તમે જે ઊંધિયું, લીલવાની કચોરી, કાચાં શાકભાજી ખાઈ રહ્યા છોને એને માટે શ્રી શાકંભરી દેવીને પાયલાગણ કરજો

28 December, 2025 03:02 PM IST  |  Mumbai | Alpa Nirmal

રાજવી ચંદ્રગુપ્ત અને આચાર્ય ચાણક્ય લાંબો સમય આ સિદ્ધપીઠમાં રોકાયા હતા. ગુપ્ત વેશે અહીં રહીને તેમણે ફરીથી પોતાની સેનાનું ગઠન કર્યું હતું.

શ્રી શાકંભરી દેવી

કારણ કે મા શાકંભરી કૃષિ સમૃદ્ધ કરનારાં દેવી છે. આજથી શાકંભરી નવરાત્રિ શરૂ થઈ છે અને પોષી પૂર્ણિમાએ માતાની પ્રાગટ્યતિથિ છે ત્યારે આપણે જઈએ મા શાકંભરીની શક્તિપીઠે; જેમની અમીદૃષ્ટિથી સૃષ્ટિનાં સર્વે જીવિત પ્રાણીઓને ધાન્ય, શાકભાજી, ફળો આદિ પોષણનાં પ્રતીક પ્રાપ્ત થાય છે

વર્ષની ચારેય નવરાત્રિઓ મહિનાના પ્રથમ દિવસ એકમથી શરૂ થાય છે. જ્યારે શાકંભરી નવરાત્રિ પોષ મહિનાની ઊજળી આઠમથી શરૂ થાય છે. આ પર્વ ૮ દિવસનું રહે છે અને તિથિની વધ-ઘટ હોય તો ૭ કે ૯ દિવસનું રહે છે.

સનાતન ધર્મ ખરેખર બેનમૂન છે. એમાં સૃષ્ટિના દરેક સજીવ પદાર્થને અદકેરું મહત્ત્વ અપાયું છે. પાંચ મહાભૂતને અહીં દેવોનું બિરુદ અપાયું છે. તો પશુ-પંખીઓને માનદ સ્થાન અપાયું છે. એ જ પરંપરામાં પૃથ્વી પરની વનરાજીને પણ દેવ-દેવીનો દરજ્જો અપાયો  છે અને વનરાઈના રખોપા, રક્ષણ માટે સ્વયં મા ભગવતીએ સ્પેશ્યલ અવતાર ધારણ કર્યો છે. યસ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટકમાં શાકંભરી દેવી તરીકે પૂજાતાં માઈ શક્તિનું જ રૂપ છે. કહેવાય છે કે દુર્ગમ નામના રાક્ષસે જ્યારે વેદોનો નાશ કર્યો હતો અને પૃથ્વી રસહીન, જળહીન થઈ ગઈ હતી ત્યારે બ્રાહ્મણોની કઠિન તપસ્યાથી મા ભગવતી દેવી શાકંભરીના સ્વરૂપે પ્રગટ થયાં અને ફરીથી વસુંધરાને ચેતનવંતી કરી.
ઉત્તર પ્રદેશના સરહાનપુર જિલ્લામાં આવેલા શાકંભરી માતાના પ્રાગટ્ય સ્થાને જતાં પહેલાં આ માતાના અવતરણની કથા ટૂંકમાં જાણીએ...
પૌરાણિક કાળમાં રુરુ નામનો મહાદૈત્ય હતો. તેને દુર્ગમ નામનો પુત્ર હતો. દુર્ગમ પણ તેના પિતા જેવો જ દુષ્ટ હતો. તેને એક દિવસ વિચાર આવ્યો કે ત્રણેય લોકના દેવતાઓનું બળ અને જ્ઞાન વેદોમાં રહેલું છે. જો વેદો જ નષ્ટ થઈ જાય તો સમગ્ર દેવોનું સામ્રાજ્ય ખતમ થઈ જાય એટલે જો મારે ત્રિલોકમાં રાજ્ય કરવું હોય તો એ વેદોને નષ્ટ કરવા જોઈએ. આવો વિચાર કરી દુર્ગમ હિમાલય પર્વત પર તપસ્યા કરવા ગયો. હજારો વર્ષ તેણે બ્રહ્માજીની સાધના કરી. તેની કઠિન ભક્તિથી બ્રહ્માજી પ્રસન્ન થઈ ગયા અને સામેથી દુર્ગમ પાસે જઈને તેને વરદાન માગવાનું કહ્યું. દુર્ગમ આ જ મોકાની રાહમાં હતો. તેણે બ્રહ્માજી પાસેથી માગી લીધું કે મને સંપૂર્ણ વેદોનું જ્ઞાન પ્રગટ થાય અને એટલું અસીમ બળ પ્રાપ્ત થાય કે હું સંપૂર્ણ દેવગણને પરાસ્ત કરી શકું. બ્રહ્માજીએ કહ્યું, ‘તથાસ્તુ’ અને દુર્ગમ બની ગયો દુષ્ટાત્મા દુર્ગમ. ઍઝ પર વરદાન, દુર્ગમને વેદો પ્રાપ્ત થતાં બ્રાહ્મણો, ઋષિ-મુનિઓ અને દેવો વેદોને ભુલવા લાગ્યા તથા ધર્મનો લોપ થતાં તામસિક આચરણ કરવા લાગ્યા. સદ્જ્ઞાનના અભાવથી આખા સંસારમાં ઘોર અનર્થ ઉત્પન્ન થયા અને સ્થિતિ અત્યંત ભયંકર થઈ ગઈ. પૃથ્વી પરની વનરાઈ સુકાઈ ગઈ, જળસ્રોત ગાયબ થઈ ગયા અને ભયંકર દુકાળની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. સામાન્ય પ્રજા તો ઠીક બ્રાહ્મણો અને દેવો ભોજન અપ્રાપ્ય થવાથી દુર્બળ થઈ ગયા. ત્યારે અચાનક બ્રાહ્મણપુત્રોને ભગવતી જગદંબાની યાદ આવી ગઈ અને તેમની ઉપાસના કરવા હિમાચલના શિવાલિક પર્વતોની શૃંખલામાં જતા રહ્યા. સમાધિ, ધ્યાન, સ્તુતિ, પૂજન દ્વારા દેવી ભુવનેશ્વરીની ભક્તિ કરી અને માતા કલ્યાણી સાક્ષાત્ પ્રગટ થયા. નીલકમલ જેવાં સુંદર નેત્રો, જેમાં ૧૦૦ સૂર્યો જેવી ઝળહળતી જ્યોતિ, હાથમાં કમળનાં પુષ્પો ધરાવતાં દિવ્ય રૂપધારી માતાએ જ્યારે સૃષ્ટિની, ઋષિ, બ્રાહ્મણો, સામાન્ય મનુષ્યોની દયનીય હાલત જોઈ અને કરુણાહૃદયી માતાની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યાં.

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ

કહેવાય છે કે તેમની અશ્રુધારા ૯ રાત્રિ સુધી ચાલતી રહી અને સમસ્ત સંસારમાં એની વૃષ્ટિ થતી રહી. એ પવિત્ર અશ્રુધારાએ હજારો જળધારાઓનું સ્વરૂપ લીધું અને આખી પૃથ્વી ફરી પાણીદાર બની ગઈ. ભક્તોની દુર્બળ હાલત જોઈને માતાએ તરત પોતાના અંગમાંથી અનેક પ્રકારનાં ફળો, શાક આદિ પ્રગટ કર્યાં અને બ્રાહ્મણોને ખાવા આપ્યાં. એથી દેવતાગણોએ માતાને શાકંભરી દેવી તરીકે સંબોધી જયકારો બોલાવ્યો. શાકંભરી દેવી અર્થાત્ શાકભાજી ધારણ કરનારાં દેવી. તેમના આગમનથી આખો પૃથ્વીલોક ફરી હરિયાળો બની ગયો. માણસો, પશુઓને ખાવા યોગ્ય વસ્તુઓ મળી ગઈ અને આખું વાતાવરણ પ્રસન્ન બની ગયું.
 એ જોઈને અસુરલોકમાં હલચલ મચી ગઈ. રાક્ષસોએ સત્તા પ્રાપ્ત કરવા દેવો સાથે યુદ્ધ માંડી દીધું. ત્યારે શાકંભરી દેવી ફરી એક વખત દેવોની વહારે આવ્યાં. તેમણે પોતાના તેજથી આખી સૃષ્ટિની ફરતે પ્રકાશમય વર્તુળ રચ્યું અને પોતાની વિવિધ શક્તિઓથી એક પછી એક રાક્ષસનો વધ કરવા લાગ્યાં. અસુર સેનાનો નાશ થતાં દુર્ગમ સ્વયં ભગવતી શાકંભરી સમક્ષ પ્રગટ થયો અને બેઉ વચ્ચે પૂરા ૨૧ દિવસ ભીષણ યુદ્ધ ચાલ્યું. અંતે માઈનાં પાંચ બાણે દુર્ગમના હૃદયને વીંધી નાખ્યું અને એ દૈત્યનો અંત આણ્યો.
અનેક‍ ઉપનિષદોમાં મા શાકંભરીની સ્તુતિ કરવામાં આવી છે. વેદ વ્યાસજી લખે છે, ‘શાકંભરી માતા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ દેવતાઓ જેવાં જ પૂજનીય છે. તેમણે અતિ પાવન વેદોને બચાવીને સંસાર પર ઉપકાર કર્યો છે. સુંદર નેત્રો, કરુણામય હૃદય અને મધુર વાણી ધરાવતાં આ માતાની ભક્તિ ભક્તજનોનાં કષ્ટ દૂર કરે છે.’
lll
શાકંભરી માતા અત્યંત પ્રભાવશાળી છે. તેઓ શૌર્ય તેમ જ દયાનાં મુરત છે. વળી તેમનું કનેક્શન છેક પુરાણોના સમયથી છે પરંતુ ગુજરાત અને ગુજરાતીઓમાં માતાનું આ સ્વરૂપ બહુ પ્રચલિત નથી. જોકે ગુજરાતમાં આવેલા માતાના મઢોમાં શાકંભરી નવરાત્રિની ઉજવણી થાય છે. એ દરમ્યાન માતાના શણગારમાં વિવિધ શાકભાજી અને ફળોનો ઉપયોગ કરાય છે, પરંતુ તેમની કથા બહુ જાણીતી નથી. ખેર, દેર આએ દુરુસ્ત આએ. હવે દિલ્હીથી હરિદ્વાર બાય રોડ જતા હો તો કાષ્ઠકલા માટે ફેમસ સહારનપુર શહેરથી ૪૦ કિલોમીટર ઉત્તરે આવેલા જરમૌર ગામે (જ્વાલાનગર) જરૂર જજો. અહીં માતાનું પ્રાગટ્ય સ્થાન તો છે જ એ ઉપરાંત માન્યતા પ્રમાણે આ એક શક્તિપીઠ પણ છે. અહીં સતીમાતાનું મસ્તક પડ્યું હોવાનું કહેવાય છે.
હવે આ સ્થળની વાત કરીએ તો શિવાલિક પર્વતમાળામાં આવેલું આ સ્થાન મહાભારત કાળ પછી ધીરે-ધીરે ગીચ જંગલોની મધ્યમાં લુપ્ત થઈ ગયું છે. આજુબાજુ આકાશને આંબતાં વૃક્ષો, વળી જંગલી પ્રાણીઓના ભયથી જનમાનસમાંથી વિલુપ્ત થઈ ગયું. પણ કહે છે કે એક સ્થાનીય નેત્રહીન ગોપાલક જંગલમાં ભટકી ગયો અને અહીં આવી ચડ્યો ત્યારે તેણે દેવી માતાની અગમ્ય વાણી સાંભળી, જેમાં કહેવાયું હતું કે આ મારું પરમ સ્થાન છે. ફરી એને પ્રકાશમાં લાવો. ગોવાળને શંકા જતાં તેણે એ નાદને આહ્‍વાન કર્યું કે તમે ખરેખર દેદીપ્યમાન શાકંભરી દેવી છો તો મારાં નેત્રોને પ્રકાશની અનુભૂતિ કરાવો. એ જ ક્ષણે એક દૈવીય તેજ પ્રગટ થયું જેનાથી એ અંધ ગોવાળને દૃષ્ટિ મળી અને તેણે માતાના સ્થાનને ખોળીને એની સાફસફાઈ કરીને એ સ્થાનને પુનઃ અસ્તિત્વમાં આણ્યું. કહેવાય છે કે પૂજ્ય શંકરાચાર્ય જ્યારે ચારધામની યાત્રા કરવા ગયા ત્યારે અહીં રોકાયા હતા અને માતાજીની પ્રાર્થના કરી હતી. એની સાબિતી રૂપે અહીં શંકરાચાર્ય આશ્રમ છે. 
હાલમાં બનાવેલું મંદિર જસમૌર રિયાસતના શાસકે બનાવડાવ્યું હોવાનું કહેવાય છે. જોકે એ બહુ ભવ્ય નથી પરંતુ એનો પુનરુદ્ધાર કરીને તથા આજુબાજુના વિસ્તારને સમથળ બનાવીને મધ્યમ સાઇઝનું સંકુ‍લ બનાવાયું છે. શાકંભરી માતાની કેસરવર્ણી મૂર્તિ મનમોહક છે, તો તેમની આજુબાજુ ભીમા દેવી, ભ્રામરી દેવી તથા શતાક્ષી દેવીઓની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. મા શાકંભરી દેવીના આદેશ મુજબ શંકરાચાર્યજીએ જ આ મૂર્તિઓની સ્થાપના કરી છે.

રાજસ્થાનના સાંભરનું શાકંભરી માતાનું મંદિર પણ ખાસ્સું પ્રસિદ્ધ છે

રાજસ્થાનના ચૌહાણો શાકંભરી માતાને કુળદેવી માને છે. જયપુરથી ૧૦૦ કિલોમીટર દૂર સાંભરમાં ચૌહાણવંશીય રાજાઓએ માતાનું મંદિર બનાવ્યું છે. આઠમી સદીમાં નિર્મિત આ દેવળ પણ અતિપ્રસિદ્ધ અને પૂજનીય છે. તો કર્ણાટકના બાદામીમાં પણ પ્રાચીન વનશંકરી મંદિર છે, કર્ણાટકમાં શાકંભરી માતા વનશંકરી માના નામે પૂજાય છે. અહીં કાળા પથ્થરમાંથી બનેલી માની મૂર્તિ અદ્વિતીય છે અને મંદિર પણ સુંદર છે. એ ઉપરાંત શંકર ભગવાન તથા પાર્વતીજીના વિવાહ સંપન્ન થયા હતા એ ત્રિયુગી નારાયણ જતાં રસ્તામાં માતા શાકંભરીનું નાનકડું મંદિર આવેલું છે. નવરાત્રિ દરમ્યાન અહીં પણ શ્રદ્ધાળુઓની આવનજાવન રહે છે. એ ઉપરાંત મહારાષ્ટ્રના નાગેવાડીમાં, હરિયાણાના અલાવલામાં, ઉત્તર પ્રદેશના કાંધલામાં (મહાભારતના કર્ણ દ્વારા નિર્મિત) તથા વિજયવાડાથી નજીકમાં પણ માતાનાં પ્રાચીન મંદિરો છે. દ્રવિડ શૈલીમાં નિર્મિત આ કનકદુર્ગા મંદિરમાં ૯ દિવસ ભવ્ય શાકંભરી ઉત્સવ મનાવાય છે. કનકદુર્ગા ભગવતી શાકંભરી દેવીનું જ સ્વરૂપ છે.

કેદારખંડ અનુસાર કામાખ્યા, રજરપ્પાપીઠ, તારાપીઠ, વિંધ્યાચલ પીઠની જેમ શાકંભરી ક્ષેત્ર પણ શક્તિપીઠ ગણાય છે. ભગવતી શતાક્ષીનું સિદ્ધ સ્થાન હોવાથી આ તીર્થક્ષેત્રની ગણના પંચકોસી સિદ્ધપીઠમાં થાય છે. ઉત્તર ભારતની ૯ દેવીમાની યાત્રા કરતા ભક્તો આ માઈને પગે લાગવા અચૂક આવે છે, કારણ કે શિવાલિક પર્વત પર આવેલું શાકંભરી દેવીનું આ સૌથી પ્રાચીન તીર્થ છે. સહારનપુરથી આ મંદિર ૪૦ કિલોમીટર દૂર છે એ રીતે ચારધામની તળેટી સમાન હરિદ્વારથી ૮૮ કિલોમીટર અને ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનથી ફક્ત બાવન કિલોમીટર. આ ત્રણેય મુખ્ય શહેરોથી અહીં પહોંચવા બસ-ટૅક્સી મળી જાય છે. મંદિરની આજુબાજુમાં દર્શનાર્થીઓને રહેવા માટે કોઈ વ્યવસ્થા નથી (જોકે અહીં દરેક શ્રદ્ધાળુ વન-ડે યાત્રાએ આવે છે) એટલે ભાવિકોએ નિવાસ ઉપર્યુક્ત ત્રણ નગરમાં જ કરવો પડે. હા, મંદિરની બહાર ચા-પાણીની ટપરીઓ તેમ જ પૂજાપાની દુકાનો છે. વેલ, અહીં જાઓ ત્યારે ખાસ યાદ રાખજો કે માતાજીને ભોગ ધરાવાઈ ગયો હોય અને પછી પ્રસાદ વહેંચાતો હોય ત્યારે ખીર, પતાસા, ઇલાયચી તથા પહાડી કંદ સરાલમાંથી બનતો શીરો ભૂલ્યા વગર લેજો.

travel travel news alpa nirmal columnists travelogue lifestyle news