30 August, 2026 01:46 PM IST | Davanagere | Alpa Nirmal
ડાબા હાથમાં શંખ અને જમણા હાથમાં ત્રિશૂળ સાથે હરિહરેશ્વર સ્વરૂપ.
એક દંતકથા હજારો વર્ષો પહેલાંની છે. હાલના કર્ણાટક અને મહારાષ્ટ્રની સીમાનો પ્રદેશ ગુહારન્યા કહેવાતો એ સમયની. એ રાજ્યનો રાજા હતો ગુહાસુર. એ રાજા તો ખરો, પરંતુ દુષ્ટ રાક્ષસ. ગુહાને ઋષિઓ, દેવો, પ્રજાજનોને પ્રતાડવામાં બહુ મજા પડતી. એ માટે તેને અખૂટ શક્તિ અને સામર્થ્ય મળે એ હેતુસર તેણે બ્રહ્માજીની કઠિન તપસ્યા કરી. ઑબ્વિયસ્લી દરેક કિસ્સામાં થાય છે એમ બહ્માજી ભક્ત પર પ્રસન્ન થયા અને ગુહાને વરદાન માગવાનું કહ્યું. (અહીં એક વિચાર આવે છે કે સનાતન ધર્મમાં દરેક જીવ પ્રત્યે સમાન ભાવ રાખવાની’કેવી સુંદર વાત છે. કોઈ પણ ભક્ત બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કે શક્તિસ્વરૂપની ખરા હૃદયથી તપસ્યા કરે તો પ્રભુ કે દેવી પ્રસન્ન થાય જ. પછી ભલે એ ભક્તનો આશય શુભ હોય કે અશુભ, પરમાત્મા દરેક ભાવિકની ઇચ્છા પૂરી કરે જ.)
વેલ, ગુહાને વરદાન મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, પરંતુ હોશિયાર ગુહાએ બરાબર ધ્યાનમાં રાખ્યું હતું કે બ્રહ્માજી અને ભોલેનાથ તો બહુ ભોળા છે, પરંતુ વિષ્ણુજી અતિ ચતુર છે. તેઓ બ્રહ્મા અને મહેશે ભક્તોને આપેલાં આશીર્વચન ચાલાકીથી ફેરવી નાખે છે. આથી બુદ્ધિશાળી ગુહાએ બ્રહ્માજી પાસે એવું વચન લીધું કે તેને ના વિષ્ણુનો કોઈ અવતાર મારી શકે, ના રુદ્રનાથ ખતમ કરી શકે. હવે બ્રહ્માજી તો તે દાનવને તથાસ્તુ કહીને અંતર્ધ્યાન થઈ ગયા અને ગુહાસુર બેફામ થઈ ગયો. અગેઇન, દરેક કથામાં થાય એ રીતે ઋષિમુનિઓ, સામાન્ય લોકો ગુહાસુરની રાવ લઈને વિષ્ણુ ભગવાન અને શિવજી પાસે ગયા અને તેમને જ્યારે ગુહાના વરદાન વિશે ખબર પડી ત્યારે યુનિવર્સના બે સુપરપાવર વિષ્ણુ અને શિવે સંયુક્તરૂપ ધારણ કર્યું. હરિહર બનીને તેઓ પૃથ્વી પર અવતરિત થયા અને ક્રૂર ગુહાનો વધ કર્યો.
કહેવાય છે કે હરિહરના આ સ્વરૂપનું અવતરણ કુડલૂર (કર્ણાટકનું એક ગામ)માં તુંગભદ્રા અને હરિદ્રા નદીના સંગમ પર થયું હતું. એ સ્થળે આજે બેનમૂન હરિહરેશ્વર મંદિર આવેલું છે જે આપણી આજની માનસયાત્રાનો મુકામ છે.
કર્ણાટક રાજ્યની રાજધાની બૅન્ગલોર એશિયન સિલિકૉન વૅલી તરીકે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે, પરંતુ એ રાજ્યમાં ઠેર-ઠેર હજારો વર્ષ પ્રાચીન એવો અદ્ભુત ખજાનો વેરાયેલો છે જેની સામે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની બુદ્ધિક્ષમતા પણ ઝાંખી પડે એમ છે. ઍક્ચ્યુઅલી, અહીં અનેક સદીઓ સુધી સમૃદ્ધ રાજઘરાનાઓનું આધિપત્ય રહ્યું હતું. કદંબા, બદામી ચાલુક્ય, હોયસલા, કલ્યાણી ચાલુક્ય, રાષ્ટ્રકૂટ, વિજયનગર એમ્પાયર જેવા રાજાઓએ તેમના રાજ્યમાં કળા અને સંસ્કૃતિનું અખૂટ વિસ્તરણ કર્યું. એમાંય રાષ્ટ્રકૂટ, ચાલુક્ય હોયસલા તથા વિજયનગર ડાયનૅસ્ટીના રૂલિંગકાળમાં તો અહીં આર્કિટેક્ચરના ક્ષેત્રમાંય જબરદસ્ત વિકાસ થયો. રાજાઓની સહાયથી આ પ્રદેશમાં એક સે બઢકર એક મંદિરોનું નિર્માણ થયું. કારીગરોએ કાળમીંઢ પથ્થરોને તરાશી-તરાશીને બોલતા કરી દીધા. શિવ, વિષ્ણુપરંપરા સાથે જૈનિઝમ, બુદ્ધિઝમ પણ અહીં પાંગર્યું. ઉત્તર ભારતનાં મંદિરોની શૈલી તો ભિન્ન જ હતી, પણ અહીંના શિલ્પકારોએ બાજુના રાજ્ય તામિલનાડુનાં મંદિરોના આર્કિટેક્ચર કરતાંય વિશેષ પોતાની આગવી ચાલુક્ય, હોયસલા શૈલીનો પ્રાર્દુભાવ કર્યો. આજનું તીર્થાટન હોયસલા વાસ્તુકલાના નાયાબ મંદિરનું છે.
રાજ્યના મધ્યમાં દાવણગિરિ જિલ્લામાં હરિહર નામનું શહેર છે. તુંગભદ્રા નદીના કિનારે આવેલું આ શહેર દાવણગિરિથી ૧૪ કિલોમીટરના અંતરે છે, પણ ઔદ્યોગિકીકરણે બેઉ નગરો વચ્ચેનું અંતર ઘટાડી નાખ્યું છે અને તેઓ આ વિસ્તારમાં ટ્વિન સિટી તરીકે પ્રખ્યાત થઈ ગયાં છે. જોકે હરિહરનું આખું તંત્ર મંદિર અને એની આસપાસ ચાલે છે. ૧૫ ચોરસ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવતા શહેરના મધ્યમાં બારમી સદીમાં બનેલું બેમિસાલ મંદિર આવેલું છે. પરિસરમાં દાખલ થતાં જ શ્યામલવર્ણીય પણ ચમકદાર પથ્થરનું સ્તંભોયુક્ત મંદિર નજરે ચડે છે. પહેલાં મંદિરની બાહરી દીવાલોની વાત કરીએ તો દીવાલોની નીચેના ભાગમાં ફૂલપત્તીની ડિઝાઇન છે. એની ઉપર ઘોડા અને હાથીની કતારો છે. એની ઉપર વિવિધ વાજિંત્રો વગાડતાં પુરુષો અને સ્ત્રીઓનાં શિલ્પો રાજ્યમાં વિકસિત કળા અને સંસ્કૃતિનો ચિતાર આપે છે અને એની ઉપરની લાઇન અન્ય મંદિરોની સરખામણીએ ભિન્ન છે. આખા મંદિરની ફરતે આ લાઇનમાં ક્રમબદ્ધ નાનાં-નાનાં શિખરોની કતાર છે અને એ બે શિખરોની વચ્ચે હોયસલા એમ્પાયરનો મુખવટો, સિંહની મુખાકૃતિ કંડારાયેલી છે. બહારની બાજુ શિખર (દક્ષિણ ભારતમાં જેને વિમાન કહે છે)ની કતાર હોવા બાબતે મં દિરશૈલીના એક્સપર્ટનું માનવું છે કે બની શકે કે મંદિરના નિર્માણકર્તાને ખ્યાલ હોય કે કોઈ પણ કારણસર જો મંદિરનું મુખ્ય શિખર તૂટી જાય કે તોડી નાખવામાં આવે તો આગામી પેઢીને એવો ખ્યાલ રહે કે આ મંદિર પર આ પ્રકારનું શિખર હતું અને જો તેમને નવેસરથી એ વિમાન બનાવવાનું આવે તો મંદિરની બહારની દીવાલો પર રહેલાં શિખરો પરથી પ્રેરણા લઈને એવું જ શિખર બનાવે. ખરેખર, આ વાત એ વખતના રાજવીઓ અને કારીગરોની દૂરંદેશી બયાન કરે છે.
હવે મંદિરની અંદર પ્રવેશ કરીએ. અહીં અન્ય એક ખૂબી એ જોવા મળે છે કે ગર્ભગૃહ સિવાય આખા મંદિરમાં ક્યાંય આખી દીવાલ નથી. બસ, વિશાળ સ્તંભો છે. ઉત્તર ભારતીય કે નાગરી શૈલીનાં મંદિરોના સ્તંભો મોટા ભાગે કાર્વિંગયુક્ત હોય, પણ અહીંનાં મંદિરોમાં ફક્ત ભિન્ન-ભિન્ન ડિઝાઇનોનાં વલયો જોવા મળે છે. કહેવાય છે કે આ વર્તુળો અલગ-અલગ વર્ગની સ્ત્રીઓ જે પ્રકારની બંગડી, કંગન પહેરતી હોય એની ડિઝાઇન પર આધારિત છે. બે સ્તંભોની વચ્ચેનો સીલિંગનો ચોરસ ભાગ પણ અલગ-અલગ પ્રકારનાં ફૂલોની ભાતથી ખીલી ઊઠે છે તો મંદિરના રંગમંડપ (મધ્ય ભાગ)ની છત કમળના વિશાળ સ્થાપત્યથી શોભે છે. હવે ગર્ભગૃહ પર નજર કરીએ તો એ આખીયે દીવાલનો એક ઇંચ પથ્થર પણ પ્લેન નથી. એ ભાતીગળ ડિઝાઇન અને દેવ-દેવીઓનાં ચિત્રોથી સજ્જ છે. ગર્ભગૃહના મુખ્ય દરવાજા પરનું તોરણ તો ગુરુત્વાકર્ષણ બળને ચૅલેન્જ કરે એવી લટકતી ડિઝાઇનોનું ઝૂમખું છે.
મંદિરમાં બિરાજમાન હરિ અને હર મનુષ્યમુખી છે એ પણ એક નવીનતા ખરી હોં. સાડાપાંચ ફુટની મૂર્તિના જમણા હાથમાં ત્રિશૂળ છે જે મહાદેવનું સ્વરૂપ છતું કરે છે અને ડાબા હાથનો શંખ વિષ્ણુનું રૂપ દર્શાવે છે. મુખ્ય પ્રતિમાની ફરતે પરિકરમાં પણ અનેક દેવી-દેવતાઓ છે, પરંતુ એ શણગારની નીચે દબાયેલા હોવાથી દૃશ્યમાન થતાં નથી. હા, જમણા પગ પાસે બેઠેલા ગણપતિબાપ્પા જરૂર દેખાય છે, કારણ કે એના પર ચાંદીનું કવચ ચડાવવામાં આવ્યું છે. ભગવાનની પ્રતિમા શ્યામલ હોવા છતાં અત્યંત તેજસ્વી છે અને તેમનાં નેત્રો પ્રભાવશાળી. કહે છે કે જો કોઈ પણ મનુષ્ય એક વખત ભગવાન સાથે આંખોમાં આંખો મિલાવીને દર્શન કરી લે તો તે ક્યારેય પ્રભુના આ દુર્લભ સ્વરૂપને ભૂલી શકતો નથી.
પાટનગર બૅન્ગલોરથી ૨૮૨ કિલોમીટરના ડિસ્ટન્સે આવેલું હરિહર મુંબઈથી ૭૦૪ કિલોમીટર દૂર છે અને હુબલીથી ૧૩૩ કિલોમીટરે. મુંબઈ નજીકના ઉપનગર ભિવંડી, કલ્યાણથી ડાયરેક્ટ હરિહર અને દાવણગિરિ જતી ટ્રેનો મળે છે અને દાદરથી સ્લીપર બસ પણ. બાકી જો હવાઈ માર્ગે જવું હોય તો શિવમોગાનું ઍરપોર્ટ નિયરેસ્ટ છે. આગળ કહ્યું એમ દાવણગિરિ અને હરિહર જોડિયાં શહેર હોવાથી બેઉમાંથી કોઈ પણ શહેરમાં રાતવાસો કરી શકાય. અહીં સાદા ગેસ્ટહાઉસથી લઈ સારી હોટેલો છે. ઇન ફૅક્ટ, દાવણગિરિમાં અનેક ઇન્ડસ્ટ્રીઝ હોવાથી છેલ્લાં થોડાં વર્ષોમાં અહીં અનેક હોટેલો ખૂલી છે. ઇડલી, ઢોસા, મેદુવડાં બધી જ વાની દક્ષિણ ભારતીય ખરી; પરંતુ દરેક સ્ટેટ વાઇસ, ઈવન દરેક એરિયા વાઇસ એ આઇટમોનો સ્વાદ જુદો હોય છે. આ કર્ણાટકી શહેરનાં ઈડલી-ઢોસા કે દક્ષિણ ભારતીય થાળીમાં થોડો મહારાષ્ટ્રિયન તડકો ભળે છે. સાંભાર, ચટણી કે શાક-દાળ રાજ્યના અન્ય વિસ્તારોથી ટેસ્ટમાં ભિન્ન પણ સ્વાદિષ્ટ હોય છે.
મોટા ભાગનાં હિન્દુ મંદિરોની બહારની કે અંદરની દીવાલો પર વૈદિક ગ્રંથો મહાભારત, રામાયણના પ્રખ્યાત પ્રસંગો કરવામાં આવ્યા હોય છે; પણ અહીંના મંદિરની એક પણ દીવાલ કે છત પર આવાં દૃશ્યો નથી.
હરિહરેશ્વર મંદિરની બહાર ભગવાનને ચડતા બે પ્રકારના હાર મળે છે. હરિ માટે તુલસીનો અને હર માટે બીલીપત્રનો. ક્યારેક એક જ હાર અડધો તુલસીપત્રનો અને અડધો બીલીપત્રનો પણ હોય છે.
આ મંદિરનું નિર્માણ લગભગ ઈસવીસન ૧૨૨૩-૧૨૨૪ દરમ્યાન હોયસલા સામ્રાજ્યના રાજા વીર નરસિંહા દ્વિતીયના સેનાપતિ તથા મંત્રી પોલાલ્વાએ કરાવ્યું હતું. એ પછી ૧૨૬૮માં નરસિંહા તૃતીયના સેનાપતિ સોમે એનું વિસ્તરણ કરાવ્યું હતું.
આખું શિવાલય કાળા ગ્રેનાઇટમાંથી બનેલું છે, પરંતુ મંદિરના બહારના સ્તંભ સમય જતાં ચૉકલેટી બ્રાઉન રંગના થઈ ગયા છે. જોકે અંદરના સ્તંભ તથા ગર્ભગૃહ હજી શ્યામરંગી જ છે.
મંદિરની બહારની બાજુ એક દેરીમાં શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે, જેની સામે નંદીબાબા પણ બિરાજમાન છે. એ જ રીતે મંદિરના પ્રવેશદ્વારની સામેના ચોગાનમાં ૫૦ ફુટ ઊંચો સ્તંભ પણ અડીખમ ઊભો છે. ત્યાં કન્નડ ભાષામાં લખાયેલા મંદિર-નિર્માણના શિલાલેખ પણ જોવા મળે છે.
આખા ગ્રેનાઇટના મંદિરની ઉપરનું શિખર ઈંટ અને ચૂનાના પથ્થરોનું બનાવાયેલું છે. કહેવાય છે કે ટીપુ સુલતાનના સૈનિકોએ આ મંદિરનું શિખર ધ્વસ્ત કર્યું હતું અને એ પથ્થરોમાંથી બાજુમાં મસ્જિદ બનાવી હતી. એ પછી લાંબા સમય સુધી મંદિર શિખર વગર રહ્યું. જસ્ટ સોએક વર્ષ પહેલાં ગ્રામ્યજનો અને સરકારના સહિયારા પ્રયાસોથી ભવ્ય મંદિરનું અત્યંત સાદું શિખર બનાવાયું. આ શિખરને પીળા રંગથી રંગવામાં આવ્યું છે.