ટાઇમ મશીનમાં બેસીને જઈએ જૂના મુંબઈના પૉઇન્ટ ઝીરો પર

25 October, 2025 11:48 AM IST  |  Mumbai | Deepak Mehta

મુંબઈના પૉઇન્ટ ઝીરો નજીક લીલા ઘાસથી ઊભરાતી લગભગ ગોળાકાર જગ્યા દેખાય છે. એના એક ખૂણે ઍરપોર્ટના કન્ટ્રોલ ટાવર જેવી ઇમારત પણ દેખાય છે. તો ત્યાં જ ઉતારીએ આપણું આ ટાઇમ મશીન.

સેન્ટ થૉમસ કૅથીડ્રલ, ક્લૉક ટાવર વગરનું અને ક્લૉક ટાવરવાળું

‘પાઠકોં સે નિવેદન હૈ કિ યાત્રા કે દૌરાન વે અપની કુર્સી પર આરામ સે બૈઠેં, કોઈ પટ્ટી બાંધને કી ઝરૂરત નહીં હૈ. મુંબઈ કે પૉઇન્ટ ઝીરો તક કી દૂરી કિતની દેર મેં પૂરી કિ જાએગી ઉસકા હમેં કોઈ અંદાજ નહીં. આપ કે વૈમાનિક હૈ હર્બર્ટ જ્યૉર્જ વેલ્સ, ઉર્ફ H. G. Wells જો ૧૮૯૫ સે યે ટાઇમ મશીન ઉડા રહે હૈં.’

હા જી, મુંબઈનું પૉઇન્ટ ઝીરો કહેતાં કેન્દ્રબિંદુ, કહેતાં મધ્યબિંદુ. આજે તો મુંબઈ દિવસે ન વધે એટલી રાતે વધે અને રાતે ન વધે એટલી દિવસે વધે એવી રાજકુંવરીની જેમ વધી, ફૂલીફાલી, ‘વિકસી’ રહ્યું છે પણ એક જમાનામાં આ મુંબઈ શહેરને પણ એક પૉઇન્ટ ઝીરો હતું. અને બીજી બધી જગ્યાઓનું અંતર એ પૉઇન્ટ ઝીરોથી માપીને માઇલસ્ટોન પણ શહેરમાં જુદી-જુદી જગ્યાએ મુકાતા. શહેર વિકસતું ગયું તેમ-તેમ એ માઇલસ્ટોન ઊખડતા કે ઢબૂરાતા ગયા. પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં એમાંથી ૧૬ માઇલસ્ટોન મળી આવ્યા છે. અને તેમને યોગ્ય જગ્યાએ પાછા ગોઠવવામાં આવ્યા છે.

મુંબઈના પૉઇન્ટ ઝીરો નજીક લીલા ઘાસથી ઊભરાતી લગભગ ગોળાકાર જગ્યા દેખાય છે. એના એક ખૂણે ઍરપોર્ટના કન્ટ્રોલ ટાવર જેવી ઇમારત પણ દેખાય છે. તો ત્યાં જ ઉતારીએ આપણું આ ટાઇમ મશીન.


મુંબઈનું ઝીરો પૉઇન્ટ – સેન્ટ થૉમસ કૅથીડ્રલ

આ જગ્યાનું સૌથી જૂનું નામ બૉમ્બે ગ્રીન અથવા કૉટન ગ્રીન. એ જમાનામાં હિન્દુસ્તાનના કૉટનની હજારો ગાંસડીઓ અહીં ખુલ્લામાં રાત-દિવસ પડી રહેતી, હા, ચોમાસાના ચાર મહિના બાદ કરતાં. અહીંથી બળદગાડામાં જતી પાલવા કહેતાં અપોલો બંદર અને ત્યાંથી પાલ કહેતાં શઢવાળાં વહાણોમાં ચડીને એ ગાંસડીઓ જતી ગ્રેટ બ્રિટન. અને માત્ર ચોમાસામાં નહીં, અહીં બારે મહિના લીલુંછમ ઘાસ પથરાયેલું રહેતું એટલે નામ પડ્યું કૉટન ગ્રીન. આ કૉટન ગ્રીનની ધાર પર દરિયાને અડીને આવેલો હતો બૉમ્બે કાસલ. પોર્ટુગીઝ શાસકોએ મુંબઈમાં બાંધેલો સૌથી પહેલો ફોર્ટ કહેતાં કોટ. પોર્ટુગીઝ ગવર્નરો આ બૉમ્બે કાસલમાં બેસીને રાજ કરતા જેને તેઓ ‘બોમ બહિઆ’ કે ‘બોમ બાઇમ’ કહેતા એ ટાપુ પર. આ નામનો અર્થ થાય ‘સરસ કાંઠો’. પોર્ટુગીઝો પાસેથી અંગ્રેજોને મુંબઈ દાયજામાં મળ્યું એ પછી પહેલવહેલો અંગ્રેજ ગવર્નર જ્યૉર્જ ઓક્સેનડન મુંબઈ ફક્ત એક જ વાર આવ્યો હતો પોર્ટુગીઝો પાસેથી મુંબઈનો કબજો લેવા. ફક્ત એક દિવસ મુંબઈમાં રોકાઈને તે સુરત પાછો ફર્યો હતો અને પછી ક્યારેય મુંબઈમાં પગ મૂક્યો નહોતો. પણ બીજા ગવર્નર જેરલ્ડ ઍન્જરે તો મુંબઈમાં જ ધામા નાખેલા. અને એ સાહેબ રહેતા પોર્ટુગીઝોએ બાંધેલા બૉમ્બે કાસલમાં. આ ઍન્જર તે ગવર્નર તો ખરો જ પણ મુંબઈ શહેરનો તે પહેલો સ્વપ્નદૃષ્ટા, પહેલો ઘડવૈયો. બીજા સૌને જ્યાં કેવળ પથરો દેખાય છે, ત્યાં શિલ્પકારને મૂર્તિ દેખાય છે. પોતાની નજર સામેના સાત ભૂખડીબારસ ટાપુઓને જોઈને આ ઍન્જરે જ મુંબઈ માટે કહ્યું હતું : ‘The city which by God’s assistance is intended to be built.’ ઍન્જરે પહેલું કામ કર્યું પોર્ટુગીઝોએ બાંધેલા નાનકડા કિલ્લાને વધુ મોટો અને મજબૂત કરવાનું. બીજું કામ કર્યું દેશાવરથી વેપારીઓ અને કારીગરોને લાવીને મુંબઈમાં વસાવવાનું. દીવ બંદરેથી નીમા પારેખ નામના મોટા વેપારીને અને બીજા નાના-મોટા વેપારીઓને  મુંબઈ આવવા નોતરું આપ્યું. પણ તેમણે કહ્યું કે તમારી સરકાર અમારી ધાર્મિક બાબતોમાં માથું નહીં મારે એવી લેખિત બાંહેધરી આપો તો આવીએ. અને ઍન્જરે ૧૬૭૭ના માર્ચની ૨૨મી તારીખે એ વિશેના લેખિત કરાર પર સહીસિક્કા કર્યા. બસ, પછી તો આજના ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી લોકો મુંબઈ આવીને વસવા લાગ્યા. નવસારી અને સુરતથી પારસીઓ આવ્યા અને મુંબઈમાં શરૂ કર્યો લાકડાનાં વહાણ બાંધવાનો ઉદ્યોગ. પછીથી એ કુટુંબની અટક પડી વહાડિયા કે વાડિયા. પારસીઓએ અંતિમ ક્રિયા કરવા માટે દોખમું બાંધવા જમીન માગી તો ઍન્જરે મલબાર હિલ પર તેમને જમીન આપી જ્યાં પછીથી ટાવર ઑફ સાઇલન્સ બંધાયો. આર્મેનિયન વેપારીઓ આવ્યા. તો તેમને પોતાનું ચર્ચ બાંધવા ૧૬૭૬માં ઍન્જરે ફોર્ટની અંદર જમીન આપી. ઍન્જરે મુંબઈનું ગવર્નરપદ લીધું ત્યારે મુંબઈની વસ્તી હતી દસ હજાર! પછીનાં દસ વર્ષમાં વધીને વસ્તી થઈ સાઠ હજાર! 

 તો બીજી બાજુ આ જ ઍન્જરે ખ્રિસ્તી ધર્મના પ્રોટેસ્ટન્ટ પંથનું પહેલું ચર્ચ બાંધવાની પણ શરૂઆત કરી. એ જમાનામાં તેણે નક્કી કરેલું કે એકસાથે એક હજાર શ્રદ્ધાળુઓ સમાઈ શકે એવું મોટું ચર્ચ બાંધવું! એ ચર્ચ બાંધવા માટે શરૂ કરેલા ફન્ડફાળામાં તેણે પોતે અંગત રીતે પાંચ હજાર રૂપિયા જેટલી રકમ આપી. અને ચર્ચને ચાંદીનું chalice ભેટ આપ્યું. હાથ નીચેના અફસરોને કડક સૂચના કે ચર્ચ માટે ફન્ડફાળો ઉઘરાવતી વખતે બિનખ્રિસ્તીઓને સહેજ પણ દબાણ નહીં કરવાનું. પણ પછી એક વાર સુરત ગયો ઍન્જર. ત્યાં માંદો પડ્યો. મૃત્યુ પામ્યો, ૧૬૭૭ની ૩૦ જૂને. ઉંમર વર્ષ સાડત્રીસ! સુરતના એ વખતના ખ્રિસ્તીઓ માટેના કબ્રસ્તાનમાં દફનાવાયો. નથી કોઈ તેનું ચિત્ર કે પૂતળું કે સ્મારક – નથી મુંબઈમાં કે નથી બીજે ક્યાંય દેશ કે પરદેશમાં. ઍન્જરે જે ચર્ચ બાંધવાનું શરૂ કર્યું એ આ કૉટન ગ્રીનને એક છેડે આવેલું સેન્ટ થૉમસ કૅથીડ્રલ. આ ચર્ચનો પાયો નખાયો ઍન્જરની હાજરીમાં, ૧૬૭૬માં. પણ ઍન્જરના અવસાન પછી કામ ખોરંભે પડ્યું, પૈસાના અભાવે. પછી કામ શરૂ થાય, પણ એક યા બીજા કારણસર બંધ પડે, ચાલુ થાય. છેવટે ૧૭૧૮ના ક્રિસમસના દિવસે આ ચર્ચ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. વળી ૧૮૩૭ પહેલાં એમાં સમારકામ અને નવા ઉમેરા કરવામાં આવ્યા. આજે આ ચર્ચની ટોચે જે ટાવર છે એ મૂળ ઇમારતમાં નહોતો, પછીથી ઉમેરવામાં આવ્યો. અને એ નવા ચર્ચમાં પ્રાર્થનાની શરૂઆત થઈ ૧૮૩૭માં. 


કૉટન ગ્રીન પરનો કૉટન મર્ચન્ટ 

મુંબઈના ફોર્ટ કહેતાં કોટને હતા ત્રણ ગેટ કે દરવાજા. જે ગેટથી દાખલ થઈને આ ચર્ચ સુધી પહોંચી શકાય એનું નામ પડ્યું ચર્ચ ગેટ. પછી જ્યારે BBCI રેલવેની ટ્રેન શરૂ થઈ ત્યારે જે સ્ટેશન ઊતરીને આ ચર્ચ સુધી જવાય એ સ્ટેશનનું નામ પાડ્યું ચર્ચ ગેટ સ્ટેશન. અને એ સ્ટેશનથી કોટના ચર્ચ ગેટ સુધી ચાલતાં પહોંચાય એ રસ્તાનું નામ પડ્યું ચર્ચ ગેટ સ્ટ્રીટ. આઝાદી પછી નામ બદલાઈને થયું વીર નરીમાન રોડ. ખુરશેદ ફરામજી નરીમાન (૧૮૮૩-૧૯૪૮) દેશની આઝાદી માટેની ચળવળમાં ભાગ લેનાર એક અગ્રણી હતા. ૧૯૩૦માં નમક સત્યાગ્રહ વિશેના કાર્યક્રમો મુંબઈમાં યોજવામાં તેમનો મોટો ફાળો. પરિણામે ૧૯૩૫-૧૯૩૬ના એક વર્ષ માટે મુંબઈના મેયર બન્યા. ૧૯૩૭માં સ્થાનિક સ્વરાજ્ય માટેની ચૂંટણીમાં કૉન્ગ્રેસ પક્ષનો જ્વલંત વિજય થયો. નરીમાનને હતું કે તેમની કારકિર્દી અને મેયરનું પદ જોઈને તેમને મુંબઈના પહેલા ચીફ મિનિસ્ટર બનાવવામાં આવશે. પણ કૉન્ગ્રેસ પક્ષે પસંદગીનો કળશ બી. જી. ખેર પર ઢોળ્યો. એટલે નરીમાન ગિન્નાયા. પક્ષના વડાઓને ફરિયાદ કરી. પણ કશું વળ્યું નહીં. એટલે પછી કૉન્ગ્રેસના નેતાઓ સામે મન ફાવે એવા આક્ષેપો જાહેરમાં કરવા લાગ્યા. પરિણામે તેમને કૉન્ગ્રેસમાંથી બરતરફ કર્યા. સુભાષચંદ્ર બોઝે ૧૯૩૯માં શરૂ કરેલી નવી પાર્ટી ફૉર્વર્ડ બ્લૉકમાં નરીમાન જોડાયા. પણ એ પછી પણ મુંબઈના રાજકારણમાં તેમનો ગજ વાગ્યો નહીં. આ રસ્તા સાથે તેમનું નામ જોડવાનું એક જ કારણ – આ રસ્તા પર આવેલા ‘રેડીમની મૅન્શન’માં નરીમાન રહેતા હતા. 

સોફા પર બેસીને, મસ્સાલાવાળી ચાની ચુસ્કી લેતાં-લેતાં ટાઇમ મશીનમાં પ્રવાસ કરતા અમારા માનવંતા વાચકોને થતું હશે કે આજે આ ‘ચર્ચ પુરાણ’ કેમ? કારણ કે એક જમાનામાં મુંબઈનું ઝીરો પૉઇન્ટ કે સેન્ટર પૉઇન્ટ કે કેન્દ્રબિંદુ મનાતું હતું આ સેન્ટ થૉમસ કૅથીડ્રલ. એટલે કે મુંબઈના બધા રસ્તા ત્યાંથી શરૂ થાય અને ત્યાં જ પૂરા થાય એમ મનાતું. કોઈ જગ્યાએ ‘ચાર માઇલ’નો માઇલસ્ટોન જડ્યો હોય તો એનો અર્થ એ કે એ જગ્યા આ ચર્ચથી ચાર માઇલ દૂર આવેલી છે. પણ કહે છેને કે ‘ચડે તે પડવા માટે.’ કૉટનની નિકાસ ઓછી ને ઓછી થતી ગઈ. કૉટન ગ્રીનમાંથી પહેલાં કૉટન ગયું, પછી ગ્રીન ગયું. આખો વિસ્તાર એક મોટો ઉકરડો બની ગયો. લોકો ત્યાંથી પસાર થતાં નાક પર રૂમાલ દાબે. વખત જતાં મુંબઈના પોલીસ-કમિશનર ચાર્લ્સ ફૉર્જેટને વિચાર આવ્યો, એ જગ્યાએ મોટો બગીચો બનાવવાનો, એ બગીચા ફરતો ગોળાકાર રસ્તો બનાવવાનો. અને એ રસ્તાની ધારે ગોળાકારમાં એકસરખાં મકાનો બાંધવાનો. ગવર્નર લૉર્ડ એલ્ફિન્સ્ટન અને ગવર્નર સર બાર્ટલ ફ્રેરેએ તેમની દરખાસ્તને ટેકો આપ્યો. ૧૮૭૨માં ચક્રાકાર બગીચો તૈયાર. અને પછી બંધાયાં ગાર્ડન ફરતાં ગોળ આકારનાં એકસરખાં મકાનો. જેમણે આ દરખાસ્તને ટેકો આપેલો તે ગવર્નર લૉર્ડ એલ્ફિન્સ્ટનનું નામ આ વિસ્તાર સાથે જોડાયું, એલ્ફિન્સ્ટન સર્કલ. પછીથી બદલાઈને થયું હૉર્નિમન સર્કલ. ઇન્ડિયન ક્રૉનિકલ નામના દૈનિકના તંત્રી બેન્જામિન હૉર્નિમન પોતે બ્રિટિશ હોવા છતાં હિન્દુસ્તાનની આઝાદી માટેની લડતને જોરદાર ટેકો આપતા હતા. એ માટે બ્રિટિશ સરકારે તેમને હિન્દુસ્તાનમાંથી તડીપાર કર્યા. પણ કાયદાની વાડમાં કોઈક છીંડું શોધીને નરીમાન પાછા હિન્દુસ્તાન આવ્યા, અને પોતાના છાપાનું તંત્રીપદ પાછું સંભાળીને બ્રિટિશ સરકારની આકરી ટીકા કરવા લાગ્યા. આઝાદી પછી એલ્ફિન્સ્ટન સર્કલને નવું નામ અપાયું, હૉર્નિમન સર્કલ. વીસમી સદીમાં મુંબઈ ફુગ્ગાની જેમ એટલું ફૂલતું ગયું અને ઉત્તર દિશામાં વિસ્તરતું ગયું કે એનું સેન્ટર પૉઇન્ટ સતત બદલાતું રહ્યું. આજે તો હવે મુંબઈ એક મલ્ટિ-પૉઇન્ટ મહાનગર બની ગયું છે. 


નીમા પારેખ સાથેનો કરાર, ગવર્નર ઍન્જરની સહી સાથે 

એક જમાનામાં જેટલું મહત્ત્વ સેન્ટ થૉમસ કૅથીડ્રલનું હતું લગભગ એટલું જ મહત્ત્વ એનાથી થોડે દૂર આવેલા એક મકાનનું હતું. પણ એ મકાન વિશેની વાત ટાઇમ મશીનની બીજી ખેપમાં. પણ હા, હવે પછી આપણે ઊડીશું નહીં. આપણું આ ટાઇમ મશીન આકાશમાં ઊડી શકે છે એમ પાણીમાં તરી શકે છે અને જમીન પર ચાલી પણ શકે છે. એટલે એની મદદથી જૂના જમાનાના મુંબઈના રસ્તાઓ પર ચાલીશું. ચાલતાં-ચાલતાં જોઈશું અને જોતાં-જોતાં ચાલીશું.

deepak mehta mumbai travel whats on mumbai things to do in mumbai travel travelogue travel news columnists