19 October, 2025 12:05 PM IST | Mumbai | Alpa Nirmal
દિલ્હીનું કાલકાજી મંદિર
પાટનગર દિલ્હીના કાલકાજી વિસ્તારનું નામ મા કાલીના નામથી પડ્યું છે. કહે છે કે સતયુગમાં આ જ સ્થળે મા કાલીનું અવતરણ થયું હતું. એક માન્યતા મુજબ કુરુક્ષેત્રના યુદ્ધ પૂર્વે પાંડુપુત્રોએ સોનીપતનાં સ્વયંભૂ કાલી માતાનાં દર્શન કરી વિજયી ભવ:ના આશીર્વાદ મેળવ્યા હતા. આજે ભાવયાત્રા કરીએ દિલ્હીનાં કાલકાજી અને સોનીપતનાં કાલી માતાની
આજે કાળીચૌદશ. ગુજરાતી પંચાંગના છેલ્લા મહિનાની છેલ્લી ચૌદશ. ઘણા લોકો એને રૂપ ચૌદશ કહે છે તો ઘણા નરક ચતુર્દશી. જોકે ગુજરાતી સમાજમાં આસો વદ ચૌદશ કાળીચૌદશ તરીકે વધુ પ્રખ્યાત છે. પરંતુ આ તિથિને કાળીચૌદશ કેમ કહે છે? એ અમાસ પૂર્વે આવે છે અને આકાશ ચંદ્રની ગેરહાજરીથી કાળું ડિબાંગ હોય છે એટલે? જોકે દર મહિનાની વદ ચૌદશે આવો જ સીન હોય છે. અચ્છા તો દિવાળી પર્વમાં સરસ્વતી માતા, લક્ષ્મી માતા અને કાલી મૈયાની પૂજાનું મહત્ત્વ હોય છે એટલે કાળીચૌદશ કહેવાતી હશે? પણ આપણે લક્ષ્મીજીનું પૂજન કરનારા ગુજરાતીઓ, આપણે ત્યાં કાલી માતાનું પૂજન વ્યાપક પ્રમાણમાં નથી થતું. બસ, ચાર રસ્તે પાણીનું કૂંડાળું કરી અડદનાં વડાં મૂકી કકળાટ કાઢવાની કે મેલી નજર ઉતારવાની વિધિ કરી આવીએ છીએ એટલી જ કાળીચૌદશની પૂજા. ઍક્ચ્યુઅલી, ગુજરાતી કમ્યુનિટીમાં કાલી કે કાલકા માતા જંતર-મંતર, જાદુટોણાનાં દેવી મનાય છે. આથી અઘોરી, બાવા, તાંત્રિકો માતાના આ સ્વરૂપની ઉપાસના કરે એવી માન્યતા છે.
ખેર, એ જે હોય તે. એ સનાતન સત્ય છે કે કાલી માતા હિન્દુ ધર્મમાં વિવિધ નામે, વિવિધ સ્વરૂપે પૂજાય છે. આપણે પણ ઉગ્ર સ્વરૂપનાં કાલકા માતાને ચામુંડા માતાના રૂપે પૂજીએ છીએ, તો પાવાગઢમાં મહાકાલી માને યંત્રરૂપે. જોકે આજે આપણે ચામુંડા ધામે નથી જવાના કે પાવાગઢ હિલ પર પણ નથી ચડવાના. આજે તીર્થાટન એક્સપ્રેસ એવા સ્થળે ઊભી રહી છે જે શહેરમાં કેટલીય વાર જવાનું થયું હશે, એના આ વિસ્તારના નામથીય પરિચિત હોઈશું. છતાંય આ મંદિર અને ખાસ તો એના મહત્ત્વ વિશે અજાણ હોઈશું. યસ, આ દિલ્હીના કાલકાજી ખાતે આવેલું મા કાલીનું અઢીસો વર્ષ પ્રાચીન મંદિર છે અને આ સ્થાન તો છેક સતયુગ વખતનું છે. તો લગાવો જયકારા મા કાલી કા... સાંચે દરબાર કી જય...
પુરાણો અનુસાર દૈત્યોનો અંત કરવા સારું મા ભગવતી (પાર્વતી)એ ભિન્ન-ભિન્ન સમયે વિકરાળ રૂપ ધારણ કર્યું જેમાંનું એક સ્વરૂપ છે મા કાલી. માતાની અનેક પ્રાગટ્ય કથામાંની એક કથા મુજબ દારુક નામના અસુરે બ્રહ્માજીની તપસ્યા કરી અને મનગમતું વરદાન મેળવ્યું. વરદાન મેળવી તે દારુક, દેવો અને બ્રાહ્મણોને બહુ પ્રતાડિત કરતો. પૃથ્વી લોક તો ઠીક દેવલોક પણ તેણે પોતાના કબજામાં કરી લીધું. દરેક વખતે થાય એમ દેવો દારુકની ફરિયાદ લઈ બ્રહ્મા અને વિષ્ણુના ધામે પહોંચ્યા. ત્યારે બ્રહ્માજીએ તેને આપેલા વરદાન વિશે કહ્યું કે દારુક એક સ્ત્રીના હાથે જ મરશે. વિષ્ણુ, બ્રહ્માજી તેમ જ અન્ય દેવોએ સ્ત્રીરૂપ ધારણ કરી દારુક સાથે લડવા ગયા પણ બળવાન દારુકે દરેકને પરાસ્ત કરી ભગાવી દીધા. છેવટે આખોય સંઘ દારુકની રાવ લઈ દેવોં કે દેવ મહાદેવ પાસે આવ્યો અને શિવ પાર્વતીને આખીય કહાની સંભળાવી ત્યારે સ્વયં શિવજીએ મા કલ્યાણીને દારુકનો વધ કરવાની વિનંતી કરી. અને નીલકંઠનું બળ મેળવવા મા ગૌરીના એક અંશે શિવજીના શરીરમાં પ્રવેશ કરી તેમના કંઠમાં રહેલા ઝેરનું પાન કર્યું. વિષ પીવાથી એ અંશનો રંગ શ્યામ થઈ ગયો અને આકાર પણ મોટો થઈ ગયો ત્યારે શંભુનાથે તેમનું ત્રીજું નેત્ર ખોલી કાલીને ઉત્પન્ન કરી અને એ મા કાલીના હુંકાર માત્રથી દારુક સહિત આખીયે અસુર સેના બળીને ભસ્મ થઈ ગઈ. કાલી માનો ક્રોધ એટલો જ્વલનશીલ હતો કે આખુંય બ્રહ્માંડ તેમના ક્રોધાગ્નિના આવેશમાં આવી ગયું ત્યારે માતાનો કોપ ઠંડો કરવા ભોળાનાથે બાળકનું સ્વરૂપ ધારણ કર્યું.
જનરલી નવરાત્રિ દરમિયાન આવતી અષ્ટમીએ મોટા ભાગના માતાના મઢોમાં વિશેષ હવન, પૂજા આદિ અનુષ્ઠાન થતાં હોય છે પરંતુ આ મંદિરમાં ચૈત્રી અને આસો મહિનાની શુક્લ આઠમે સાયંકાળની તથા નવમીએ પ્રાત: તેમ જ સંધ્યા આરતી પણ નથી થતી. કહે છે કે માતા પણ નવરાત્રિના દિવસોમાં વ્રત રાખે છે અને આઠમની સવારની આરતી બાદ વ્રતનું પારણું કરી કાલી મૈયા તેમની બહેનો સાથે મેળા જોવા જતાં રહે છે. હા, મંદિરમાં દર્શન થાય છે.
આ તો થઈ કાલી માના પ્રાગટ્યની એક કથા. બીજી પ્રચલિત કથા રક્તબીજ અને શુંભ તેમ જ નિશુંભ અસુરો સાથેની છે. દેવી દુર્ગાએ રાક્ષસ શુંભ અને નિશુંભનો વધ તો કરી દીધો. પરંતુ તેમનો સેનાપતિ રક્તબીજ રહી ગયો. શુંભ-નિશુંભની સાથે ચાલેલી લાંબી લડાઈ બાદ માતા પણ થોડાં થાક્યાં હતાં. તેમની શક્તિ ક્ષીણ થઈ રહી હતી વળી રક્તબીજ પાસે અદ્ભુત વરદાન હતું કે તેના એક ટીપા લોહીમાંથી તેની જેટલા જ શક્તિશાળી અસંખ્ય અસુરો પેદા થાય. કોઈ દેવતા કે માતા કોઈ શસ્ત્રથી રક્તબીજ પર પ્રહાર કરે, તે દુષ્ટ ઘવાય ને તેના રક્તમાંથી અનેક નવા દૈત્યો પેદા થાય, આ પરંપરા લાંબો સમય ચાલી. ત્યારે સ્વયં મા દુર્ગાના મુખમંડળથી એક પ્રચંડ શક્તિ પ્રગટ થઈ જેનું રૂપ અત્યંત વિકરાળ હતું, ગળામાં નરમુંડોની માળા ધારણ કરેલી આ માતાના એક હાથમાં ખડગ અને બીજા હાથમાં ખપ્પર હતું. અને માની જીભ એવી લાંબી ને લાલ હતી કે મા કાલીએ એ પાવરફુલ જિહવા વડે સમસ્ત રક્તબીજ સમુદાયને એકઝાટકે પોતાના મુખમાં સમાવી લીધા. જેથી ન થયો શસ્ત્રોનો પ્રહાર, ન ટપક્યું લોહી અને ન પેદા થયાં નવાં રક્તબીજો. જોકે અન્ય માન્યતા મુજબ મા કાલી પાસે પોતાના સ્વરૂપને સૂક્ષ્મથી લઈ વિરાટ કરી શકવાની ક્ષમતા હતી. રક્તબીજનો સંહાર કરવા તેમણે ફક્ત પોતાનું મુખ મોટું કર્યું. કહે છે કે તેમનો ઉપરનો હોઠ દેવલોકને અને નીચેનો હોઠ પાતાળ લોકને સ્પર્શતો હતો. અને એ દ્વારા તેમણે સઘળા રક્તબીજને જીભ વડે એકસાથે સમેટી લીધાં.
હવે... ‘ચલો દિલ્હી’. દિલ્હીના ઓખલા રેલવે-સ્ટેશન તથા કાલકાજી મંદિર મેટ્રો સ્ટેશનની નજીક આવેલી જયંતી પીઠ કે મનોકામના સિદ્ધ પીઠે પહોંચીએ. મંદિરના મહંતના કહેવા અનુસાર મા પાર્વતીજીએ પોતાના મુખમાંથી દેવી કૌશકીને પ્રગટ કરી અને અનેક દૈત્યોનો સંહાર કરનારી અત્યંત શક્તિશાળી કૌશકી દેવી રક્તબીજોનો સફાયો કરવામાં અસફળ રહી ત્યારે સ્વયં ગૌરી માતાએ કાલીમાને પ્રગટ કર્યાં. એ સ્થળ હતું કૈલાસની પૂર્વે આવેલી અરાવલીની પર્વતમાળાઓ. મતલબ કે આ કરન્ટ લોકેશન. પછી તો ઓષ્ઠ વડે મા કાલીએ રક્તબીજની પરંપરા જ વાઢી નાખી અને એ જંગમ કાર્ય કરવાથી દેવો, મનુષ્યો એટલા ખુશ થયા ને માતાની ખૂબ સરાહના કરી આથી માતા સ્વયં અહીં પિંડીરૂપે સ્થાપિત થઈ ગયા અને યુગો સુધી અહીં જ રહેવાનો વાયદો કર્યો. કાલીનું પ્રાગટ્ય સતયુગમાં થયું. એ પછી ત્રેતા, દ્વાપર યુગ વીતી ગયો અને અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે પરંતુ કાલકાજીના કાલી માતા પ્રત્યે અસીમ શ્રદ્ધા ધરાવતા ભક્તોનું માનવું છે, મા કાલી અહીં આજે પણ હાજરાહજૂર છે અને હજી હજારો વર્ષ સુધી રહેશે.
શહેરના અત્યંત ગીચ અને વ્યસ્ત વિસ્તારમાં આવેલું કાલકાજી સ્થિત આ કાલીનું પહેલું મંદિર મરાઠા સરદાર રાજા કેદારનાથે ૧૭૬૪માં બનાવડાવ્યું હતું. એ પછી છેક ૧૮૧૬માં મંદિરના વિસ્તૃતિકરણ સાથે રિનોવેશન પણ થયું. બાદમાં બ્રાહ્મણો અને પંડિતોએ મંદિરને હસ્તગત કર્યાં. પછી ફરી થોડા સુધારાવધારા થયા અને એ પછી અત્યારે ઊભેલું ધવલ સંગેમરમરનું ટેમ્પલ દિલ્હીના ધનિક વેપારીઓએ બનાવડાવ્યું છે. સર્ક્યુલર શેપમાં બંધાયેલા આ મંદિરની ફરતે ૧૨ કમાનો છે જેનું આર્કિટેક્ચર અદ્ભુત છે.
મહાભારતના યુદ્ધ પૂર્વે પાંડવોએ ક્યાં પૂજા કરી હતી? કાલકાજીનાં કાલી માતા સમક્ષ કે સોનીપતનાં કાલી માતા સમક્ષ?
કાલકાજીથી ૭૫ કિલોમીટર આવેલા હરિયાણાના સોનીપત હાઇવે પર પણ એક કાલી માતા મંદિર છે. એ મંદિરના સત્તાવાળાનો દાવો છે કે મહાભારતના યુદ્ધ પૂર્વે કુરુક્ષેત્ર જતાં-જતાં પાંચેય પાંડવોએ અહીંનાં કાલી માતાની અર્ચના કરી વિજયના આશીર્વાદ મેળવ્યા હતા અને જળ કુંડ બનાવ્યો હતો જે આજે પણ પાંડવકુંડ નામે ઓળખાય છે. જોકે મંદિર તથા મૂર્તિ ગઈ શતાબ્દીના હોય એવું લાગે છે. નાનકડા મંદિરમાં પાંચેય પાંડવોનાં નાનાં ગોખલાં છે ને માવજતના અભાવે પાંડવ કુંડ સુકાઈ ગયો છે. જોકે કાલકા મંદિરના પૂજારીઓનું કહેવું છે કે આ સ્થળનાં સ્વયંભૂ કાલીનાં દર્શન કરી પાંચેય પાંડુપુત્રો યુદ્ધ મેદાને ગયા હતા.
પરંતુ બૅરિકેડ્સ, અવૈધ બાંધકામ અને પતરાના છજાને કારણે એ બારેય કમાનો દેખાતી નથી. કમાનોથી શરૂ થતી પગદંડીઓ મધ્યમાં માતાના ગર્ભગૃહ સુધી પહોંચે છે. ને સામે જ બેથી અઢી ફુટની સજાવેલી કાલી માની પિંડી છે. ભક્તોને માતાનો સ્પર્શ કરવા મળતો નથી પરંતુ એ ઓરિજિનલ શક્તિપીઠના સ્વરૂપનાં દર્શન કરવાં હોય તો સવારે કે સાંજે ૬ વાગ્યે અહીં પહોંચી જવું. વર્ષના ત્રણસો પાંસઠ દિવસ આ સમયે માને દૂધનો અભિષેક કરાય છે ને સાડાસાતે આરતી. કાલી માઈનો અભિષેક જોનારને શાંતિ અને શાતા બક્ષે છે તો આરતીમાં જોડાનારને ભક્તિનો અનુભવ થાય છે. શિયાળા અને ઉનાળા દરમિયાન મંદિર ખૂલવાનો અને બંધ કરવાનો ટાઇમ અડધોથી એક કલાક આગળ-પાછળ રહે છે બાકી બપોરે ૧૧.૩૦થી ૧૨ અને સાંજે આઠથી સાડાઆઠ ભોગનો સમય છોડી મંદિર સવારના ચારથી રાત્રે સાડાઅગિયાર સુધી ખુલ્લું રહે છે. અષ્ટમી, પૂર્ણિમા, અમાવસ્યા, ગ્રહણ તેમ જ દર શનિવારે અહીં ખાસ્સી ભીડ રહે છે. અન્યથા શાંતિથી આ સ્વયંભૂ માઈનાં દર્શન કરી શકાય છે.
દિલ્હી કઈ રીતે જવું, ક્યાં રહેવું, શું ખાવું, ક્યાં ફરવું એ વાચક રાજ્જાને કહેવાની જરૂર જ નથી કારણ કે હવે કોઈની પણ માટે`દિલ્હી દૂર નથી. દેશની રાજધાની હોવા સાથે આ શહેર સમગ્ર ઉત્તર ભારતને જોડતું સેન્ટર પૉઇન્ટ છે. વળી આ શહેરમાં એટલાંબધાં પર્યટક સ્થળો છે કે (પૉલ્યુશન પણ) શહેરના દરેક પૉઇન્ટ કવર કરવા કમ સે કમ ચારથી પાંચ દિવસ જોઈએ. બસ, અફસોસ એ વાતનો છે કે પ્રિસ્ક્રાઇબ્ડ આઇટિનરી ફૉલો કરવામાં આવાં પૌરાણિક સ્થળો છૂટી જાય છે.