ઍન્ટાર્કટિકાનાં પાંચ પ્રવેશદ્વારોમાંનું એક પ્રવેશદ્વાર એટલે ક્રાઇસ્ટ ચર્ચ

28 January, 2024 03:55 PM IST  |  Mumbai | Manish Shah

ભલે ઍન્ટાર્કટિકા જવાનું દરેક માટે સંભવ ન હોય, પણ ન્યુ ઝીલૅન્ડના આ શહેરમાં તમારે ઍન્ટાર્કટિકામાં હો એવો અને બર્ફીલા તોફાનની જમાવી દેતી કાતિલ ઠંડીનો અનુભવ જરૂર કરવા જેવો છે

પેપર ક્લિયર વૉટર રિસૉર્ટની સવાર

સવારના સાડાપાંચ વાગ્યે ઊઠેલો હું પળેપળ આનંદ માણી રહ્યો હતો. ક્રાઇસ્ટ ચર્ચ માટે એક જ દિવસ મળ્યો હતો એટલે થોડો અસમંજસમાં હતો. શું કરવું, શું નહીં. પરંતુ એ બધું અત્યારે આ સમયે અસ્થાને હતું. અત્યારનો આનંદ અલગ જ હતો. લગભગ આઠેક વાગ્યે નીકળવાનું નક્કી કર્યું હતું પરંતુ કદાચ મોડું થશે એવું લાગતું હતું. ડેક ઉપર પક્ષીની, બતકોની, કુદરતની સંગાથે લગભગ એક કલાક ગાળ્યો. વરસાદ થોડો ધીમો થઈ ગયો હતો. હજી પણ મારી પાસે સમય હતો એટલે ફોટોગ્રાફી માટે એક નાનો આંટો મારવાનું નક્કી કર્યું. અડધો-પોણો કલાક પૂરતો થઈ રહેશે એવું લાગતું હતું. બીના ઊઠી ગઈ હતી પરંતુ તેણે કૉટેજમાં જ રહેવાનું નક્કી કર્યું. સરોવરની સમીપે. 

હું નીકળ્યો. અહીં સવારનો માહોલ કંઈક અલગ જ હતો. મસ્ત. ફોટો માટે પ્રકાશ એકદમ  અનુકૂળ નહોતો, પરંતુ ચાલે. વરસાદી માહોલ ફોટોગ્રાફ્સમાં સારા જ લાગે. થોડું ચાલ્યો અને રિસેપ્શન પર જઈ પહોંચ્યો. આમ તો કોઈ જ નહોતું પરંતુ બહાર નીકળતાં જ એક કર્મચારી મળી ગયો. અભિવાદન કર્યા પછી મેં તેને રિસૉર્ટનો એક આંટો મારવો છે એમ કહ્યું અને રિસૉર્ટનો કોઈ નકશો હોય તો આપવા કહ્યું. એ થોડું મલક્યો અને પછી મને નકશો હાથમાં પકડાવી તે દરવાજા તરફ ચાલી નીકળ્યો. મેં નકશો જોયો અને મારાથી ધીમી રાડ પડાઈ ગઈ. તેને પરત બોલાવ્યો અને નકશો દેખાડી પૂછ્યું. આ રિસૉર્ટમાં તો સરોવર છે, ચાર મોટા મીટિંગ રૂમ છે, ત્રણ પાર્કિંગ લૉટ છે, પૂરેપૂરા ૧૮ હોલવાળો ગૉલ્ફ કોર્સ છે. આ આખો નકશો જોઈને આ રિસૉર્ટ વિશાળ હોવાનો અંદાજ તો આવી ગયો છે પરંતુ વાંધો ન હોય તો આ રિસૉર્ટનો કુલ વિસ્તાર એટલે કે ક્ષેત્રફળ કહેશો? તે ફરી મલક્યો અને કહ્યું ૪૬૫ એકર. શું?! મેં માથું ધુણાવ્યું અને ફરી પૂછ્યું ૪૬૫  એકર્સ? તેણે હા પાડી. મારી પહોળી થયેલી આંખો જોઈને ભાઈસાહેબને મજા પડી ગઈ. મને કહે, રિસૉર્ટનો એક આંટો મારી આવો પછી આપણે મળીશું. રિસેપ્શન હૉલ અમારા ખડખડાટ હાસ્યથી ગુંજી ઊઠ્યો. આ કલ્પનાતીત હતું. નકશા પર ફરી નજર માંડી અને બાજુમાં આવેલા સોફા પર બેસીને કઈ દિશામાં, કયા ખૂણામાં જવું એ નક્કી કરવા લાગ્યો. રિસૉર્ટમાં આવેલા સરોવરનું નામ લેક કાઇકાઇનુઇ (lake kaikainui) છે. આંતરરાષ્ટ્રીય કક્ષાનો પ્રોફેશનલ ગૉલ્ફ કોર્સ છે અને અહીં અનેક હરીફાઈઓ પણ યોજાતી રહે છે એ પણ ખબર પડી. બે આંતરરાષ્ટ્રીય કક્ષાના ટેનિસ કોર્ટ્સ પણ ખરા. આ રિસૉર્ટ પોતે જ એક ફરવાલાયક સ્થળ છે એવું મનોમન વિચારી મલકી પડ્યો. આવો તો અંદાજ જ નહોતો. સુંદર બગીચાઓ, ખુલ્લાં મેદાનો ધરાવતા આ રિસૉર્ટમાં ફક્ત ૬૬ રૂમ્સ જ આવેલા છે, જેમાં ૧૬૫ મહેમાનો જ રહી શકે છે. જરા વિચારો, ૪૬૫ એકર્સ વિસ્તારમાં ૧૬૫ જણ એટલે કે પ્રત્યેક મહેમાન દીઠ ત્રણ એકર જગ્યા!  હું તો નવાઈ પામી ગયો. અહીં તો લોકો લગ્ન પણ કરે છે. મેં આશ્ચર્યચકિત થઈ ગયેલા મનને ટપાર્યું અને લૉબીની બહાર નીકળ્યો. જમણે હાથે કૉટેજિસ હતી એટલે ડાબે જવાનું નક્કી કર્યું. ચાલવાનું શરૂ કર્યું. આહ્લાદક વાતાવરણ હતું. બહાર નીકળતાં જ વહેલી સવારમાં આ રિસેપ્શનનું મકાન કાંઈક અલગ જ લાગી રહ્યું હતું. ત્રિકોણ આકારનું પ્રવેશદ્વાર ધરાવતા રિસેપ્શનનો પ્રભાવ જ કંઈક અલગ પડી રહ્યો હતો. દસેક મિનિટ ચાલ્યો. કૉટેજિસની બીજી હરોળ આવી, પરંતુ અહીં સરોવર નહોતું. બગીચાઓ હતા. સરસ, સજાવેલા, સુંદર, મનમોહક બગીચાઓ. ફોટોઝ લીધા. ગૉલ્ફ કોર્સનો એક હિસ્સો દેખાયો. ગૉલ્ફ કોર્સના ઘાસની સુંદરતા જ કાંઈક અલગ હોય છે. એકસરખું, ઝીણું લીલુંછમ ઘાસ કોઈને પણ આકર્ષિત કરવા પૂરતું છે. હજી થોડો આગળ વધ્યો અને પછી કૉટેજ તરફ પાછો વળ્યો. આ તો ની:સીમ હતું. નિતાંત. કોઈ અંત જ નહોતો. મસ્ત મજાનો આવો પથરાયેલો રિસૉર્ટ જોઈને મન આનંદિત, પ્રફુલ્લિત થઈ ઊઠ્યું. સવાઆઠે પહોંચ્યો ત્યારે બધા ઊઠી ગયા હતા. થોડી વાર બેઠા. બધી માહિતી, અનુભવ બધાં સાથે વહેંચ્યાં. વિસ્તાર સાંભળીને તો બધા છક જ થઈ ગયા. ફટાફટ સ્નાન પતાવ્યું અને બ્રેકફાસ્ટ ટેબલ પર. 

ક્રાઇસ્ટ ચર્ચના નકશાઓ નીકળી ગયા. ભૂગોળની વાત પછી. પહેલાં થોડો ઇતિહાસ જાણીએ. કોઈ પણ દેશનો, મુખ્ય શહેરોનો ઇતિહાસ જો જાણેલો હોય તો બહુ જ ફરક પડે છે. અમારા જેવા એકલા ફરવાવાળાનું આ એક ખૂબ જ મહત્ત્વનું હાથવગું હથિયાર છે. ટૂરમાં ફરવાવાળાની તો વાત જ અનોખી હોય છે. તેમને ન તો સમય હોય છે અને ક્યારેક-ક્યારેક એવી રુચિ પણ નથી હોતી. સ્થાનિકો સાથે વાત કરવાનો, સમય ગાળવાનો, તેમની સંસ્કૃતિ જાણવાનો આનંદ જ અનેરો હોય છે. ૧૪૨૬ સ્ક્વેર કિલોમીટરનો વિસ્તાર ધરાવતા ક્રાઇસ્ટ ચર્ચની વસ્તી જાણવી છે? ભૌગોલિક વિસ્તારની દૃષ્ટિએ સમગ્ર ન્યુ ઝીલૅન્ડમાં બીજા નંબરે આવતા ક્રાઇસ્ટ ચર્ચની વસ્તી છે ૩,૯૬,૦૦૦ માણસો! ફક્ત ૩,૯૬,૦૦૦ બસ. આમ તો બ્રિટિશર્સ દ્વારા થર્ટી ફર્સ્ટ જુલાઈ, ૧૮૫૬માં સ્થપાયેલા આ શહેરનું નામ, ન્યુ ઝીલૅન્ડનાં બીજાં શહેરોનાં નામની જેમ જ યુકેમાં ઑક્સફર્ડમાં આવેલા ક્રાઇસ્ટ ચર્ચ નામના વિસ્તાર પરથી જ પડ્યું છે. માઓરી ભાષામાં આ શહેરનું નામ ઓતાઉતાહી (otautahi) છે. ક્રાઇસ્ટ ચર્ચના નામે ઘણાબધા ફર્સ્ટ જોડાયેલા છે. આપણું આ ક્રાઇસ્ટ ચર્ચ ન્યુ ઝીલૅન્ડનું જૂનામાં જૂનું શહેર હોવાનો પણ દરજજો ભોગવે છે. ન્યુ ઝીલૅન્ડનું પહેલું આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પણ ક્રાઇસ્ટ ચર્ચમાં આવેલું છે. આ શહેર ન્યુ ઝીલૅન્ડનું ગાર્ડન સિટી પણ કહેવાય છે. કુદરતી હોનારત માટે પણ પ્રથમ નંબરે આ શહેર જ આવે. આ શહેરે જે સહન કર્યું છે, ભોગવ્યું છે, એ એની મોટી કરુણતા છે. પૂર, ધરતીકંપ જેવી હોનારતો, અવારનવાર આ શહેરને ટપારતી રહે છે, સતાવતી રહે છે. વળી ક્રાઇસ્ટ ચર્ચ ઍન્ટાર્કટિકાનાં પાંચ પ્રવેશદ્વારોમાંનુ એક પ્રવેશદ્વાર પણ ખરું. અહીંથી ઍન્ટાર્કટિકાના પ્રવાસો કાયમ ચાલુ જ હોય છે. આ પ્રવાસ કરવા જેવો ખરો. સૌપ્રથમ માનવ વસવાટ અહીં ઈસવી સન ૧૦૦૦થી ૧૨૫૦ દરમિયાન થયો અને એ પણ મોઆ (Moa) પ્રજાતિનાં પક્ષીઓના શિકાર માટે. ઈસવી સન ૧૪૫૦માં મોઆ પક્ષીઓ જગતના નકશા પરથી લુપ્ત થઈ ગયાં, હણી કાઢ્યાં અહીંની શિકારી પ્રજાતિએ. પછી તો ઉત્ક્રાંતિનો, માનવ વિકાસનો અહીં એક આખો દોર આવ્યો અને ક્રાઇસ્ટ ચર્ચ પણ સ્થપાઈ ગયું. 

ઍન્ટાર્કટિકાનું કાયમી અતૃપ્ત આકર્ષણ રહ્યું છે. હવે ત્યાં જવાનું તો અત્યારે અશક્ય છે પરંતુ થોડોઘણો અનુભવ લેવા સમજવા ક્રાઇસ્ટ ચર્ચમાં હમણાં જ સ્થપાયેલા ઇન્ટરનૅશનલ ઍન્ટાર્કટિકા સેન્ટરની મુલાકાત લેવાનું નક્કી કર્યું. અહીં આબેહૂબ ઍન્ટાર્કટિકા ઊભું કરી દીધું છે. આમ તો ક્રાઇસ્ટ ચર્ચમાં ઘણાં જ આકર્ષણો છે પરંતુ સમયના અભાવને કારણે અમે અમારી રુચિ મુજબનાં આકર્ષણોની જ મુલાકાત લેવાનું નક્કી કર્યું. બ્રેકફાસ્ટ ટેબલ પર બધા આવી ગયા એટલે પૂરા દિવસનો કાર્યક્રમ નક્કી કરી લીધો અને અમે નીકળ્યા. જોઈએ સુંદર દિવસની સુંદર શરૂઆત કેટલી ફળદાયી નીવડે છે. કોઈ પણ પ્રકારના રઘવાટ વગર અમે ચારેક જગ્યાઓની મુલાકાત લેવાનું નક્કી કર્યું. વાચક મિત્રો, અહીં ફરો અને તમને ઇંગ્લૅન્ડની ઝાંખી ન થાય તો જ નવાઈ! ગોથિક આર્કિટેક્ચરની ભરમાર છે અહીં. મોટા ભાગનાં મકાનો પર એમના નામ સહિત અંગ્રેજ સંસ્કૃતિની અસર જોવા મળે છે. પથ્થરનાં વિશિષ્ટ બાંધણી ધરાવતાં સુંદર મકાનોના હિસાબે આ શહેર ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે. માઓરી સંસ્કૃતિ પણ દેખાય ખરી, પરંતુ પ્રભુત્વ તો યુરોપિયન, અંગ્રેજ સંસ્કૃતિનું જ. સપ્ટેમ્બર ૨૦૧૦થી જૂન ૨૦૧૨ એટલે કે સતત બે વર્ષો સુધી ધરતીકંપના આંચકા ખમીને આ શહેર ઊભું તો છે, પરંતુ લોકોનું ખમીર તૂટી ગયું અને એટલે જ આ શહેરની પ્રગતિ રોકાઈ ગઈ છે. હજી ઘણાં મકાનો પર તિરાડો જોવા મળે છે જે ધરતીકંપે સર્જેલી તારાજીની સાક્ષી પૂરે છે. આ બધું જોતાં જોતાં અમે આ શહેર ફરી રહ્યા હતા. 

ત્રિકોણાકાર કાર્ડબોર્ડ કૅથીડ્રલ

અમારો સૌપ્રથમ પડાવ હતો ઇન્ટરનૅશનલ ઍન્ટાર્કટિક સેન્ટર. આ સેન્ટર એટલે હિમયુગનો સાક્ષાત અનુભવ. એક અત્યાધુનિક સંગ્રહાલય કહો કે એક્સ્પીરિયન્સ સેન્ટર કહો, અહીંની મુલાકાત વગર આ શહેરની મુલાકાત અધૂરી ગણાય. અહીં આબેહૂબ ઍન્ટાર્કટિકાનો માહોલ ઊભો કરેલો છે. અહીં હસ્કી પ્રજાતિના કૂતરાઓને રમાડો કે પાણીમાં તરતા વિશ્વના સૌથી નાના કદના લિટલ બ્લુ પેન્ગ્વિન્સને નિહાળો, મજા પડી જશે. આમ પણ પેન્ગ્વિનનું ગજબનું આકર્ષણ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે અને આટલા નાના કદના, એકદમ ચંચળ પેન્ગ્વિન્સને જોવાનો આનંદ જ કંઈ ઓર છે. ક્યારે પાણીમાં ખાબકશે, ક્યારે ગોઠવેલી શીલા પર લટક મટક ચાલીને તમારી સામે આવી ઊભાં રહી જશે કે ક્યારે બીજા સાથીઓ સાથે મસ્તી ટીખળ કરવા લાગશે કંઈ કહેવાય નહીં. આટલાં નિર્દોષ સુંદર પેન્ગ્વિન્સનો શિકાર કરતાં જીવ કેમ ચાલતો હશે? પેન્ગ્વિન્સ જ નહીં, કોઈ પણ પ્રાણીનો પક્ષીઓનો શિકાર કરતાં, સંહાર કરતાં જીવ કેમ ચાલે? માનવ જાતની આ વિકૃતિનો કોઈ ઇલાજ ખરો? અમે દાખલ થયા. હસ્કીને રમાડ્યાં, પેન્ગ્વિન્સને નિહાળ્યાં. હવે વારો હતો ઍન્ટાર્કટિકાનો પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ અનુભવ લેવાનો. અહીં એક વિશાળ ખંડને સ્ટૉર્મ ડોમ કહે છે જે તમને આ ખંડમાં જ ઍન્ટાર્કટિકાની આબોહવાનો, ત્યાંના વિષમ વાતાવરણનો અનુભવ કરાવે છે. તમે અહીં મળી રહેતાં જૅકેટ અને જૂતાં ચડાવીને આ ખંડમાં પ્રવેશો છો. તાપમાન છે ૧૨ ડિગ્રી! જોઈતા મુલાકાતીઓ ભરાઈ જાય એટલે દ્વાર બંધ થાય છે અને ઠંડી વધવાનું ચાલુ. ઠંડી વધતાં વધતાં, તાપમાન ઘટતાં ઘટતાં પહોંચે છે માઇનસ ૮ ડિગ્રી સેલ્સિયસ. ચહેરા પર, ખુલ્લા હાથ પર, પૅન્ટ પહેરેલા પગ પર આ કાતિલ ઠંડક અનુભવાય છે. અરે ભાઈ, આ અંત નથી. ખરો ખેલ તો હવે શરૂ થાય છે. ખંડમાં રહેલા તોતિંગ પંખા હવે ચાલુ થાય છે. સુસવાટાનો અવાજ અને વધી રહેલી ઠંડી તમને ખરા રોમાંચ તરફ હવે ધકેલવાનું શરૂ કરે છે. નાક જામવાનું શરૂ થાય છે, હોઠ ખોટા પડી રહ્યા છે, ઠંડી પળે પળે વધી રહી છે. સામે લાગેલી સ્ક્રીન તાપમાન દેખાડી રહી છે માઇનસ ૧૮, જે થોડી વારમાં માઇનસ ૨૦ ડિગ્રી સેલ્સિયસ દેખાડવા લાગે છે. પવન ભયંકર તીવ્રતાથી ફુંકાઈ રહ્યો છે. બચવા માટે કોઈ ખૂણો મળતો નથી. શીતખંડના વાતાવરણનો એહસાસ થઈ રહ્યો છે. દાંત કડકડી રહ્યા છે. કડકડતી ઠંડીનું તમારા પર આક્રમણ જાણે. શું કરવું જોઈએ? પેન્ગ્વિન્સની જેમ વર્તુળાકારે ટોળું વળીને ઊભા રહી જાઓ. બધાની પીઠ બહારની તરફ અને ચહેરાઓ એકબીજાની સન્મુખ. હાશ! ઠંડી થોડી ઓછી લાગે છે. હૂંફ શબ્દનો અર્થ સમજાઈ રહ્યો છે. પંખા બંધ. દ્વાર ખૂલે છે અને ઠરી ગયેલા તમે બહાર નીકળો છો. મુખ પર સ્મિત સાથે. આ એક ગજબનાક અનુભવ છે. હજી વધારે કાંઈ? યે દિલ માંગે મોર? તો બોળી દો તમારા હાથ ઠંડા થયેલા પાણીમાં અને કેટલું સહન કરી શકો છો એ જાણો. એક-એક ક્ષણ કેટલી લાંબી હોય એ સમજાઈ જશે એ ચોક્કસ છે. પાણીમાં હાથ નાખતાં જ સમગ્ર શરીરમાંથી એક લખલખું પસાર થઈ જાય છે અને હાથ ખોટો પડવો કોને કહેવાય એ પણ સમજાઈ જાય છે. સામે લાગેલું ટાઇમર ફર્યા કરે છે પરંતુ તમારી આંખો સ્થિર થઈ જાય છે. મગજ પણ. એક વાત કહું? આવી બધી રમતો માનસિક રીતે જ જીતી શકાય છે. તમારી માનસિક સુસજ્જતાની આવી કસોટી સમયાંતરે કરતા રહેવું જોઈએ અને એ જ તમારો ખરો વિકાસ બની રહેશે એ જાણો. જેનું મગજ વધુ મજબૂત એ લોકો જ જીવન જીતી જતા હોય છે. 

પેપર ક્લિયર વૉટર રિસૉર્ટનું રિસેપ્શન.

હવે વારો છે બખ્તરબંધ ગાડીમાં સહેલ કરવાનો. હેગલુન્ડ રાઇડનો. બધી બાજુએથી લોખંડના કવચથી ઢંકાયેલી ગાડી જેવી કે ટૅન્કમાં ટહેલવાનો આ અનુભવ તમારું સ્વાગત કરે છે. ગાડીમાં તમે ગોઠવાઈ જાઓ. દરવાજા બંધ અને નાની-નાની ડોકાબારીમાંથી બહારની દુનિયા નિહાળી રહેલા તમે. આ ગાડી રીતસરની સેન્ટરની બહાર નીકળે છે, માર્ગ પર બીજાં બધાં વાહનોની સાથે ચાલે છે અને થોડે દૂર આવેલા ખાસ તૈયાર કરેલા મેદાનમાં પ્રવેશે છે. આમ તો આ બાળકો માટેની રાઇડ છે પરંતુ ટૅન્કમાં બેસવાનો અનુભવ લેવાનું કોને ન ગમે? અમે શું કામ અપવાદ રહીએ? આ બધું બાળપણમાં તો આપણે માણ્યું નથી એટલે આપણાં બાળકો સાથે આપણે પણ રીતસરનાં બાળક બની જઈએ છીએ. કદાચ એ લોકોથી વધારે તો અમે આ રાઇડ માણી હશે! ૬૦ ડિગ્રીના ઢોળાવ ઉપર ચડતી વખતે, ખાડાઓ વટાવતી વખતે, તીવ્ર વળાંકો લેતી વખતે અને અતિશય જોખમી ઝડપે ઢોળાવ ઊતરતી વખતે અંદર રહેલા બાળકને જે મજા આવી છે, ન પૂછો વાત. બધા અંચળા, ઉંમરના થપેડા બધું જ ફગાવી દીધું હતું આ ૪૫ મિનિટ માટે. આમ બાળકોની નિર્દોષ દુનિયામાં લટાર મારવાનો મોકો છોડવો નહીં. ક્રાઇસ્ટ ચર્ચનું આ સેન્ટર આ તક પૂરી પાડે છે. સમય તો પોતાનું કામ કરી જ રહ્યો છે. બે કલાક ક્યાં વીતી ગયા ખબર જ ન પડી. સેન્ટરને પૂરેપૂરું માણીને બહાર નીકળ્યા. થોડો નાસ્તો કર્યો. 

બખ્તરબંધ ગાડીની સવારી - હેગલુન્ડ રાઇડ.

હવે વારો હતો એક સરસ અજાયબ સ્થળની મુલાકાતનો. એક અનોખા ધાર્મિક સ્થળે જવાનો, જે સમગ્ર વિશ્વમાં કાર્ડબોર્ડ કૅથીડ્રલ તરીકે પ્રખ્યાત છે. અમે ત્યાં પહોંચ્યા. વૅન પાર્ક કરી અને થોડું ચાલીને આ કૅથીડ્રલ પર જઈ પહોંચ્યા. વાહ! શું ગજબની બાંધણી! શું કારીગરી! આનો ઇતિહાસ રસપ્રદ છે. મૂળભૂત રીતે આ એક સામાન્ય પથ્થરની કૉન્ક્રીટની બાંધણી ધરાવતું ચર્ચ એટલે કે કૅથીડ્રલ હતું. નામ હતું ક્રાઇસ્ટ ચર્ચ કૅથીડ્રલ. આ શહેરનું આ એક મહત્ત્વનું ચર્ચ હતું. હવે જે ૨૦૧૧નો ભીષણ ધરતીકંપ આવ્યો એમાં અનેક ઇમારતોની સાથે આ કૅથીડ્રલ પણ તૂટી ગયું,  ખુવાર થઈ ગયું. તરત ને તરત જ જગતમાં ડિઝૅસ્ટર આર્કિટેક્ટ તરીકે વિખ્યાત જૅપનીઝ આર્કિટેક્ટ શ્રી શિગેરુ બાનને નિયુક્ત કરવામાં આવ્યા. આમ પણ જપાનથી વધારે ભૂકંપનો, કુદરતી આપદાઓનો કોને અનુભવ હોય? ચર્ચના અધિકારી સાથે વાત કર્યા મુજબ આ શ્રીમાનના મગજમાં એક અલગ જ રચનાનો વિચાર ઘોળાઈ રહ્યો હતો. ભૂકંપના બહાને આ વિચારને અમલમાં મૂકવાનો, એક પ્રયોગ કરવાનો મોકો મળી ગયો. શહેરની સ્થાનિક આર્કિટેક્ચર કંપની મેસર્સ વૉરન અને મેહોનીના સહયોગથી એક હંગામી કૅથીડ્રલ બનાવવાનું નક્કી કર્યું. આ હંગામી કૅથીડ્રલનો મૂળભૂત ઢાંચો સિમેન્ટ, કૉન્ક્રીટ, લોખંડથી નહીં પરંતુ પૂંઠાની મોટી-મોટી ભૂંગળીઓમાંથી બનાવવામાં આવ્યો. ત્રિકોણ આકાર ધરાવતા આ ચર્ચની દીવાલ તરીકે લોખંડના કન્ટેનરને ગોઠવી દેવામાં આવ્યાં. આ કન્ટેનર પર વૉટરપ્રૂફિંગકરેલી પૂંઠાની મોટી-મોટી ભૂંગળીઓ ગોઠવીને ત્રિકોણ બનાવવામાં આવ્યો. ભૂંગળી પરથી ઢળતાં છાપરાં જમીનથી દસ ફુટ ઊંચે રહે એ રીતે ગોઠવી દીધાં જેથી બરફ જમા ન થઈ જાય. મધ્યમાં આ ત્રિકોણાકાર છતની ઊંચાઈ છે ૮૦ ફુટ. પૂંઠાની જાડી ૮૬ ભૂંગળીઓ એટલે કે પૂંઠાની પાઇપ્સને ત્રિકોણ આકારે ઊભી ગોઠવીને આ કૅથીડ્રલ હંગામી ધોરણે ઊભું કર્યું. રંગરોગાન કર્યા. રોઝ વિન્ડોઝને, જે સામાન્ય રીતે ગોળાકાર હોય એને પણ ત્રિકોણાકાર બનાવી અને કૅથીડ્રલ તૈયાર. હવે ખરી મજા જુઓ! 

આ કાર્ડબોર્ડ એટલે કે ત્રિકોણાકાર કૅથીડ્રલ એટલુંબધું લોકપ્રિય થઈ પડ્યું કે સમગ્ર વિશ્વમાંથી મુલાકાતીઓ અહીંની મુલાકાતે આવવા લાગ્યા. ક્રાઇસ્ટ ચર્ચનાં સૌથી પ્રખ્યાત સ્થળોની યાદીમાં આ ચર્ચનો નંબર પહેલા સ્થાને હતો અને ખરેખર ખૂબ જ સુંદર છે આ ચર્ચ. લગભગ ૭૦૦ માણસોનો સમાવેશ આ ચર્ચમાં થઈ શકે છે. સ્ટેઇન્ડ ગ્લાસની વિન્ડોઝમાંથી ચળાઈને આવતો પ્રકાશ બંને બાજુએ અનોખી આભા ઊપસાવે છે. નયનરમ્ય રંગોનો આનાથી વધુ સુંદર સમન્વય જવલ્લે જ જોવા મળે. વિશ્વમાં એકમાત્ર અને અજોડ એવું આ કૅથીડ્રલ ખરેખર કાબિલે તારીફ છે. ચર્ચનો પરિસર પણ એટલો જ રમણીય છે. અંદર ગયા. ત્યાં ગોઠવાયેલી લાકડાની બેન્ચિસ પર બેઠા અને ઉપર દેખાતી છતને, ત્રિકોણાકાર સ્ટેઇન્ડ ગ્લાસ વિન્ડોઝને આંખો પહોળી કરી જોયા કર્યું. સામેની દીવાલ પર ન કોઈ ચિત્ર છે કે ન કોઈ મૂર્તિ. દીવાલની મધ્યમાં છે ફક્ત મોટા કદનો લાકડાનો ક્રૉસ. બીજું કાંઈ જ નહીં. નજરોને કેદ કરી નાખતો, જકડી રાખતો ક્રૉસ. ઈસુ ખ્રિસ્તની કરુણાનો ઉદ્ઘોષ ક્રૉસ. માનવતા માટેના બલિદાનની ઉત્કૃષ્ટ ગાથા. પરમ સત્ય સાથેના સંધાનની અનેક દિવ્યાત્માઓની હૃદયે જડવા જેવી વાત. પ્રેમ અને કરુણા, ખરુંને?                
ક્રાઇસ્ટ ચર્ચની થોડી અને પૅસિફિક અર્ણવના એક અનોખા અનુભવની વાતો લઈ નૉર્થ આઇલૅન્ડ પહોંચીશું આવતા અઠવાડિયે.

columnists gujarati mid-day