ઉત્તરાખંડના શ્રી બદરી વિશાલનાં દર્શન વસઈમાં

02 May, 2026 12:10 PM IST  |  Mumbai | Varsha Chitaliya

મંદિરની આસપાસનો નઝારો આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે છે. ચારધામની જાત્રાએ ન જઈ શકતા ભક્તોને આ મંદિર નારાયણની સમીપ લાવી દે છે.

બદરીનાથ ધામની પ્રતિકૃતિ શ્રી બદરીનાથ મંદિર.

મુંબઈના નજીકના પરા વસઈમાં બાવીસમી એપ્રિલે શ્રી બદરીનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઊજવાઈ ગયો. મહારાષ્ટ્રમાં પ્રથમ વાર ઉત્તરાખંડના બદરીનાથ ધામની પ્રતિકૃતિ બની છે જેમાં ભગવાન બદરીનાથ તેમના પ્રધાનમંડળ સાથે બિરાજે છે. ભગવાનની નિત્ય સેવા પણ ઉત્તરાખંડના પૂજારી દ્વારા જ થાય છે. દર્શન કરવા આવતા ભક્તો સનાતન ધર્મનાં પુસ્તકોનું ચિંતન કરી શકે એ માટે મંદિરના પરિસરમાં પુસ્તકાલય બની રહ્યું છે.

શ્રી બદરી વિશાલના જયઘોષ સાથે ૨૩ એપ્રિલે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા જગપ્રસિદ્ધ બદરીનાથ ધામનાં કપાટ ખૂલતાં જ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઊમટી પડ્યું. એ જ સમયગાળામાં મુંબઈ નજીકના ઉપનગર વસઈના સનસિટી વિસ્તારમાં શ્રી બદરીનાથ મંદિરનાં દ્વાર ખૂલ્યાં. હજારો ભક્તો અને સાધુ-સંતોની ઉપસ્થિતિમાં વૈદિક પરંપરા અનુસાર ભગવાન બદરીનારાયણની પ્રાણપ્રતિષ્ઠા થઈ. આ મંદિર બદરીનાથ ધામની પ્રતિકૃતિ છે. ભગવાન વિષ્ણુના ભક્તો માટે આનંદની વાત એ છે કે વસઈમાં આવેલા બદરીનાથ મંદિરમાં બારેમાસ દર્શન કરી શકાશે. મુંબઈના કોલાહલથી દૂર શાંત વાતાવરણમાં નિર્માણ પામેલા મંદિરની મુલાકાત આધ્યામિક અનુભૂતિ તો કરાવે જ છે, સાથે ઉત્તરાખંડ સુધી ન જઈ શકતા શ્રદ્ધાળુઓને નારાયણની સમીપ લાવી દે છે.

મંદિર ક્યારે ખૂલ્યું?

ઉત્તરાંચલ મિત્ર મંડળના સહયોગથી ૧૮ એપ્રિલથી બાવીસમી એપ્રિલ દરમ્યાન વસઈ-વેસ્ટની સનસિટીમાં શ્રી બદરીનાથ મંદિરનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ ગયો. પાંચ દિવસીય ધાર્મિક ઉત્સવમાં કાશીના ૨૧ વૈદિક આચાર્યો અને બ્રાહ્મણોની હાજરીમાં કળશયાત્રા, મંડપપૂજા, ગણેશપૂજા, અભિષેક, મહાયજ્ઞ બાદ બાવીસમી એપ્રિલે અભિજિત મુહૂર્તમાં ભગવાન બદરીનારાયણની મૂર્તિ બિરાજમાન થઈ. શ્રી બદરીનાથ મંદિરનાં દ્વાર ખૂલે એ માટે વસઈના રહેવાસીઓની આંખો દાયકાઓ સુધી તરસી છે. મહારાષ્ટ્રની ધરતી પર ઉત્તરાખંડના બદરીનાથ ધામની પ્રતિકૃતિની કલ્પના ૩ દાયકા પહેલાં થઈ હતી. સંકલ્પ પૂરો કરવામાં લાંબો સમય લાગ્યો. મંદિરનું ભૂમિપૂજન ૨૦૧૦માં થયું હતું. ૧૫ વર્ષના અથાગ પરિશ્રમ, શ્રદ્ધા અને સમર્પણ બાદ ઐતિહાસિક ક્ષણ આવી. પરમ પૂજ્ય આચાર્ય મહામંડલેશ્વર શ્રી સ્વામી વિશ્વેશ્વરાનંદગિરિજી મહારાજ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મંદિરનાં દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યાં.

મંદિરની ખાસિયત

ઉત્તરાંચલ મિત્ર મંડળ, વસઈના ભૂતપૂર્વ મહાસચિવ અને મંદિર પૂજા સમિતિના વર્તમાન પ્રમુખ નરેન્દ્રપાલ સિંહ નેગી કહે છે, ‘હિમાયલમાં મંદિરોના નિર્માણની વિશિષ્ટ પદ્ધતિ છે. એમાં પર્વતીય વાતાવરણ અને સ્થાનિક સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. નાગરશૈલીના સ્થાપત્યની લાક્ષણિકતા મુજબ શ્રી બદરીનાથ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં બદરીનાથ ધામની જેમ ઊંચું શિખર, ગર્ભગૃહ અને મંડપ છે. ગર્ભગૃહમાં ભગવાન નારાયણ તેમના પ્રધાનમંડળ સાથે બિરાજમાન છે. ભગવાન વિષ્ણુને સમર્પિત આ મંદિર બદરીનાથ ધામનું પ્રતિબિંબ છે. હિન્દુ ધર્મમાં ચારધામની યાત્રાનું વિશેષ મહત્ત્વ છે. શાસ્ત્રોમાં પણ ભગવાન વિષ્ણુને સમર્પિત બદરીનાથની યાત્રાનો મહિમા વર્ણવ્યો છે. દરેક હિન્દુએ પોતાના જીવનકાળમાં એક વાર બદરીનાથ જવું જોઈએ એવો ઉલ્લેખ છે, પરંતુ બધા જઈ નથી શકતા. એવી માન્યતા પણ છે કે કળિયુગમાં ભગવાન વિષ્ણુ જગતના કલ્યાણ માટે જપ-તપ કરે છે. માનવતાની ભાવના અને હિન્દુઓની આસ્થાને કેન્દ્રમાં રાખીને દાયકાઓ અગાઉ વસઈમાં આવીને વસેલા ઉત્તરાંચલના રહેવાસીઓએ મંદિરની કલ્પના કરી હતી. હિમાયલનાં પૌરાણિક મંદિરો પાંડવોએ બાંધ્યાં છે. જ્યાં ભગવાન સાક્ષાત્ બિરાજે છે એને ધામ કહેવાય, જ્યારે નવનિર્મિત મંદિરો ભાવપ્રધાન છે. સનાતન ધર્મમાં સેવાના ચુસ્ત નિયમો છે જેનું સંપૂર્ણ પાલન કરવું આજના સમયમાં સંભવ નથી. આથી ભાવપ્રધાન સ્વરૂપની સ્થાપના કરવામાં આવે છે. બદરીનાથ ધામની પ્રતિકૃતિ બનાવવા આર્કિટેક્ટ મહેન્દ્ર રાવત અને રાજન ટિપણીસે એક પણ રૂપિયો ચાર્જ નથી કર્યો. આ ભવ્ય મંદિરનું નિર્માણ સમુદાયના કાર્યકરો અને ભક્તોના દાનમાંથી બન્યું છે. વસઈનું જ નહીં, સમગ્ર મહારાષ્ટ્રનું આ પ્રથમ બદરીનારાયણ મંદિર છે. ‘જય બદરી વિશાલ’નો નાદ અહીં આવતા ભક્તોને મંત્રમુગ્ધ કરે છે. ઉત્તરાખંડમાં ૬ મહિના બદરીનાથ ધામનાં કપાટ બંધ હોય છે ત્યારે સાધુ-સંતો અહીં આવશે અને ભક્તોને તેમનાં પ્રવચનોનો લાભ મળશે. તેમની સુવિધા માટે વિશ્રામગૃહો બનાવ્યાં છે. આ મંદિર શ્રદ્ધા, એકતા અને સમર્પણનું જીવંત પ્રતીક છે જે આવનારી પેઢીઓ માટે દીવાદાંડી બનશે. ઉત્તરાખંડે હવે મહારાષ્ટ્રમાં ભક્તિ અને સંસ્કૃતિની એક મજબૂત ઓળખ સ્થાપિત કરી છે.’

શ્રી બદરીનાથ મંદિરમાં બિરાજમાન બદરીનારાયણ ભગવાનની મૂર્તિ કૃષ્ણ શિલામાંથી બનાવવામાં આવી છે. અયોધ્યામાં રામલલાની મુખ્ય મૂર્તિ પણ એ જ શિલામાંથી બની છે. આ દુલર્ભ પથ્થર કર્ણાટકમાંથી પ્રાપ્ત થાય છે અને હજારો વર્ષ સુધી હવામાન સામે ટકી રહે છે. અન્ય ભગવાનની મૂર્તિ બનાવવામાં પણ કાળા પથ્થરનો ઉપયોગ થયો છે. મૂર્તિનું કદ બદરીનાથ ધામની મૂર્તિ કરતાં ઊંચું છે. વેશભૂષા અને શ્રૃંગારમાં સામ્ય છે. ગર્ભગૃહમાં ભગવાન બદરીનાથ પોતાના પ્રધાનમંડળ સાથે બિરાજે છે. કુબેર, ઉદ્ધવજી, ગરુડ, નારાયણ, નરનારાયણની સુંદર મૂર્તિ ઉપરાંત લડ્ડુ ગોપાલના મનમોહક સ્વરૂપનાં દર્શન પણ કરી શકાય છે. મંદિરમાં ગણપતિબાપ્પા, લક્ષ્મીજી અને હનુમાનજી પણ બિરાજે છે. ભગવાનની નિત્ય સેવા માટે ઉત્તરાખંડના પૂજારીને નિયુક્ત કરવામાં આવ્યા છે. બદરીનાથ ધામમાં જે રીતે ભગવાનની સેવા થાય છે એ જ ભાવ અહીં પણ જોવા મળે છે. ઉત્તરાંચલ મિત્ર મંડળની કાર્યકારી સમિતિના પ્રમુખ માધવાનંદ ભટ્ટજી, ઉપપ્રમુખ મનોહર સિંહ રૌથાણ, ખજાનચી કુંદનસિંહ બિષ્ટ સહિત ૩૧ સભ્યોની સમિતિ દ્વારા મંદિરનું સંચાલન થઈ રહ્યું છે.


ભગવાન બદરીનારાયણ પ્રધાનમંડળ અને દ્વારપાલ ​જય-વિજય સાથે બિરાજે છે. તસવીરો : સતેજ શિંદે

મંદિરનો સમય : સવારે આઠથી બપોરે એક અને સાંજે ચારથી રાતના ૯.

કઈ રીતે જશો? : વસઈ-વેસ્ટ રેલવે-સ્ટેશનથી સનસિટીની રિક્ષા સહેલાઈથી મળે છે. શૅરિંગના ૨૦ રૂપિયા અને સ્પેશ્યલ ઑટોના પચાસ રૂપિયા છે. સનસિટી પોલીસચોકીથી મંદિર પાંચ મિનિટના વૉકિંગ ડિસ્ટન્સ પર છે.

નજીકનાં મંદિરો : શ્રી બદરીનાથ મંદિરથી દોઢ-બે કિલોમીટરના અંતરમાં આવેલાં બાલાજી મંદિર, તુળજા ભવાની મંદિર અને દત્ત મંદિર પણ જોવાલાયક છે. નજીકમાં નયનરમ્ય ભુઈગાવ બીચ છે.

કમ્યુનિટી સેન્ટર અને લાઇબ્રેરી

શ્રી બદરીનાથ મંદિરની સાથે માનવ કલ્યાણ કેન્દ્ર ભવનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. કુલ ૨૨,૭૦૦ ચોરસફુટ જમીનમાં ફેલાયેલા મંદિર પરિસરમાં ૪ માળની ઇમારત છે. બેઝમેન્ટમાં હવન કરવાની તેમ જ ગ્રાઉન્ડમાં ૨૦૦૦થી વધુ લોકો એકસાથે ભાગવત સપ્તાહનો લહાવો લઈ શકે એટલી વિશાળ જગ્યા છે. ઉપરના માળે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને માંગલિક પ્રસંગો માટે હૉલ બનાવ્યા છે. અતિથિ માટે ૧૫ રૂમ પણ ઉતારી છે. મંદિરની આસપાસ કોઈ ઊંચી ઇમારતો નથી એટલે પરમ શાંતિનો અનુભવ થાય છે. ચારે બાજુ હરિયાળી અને ખુલ્લાં મેદાનો છે. શાંત વાતાવરણમાં ભક્તો સનાતન ધર્મનાં પુસ્તકોનું વાંચન કરી શકે એ માટે ત્રીજા માળે પુસ્તકાલય બની રહ્યું છે. આગામી બે મહિનામાં પુસ્તકાલય ભક્તો માટે ખુલ્લું મુકાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ધ્યાન ધરવા ઉત્તરાખંડ જાય છે એનાથી પ્રેરિત થઈને મોદી મેડિટેશન રૂમ બનાવી છે. ભક્તો અહીં યોગ અને મેડિટેશન કરી શકે છે. રસોઈઘરનું કામ પણ પુરજોશમાં ચાલે છે. બદરીનાથ ધામની પ્રતિકૃતિનો હેતુ મૂળ મંદિરની યાત્રા કરવામાં અસમર્થ ભક્તોને નારાયણની સમીપ લાવવાનો છે.

Varsha Chitaliya travel travelogue travel news mumbai travel vasai badrinath columnists