૨૦૨૦નું ફેવરિટ ડેસ્ટિનેશન કયું, ખબર છે?

05 January, 2020 06:26 PM IST  |  Mumbai Desk | darshini vashi

૨૦૨૦નું ફેવરિટ ડેસ્ટિનેશન કયું, ખબર છે?

સાત અજાયબીઓમાંનો એક એવો ગિઝાનો પિરામિડ વિશ્વના સૌથી જૂના અને લોકપ્રિય પ્રવાસન સ્થળમાંનો એક છે.

દુનિયા રહસ્યો અને અજાયબીઓથી ભરેલી છે જેમાંનાં કેટલાંક રહસ્યો અને અજાયબીઓ હજી પણ માનવીની સમજશક્તિથી બહાર છે જેમાંની એક અજાયબી છે ઇજિપ્તના પિરામિડ. અનેક હૉલીવુડની ફિલ્મો અને વાંચનસામગ્રીમાં અનેક વખત નજર સમક્ષ આવેલા પિરામિડ ઇજિપ્તની એક ઓળખાણ બની ગયા છે. પિરામિડની અંદર ધબકતો ઇતિહાસ ટૂરિસ્ટોને અહીં સુધી ખેંચી લાવે છે. માત્ર પિરામિડ જ નહીં, પરંતુ ઇજિપ્તનો સચવાયેલો ઇતિહાસ અને યુનિક કલ્ચર એની લોકપ્રિયતામાં વધારો કરી રહ્યાં છે. 

પ્રાચીન પિરામિડ
ઇજિપ્તના પિરામિડની લોકપ્રિયતા અને પ્રસિદ્ધ કોઈથી અજાણ નથી જેમાં અવ્વલ સ્થાને ગિઝાના પિરામિડનો સમાવેશ થાય છે જે કૈરોમાં આવેલો છે. આ પિરામિડ સૌથી મોટો અને સૌથી પ્રાચીન માનવામાં આવે છે. આ સ્મારક ચોથા ફૈરો રાજવંશ ખુફુ (જે ચિઓપ્સ તરીકે ઓળખાય છે) દ્વારા ૨૫૭૦ ઈસવીસન પૂર્વેના સમયમાં બનાવવામાં આવ્યો હતો. ૧૪૦ મીટર ઊંચો એવો આ પિરામિડ શા માટે બનાવવામાં આવ્યો હતો એના પર હજી ઘણા વિવાદ ચાલી રહ્યા છે. કેટલાકનું કહેવું છે કે અહીં ફૈરો અને તેમની બેગમને દફનાવવામાં આવ્યાં હતાં તો કેટલાકનું કહેવું છે કે આ સ્મારક જ્યોતિષ યંત્ર છે. ખેર, જે હશે તે; પણ આ સ્થળ અચૂક જોવા જેવું છે. આ પિરામિડની ઉપર ચડવાની મનાઈ છે, પરંતુ અંદર ફરી શકાય છે જેની ટિકિટ લેવી પડે છે. મહાકાય સ્મારકની વાત ચાલતી હોય ત્યારે ગ્રેટ સ્ફિકનના નામને કેમ ભુલાઈ. ઇજિપ્તના પ્રાચીન સ્મારકોમાં સ્ફિકનનું સ્મારક સૌથી ભયાનક અને અદ્ભુત ગણાય છે. ગ્રીક દંતકથામાં એક જીવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના શરીરનો માથાનો ભાગ એક સ્ત્રીના જેવો છે જ્યારે બાકીનો ભાગ સિંહ જેવો છે. આવા પ્રકારનાં શારીરિક લક્ષણોને લીધે એનું નામ સ્ફિકન રાખવામાં આવ્યું છે. ગ્રેટ સ્ફિકન ઑફ ગિઝા એ એની પ્રતિમા છે. અહીંના લોકો આ જગ્યાને અબુ અલ હોલ કહે છે જેનો અર્થ થાય છે ભયના પિતા. આ સ્મારકને ગિઝાના પિરામિડની સામે બનાવવામાં આવેલું છે જે ૨૨ મીટર ઊંચું અને ૫૦ મીટર લાંબું છે. જો તમે આ સ્મારકને ધ્યાનથી જોયું હશે તો જણાશે કે એનું નાક અને દાઢીનો ભાગ નથી. હકીકતમાં આ સ્મારક જ્યારે બન્યું હતું ત્યારે એનું નાક અને દાઢીનો ભાગ હતો, પરંતુ બાદમાં અહીં અન્ય કેટલાક સમૂહના લોકોએ આ સ્મારકને નુકસાન પહોંચાડ્યું હતું જેને લીધે આજે આ સ્મારક આવું દેખાય છે. આ સ્મારક પર ચડવાની મનાઈ છે, પરંતુ જો એની ભવ્યતા જોવી હોય તો અહીં બાજુમાં ઊંચાઈવાળી એક જગ્યા છે જેના પર ચડીને આ સ્મારકને આખો જોઈ શકાય છે. દિવસ દરમ્યાન આ બન્ને સ્થળો ટૂરિસ્ટો માટે ખુલ્લાં રહે છે. વધુ એક પિરામિડ છે સ્ટેપ પિરામિડ. આ પિરામિડની સ્થાપત્ય શૈલી ત્રીજા વંશના ફૈરો જોસરના મુખ્ય વાસ્તુકારે કરી હતી. આ પિરામિડ છ માળની એક ઇમારત છે જેની અંદર મિસ્રના શાસકોને દફનાવવામાં આવ્યા હતા. પછી આ સ્થળનો ઉપયોગ શાસકો ગિઝા અને આસપાસનાં સ્થળ જોવા માટે કરવા લાગ્યા હતા. કેટલાક એને પ્રથમ પિરામિડ પણ કહે છે. આ પિરામિડની અંદર એક વિશાળ ખંડ અને ગ્રેટ સાઉથ કોર્ટ આવેલાં છે. આ પિરામિડને જોવા માટે ખાસ પરવાનગી લેવાની જરૂર પડે છે.
મુખ્ય શહેરો
ઉત્તર આફ્રિકાના ઇજિપ્તમાં આવેલું કૈરો મુખ્ય શહેર છે જે નાઇલ નદીના કિનારે આવેલું છે. નાઇલ નદીની વાત નીકળી એટલે જણાવી દઈએ કે આ નાઇલ નદી ઇજિપ્તની જીવાદોરી સમાન છે, કેમ કે આખા ઇજિપ્તમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. જો વરસાદ નહીં પડે અને આ નદી સૂકાઈ જાય તો આખું ઇજિપ્ત રેગીસ્તાનમાં ફેરવાઈ શકે છે. મૂળ વાત પર આવીએ તો કૈરો લગભગ ૩૦૦૦ વર્ષથી વિવિધ ઇજિપ્શિયન શાસકોનું પાટનગર રહ્યું છે. વર્તમાન સમયમાં આ શહેર અનેક રીતે ઇજિપ્ત માટે મહત્ત્વનું શહેર છે. અહીં આવેલા પિરામિડ જગવિખ્યાત છે. પિરામિડ ઉપરાંત અહીં સંગ્રહાલય અને પ્રાચીન મિસ્ર સંસ્કૃતિની મસ્જિદો પણ આવેલી છે. ઇજિપ્તમાં આવેલ પ્રાચીન થેબ્સનું નામ વિશ્વની મુખ્ય હેરિટેજ સાઇટમાં આવે છે જે ઇજિપ્તના લક્સર ખાતે આવેલું છે અને નાઇલ નદીના બન્ને તટ પર ફેલાયેલું છે. એક સમયે આ શહેર ઇજિપ્તનું મુખ્ય શહેર હતું તેમ જ રાજધાની પણ હતી. આજે પણ આ જૂના થેબ્સ શહેરની ભવ્ય ઇમારતો, સ્તંભો અને સ્મારકો એ સમયના ઇતિહાસને ઉજાગર કરે છે. ઍલેકઝાન્ડ્રિયા શહેર ઇજિપ્તનું બીજા નંબરનું મોટું શહેર છે જે વેલ્ધી ઐતિહાસિક વારસો ધરાવે છે. જેને જાણવું હોય તો અહીં આવેલી લાઇબ્રેરી અને મ્યુઝિયમોની મુલાકાત લેવી.
અપર ઍન્ડ લોઅર ઇજિપ્ત
ઇજિપ્ત બે ભાગમાં વહેંચાયેલું છે. અપર ઇજિપ્ત અને લોઅર અથવા તો સધર્ન ઇજિપ્ત. નાઇલ નદીનો પ્રવાહ દક્ષિણથી ઉત્તર તરફ વહેતો હોવાથી ઇજિપ્ત એ પ્રકારે બે ભાગમાં વહેંચાયેલું છે. સાઉથ ઇજિપ્તમાં રણપ્રદેશ અને નીચા પહાડો આવેલા છે, જ્યારે નૉર્થ તરફ વૅલી અને નાઇલ નદી આવેલી છે. નાઇલ નદીના તટનો વિસ્તાર જ માત્ર ફળદ્રુપ છે જેને લીધે કૃષિ વ્યવસાય અહીં મર્યાદિત છે.
વાદી અલ મુલુક, થેબાન કબ્રસ્તાન અને બીજું ઘણું...
વાદી અલ મુલુક એટલે કે રાજાઓની ઘાટી. આ એક ઘાટી છે જ્યાં પ્રાચીન સમયમાં રાજાઓને દફન કરવામાં આવતા હતા જેને શાહી કબ્રસ્તાન પણ કહેવામાં આવે છે. આ વિશે અહીંના કેટલાક ગ્રંથોમાં ઉલ્લેખ પણ કરવામાં આવેલો છે. આ ક્ષેત્ર ૧૮મી સદી બાદથી પુરાતન વિભાગ માટે મુખ્ય સંશોધનનું કેન્દ્ર બની રહેલું છે. વર્તમાન સમયમાં ઘાટી તૂતેનખામેનના મકબરાની ખોજને લીધે લોકપ્રિય બની છે. હજી પણ અહીં ખોદકામ દરમ્યાન ઘણું મળી આવે છે. થોડા સમય પૂર્વે જ અહીં પ્રવાસીઓને આકર્ષવા માટે પર્યટન કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું હતું. આવું જ બીજું એક સ્થળ છે અલ ખોખા. જે નાઇલ નદીના પશ્ચિમી ભાગમાં આવેલું છે. આ સ્થળ પહાડોની વચ્ચે આવેલું છે. એવું કહેવાય છે કે ૧૮, ૧૯ અને ૨૦મી સદીમાં અહીં રાજવીઓને દફનાવવામાં આવતા હતા. ઉપરી ઇજિપ્તમાં થેબાન કબ્રસ્તાન આવેલું છે. જ્યાં ફારોનિક સમયથી દફનવિધિ કરવામાં આવે છે. ઉપરી ઇજિપ્તમાં થેબાન ખાતે સેતી આવેલું છે. આ પણ એક કબ્રસ્તાન જ છે જે સેતી સલ્તનત દરમ્યાન બનાવવામાં આવ્યું હતું જેની ઇમારત ખૂબ જ ભવ્ય છે, પરંતુ વર્તમાન સમયમાં આ ઇમારતના અવશેષો જ જોવા મળે છે.
વાઇટ ડેઝર્ટ નૅશનલ પાર્ક
રણપ્રદેશ એટલે ગોલ્ડન કલરની રેતીનો પ્રદેશ એવું નથી એ તમને અહીં આવીને સમજાશે કેમ કે અહીંની ગોલ્ડન રેતીમાં સફેદ રેતી પથરાયેલી છે. ૩૦૦ સ્ક્વેર કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલું વાઇટ ડેઝર્ટ નૅશનલ પાર્ક રણપ્રદેશમાં બરફ પડેલો હોય એવાં દૃશ્ય નિર્માણ કરે છે. આ નજારો સૂર્યાસ્ત અને સૂર્યોદયના સમયે વધુ સુંદર બને છે, જ્યારે આ રેતી ઑરેન્જ રંગે સજે છે, પરંતુ અહીં વિદેશીઓને નાઇટ આઉટ માટે પરમિશન નથી એટલે અહીં દિવસ દરમ્યાન આવવું સારું રહેશે.
ઇજિપ્શિયન મ્યુઝિયમ
ઇજિપ્તમાં કૈરો ખાતે આવેલું ઇજિપ્શિયન મ્યુઝિયમ વિશ્વનું સૌથી બેસ્ટ મ્યુઝિયમમાંનું એક ગણાય છે. જૂની ઇજિપ્શિયન શૈલીમાં બનાવવામાં આવેલા આ મ્યુઝિયમની અંદર એક લાખ જેટલી શિલ્પકૃતિઓ છે. મમી, માટીકામ, આભૂષણો અને કિંગનો ખજાનો મૂકેલો છે. સોનાનાં માસ્ક, કપડાં વગેરે નાનામાં નાની વસ્તુઓને લૅબલિંગ કરીને વ્યવસ્થિત રીતે પ્રદર્શનીમાં મૂકવામાં આવેલાં છે. આ સંગ્રહાલય સવારે ૯થી સાંજે પાંચ સુધી ખુલ્લું રહે છે.
પીપલ ઍન્ડ નેચર
ઇજિપ્તના ૯૦ ટકા લોકો મુસ્લિમ છે, જ્યારે ૧૦ ટકા લોકો ખ્રિસ્તી સમુદાહના છે. ઇજિપ્તની જનસંખ્યા ઘણી ઝડપથી વધી રહી છે જેની સામે અહીં રિસૉર્સ પૂરતા પ્રમાણમાં નથી એટલે સરકાર માટે આ વિષય ચિંતાનો બની રહ્યો છે. ઇજિપ્તમાં વાઇલ્ડ પ્રાણીઓની સંખ્યા મોટી માત્રામાં છે. ઇજિપ્તમાં ૨૦ પ્રોટેક્ટેડ એરિયા છે જેમાં ઇજિપ્તની વાઇલ્ડ લાઇફ વિસ્તરેલી છે. અહીંના લોકો પશુ અને પ્રાણીપ્રેમી છે જેનો અંદાજ અહીંની ગુફા તેમ જ દીવાલો પર મળી આવતાં પેઇન્ટિંગ્સ પરથી મળે છે.

થોડું શૉર્ટમાં
જૂનું અથવા બીજું નામ: મિસ્ર અથવા અરબ રિપબ્લિક ઑફ ઇજિપ્ત
રાજધાની : કૈરો
જનસંખ્યા : લગભગ ૯ કરોડ
ઑફિશ્યલ ભાષા : અરેબિક
ચલણ : ઇજિપ્શિયન પાઉન્ડ
પાડોશી : સુદાન, લીબિયા, રાતો સમુદ્ર, ગાઝા પટ્ટી, ઇઝરાયલ
મુખ્ય આકર્ષણ : ગિઝાનો પિરામિડ, ગ્રેટ સ્ફિકન, ખાફ્રાનો પિરામિડ, કૈરો, ઍલેકઝાન્ડ્રિયા, વૅલી ઑફ ધ કિંગ, જૂની ખંડેર, ઇજિપ્શિયન મ્યુઝિયમ વગેરે વગેરે.

કેવી રીતે અને ક્યારે જવું?
ઇજિપ્તમાં ઑક્ટોબરથી મે મહિના દરમ્યાન જવાનો બેસ્ટ સમય છે. માર્ચથી મે મહિના દરમ્યાન અહીં ધૂળનાં તોફાન જોવાં મળે છે. ઉનાળા દરમ્યાન અહીં ટ્રાવેલિંગ કરવું સસ્તું પડે છે, પરંતુ એ સમયે અહીં સખત ગરમી પડે છે. ઇજિપ્ત સુધી પહોંચવા માટે બેસ્ટ વે ઍર-વે છે. ઇજિપ્તના લક્સર અને હરઘડામાં આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ છે જ્યાં ઇન્ટરનૅશનલ ફ્લાઇટ‍્સ આવે છે. મુંબઈથી અહીં સુધી પહોંચવા માટે કોઈ સીધી ફ્લાઇટ નથી.

travel news weekend guide