09 November, 2025 02:25 PM IST | Germany | Alpa Nirmal
આ શહેર એટલું ચોખ્ખું છે કે અહીંના નાળામાંથી પણ પાણી પી શકાય
જર્મનીના ગ્રીન ટાઉન ગણાતા ફ્રાઇબર્ગમાં બ્લૅક ફૉરેસ્ટ પર્વત પરથી આવતું પાણી એટલું શુદ્ધ છે કે શહેરભરમાં ફેલાયેલા ખુલ્લા નાળામાંથી વહેતું પાણી ડાયરેક્ટ ગટગટાવી શકાય છે. આ જર્મની પોતે ઑટોમોબાઇલ ક્ષેત્રનું કિંગ હોવા છતાં ફ્રાઇબર્ગના સ્થાનિકો કાર રાખતા નથી
‘જો ફ્રાઇબર્ગ શહેરનાં બાચલે (પાણીનાં નાનાં નાળાંઓ)માં અનાયાસ તમારો પગ પડી ગયો તો તમારો જીવનસાથી આ શહેરનો નિવાસી હશે.’
જર્મનીના આ શહેર માટે આ પ્રચલિત માન્યતા છે. આ દુનિયા અજબ-ગજબ અજાયબીઓથી ભરી પડી છે. ક્યાંક કુદરતે કામણ કર્યાં છે, ક્યાંક મનુષ્યએ કરિશ્મા કર્યા છે તો વળી અમુક ઠેકાણે પ્રકૃતિ અને માણસ બેઉએ સહિયારા ચમત્કારો રચ્યા છે. આવાં અદ્વિતીય કાર્યોની સૂચિમાં આવે છે સ્વિટ્ઝરલૅન્ડ-ફ્રાન્સની બૉર્ડર પર દક્ષિણ જર્મનીમાં આવેલું ફ્રાઇબર્ગ ઇન બ્રેઇસગૌ - શૉર્ટ નેમ ફ્રાઇબર્ગ. ભૂમધ્ય સમુદ્ર જેવી આબોહવા ધરાવતું જર્મનીના બાડેન-વુર્ટેમબર્ગ રાજ્યનું આ શહેર પ્રખ્યાત બ્લૅક ફૉરેસ્ટની દક્ષિણ-પશ્ચિમની તળેટી પર ડ્રેસમ નદીના કિનારે આવેલું છે. આજે એની વાત કરવાનું કારણ એ છે કે વિકાસના નામે પર્યાવરણનું જે પ્રમાણે નિકંદન થઈ રહ્યું છે એની સામે આ મૉડર્ન અને યંગ શહેરે વાતાવરણને પ્રાધાન્ય આપીને અનુકરણીય ઉદાહરણ સેટ કર્યું છે.
તો ચાલો ફ્રાઇબર્ગ
તમે કલ્પના કરી શકો કે આપણા માટે ધાર્મિક દૃષ્ટિએ પવિત્ર ગણાતી ગંગા, યમુના કે નર્મદાનું પાણી ડાયરેક્ટ નદીમાંથી ગ્લાસ ભરીને પી જઉં? શું કહ્યું? આજે તો આ નદીઓના કિનારે બેસીને મહિનાઓ પહેલાં બૉટલમાં ભરેલું મિનરલ વૉટર પીવાય છે. અરે, નદીના પાણીનું ફક્ત આચમન લઈએ તોય પેટમાં પંક્ચર પડી જાય છે. ત્યારે એક સમયે ફ્રાઇબર્ગમાં ખરાબ પાણીના નિકાલ માટે બનાવાયેલી ખુલ્લી ગટર (બાચલે)માં બ્લૅક ફૉરેસ્ટમાંથી નીકળતી નદીઓનું એવું શુદ્ધ પાણી વહે છે કે તમે એ ડાયરેક્ટ ગટગટાવી શકો. યસ, આ કલ્પના નથી. અહીંના સ્થાનિક લોકો તો ખરા જ, ટૂરિસ્ટો પણ એવું કરે છે. એટલું જ નહીં, બાળકો આ નીકમાં રમકડાની નૌકા ફેરવે છે તો કેટલાક મોટાઓ એમાં સ્વિમિંગ પણ કરે છે.
હવે ફ્રાઇબર્ગને દુનિયામાં પ્રસિદ્ધિ અપાવનાર આ બાચલેનો ઇતિહાસ જાણીએ તો ઈસવી સન ૧૨૨૦ના જર્મન દસ્તાવેજોમાં ઉલ્લેખ છે કે આ બાચલે અહીંનાં ખેતરોમાં પાણી પહોંચાડવા માટે બનાવાયાં હતાં (આપણે ત્યાં પણ સદીઓ પૂર્વેથી આવી સિંચાઈની પ્રથા છે જ). એ પછીની સદીઓમાં અહીં માનવવસ્તી વસતાં લોકો સ્વવપરાશ માટે પણ અહીંથી પાણી લેવા લાગ્યા. જોકે લોકોની સંખ્યા વધતાં અહીં કૂવા વગેરે પણ બંધાયા. જોકે છેક સોળમી સદીથી એ નિયમ લાગુ પડી ગયો કે આ નીકમાં કોઈએ પ્રાણીઓનાં મળમૂત્ર, કચરો, પથ્થર કે કોઈ પ્રકારની ગંદકી નાખવી નહીં. ઓગણીસમી સદીમાં આ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં માનવવસાહતો બની અને અનેક રોડ વગેરેનું નિર્માણ થયું ત્યારે પણ સિટી સેન્ટરની આજુબાજુમાં મોટા પ્રમાણમાં ફેલાયેલી આ બાચલેને ઢાંકી દેવામાં આવી, પૂરવામાં નહીં (માઇન્ડ ઇટ પૂરવામાં નહીં) અને આ પાણીનો ઉપયોગ હાઇડ્રન્ટ દ્વારા આગ બુઝાવવામાં થવા લાગ્યો. સેકન્ડ વર્લ્ડ વૉર વખતે વ્યાપક પ્રમાણમાં આ પાણીનો ઉપયોગ થયો. જોકે આ વિશ્વયુદ્ધમાં શહેરનો ૭૦થી ૮૦ ટકા ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો અને આખા એરિયાનો પુનરોદ્ધાર કરવાની જરૂર પડી. ત્યારે ૧૯૪૫માં અહીંના મેયરે લોખંડની પ્લેટો વડે ઢંકાયેલા બાચલે નેટવર્કને સંપૂર્ણપણે ખોલાવી નાખ્યું, ક્ષતિગ્રસ્ત નીકો રિપેર કરાવી, સફાઈ કરાવી અને ફરીથી આખું બાચલે તંત્ર ઍક્ટિવેટ કરાવ્યું. એ પછી કહેવાતો વિકાસ થયો. શહેર મોટા પ્રમાણમાં ફૂલ્યું, પ્રવાસન ઍક્ટિવિટી વધી અને વાહનવ્યવહાર વધ્યો. લોકોની આવ-જા, ટ્રાન્સપોર્ટ અને શહેરની મધ્યમાં જ વહેતી બાચલેથી ટ્રાફિક જૅમ રહેવા લાગ્યો અને પાર્કિંગની દિક્કત તો છોગામાં. આવી પરિસ્થિતિ હતી ત્યાં એક દિવસ એક વેપારીએ સાલ્જસ્ટ્રાસેમાં ગાડી ચલાવતાં-ચલાવતાં એક કમ્પાઉન્ડની દીવાલ સાથે પોતાની ગાડી ઠોકી દીધી એટલું જ નહીં, ગુસ્સામાં આ શહેર પર પણ અવ્યવસ્થાનો મુકદ્દમો ઠોકી દીધો. એ વર્ષોમાં આવી અનેક ઍક્સિડેન્ટલ ઘટનાઓ બનતાં પરિણામસ્વરૂપે ૧૯૭૩માં ફ્રાઇબર્ગમાં ટ્રામ આવી અને લોકલ લોકોએ પોતાનાં વાહનોને રુખસદ આપી દીધી. મોટરો ચાલતી એ માર્ગો લાર્જર સાઇઝના વૉકવે તેમ જ સાઇકલ લેન બની ગયાં અને પાર્કિંગ લૉટ ઓપન ફ્રી માર્કેટ.
એ દી ને આજની ઘડી શહેરના મધ્ય ભાગોમાં ગાડીઓ નથી ચાલતી, ટ્રામ-સર્વિસ આખા વિસ્તારને સુપેરે જોડે છે. સ્થાનિક લોકો અને પર્યટકો ચાલે છે અથવા સાઇકલનો ઉપયોગ કરે છે અને પેલી બાચલે ફ્રાઇબર્ગના નાગરિકો માટે મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. સમરમાં તેઓ કાં તો એ કનૅલમાં વૉટરબેડ લઈ પડ્યા રહે છે અને પાતળી જગ્યાઓેએ સાચવેલા ટાઢા પાણીમાં પગ બોળીને ગરમીથી રાહત મેળવે છે. બાળકોને આ કનૅલમાં ટૉય બોટ ચલાવવા બાકાયદા અનેક ઇવેન્ટ્સ યોજાય છે અને પર્યટકો તો આ આખું પિક્ચર જોઈને આનંદિત થઈ જાય છે.
અંદાજિત ૧૦૦ કિલોમીટરમાં ફેલાયેલી આ ઓપન વૉટર ચૅનલ ઓલ્ડ ટાઉન સહિત આઉટ સ્કર્ટ્સમાં પણ ઍક્ટિવેટ છે. શહેરમાં એ સાંકળી છે, પરંતુ અમુક એરિયામાં એ ખાસ્સી પહોળી થઈ જાય છે.
બ્લૅક ફૉરેસ્ટ કેકનો જન્મ અહીં થયેલો
ફ્રાઇબર્ગમાં બીજું શું છે?
શહેરની મધ્યમાં ગૉથિક શૈલીનું પ્રાચીન ચર્ચ છે. ઈસવી સન ૧૧૨૦થી ૧૨૩૦ દરમ્યાન બનેલું આ દેવળ ટાઉનનું હૃદય છે તો એની બાજુમાં આવેલો માર્ટિન્સ ગેટ (ટાવર) નગરની ધડકન. આ ટાવરના પિલર્સની વચ્ચેથી ટ્રામવે પસાર થાય છે જે જોવામાં જેટલો રોમાંચક લાગે છે એટલું જ ફન છે આખા ટ્રામરૂટ પર ટ્રાવેલ કરવું. દર ૩ મિનિટે મળતી ટ્રામની પાંચ લાઇનો છે જે ફ્રાઇબર્ગ તેમ જ આજુબાજુના સબ-ટાઉનને જોડે છે. ૪૪ કિલોમીટરની આ ટ્રામજાળમાં ૭૮ સ્ટેશનો છે અને સ્ટેશનોનું આર્કિટેક્ચર અદ્ભુત હોવા સાથે નવીનતા એ છે કે એ દરેકની રૂફ પર સોલર પૅનલ લાગેલી છે. એમ તો શહેરના મધ્ય ચોક વગેરેનાં મકાનો છોડીને દરેક રેસિડેન્સિયલ અને કમર્શિયલ ઇમારતો પર સોલર પૅનલો લાગી છે જે તેમને જરૂરિયાત હોય એના કરતાં વધુ વીજળી ઉત્પન્ન કરે છે. આ એન્વાયર્નમેન્ટ-ફ્રેન્ડ્લી કાર્યએ સમસ્ત વિસ્તારને ખરા અર્થમાં પૉલ્યુશનમુક્ત બનાવી દીધો છે.
કાર-ફ્રી ટાઉન, માદક આબોહવા, ફુટપાથો પરની લાવઇ કૅફે, બાચલેમાંથી આવતો વહેતા પાણીનો કલકલાટ અને કૂણા ઘાસથી આચ્છાદિત રૂટ પર સરકતી ટ્રામો ફ્રાઇબર્ગને ફાઇવસ્ટાર પ્લેસનું સ્ટેટ્સ આપે છે.
અહીં છે પંદરમી સદીની યુનિવર્સિટી
નેચરના દીવાનાઓનું મક્કા છે ફ્રાઇબર્ગ
યુરોપના પ્રખ્યાત હિલરેન્જ બ્લૅક ફૉરેસ્ટની તળેટીમાં આવેલું હોવાથી શહેરમાંથી પર્વત પર જવાની અઢળક નાની-મોટી ટ્રેઇલ્સ છે અને સ્થાનિકો સહિત અનેક ટૂરિસ્ટ અહીં પોતાની તબિયતનું ટેસ્ટિંગ કરતું પર્વતારોહણ કરે છે. જોકે આ પ્રોફેશનલ માઉન્ટેનિયરિંગ માટેનો પહાડ નથી. અહીં ફન ખાતર આવી ઍક્ટિવિટી કરવામાં આવે છે. ન ચાલી શકતા કે પટેટો કાઉચ પીપલ માટે નીચેથી પર્વત પર જતો રોપવે પણ છે જેમાંથી આખા માઉન્ટનના ફ્લોરા ફૌનાનાં દર્શન કરી શકાય છે. ખાસ કરીને પાનખર તેમ જ સ્પ્રિંગ સીઝનમાં પ્રકૃતિની બ્યુટી જોવા અનેક સહેલાણીઓ અહીં આવી ચડે છે.
શહેરના ચોકમાં દરરોજ ભરાય છે શાકમાર્કેટ
ઓગણીસમી સદીના મધ્યમાં શહેરનો મધ્ય ભાગ કાર પાર્ક કરવા માટે વપરાતો. આખું ટાઉન કાર-ફ્રી થતાં એ સ્થાને રોજ તાજાં ફળો, શાકભાજી, ચીઝ, બ્રેડ અને અન્ય ખાદ્ય ડેલિકસીનું માર્કેટ ભરાય છે. એ સાથે હૅન્ડિક્રાફ્ટ્સ અને સ્થાનિક સંસ્કૃતિના નમૂનાઓ પણ વેચાય છે. શહેરના લોકો અહીં અચૂક આંટો મારવા આવે છે.