિત મૈહર-સેનિયા ઘરાના શીખવા પંડિત રવિ શંકર, ઉસ્તાદ અલી અકબર ખાન ઉપરાંત અનેક સંગીત સાધકો અહીં આવ્યા છે.
અહીં માતાજીને પાન, સોપારી, નારિયેળ સાથે નાની-મોટી ધજા ચડાવવાનો મહિમા છે. મંદિરના પરિસરમાં ઠેર ઠેર લાલ ધજા બાંધેલી કે ફરકતી જોવા મળે છે. 
કેટલાક ભક્તોના મત પ્રમાણે અહીં સતીદેવીનો હોઠ પડ્યો હતો એથી આ પણ ૫૧ શક્તિપીઠમાંનું એક સ્થાન છે.

life and style travel travelogue travel news madhya pradesh alpa nirmal