05 July, 2026 04:10 PM IST | Mumbai | Shailesh Nayak
ઉખીમઠમાં મમતા મહેતા, મીતા શાહ, રૂપાંદે શાહ અને તૃપ્તિ ઠાકોરે તુંગનાથ મહાદેવનાં દર્શન કર્યાં હતાં, તુંગનાથ મહાદેવ મંદિર અને એની આસપાસ પથરાયેલો બરફ.
સાઠ વટાવી ચૂક્યા પછી શું કરી શકીએ એમ નહીં પણ શું ન કરી શકીએ એવા પૉઝિટિવ ઍટિટ્યુડ સાથે અમદાવાદની સિનિયર સિટિઝન મહિલાઓ ૩ મહિના આકરી ટ્રેઇનિંગ કરીને શિવજીના વિશ્વના સૌથી ઊંચા મંદિરે જઈ આવી : મોટી ઉંમરે નિરાશા અને નકારાત્મકતા વચ્ચે અટવાતી મહિલાઓમાં જોમ-જુસ્સા સાથે પ્રોત્સાહન પૂરું પાડતી આ નારીઓ પાસેથી પ્રેરણા લેવા જેવી છે
ઉત્સાહ બુલંદ હોય તો ઉંમર માત્ર આંકડો બનીને રહી જાય છે. સાઠ વટાવી ચૂક્યા પછી શું કરી શકીએ એમ નહીં પણ શું ન કરી શકીએ એવા પૉઝિટિવ ઍટિટ્યુડ સાથે અમદાવાદની ૪ સિનિયર સિટિઝન મહિલાઓએ અડચણો વચ્ચે એક જ દિવસમાં હિમાલયનો કઠિન ટ્રેક સર કર્યો હતો. તેઓ ૧૨,૦૦૦ ફુટ કરતાં વધુ ઊંચાઈએ આવેલા ઉત્તરાખંડના તુંગનાથ મહાદેવ મંદિરે પહોંચીને પ્રભુનાં દર્શન કરીને હેમખેમ નીચે ઊતર્યાં હતાં.
કોઈ પણ ગાઇડના સપોર્ટ વગર પોતાની આવડતથી ઓછા ઑક્સિજન, બરફાચ્છાદિત પહાડો અને કઠિન ચડાણ સહિતની અડચણોને પાર કરીને દેવાધિદેવ મહાદેવનાં દર્શન કરીને પાછી ફરેલી આ મહિલાઓની હિંમતને દાદ આપવા જેવી છે. સમાજમાં મોટી ઉંમરે નિરાશા અને નકારાત્મકતા વચ્ચે અટવાતી મહિલાઓમાં જોમ-જુસ્સા સાથે પ્રોત્સાહન પૂરું પાડતી આ ૪ મહિલાઓની પ્રેરણાદાયી વાત જાણવા જેવી છે.
૪ ફ્રેન્ડ્સ કરે છે ટ્રેકિંગ
હિમાલયના પહાડો વચ્ચે આવેલા તુંગનાથ મહાદેવનાં દર્શન કરવાં એ જીવનનો લહાવો છે ત્યારે આ આધ્યાત્મિક-સાહસિક સફર વિશે વાત કરતાં રૂપાંદે શાહ કહે છે, ‘હું ૬૭ વર્ષની છું. મારી સાથે આ ટ્રેકિંગમાં ૬૪ વર્ષનાં મીતા શાહ અને ૬૧ વર્ષનાં મમતા મહેતા તેમ જ તૃપ્તિ ઠાકોર આવ્યાં હતાં. અમે બધાં ફ્રેન્ડ્સ છીએ અને અમદાવાદમાં રહીએ છીએ. અમે ચારેય જણ અવારનવાર વ્યક્તિગત રીતે અને ગ્રુપમાં પણ હિમાલયમાં નાનું-મોટું ટ્રેકિંગ કરીએ છીએ. આ પહેલાં અમે ઉત્તરાખંડમાં હેમકુંડ સાહિબ અને વૅલી ઑફ ફ્લાવર્સ સહિતના ટ્રેક કર્યા છે. અમે જ્યારે ટ્રેકિંગ કરીને આવીએ ત્યારે દિમાગમાં એક સવાલ ચાલે કે નેક્સ્ટ ટ્રેક ક્યાં અને ક્યારે કરીશું? તુંગનાથ મહાદેવ મંદિરનો ટ્રેક કરવાનો આઇડિયા ૬ મહિના પહેલાં આવ્યો હતો. અમે ફક્ત ૪ ફ્રેન્ડ્સ આ ટ્રેક માટે જવાના હતા. બીજા કોઈને અમારી સાથે રાખ્યા નહોતા. અમે નક્કી કર્યું હતું કે આ ટ્રેક માટે કોઈ ગાઇડની પણ મદદ નથી લેવી. ૬ મહિના પહેલાં અમે આ જગ્યાની માહિતી મેળવી હતી કે ત્યાં કેવી રીતે જવાય, શું સાથે રાખવાનું, કોઈ તકલીફ થાય તો શું કરવું. આ બધી માહિતી મેળવીને આ ટ્રેકિંગ માટે તૈયારીઓ શરૂ કરી હતી.’
તુંગનાથ મહાદેવ મંદિરની બહારથી દર્શન કરતાં રૂપાન્દે શાહ, તુંગનાથ મહાદેવ મંદિર જવા માટે જ્યાંથી રસ્તો શરૂ થાય છે એ જગ્યાએ રૂપાંદે શાહ અને તૃપ્તિ ઠાકોર.
ક્યાં આવ્યું છે આ મંદિર?
હિમાલય દેવાધિદેવ મહાદેવનું સ્થાન છે. આદિઅનાદિ કાળથી હિમાલયમાં ભગવાન ભોળા શંભુનો મહિમા ગવાતો આવ્યો છે અને અહીં અસંખ્ય શિવાલયો આવેલાં છે. તુંગનાથ મહાદેવ મંદિર વિશે વાત કરતાં રૂપાંદે શાહ કહે છે, ‘એવું કહેવાય છે કે તુંગનાથ મહાદેવ આખા વિશ્વમાં સૌથી ઊંચાઈ પર આવેલું મહાદેવજીનું મંદિર છે. આ મંદિર ઉત્તરાખંડમાં ગઢવાલમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં આવ્યું છે. તુંગનાથ મહાદેવ મંદિર ૧૨,૦૭૩ ફુટની ઊંચાઈએ આવેલું છે. ગઢવાલમાં ભગવાન શિવનાં પંચ કેદાર તરીકે ઓળખાતાં પાંચ મંદિરમાં આ મંદિરનો સમાવેશ થાય છે.’
પગમાં બાંધી રેતીની થેલી
૪ ફ્રેન્ડ્સે તુંગનાથ મહાદેવ મંદિરે જવાનું નક્કી કર્યું એ પછી તૈયારીઓ શરૂ કરી હતી. રૂપાંદે શાહ કહે છે, ‘તુંગનાથ મહાદેવ મંદિર ઊંચાઈ પર આવેલું હોવાથી ઑક્સિજનની વધઘટ થતી રહેતી હોય, બરફ હોય, કપરું ચડાણ હોય અને એ સહિતની અડચણોનો સામનો કરવા માટે ફિઝિકલી અને માનસિક તૈયારી પણ હોવી જોઈએ. શારીરિક તૈયારીઓ માટે અમે રેગ્યુલર જિમમાં જતાં હતાં. પગ તેમ જ મસલ્સની સ્ટ્રેન્ગ્થ માટે એક્સરસાઇઝ પણ કરતાં હતાં. અમે ચારેય દરરોજ એક-એક કલાક ચાલતાં હતાં. જિમમાં એવી પણ એક્સરસાઇઝ કરી હતી જેમાં અમારા બન્ને પગે બે-બે કિલો રેતીની થેલીઓ બાંધીને શરૂઆતમાં ૩૦૦ સ્ટેપ્સ અને એ પછી ૪૦૦ સ્ટેપ્સ અને ત્યાર બાદ ૫૦૦ સ્ટેપ્સ ચડવાની પ્રૅક્ટિસ મશીન પર કરતાં હતાં જેથી પગમાં એટલી મજબૂતી આવે કે ૧૨,૦૦૦ ફુટ કરતાં વધુની હાઇટ સુધી ચડી શકીએ. અમે કાર્ડિયોની એક્સરસાઇઝ પણ કરતાં હતાં, કારણ કે પર્વત પર ઑક્સિજનનું લેવલ વધઘટ થાય તો કોઈ મુશ્કેલી ન થાય. બ્રેથલેસનેસ ન થઈ જાય એ માટેની બધી તૈયારીઓ અમે ૩ મહિના પહેલાંથી શરૂ કરી હતી.’
સિનિયર સિટિઝનોને મેસેજ
૬૦ વર્ષથી વધુની ઉંમરની આ મહિલાઓએ પોતાની જાતે ટ્રેકિંગની ટ્રિપ ગોઠવીને આધ્યાત્મિકતાની સાથે ઍડ્વેન્ચરનો લહાવો માણ્યો હતો. રૂપાંદે શાહ સિનિયર સિટિઝનોને મેસેજ આપતાં કહે છે, ‘દિમાગમાં ઉંમરના આંકડાને રમતો રાખવાની કોઈ જરૂર નથી. તમારી જાતને તમે હંમેશાં પ્રાયોરિટી આપો. રેગ્યુલર એક્સરસાઇઝ કરો. તમે એવું ન સમજો કે હવે તમે ૬૦ વર્ષના થઈ ગયા છો તો તમારાથી આ ન થાય. ન થાય એવું કશું નથી. બધા બધું જ ગમે એ ઉંમરે કરી શકે છે. જરૂર એટલી છે કે તમે શારીરિક અને માનસિક રીતે પ્રિપેર રહો.’ આ ૪ ફ્રેન્ડ્સને સાથે મળીને કુદરતના સાંનિધ્યમાં ફરવું ગમે છે. કુદરતના ખોળે જવું, જૂનાં-જૂનાં મંદિરો હિમાલયમાં ક્યાં-ક્યાં આવેલાં છે એની હિસ્ટરી જાણવી, ત્યાં વિઝિટ કરીને દર્શન કરવાનો શોખ આ મહિલાઓને છે. એટલે દર વર્ષે કોઈ ને કોઈ આવી ટ્રિપ કરવા માટે તેઓ પ્રેરાય છે.
તુંગનાથ મંદિર પહેલાં દેવરિયા તાલ
તુંગનાથ મહાદેવ જતાં પહેલાં આ સાહસિક મહિલાઓએ દેવરિયા તાલનું ટ્રેકિંગ કર્યું હતું. એ પાછળનું કારણ જણાવતાં રૂપાંદે શાહ કહે છે, ‘અમે ૪ એપ્રિલે તુંગનાથ મહાદેવ મંદિર ગયાં. એના આગળના દિવસે ૩ એપ્રિલે ૭૯૯૯ ફુટની ઊંચાઈ પર આવેલા દેવરિયા તાલનું ટ્રેકિંગ કર્યું હતું. દેવરિયા તાલ જવા પાછળની અમારી મકસદ એ હતી કે અમારી બૉડી ત્યાંના વાતાવરણ સાથે સુસંગત થઈ શકે, વૉર્મ-અપ થઈ જાય, અમારી બૉડી એક રિધમમાં આવી જાય. દેવરિયા તાલ બહુ જ સુંદર ટ્રેક છે. ત્યાં બ્યુટિફુલ લેક છે. કહેવાય છે કે ત્યાં બધા દેવતાઓ સ્નાન કરવા માટે આવે છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર અદ્ભુત લેક અમને જોવા મળ્યો. ત્યાંનો નઝારો અવિસ્મરણીય છે.’
તુંગનાથ મહાદેવ મંદિર જતાં રસ્તામાં આવતા ગણપતિ મંદિર પાસે તૃપ્તિ ઠાકોર અને રૂપાંદે શાહ, દેવરિયા તાલ જતાં મીતા શાહ, રૂપાંદે શાહ, તૃપ્તિ ઠાકોર અને મમતા મહેતા.
તુંગનાથમાં અદ્ભુત સૌંદર્ય
તુંગનાથ મહાદેવના ટ્રેકિંગ વિશે વાત કરતાં રૂપાંદે શાહ કહે છે, ‘તુંગનાથ મહાદેવ મંદિરે જવા માટે અમે ચારેય ફ્રેન્ડ્સ વહેલી સવારે ઊઠી ગયાં હતાં. સવારે ૬ વાગ્યે ચડવાનું શરૂ કર્યું હતું અને સાંજે પાછા ફરતાં પાંચ વાગી ગયા હતા. અમે ધીરે-ધીરે ચડતાં હતાં, કેમ કે પર્વત પર આગળ-પાછળનું સૌંદર્ય ખૂબ જ અદ્ભુત હતું. બરફથી ઢંકાયેલા પર્વતોને જોવાની મજા કંઈક ઑર જ હતી. જોકે માર્ગમાં બરફ હોવાથી અને ઢોળાવવાળો માર્ગ હોવાથી અમે સાચવીને ચાલતાં હતાં. ધીમે-ધીમે અમે સવારે ૧૧ વાગ્યે તુંગનાથ મહાદેવ મંદિર પહોંચ્યાં હતાં. ત્યાં બે કલાક શાંતિથી બેઠાં હતાં. ત્યાં અમને પરમ શાંતિનો અહેસાસ થયો. મંદિરનાં કપાટ મે મહિનાથી ખૂલે છે. જ્યારે કપાટ ખૂલે ત્યારે વધારે ગિરદી હોય એટલે અમે નક્કી કરેલું અમે પહેલાં જઈને મહાદેવજીનાં દર્શન કરી લઈએ. અમે એપ્રિલમાં તુંગનાથ મહાદેવનાં મંદિરના દર્શન કર્યાં હતાં. પછી ઉખીમઠમાં પણ દર્શન કરવા ગયાં હતાં. આ અનુભવ અમને જીવનભર યાદગાર બની રહેશે.’
તકલીફ પડી નહીં
પર્વત પર આવેલા મંદિરમાં દર્શન કરવા જતાં પહેલાં એક્સરસાઇઝ કરી હોવાથી આ મહિલાઓને એવી કોઈ તકલીફ પડી નહોતી. રૂપાંદે શાહ કહે છે, ‘આમ તો તુંગનાથ મહાદેવજીનો પહાડ ચડવામાં તકલીફ પડે, પણ અમને કસરતનો ફાયદો થયો. અમે શાંતિથી તકલીફ વગર ધીરે-ધીરે પહાડ ચડ્યાં હતાં. ન અમને શ્વાસની તકલીફ થઈ કે ન અમને પગમાં દુખાવો થયો. ન કળતર થયું, ન શરીર દુખ્યું કે ન માથું દુખ્યું. ભગવાનની કૃપાથી કોઈ પણ જાતની તકલીફ વગર અમે ૧૨,૦૦૦ ફુટ કરતાં વધુ ઊંચાઈએ પર્વત પર ચડી શક્યાં.’