ચાલો ફરવાઃ કાશ્મીર ગ્રેટ લેક્સના ટ્રેકમાં જવાનો પ્લાન હોય તો આ છે બધી જરૂરી માહિતી

26 September, 2022 02:50 PM IST  |  Mumbai | Dharmishtha Patel

કાશ્મીર ગ્રેટ લેક્સના ટ્રેકમાં થતા અનુભવો અને ત્યાંની ખુબીઓ વિશે ધર્મિષ્ઠા પટેલે વિગતે જણાવ્યું, આજે તેના છેલ્લા હપ્તામાં તે જણાવે છે કે ત્યાં જવું હોય તો ક્યારે અને કેવી રીતે કરવું પ્લાનિંગ

ગંગાબલની તસવીર - સૌજન્ય - ધી ટ્રેકિંગ શૂઝ બાય ધર્મિષ્ઠા પટેલ

‘કાશ્મીર ગ્રેટ લેક્સ’ ભારતનો બેસ્ટ મોનસૂન ટ્રેક છે. ચોમાસા દરમિયાન સમગ્ર દેશમાં ભારે વરસાદ હોય છે. જો કે કાશ્મીર ગ્રેટ લેક્સ પીર પંજાર રેન્જમાં આવે છે જ્યાં અન્ય જગ્યાની સરખામણીએ વરસાદ ઓછી માત્રામાં થાય છે. આ ટ્રેક પર રોજ 360 વ્યૂહ જોવા મળે છે. અલ્પાઈન લેક,  વેલી,  ઘાસના મેદાનો, જંગલ, પહાડ, સ્નો,ગ્લેશિયર, સુંદર લેન્ડસ્કેપ, વરસાદ અને તડકો બધુ જ આ ટ્રેકમાં છે. જો તમે આ ટ્રેક કરવા માંગો છો તો આ આર્ટિકલ તમારા માટે છે. અહીં ટ્રેકને લઈને તથા તેના, ખર્ચ, ડિફિકલ્ટી લેવલ અને તૈયારી કેવી રીતે કરવી જોઈએ જેવા તમામ સવાલોના જવાબ આપવાનો મેં પ્રયત્ન કર્યો છે. જે તમને ટ્રેક પ્લાન કરવામાં મદદ કરશે.

1. કાશ્મીર ગ્રેટ લેક્સ ક્યાં સ્થિત છે?

‘કાશ્મીર ગ્રેટ લેક’ કાશ્મીર વેલીના સેન્ટ્રલ પાર્ટમાં આવેલ છે. જે વેસ્ટર્ન હિમાલયમાં જમ્મુ કાશ્મીર રિઝનમાં સ્થિત છે. આ ટ્રેક ગંદરબલ જિલ્લામાં આવે છે.   ટ્રેક સોનમર્ગના શીતકાળી ગામથી શરુ થાય છે અને નારાનાગમાં પૂર્ણ થાય છે.  ટ્રેકના પૂર્વમાં સોનમર્ગ અને પશ્ચિમમાં નારાનાગ સ્થિત છે. ટ્રેક દરમિયાન મેક્સિમમ એલ્ટિટ્યૂડ ગદસર પાસ 13, 850 ફીટ (4200 મીટર) છે.

2. કેવી રીતે પહોંચશો ?

આ ટ્રેક માટે તમારે સોનમર્ગના શીતકાળી ગામ પહોંચવાનું રહેશે. જમ્મુ નજીકનુ રેલવે સ્ટેશન છે. જ્યારે નજીકનું એરપોર્ટ શ્રીનગર છે. ત્યાંથી તમે પ્રાઈવેટ વાહનથી કે બસથી શીતકાળી ગામ પહોંચી શકો છો. શ્રીનગરથી શીતકાળી ગામ 80થી 90 કિમીના અંતર પર સ્થિત છે. જ્યાં  પહોંચવામાં લગભગ 3 કલાકનો સમય લાગશે.

જુઓ તસવીરોઃ  ચાલો ફરવાઃ કાશ્મીર ગ્રેટ લેક્સની સફરમાં જ્યારે 4 જણનો જીવ જોખમાયો ભાગ 1


3.  કેટલા દિવસનો અને કેટલા કિલો મીટરનો ટ્રેક છે?

શીતકાળીથી શરુ થઈ નારાનાગમાં પૂર્ણ થતો આ ટ્રેક 7 દિવસ અને 6 રાત્રીનો છે. જેનું કુલ અંતર 82 કિલોમીટરનું છે.  જેમાં પ્રથમ દિવસે શીતકાળી (7800 ફીટ)થી ટ્રેક શરુ થાય છે. પ્રથમ દિવસે નીચનાઈ (11, 500ફીટ) પહોંચવાનું હોય છે. આ અંતર 11.6 કિમીનું છે. જેના માટે 6 કલાકનો સમય લાગતો હોય છે. બીજા દિવસે સાડા તેર કિમીનું અંતર કાપી વિષ્ણુસર (12, 011 ફીટ) પહોંચવાનું રહેશે. જેના માટે સાડા 5 કલાકનો સમય લાગશે. ત્રીજા દિવસે જો અહીં ભારે વરસાદ પડ્યો તો આગળ પ્રસ્થાન કરવામાં આવતુ નથી. વિષ્ણુસર કેમ્પસાઈટ પર જ રોકાણ હોય છે. જેને રેસ્ટ ડે માનવામાં આવશે. જો વરસાદ નથી પડતો તો ત્રીજા દિવસે 16 કિમીનું અંતર કાપી વિષ્ણુસરથી ગદસર કેમ્પસાઈટ પહોંચવાનું રહેશે.  જેમાં ક્રિષ્ણસર, ગદસર લેક (11, 800 ફીટ), ગદસર પાસ (13, 850 ફીટ) જે આ ટ્રેકની મેક્સિમમ હાઈટ છે તેને ગેઇન કરતા ગદસર (12,200 ફીટ) કેમ્પસાઈટ પહોંચવાનું રહેશે. જેમાં લગભગ 6થી 7 કલાકનો સમય લાગશે. ચોથા દિવસે સાડા અગ્યાર કિમીનું અંતર કાપી સતસર (11,860 ફીટ) કેમ્પસાઈટ પહોંચવાનું હોય છે. જ્યાંથી સતસર લેક (11, 840 ફીટ) ને એક્સપ્લોર કરવામાં આવે છે. પાંચમાં દિવસે 9 કિમીનો ટ્રેક કરી ગંગબલ ટ્વીન લેક પહોંચવાનું હોય છે. જેમાં માર્ગમાં ઝાચ પાસ (Zach Pass) (13000 ફીટ) આવશે. ટ્રેકના અંતિમ દિવસે એટલે કે છઠ્ઠા દિવસે 13 કિમીનું અંતર કાપી ગંગબલથી નારાનાગ (7450 ફીટ) પહોંચવાનું હોય છે.

4. ટ્રેકનું ડિફિકલ્ટી લેવલ કેટલું છે અને બેસ્ટ સિઝન કઈ છે?

આ મોડરેટ ટ્રેક છે.  આ ટ્રેક બિગનર પણ કરી શકે છે. બસ બીજા દિવસે વિષ્ણુસરથી ગદસરનો રુટ મોડરેટ ટુ ડિફિકલ્ટ છે. જો કે આ ટ્રેક કરતા પહેલાના વર્કઆઉટ અને ફિટનેશ પર ખૂબ ધ્યાન આપવું પડશે. ફિટનેશ વગર આ ટ્રેક કરવાની સલાહ મુર્ખામી ભરી ગણાશે. ટ્રેકના તમામ રુટ ખૂબ લાંબા છે તો ધૈર્ય રાખી બસ ચાલતા રહેવાનો એક જ સિદ્ધાંત યાદ રાખવો. બેસ્ટ સિઝનની વાત કરુ તો જુલાઈથી સપ્ટેમ્બર છે.  કેમ કે આ દરમિયાન રુટ ઓપન હોવાની સાથે ખુબ સુંદર ફુલોથી ભરેલો પણ હોય છે.

જુઓ તસવીરોઃ ચાલો ફરવાઃ એ તબ્બકે એક ચૉકલેટની કિંમત એટલી જ હતી જેટલી મારા જીવનની - GKL ભાગ 2


5.  ટ્રેક કેમ પ્રખ્યાત છે?

આ ટ્રેક તેના ટર્કોઈઝ રંગના 7 અલ્પાઈન લેકના કારણે વધારે પ્રસિદ્ધ છે. જો કે આ ટ્રેકમાં લેકની સાથે માર્ગમાં આવતા 6 વિભિન્ન ઘાસના મેદાનો, 5 વેલી, જંગલ, ગ્લેશિયરના સ્પોર્ટ, પહાડ અને સુંદર લેન્ડસ્કેપ સાથે અહીંનું વાતાવરણ એક અલગ જ અનુભૂતિ આપે છે. તેમજ માર્ગમાં આવતી નદીઓ સુંદરતામાં વધારો કરે છે. આ સંપૂર્ણ સૌંદર્ય પેકેજના કારણે આ ટ્રેક ખૂબ પ્રખ્યાત છે. અહીં ક્યારેક જંગલ પાર કરવાના હોય છે, તો ક્યારેક ઘાસના મેદાનો, તો ક્યારેક રોકી પહાડો અને બોલ્ડર્સ . તો ક્યારેક નદીને પાર કરવા જેવી થ્રીલ પણ ટ્રેકમાં અનુભવી શકાય છે. જે ટ્રેકર્સને આકર્ષિત કરે છે.

જુઓ તસવીરોઃ ચાલો ફરવાઃ અહીંથી પાકિસ્તાની પર્વતોની રેન્જ જોવા મળી - કાશ્મીર ગ્રેટ લેક્સ - ભાગ 3

6. કેટલો ખર્ચ થાય છે?
ટ્રેક ઓર્ગેનાઈઝર કંપનીઓ આ ટ્રેક માટે અલગ અલગ ફી ચાર્જ કરતી હોય છે. જેથી આ ટ્રેક 9000થી 15 000 રુપિયામાં થઈ શકે છે. તમે ઈચ્છો તો સોલો ટ્રેક પણ કરી શકાય છે. જે માટે તમારે જમ્મુ - કાશ્મીર પ્રવાસન વિભાગની પરવાનગી લેવાની રહેશે. આ પરવાનગી તમે શ્રીનગર ટુરિઝમ ઓફિસમાં જઈને લગભગ 150 રુપિયાની ફી ભરી માંગી શકો છો.

જુઓ તસવીરોઃ  ચાલો ફરવાઃ અહીંથી જ વિશ્વનો બીજો સૌથી ઉંચો પર્વત K2 મળ્યો હતો KGL ભાગ – 4

7. ટ્રેક પર જતા પહેલા શું તૈયારી કરશો?

આ ટ્રેક ચોમાસા દરમિયાન થાય છે. જેથી તમે ટ્રેક દરમિયાન રેઈનકોટ કે પોંચો અવશ્ય સાથે રાખો. તમારા રકસકનું રેઈન કવર પણ સાથે રાખો. રકસકની અંદરનો સામાન પણ પોલીથીનની અંદર પેક કરીને જ મુકો. ગરમ કપડા રાખવા કેમ કે રાતે ઠંડી વધતી હોય છે. ટ્રેકિંગ બુટ વોટરપ્રૂફ વાળા અને સારી ગ્રીપ વાળા હોય તે ખૂબ જરુરી છે. સાથે વોકિંગ સ્ટિક તમારી જરુરિયાત હોય તો રાખી શકો છો બાકી ન હોય તો પણ ચાલે.  ટ્રેક દરમિયાન પાણી પીવાનો આગ્રહ અવશ્ય રાખવો.

જુઓ તસવીરોઃ ચાલો ફરવાઃ ભારતના સિકંદર મનાતા રાજાએ બંધાવેલું આ શિવ મંદિર જર્જરિત સ્થિતિમાં છે KGL ભાગ 5

8. તમારા કામની કેટલીક મહત્વની માહિતી

આ ટ્રેક પાકિસ્તાન બોર્ડરની નજીક છે. જેથી સુરક્ષાના હેતુથી ટ્રેક દરમિયાન અનેક વાર આર્મીના જવાનો દ્વારા તમારું આઈડી પ્રુફ માંગવામાં આવે એવું બનશે. તેમજ 2થી 3 જગ્યાઓ પર આર્મી ચેક પોસ્ટ પણ આવશે જેથી જવાનોને સહયોગ આપવો. તેમજ સાથે ફોટો આઈડી પ્રુફ અવશ્ય રાખવુ. જો સોલો ટ્રેક કરી રહ્યા છો તો પરમીટ પેપર પણ સાથે રાખવા. તેમજ અહીં ડ્રોન શોર્ટ્સ લેવાની ભૂલ ન કરતા જવાનો તમારા ડ્રોનને હવામા જ  તોડી પાડશે. ટ્રેક દરમિયાન અનેક બકરવાલ પોતાના પશુઓ સાથે આ જગ્યાઓ પર  જોવા મળશે. તેમના જાનવરોને કોઈ પણ પ્રકારનું નુકશાન તમારાથી ન થાય તેનું ધ્યાન રાખવું.

travelogue travel news Trekking kashmir