24 November, 2024 04:44 PM IST | Chhattisgarh | Aashutosh Desai
સહેલાણીઓ માટે ધુરવાડેરા હોમ-સ્ટેની વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે.
છત્તીસગઢના બસ્તર જિલ્લામાં કાંગેરનાં જંગલો વચાળે કુદરતી સૌંદર્યનો અખૂટ ખજાનો ધરાવતા ધુડમારાસ ગામને યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઑર્ગેનાઇઝેશન દ્વારા વિશ્વનાં સંભવિત પર્યટનસ્થળોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. જંગલની સંસ્કૃતિને સાચવીને જીવી રહેલું આ ગામ હવે કઈ રીતે ઇકો-ફ્રેન્ડ્લી પર્યટનસ્થળમાં વિકસી રહ્યું છે એ જાણવા જેવું છે
છત્તીસગઢના બસ્તર જિલ્લાનું એક ગામ હાલ ખૂબ ચર્ચામાં છે, કારણ કે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઑર્ગેનાઇઝેશન દ્વારા એને વિશ્વનાં સંભવિત શ્રેષ્ઠ ૨૦ પર્યટનસ્થળોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. એ ગામ એટલે કાંગેરનાં જંગલોની ઘાટીમાં વસેલું ધુડમારાસ. પોતાની અલાયદી ઓળખ અને કુદરતી સૌંદર્યની સાથે જંગલની સંસ્કૃતિ સાચવીને જીવી રહેલું આ ગામ કોઈ નાના બાળક જેવું નિર્દોષ અને ચાહવાયોગ્ય છે એમ કહીએ તો ખોટું નથી.
શું કામ ધુડમારાસ?
ઝારખંડના કેટલાક વિસ્તારોની જેમ છત્તીસગઢ પણ નક્સલ પ્રભાવિત રાજ્ય હતું. એક સમય હતો જ્યારે નક્સલવાદ અહીં જબરદસ્ત મોટા પ્રમાણમાં ફેલાયેલો હતો. જે રીતે હિન્દુઓનાં ધર્મસ્થળોમાં વારાણસીને કેન્દ્રસ્થાને ગણાવવામાં આવે છે એ જ રીતે નક્સલવાદ માટે છત્તીસગઢનો બસ્તર જિલ્લો કાશી ગણાતો હતો. જાણે નક્સલીઓની હેડ ઑફિસ બસ્તર હતું એમ કહો તો ચાલે. એવા બસ્તર જિલ્લામાં જ કાંગેરનાં જંગલો આવેલાં છે. અનેક જંગલી પ્રાણીઓ સાથે આ જંગલ અનેક જડીબુટ્ટીઓ અને અવનવાં વૃક્ષોથી પણ સમૃદ્ધ છે.
આ જંગલની વચ્ચે પોતાની સાંસ્કૃતિક વિરાસત, ગ્રામીણ જીવનનું ભોળપણ અને કુદરત પર નિર્ભર એવા નિર્મળ જીવન સાથે જીવી રહેલું ગામ એટલે ધુડમારાસ. બસ્તર જિલ્લામાં વસેલું માત્ર આ ગામ જ નહીં, એની આસપાસનાં ચિત્રકોટ જેવાં ગામોમાં વસતા લોકો પણ પોતાના ગામમાં આવનારા આગંતુકોનું હસતા મોઢે સ્વાગત કરવાનો સ્વભાવ ધરાવે છે. જોકે આ વિસ્તારનાં આવાં નાનાં-નાનાં ગામો અને ત્યાં રહેતા સ્થાનિક લોકો વર્ષો સુધી નક્સલવાદીઓનો સામનો કરતાં જીવ્યાં હોવાને કારણે જાણે વિકાસથી વંચિત રહી જવા પામ્યાં હતાં.
હવે માત્ર રાજ્ય સરકાર જ નહીં, કેન્દ્ર સરકાર પણ પર્યટન દ્વારા આ ગામોને વિકાસના માર્ગ તરફ લઈ જવા માટે અગ્રેસર થઈ છે. આ વર્ષની ૨૭ સપ્ટેમ્બરે ભારતના પર્યટન મંત્રાલય દ્વારા ધુડમારાસ અને ચિત્રકોટને સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ તરીકેનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ગાઢ જંગલો અને કાંગેર નદીના કિનારે વસેલું આ ગામ ઇકો-ટૂરિઝમ માટે એક અલભ્ય સૌંદર્ય ધરાવતું ગામ છે. સરકારનું માનવું છે કે પ્રવાસનને પ્રાધાન્ય આપવાથી અહીં રહેતા ગામલોકોનું જીવનસ્તર સુધરશે અને તેમને માતબર આવકનું એક સાધન પ્રદાન કરી શકાશે. આ રીતે વિદેશી પ્રવાસીઓ અને સહેલાણીઓને પણ છત્તીસગઢ આકર્ષી શકશે.
પધારો મારે દેસ
બસ્તરનો જંગલ વિસ્તાર, કાંગેરની લીલીછમ ઘાટીઓ અને કાંગેર તથા શબરી જેવી નદીઓ. છત્તીસગઢનાં આ ગામો પાસે એ બધું જ છે જે નેચર-લવર્સને આકર્ષી શકે. આ માટે ગામલોકો સાથે મળીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પણ પ્રયાસો આરંભ્યા છે. જેમ કે અહીંના ગામમાં વસતા લોકો હવે ધીરે-ધીરે પ્રવાસીઓ માટે હોમ-સ્ટેની સુવિધા ઊભી કરી રહ્યા છે. સાથે જ યુવાનો તેમના ગામ અને આજુબાજુનાં સ્થળોએ આવનારા મુલાકાતીઓ સાથે રહીને ટૂરિસ્ટ ગાઇડ તરીકેનું કામ કરી શકે એ માટેની ટ્રેઇનિંગ લઈ રહ્યા છે. આવી અનેક પ્રારંભિક તૈયારીઓ ગ્રામવાસીઓએ આપણા સ્વાગત માટે કરવા માંડી છે.
છત્તીસગઢ પ્રશાસન દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે કે ક્ષેત્રીય સંપર્ક જેટલો બને એટલો વધુ સુદૃઢ બનાવવામાં આવે અને સ્થાનિક લોકોનો સાથ લઈને સ્થાનિક શિલ્પકળાથી લઈને આ વિસ્તારની બીજી અનેક તળપદી સંસ્કૃતિને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવે, જેથી વધુ ને વધુ લોકો આ સ્થળોએ આવવા માટે આકર્ષાય. રાજ્યના વન અને પર્યટન વિભાગ દ્વારા એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે ધુડમારાસ અને એની આસપાસના ગામ વિસ્તારને ઇકો-ટૂરિઝમ તરીકે વિકસિત કરીને ગ્રામલોકોને આત્મનિર્ભર બનાવવામાં આવે.
કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર નાગલસર, નેતાનાર જેવાં ગામો આવેલાં છે. રાજ્ય સરકારે શું કર્યું કે આવાં ગામોના યુવાનોને સાથે લઈને એક ઇકો-ટૂરિઝમ ડેવલપમેન્ટ કમિટી બનાવી. આ કમિટીને એ રીતે તૈયાર કરવામાં આવી કે એ ગ્રામવાસીઓને પ્રવાસન હેતુ ઉપયોગી એવાં અનેક કામો શીખવી શકે. જેમ કે શબરી અને કાંગેર નદીમાં આ કમિટીના યુવાનો સાથે મળીને હવે કાયાકિંગ અને વાંસના તરાપા પર રાફ્ટિંગ જેવાં બે મહત્ત્વનાં આકર્ષણો ઊભાં કરવામાં આવ્યાં છે. એને કારણે બે મોટા ફાયદા થયા. એક તો સ્થાનિક લોકોને આવકનું એક સ્થાયી સાધન મળ્યું અને બીજું, આવાં આકર્ષણોથી થતી આવક દ્વારા કમિટીએ પ્રવાસીઓ માટે શૌચાલયો, હોમ-સ્ટે, વેઇટિંગ રૂમ્સ જેવાં બાંધકામોમાં રોકાણ કરવાનું શરૂ કર્યું.
આ માટે વન વિભાગે ખૂબ મોટી ભૂમિકા ભજવી. શરૂઆતમાં તેમને ધુડમારાસ ગામ અને એની આસપાસ રહેતા ધુરવા જનજાતિના અંદાજે ૪૦ પરિવારોના યુવાનોને સાથે લીધા. આ યુવાનોને કાયાકિંગ, ટ્રેકિંગથી લઈને વાંસનો રાફ્ટ બનાવતાં શીખવ્યું. વળી કેટલાક યુવાનોને ગાઇડ તરીકે કામ કરવા માટેની પણ ટ્રેઇનિંગ આપી, જેમાં આવનારા પ્રવાસીઓને તેઓ ન માત્ર તેમની આજુબાજુનાં સ્થળો અને જંગલો વિશે જણાવી શકે બલ્કે એ બધું જ શીખવવામાં આવ્યું કે હોમ-સ્ટે માટે આવનાર કોઈ પ્રવાસી સાથે હોસ્ટ તરીકે તેમણે કઈ રીતે વર્તવું જોઈએ; કઈ રીતે પ્રવાસીઓને તેમના રીતરિવાજો, શિલ્પ, તહેવારો અને પારંપરિક આદિવાસી જીવન વિશે જણાવવું જોઈએ તથા તેમને સ્થાનિક જીવનનો અનુભવ કરાવવો જોઈએ.
હવે જ્યારે પણ કોઈ સરકાર કે પ્રશાસન આવો કોઈ પ્રોજેક્ટ હાથ પર લે ત્યારે સૌથી પહેલાં એણે કોઈ એક જગ્યાએ મૉડલ બનાવીને રજૂ કરવું પડે એ સ્વાભાવિક છે. છત્તીસગઢ સરકારે પણ નક્સલી પ્રભાવમાંથી હમણાં નવા-નવા બેઠા થઈ રહેલા બસ્તરના જંગલ વિસ્તારનાં ગામોને પ્રવાસન હેતુ વિકસાવવા માટે ધુડમારાસ ગામને એક મૉડલ તરીકે તૈયાર કર્યું છે જેથી ધીરે-ધીરે એ નાગલસર અને નેતાનાર જેવાં ગામો સુધી પણ વિકસી શકે.
આજે પરિણામ એ છે કે ધુરવા અને મારિયા જનજાતિના અનેક યુવાનો હવે પ્રવાસીઓ માટેના હોમ-સ્ટેનું સંચાલન કરે છે, કેટલાક ગાઇડ તરીકેનું કામ પણ કરે છે અને પ્રવાસીઓને કૅમ્પિંગ માટે, ટ્રેકિંગ માટે કે બર્ડ વૉચિંગ માટે પણ લઈ જાય છે. કેટલાક યુવાનો પ્રવાસીઓ માટે તેમનું પારંપરિક ભોજન બનાવે છે તો કેટલાક બામ્બુ રાફ્ટ કે કાયાકિંગ કરાવે છે.
હવે આપણને થશે કે જંગલોમાં ટૂરિઝમ શરૂ થયું એટલે જંગલનું નખ્ખોદ નીકળી જશે, પરંતુ છેક એવું નથી. આશાવાદી બનવા માટે એક સબળ કારણ આપણી પાસે છે. છત્તીસગઢના પ્રવાસના આ સ્થળે ધુરવા જાતિના લોકોએ પ્રવાસીઓ માટે પણ કુદરતી જીવન-વ્યાપનના જ વિકલ્પો અપનાવ્યા છે. જેમ કે કચરાટોપલીઓ વાંસમાંથી જ બનાવવામાં આવી છે, તેમના હોમ-સ્ટે માટે બનાવેલાં ઘરો પણ માટીનાં છે, જમવા માટે ઝાડના પાનની જ ડિશ બનાવવામાં આવે છે અને સાથે જ પ્લાસ્ટિક કે બીજો કચરો નદીઓમાં કે જંગલોમાં ન ફેંકવામાં આવે એ માટેની પણ સાવચેતી લેવાય છે.
કાયાકિંગ અને બામ્બુ રાફ્ટિંગ જેવી ઍક્ટિવિટીથી જંગલનું સૌંદર્ય નિહાળવાનું આસાન થઈ જાય છે.
નક્સલને કહો બાય-બાય
આગળ કહ્યું એમ એ તો આપણે જાણીએ જ છીએ કે બસ્તર નક્સલીઓ માટે હબ હતું, પરંતુ હવે એ પરિસ્થિતિ ઘણાખરા અંશે ભૂતકાળ બની ચૂકી છે. પ્રત્યેક ઘરનો કમસે કમ એક સદસ્ય ટૂરિઝમ માટે કામ કરતો થયો છે. વન વિભાગ સાથે મળીને અમે કાયાકિંગ અને રાફ્ટિંગ તો કરાવીએ છીએ, સાથે જ અમે એક ઇકો વિલેજ કમિટી પણ બનાવી છે જેના સદસ્યો રોલિંગ ફન્ડની સ્કીમ અંતર્ગત વન વિભાગ સાથે મળીને રાફ્ટિંગ અને કાયાકિંગ માટે ખરીદવા પડતાં સાધનો માટે લોન સુધ્ધાં આપે છે. લોન લેનાર વ્યક્તિ પર્યટન દ્વારા એમાંથી કમાણી કરી શકે જેમાંથી તે ઋણની રકમ ફરી કમિટીને ચૂકવી શકે.
ગામનો વિકાસ
આટલું ઓછું હોય એમ આ કમિટીની રચના દ્વારા ગ્રામવાસીઓએ એક ખૂબ સુંદર વ્યવસ્થા સાથે પહેલ કરી છે. પ્રવાસનના આ નવા કામમાં જોડાયેલી દરેક વ્યક્તિ સાથે મળીને કમિટીના સભ્યોએ એવો નિર્ણય કર્યો છે કે આપણે દરેક વ્યક્તિ આપણી પ્રવાસનની જે કંઈ કમાણી થાય એની ૫૦ ટકા રકમ અલગ કાઢીને ગામના વિકાસ માટે ભંડોળ જમા કરાવીશું. આ રીતે તેમણે કાયાકિંગ અને બામ્બુના રાફ્ટ તો તૈયાર કર્યા, સાથે જ આ ભંડોળમાંથી તેમણે ધુરવાડેરા હોમ-સ્ટે નામની સુવિધા પણ ઊભી કરી છે જ્યાં આવીને પ્રવાસીઓ માટીના ઘરમાં રહી શકે અને આદિવાસી વ્યંજનોનો લાભ લઈ શકે. આપણને એ જાણીને નવાઈ લાગશે કે આ એ જ ગામો છે જ્યાંના આદિવાસી લોકો આટલાં વર્ષો સુધી નક્સલવાદના ઓછાયા હેઠળ ડર સાથે જીવતા રહ્યા હતા એટલું જ નહીં, આ જ આદિવાસીઓના ઘરના એવા કેટલાય ગેરમાર્ગે દોરાયેલા યુવાનો પણ હશે જેઓ ક્યારેક નક્સલવાદથી પ્રેરાઈને નક્સલી બની ગયા હશે. જોકે આજે હવે પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે. ગ્રામવાસીઓએ નક્સલવાદને છોડી દઈને મુખ્ય ધારામાં પોતાના જીવનને લાવવાનો નિર્ધાર કરી લીધો છે. આ સિવાય સાલના પાનની ડિશો બનાવવાથી લઈને વાંસની કલાકૃતિઓ બનાવવા જેવી પ્રવૃત્તિઓ આ આદિવાસીઓ માટે આવક રળી આપતા દ્વિતીય વિકલ્પ સમાન સાબિત થઈ રહી છે. ‘દેખો બસ્તર’ જેવા હવે કાર્યક્રમો થવા માંડ્યા છે જેથી ટૂરિઝમને વેગ મળે.
પ્રોત્સાહિત કરનારા આંકડા
છત્તીસગઢના બસ્તરનાં જંગલોમાં વસેલું એક નાનકડું આદિવાસી ગામ ધુડમારાસ જે ઇકો-ટૂરિઝમ માટે મૉડલ વિલેજ તરીકે બનાવવામાં આવ્યું છે. માત્ર ૨૧૫ માણસોની વસ્તી ધરાવતું આ ગામ હાલમાં વર્ષે ૮૭૩૭ જેટલા ભારતીય પ્રવાસીઓ અને અંદાજે ૧૬ જેટલા વિદેશી પ્રવાસીઓની પરોણાગતિ રોજ કરે છે. જે વિસ્તારમાં એક સમયે ભારતનાં બીજાં રાજ્યોના રહેવાસીઓની તો વાત છોડો, છત્તીસગઢના રહેવાસીઓ પણ દિવસના જતાં ગભરાતા હતા જ્યાં પગ મૂકવો એટલે પોતાના મૃત્યુને આમંત્રણ આપવું એમ લાગતું હતું. આ આંકડાઓ કહી રહ્યા છે કે ત્યાં હવે થોડા મહિનાઓમાં ખૂબ મોટો બદલાવ આવવાનો છે, કારણ કે UNWTO દ્વારા ધુડમારાસને વિશ્વના શ્રેષ્ઠ ટૂરિઝમ સ્પૉટ તરીકે પોતાની એ યાદીમાં સામેલ કર્યું છે જેમાં આખા વિશ્વની માત્ર ૨૦ અલભ્ય જગ્યાનાં નામો સુમાર છે!
UNOની સિલેક્શન પ્રોસેસ
અચ્છા, UNOને ભારત પર ખૂબ પ્રેમ ઊભરાઈ આવ્યો અને તેમણે ભારતના છત્તીસગઢના આ ગામને વિશ્વનાં શ્રેષ્ઠ પર્યટકસ્થળોમાં સામેલ કરી દીધું એવું નથી. વાસ્તવમાં UNO આવા કોઈ પણ સ્થળને જાહેર કરવા પહેલાં પોતાની યાદીમાં નોંધાયેલાં સ્થળોને ચકાસણી અને ખાતરીની અનેક ગળણીઓમાં ગાળે છે. જેમ કે સૌથી પહેલાં તો દુનિયાભરના અનેક દેશોનાં અનેક સ્થળોની UNOના પર્યટન વિભાગ દ્વારા મુલાકાત લેવામાં આવે છે. આ વખતે પણ એમના આ વિભાગે વિશ્વના અંદાજે ૬૦ જેટલા અલગ-અલગ દેશોનાં અનેક શહેરો, ગામો અને સ્થળોની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ આ ૬૦ દેશોમાં જેટલાં સ્થળો એમને પોતાની યાદીમાં સામેલ કરવા જેવાં લાગ્યાં એ દરેક સ્થળને નોંધવામાં આવ્યું.
આટલી પ્રક્રિયા બાદ UNO એ અંગે વિચાર કરે છે કે જો જે-તે સ્થળ કે ગામને વિશ્વનાં શ્રેષ્ઠ પર્યટનસ્થળોમાં સામેલ કરવામાં આવશે તો સ્વાભાવિક છે કે એ દેશના પર્યટકો સિવાય વિશ્વભરથી પણ અનેક પર્યટકો એની મુલાકાતે આવશે. તો શું એ ગામ કે સ્થળ આટલા બધા પ્રવાસીઓને સંભાળી શકશે? શું આટલી મોટી સંખ્યામાં પર્યટકો આવે તો જે-તે ગામ કે સ્થળને સૌંદર્ય કે સંપદાની દૃષ્ટિએ કોઈ નુકસાન તો નહીં થાયને? વળી જે-તે સ્થળની કુદરતી અને સાંસ્કૃતિક ધનાઢ્યતા કેટલી છે જેને કારણે પ્રવાસીઓ એની મુલાકાત લેવા માટે પ્રેરાય. આવા અનેક આયામો પર વિચાર થયા બાદ યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઑર્ગેનાઇઝેશન માત્ર કેટલાંક ચુનંદાં સ્થળોની યાદી બનાવે છે અને એ યાદી તેઓ વિશ્વફલક પર મૂકે છે. આ વખતે UNWTOએ કુલ ૬૦ દેશોમાં ફરીને એવાં અલભ્ય સ્થળોની જે યાદી બનાવી હતી એમાં માત્ર ૨૦ સ્થળો જ સ્થાન મેળવી શક્યાં હતાં અને એ ૨૦માંનું એક સ્થળ એટલે આપણા છત્તીસગઢનું ‘ધુડમારાસ’.