25 January, 2026 01:07 PM IST | Mumbai | Alpa Nirmal
સ્વિટ્ઝરલૅન્ડ
અત્યાર સુધી પ્રસારમાધ્યમોમાં દાવોસ વિશે ભારેખમ અને સુષ્ઠુ-સુષ્ઠુ વાતો જ થઈ છે. સૂટ-બૂટ પહેરીને ગંભીર મોઢું રાખી ફરતા મહાનુભાવોએ કરેલી ચર્ચાઓ, શું થશે પૃથ્વીનું, ઇકૉનૉમી-પર્યાવરણના કેવા હાલ (બેહાલ) થશે એવી વાતો જ આપણી પાસે પહોંચી છે; પણ આજે અહીં આપણે દાવોસનાં હલકાં-ફૂલકાં પરિમાણો વિશે જાણીશું. ત્યાંની ભૌગોલિક રચના સાથે પ્રવાસનની વાતો કરીશું. ખાસ તો અહીંના લોકોની, લાઇફસ્ટાઇલની મજેદાર ઇન્સાઇડર વાતો કરીશું
અહીં ચૉકલેટ માત્ર ચૉકલેટ નથી, ઇમોશનલ સપોર્ટ છે.
આપણે ત્યાં નાનાં બાળકો જેમ ધૂળમાં ગેલમસ્તી કરે છે એમ અહીં બચ્ચાલોગ બરફમાં આળોટે છે.
સમસ્ત યુરોપ ખંડનું સૌથી હાઇએસ્ટ નગર દાવોસ સ્વિટ્ઝરલૅન્ડના પૂર્વીય વિસ્તારમાં આવેલા ગ્રાઉન્ડેડ કૅન્ટનનું એક મુખ્ય શહેર છે. ૫૧૨૦ ફીટ ઊંચાઈ ધરાવતું આ સિટી લૅન્ડવાસર વૅલીમાં વિસ્તરેલું છે જેની ચારે બાજુ ઍલ્પ્સની આહ્લાદક પર્વત શૃંખલાઓ છે. શિયાળામાં અહીં બરફનો સફેદ ગાલીચો પથરાઈ જાય છે તો ઉનાળામાં લીલાંછમ ઘાસનાં મેદાનો અને રંગબેરંગી ફૂલો ખીલી ઊઠે છે.
વેલ, સ્વિટ્ઝરલૅન્ડમાં આવાં તો કેટલાંય નગરો છે જ્યાં વિન્ટરમાં ભારે બરફવર્ષા થાય અને સમર એકદમ સુખદ રહે છે. તો પછી આખીયે દુનિયાના લોકો દાવોસ-દાવોસ કેમ કરે છે? એનો ઉત્તર છે અહીં થતી વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમ, જેમાં વિશ્વના ૧૧૦ દેશોના ૩ હજારથી વધુ મિનિસ્ટરો, ઉદ્યોગપતિઓ, વિદ્વાનો અલગ-અલગ વિષયોનાં સત્રોમાં ભાગ લે છે. એક ધારણા પ્રમાણે આ પાંચ દિવસોમાં ૫૦૦થી વધુ સેમિનાર, ટૉક્સ, મીટિંગ આદિ ઑર્ગેનાઇઝ થાય છે. આમ તો છેક ૧૯૭૧થી દાવોસમાં આ પ્રકારના સંમેલનનું આયોજન થાય છે. જોકે જિનીવા યુનિવર્સિટીના પ્રોફેસર ક્લાઉસ શ્વાબે શરૂ કરેલા આવા પાંચ દિવસીય પ્રોગ્રામનું નામ પહેલાં યુરોપિયન મૅનેજમેન્ટ ફોરમ હતું અને ફક્ત યુરોપિયન દેશો એમાં ભાગ લેતા, પરંતુ ધીરે-ધીરે કાર્યક્રમમાં યુરોપ સિવાયના અન્ય દેશો પણ જોડાતા ગયા. આથી ૧૯૮૭માં એનું નામ બદલી વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમ (WEF) રાખવામાં આવ્યું. એમાંય ૧૯૮૮માં દાવોસના WEF દરમિયાન ટર્કી અને ગ્રીસે યુદ્ધ ટાળવાના ઍગ્રીમેન્ટ પર પરસ્પર સમજૂતી કેળવતા સહી-સિક્કા કર્યા ત્યારથી અહીં ફક્ત વ્યાપાર, વાણિજ્ય, પર્યાવરણ, વૈશ્વિક પૉલિસી જ નહીં; કન્ટ્રીઓના વિવાદો, આંતરિક કલહોની ચર્ચાઓ થાય છે, સેટલમેન્ટ્સ થાય છે. અફકોર્સ, એ કહેવાનું ન હોય કે એમાંય બળૂકા દેશોના પ્રતિનિધિઓનું પલડું ભારે રહે છે અને નબળા, ત્રીજા વિશ્વનાં રાષ્ટ્રોના ખાસ વિચાર થતો નથી. ખેર, આ વિષય પર આપણે વધુ ચર્ચા કરવી જ નથી. આપણે અહીંના પર્યટનની વાત કરતાં પહેલાં શહેરના ઇતિહાસની થોડી વાતો કરીએ.
અસીમ પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા આ પ્રદેશનાં સગડ બારમી સદીથી મળે છે. સ્વિટ્ઝરલૅન્ડની તવારીખમાં નોંધાયેલું છે કે ઈ. સ. ૧૨૮૯માં અહીં રહેતા પશુપાલકો અને ખેડૂતોને એ વખતની હકૂમતની ઑફિશ્યલ માન્યતા મળી હતી. જર્મન, ઑસ્ટ્રેલિયન સત્તાઓના કબજામાં રહ્યા પછી આ રિસૉર્ટ ટાઉને આંતરરાષ્ટ્રીય સીમાઓની ઘણી ઊથલપાથલ જોઈ, પરંતુ આ શહેરની કુંડળીના કોઈ ચોક્કસ ગ્રહ એવા શક્તિશાળી રહ્યા કે ૧૪મી સદીથી આ પ્રાંતને પોતાના આગવા અધિકાર, પોતાની શરતો પાલન કરવાની સ્પેશ્યલ છૂટ હતી. નદીઓ, સરોવર, ઝરણાંઓ, કૃષિમેદાનો, વનક્ષેત્ર સાથે ઍલ્પ્સની હારમાળાને કારણે આ ૨૮૪ સ્ક્વેર કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવતા શહેરનાં હવા-પાણી એવાં ટનાટન હતાં કે ૧૯મી શતાબ્દીના મધ્યમાં દાવોસ રોગીઓ, બીમારો માટે સાજા થવાનું સ્થળ બની ગયું. ખાસ કરીને ફેફસાંનો ટીબી ધરાવતા પેશન્ટને ડૉક્ટરો અહીં સમય ગાળવાનું સૂચન કરતા. એમ કહેવાતું કે અહીંની હવા એવી શુદ્ધ છે કે જીવાણુગ્રસ્ત ફેફસાંઓને નવજીવન બક્ષે છે. આ તરજ પર રોગીઓને રહેવા માટે અહીં ઘણાં સૅનટોરિયમ બન્યાં હતાં. આજે આવાં સૅનટોરિયમ હોટેલ, કૉન્ફરન્સ હૉલ કે એક્ઝિબિશન હૉલમાં તબદીલ થઈ ગયાં છે. ખાસ કરીને વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમ વખતે ઓલ્ડ સૅનટોરિયમમાં ઘણી કન્ટ્રીઓ પોતાના પેવેલિયન બનાવે છે.
દાવોસવાસીઓ કોલ્ડ નહીં, કૂલ છે
તેમની પરિહાસ કળા અનન્ય છે. ઉદાહરણ તરીકે વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં આવતા મહાનુભવો વિશે તેમની ટિપ્પણી વાંચો. તેઓ અંદરોઅંદર વાતો કરે છે કે આ અઠવાડિયે કૉફી મોંઘી નહીં, સ્ટ્રૅટેજિક થઈ જાય છે. અને અહીંના ATM પણ VIP બની જાય છે. અને આગળનું તો બહુ હાઈ લેવલનું છે. આ દરમિયાન એટલી કડક સિક્યૉરિટી રહે છે કે હાઈ પ્રોફાઇલ લોકોને લઈને આવતા હેલિકૉપ્ટરને કારણે પવનોના ફોર્સ પર વિનોદ કરે છે કે આ હવા પણ ઓળખપત્ર બતાવીને વાય છે.
દાવોસિયન્સની એન્જૉય કરવાની પદ્ધતિ પણ સ્નોફ્લેક પડવાની સ્પીડ જેવી ધીમી છે.
હવે દાવોસનાં અન્ય પાસાંની વાત કરીએ. આમ તો બેમિસાલ બ્યુટી ધરાવતા આખાય સ્વિટ્ઝરલૅન્ડમાં અનેક ઠેકાણે શિયાળામાં સ્કીઇંગ થાય છે. અહીં ઝરમેટ જેવાં પણ અનેક ટાઉન છે જ્યાં બારે મહિના આઇસપ્રેમીઓને સરકવાની સગવડ મળે છે તો દાવોસનું સ્કીઇંગ કેમ ફેમસ છે? એનો જવાબ છે. અહીં ૬ અલગ-અલગ સેક્ટર છે જેમાં દરેક લેવલનું સ્કીઇંગ કરી શકાય છે. કુલ ૩૦૦ કિલોમીટર લાંબો ટ્રેક ધરાવતા આ સ્લોપમાં ફ્રી સ્ટાઇલર્સ અને નવશીખિયાઓ માટે પણ ભિન્ન વિસ્તાર છે તો એક્સપર્ટ્સ માટે પણ અલાયદો એરિયા છે. સ્કી-સ્લોપની ઊંચાઈ વધુ હોવા છતાં અહીંનો બરફ ભરોસાપાત્ર છે. મીન્સ અકસ્માતો થવાના ચાન્સિસ નહીંવત્ છે. વળી આધુનિક લિફ્ટ-સિસ્ટમથી પહાડોની ટોચે પહોંચવું સરળ છે. દરેક સ્કી-સ્પૉટ પાસે શાનદાર માઉન્ટન રેસ્ટોરાં છે. વળી આ સ્કી-સ્લોપ્સ પર જવું પણ ઈઝી છે. સરકારી બસ, ટ્રેન જેવી પરિવહન સેવાને કારણે કોઈ તકલીફ વગર ડાયરેક્ટ સ્ટાર્ટિંગ પૉઇન્ટ્સ પર પહોંચી શકાય છે. (ટૅક્સીનો ખર્ચો નથી ને વળાંકોવાળી લાંબી જર્ની પણ નથી.) એ જ રીતે અમુક સ્કી-ઢોળાવ તો ડાયરેક્ટ ટાઉન-સેન્ટર નજીક જ એન્ડ થાય છે. સંક્ષેપમાં કહીએ તો દાવોસ ફક્ત સ્કી રિસૉર્ટ નહીં, સ્કીઇંગની સંપૂર્ણ ઇકો-સિસ્ટમ છે. નવેમ્બરથી માર્ચ દરમિયાન અહીં ભરપૂર માત્રામાં સ્નોફૉલ થાય છે, કારણ કે પર્યાવરણ ઇન્ટૅક્ટ છે અને બરફ મળશે જ એ ખાતરી સ્કીલવર્સને દાવોસ ખેંચી આવે છે. સ્કીઇંગ ઉપરાંત અહીં સ્નોબોર્ડિંગ, આઇસ હૉકી, સ્નો શૂ હાઇકિંગ જેવી ઍડ્વેન્ચરસ ઍક્ટિવિટી સુધ્ધાં થાય છે. ઍન્ડ યુ નો, પ્રવાસીઓ ઉપરાંત ૯૦ ટકા લોકલ્સ પણ કોઈ ને કોઈ ખેલગતિવિધિ સાથે જોડાયેલા હોય છે. ઇન ફૅક્ટ, દાવોસના નિવાસી જો સ્કી ન કરે તો લોકો તેને પૂછે છે, ‘બધું ઠીક છેને? કોઈ મેડિકલ કારણ છે કે શરીરનાં અંગોમાં બાળપણથી કોઈ ખોડખાંપણ છે?’ હા, આ સચ્ચાઈ છે કારણ કે અહીં બાળક ચાલવાનું શીખવા પહેલાં સ્કી શીખે છે. ને જો તમે એમ માનતા હોને કે બરફમાં સરકવું, પડવું, આખડવું તો જુવાનિયાને કિશોરોનું કામ છે તો સૉરી, અહીં વૃદ્ધો પણ સડસડાટ સ્કી કરે છે. અહીં પડવું એ શરમની વાત નથી, ન પડવું એક સ્કિલ છે.
દાવોસની લોકલ વસ્તી ૧૦ હજારની આસપાસ છે. અહીં રહેનારા લોકો પ્રકૃતિપ્રેમી અને મૅચ્યોર માઇન્ડસેટ ધરાવનાર છે. સ્વિટ્ઝરલૅન્ડના અન્ય ભાગોના સિટિઝનની કમ્પૅરિઝનમાં દાવોસના રહેવાસીઓ થોડા અતડા અને ઇન્ટ્રોવર્ટ લાગે. તેમના હાવભાવ, બૉડી-લૅન્ગ્વેજ પણ બહુ વેલકમિંગ ન લાગે પણ તેઓ બોરિંગ બિલકુલ નથી. હકીકતે તેઓ ઇન્ટેલેક્ચ્યુઅલ કમેન્ટ્સ કરવામાં પાવરધા છે. અહીંના સ્થાનિક લોકો એકબીજાને મળે ત્યારે એવું નથી કહેતા કે આજે વધુ ઠંડી છે, પણ વ્યંગ કરે છે કે આજે ઓછી ઠંડી નથી લાગતી? ભલેને પારો માઇનસ ૧૦ ડિગ્રીએ પહોંચી ગયો હોય. અરે, ટેમ્પરેચર માઇનસ ૨૦ ડિગ્રીએ જાય તોય ઠંડી વધુ છે એવી વાત નહીં. એકબીજાને કહે છે બસ, જૅકેટની ઝિપ બરાબર બંધ કરજો. હજી આગળ વાંચો. કડકડતી ઠંડીમાં બહારથી આવેલો માણસ ઘરે કે કોઈ ઠેકાણે પહોંચે ત્યારે બીજાને એમ કહે છે, આજે તો વેધર બહુ સરસ છે, વાય આર યુ ઇન્સાઇડ? અને એ સાંભળનાર વ્યક્તિ ખરેખર બહાર નીકળે છે, કહેનાર વ્યક્તિને બતાવી દેવા.
ગુજરાતીઓ કેમ નથી જતા દાવોસ?
સુંદર અને સગવડદાયક (વાંચો, લક્ઝુરિયસ) હોવા છતાં ગુજરાતી ટૂરિસ્ટોમાં દાવોસ અન્ય સ્વિસ સીનિક પ્લેસિસ જેવું પ્રિય નથી કારણ કે આ ટાઉન અત્યંત મોંઘું છે. સિટીમાં રહેવાનું તો ખરું જ પણ સ્કી-સ્લોપ પર આવેલી રેસ્ટોરાંમાં અડધા લીટર પાણીની બૉટલ ભારતીય ચલણમાં ૬૦૦ રૂપિયાની પડે છે અને સાદી બ્લૅક કૉફીનો કપ ૩ હજાર રૂપિયાનો. એય ઠીક, પણ તમને લાગે છે કે કોઈ ગુજરાતી લાલ પૈસા ખર્ચીને આવા અકડુ દાવોસિયનોની તુમાખી સહન કરે?
વિદગ્ધ સ્વભાવ ધરાવતા આ લોકલ્સની બીજી ખાસિયત એ છે કે તેઓ સમયના અત્યંત પાબંદ છે. ૯ વાગ્યાની ટ્રેન કે બસ ૯.૦૧ આવે તો ડ્રાઇવરને કટાક્ષ કરે છે કે શું બહુ ટ્રાફિક નડ્યો? (કારણ કે ટ્રાફિક જૅમ જેવો શબ્દ અહીં વૅલિડ જ નથી) અને જો વાહન બે મિનિટ મોડું આવ્યું તો ત્રીજી મિનિટે પ્રશાસનમાં એની ફરિયાદ થઈ જાય છે. જ્યારે કોઈ વ્યક્તિને મળવાનું હોય અને એકાદ મિનિટ આગળ-પાછળ થાય તો તરત જ પુછાય છે કે ‘તમારી તબિયત તો ઠીક છે?’ અલબત્ત, એ કાળજીના સ્વરૂપે નથી હોતું, એ સો ટકા સટાયર હોય છે. રહેવાસીઓ માને છે કે ઘડિયાળ ફક્ત સમય નથી બતાવતી, સામેવાળી વ્યક્તિનું કૅરૅક્ટર છતું કરે છે. ઍન્ડ તેમના સ્વભાવની ચરમસીમા એ છે કે મળવાનો સમય નક્કી થયા બાદ જો મળનાર વ્યક્તિ પાંચ મિનિટ મોડી આવે તો દાવોસનો સિટિઝન તેને મળ્યા વગર જતો રહે છે, ભલેને સામે મોટો ચમરબંધી હોય. અમેરિકાની સરખામણીએ યુરોપમાં વ્યક્તિના પહેરવેશનું બંધારણ થોડું કડક છે. અહીં સામેવાળાનાં કપડાં, રંગસંયોજન, ફિટિંગ, ઍક્સેસરીઝ, સંપૂર્ણ ઍટાયર સામેની વ્યક્તિ પર પહેલી ઇમ્પ્રેશન પાડે છે. જોકે દાવોસમાં બારે મહિના જૅકેટ પહેરવું પડે એવું જ વાતાવરણ હોય છે એટલે અન્ય ફૅન્સી કપડાંનો સવાલ નથી કે કેવી ફૅશનનાં કપડાં પહેર્યાં છે. અહીંના લોકો પહેલી મુલાકાત વખતે આગંતુકોનો ચહેરો નહીં, જૅકેટ જુએ છે. પર્ફેક્ટ ફિટેડ, ટેમ્પરેચરને અનુરૂપ જાડુંપાતળું જૅકેટ પહેર્યું છે કે નહીં એ આયામે નવી વ્યક્તિને જ્જ કરે છે.
આટલું વાંચીને લાગે કે દાવોસવાસીઓ બહુ અઘરી નોટ (અમદાવાદી ગુજરાતીમાં) છે, પણ એ સંપૂર્ણ સત્ય નથી. અહીંના લોકો શાંત, વિનમ્ર અને થોડા પ્રાઇવેટ છે. બહુ બોલવા કરતાં ટાઇમ પર યોગ્ય બોલવું પસંદ કરે છે. બહુ જોર-જોરથીયે નથી હસતા. બસ, લિટલ સ્માઇલ. જેમ એક્સપ્રેશનમાં તેઓ ડ્રાય છે એ જ રીતે તેમનો ખોરાક પણ ફીકો, નો સ્પાઇસ, લેસ સૉલ્ટેડ હોય છે. રેસ્ટોરાંમાં જો કોઈ વ્યક્તિ ચિલી પાઉડર કે તીખો સૉસ મગાવે તો વેઇટર જ નહીં, રેસ્ટોરાંમાં આવેલા અન્ય લોકો પણ એને અલગ નજરે જુએ છે. હા, તેઓ ચીઝ ભરપૂર ખાય છે. તેઓ મજાકિયા અંદાજમાં કહે છે કે અહીં ગાય દૂધની પહેલાં ચીઝ આપે છે (અનધર ડાર્ક હ્યુમર). હા, એ વાત તો નોંધનીય છે કે અહીં ગાયો અસ્સલ VVIPનો દરજ્જો ભોગવે છે. ગળામાં સ્વિસ બેલ બાંધી જ્યારે ધીમી ગતિએ પણ જબરદસ્ત ઍટિટ્યુડ સાથે જ્યારે એ ચાલે છે ત્યારે અહીં વાહનો રોકાઈ જાય છે.