પાંડે ચાલ્યો દુબઈ પાર્ટ 5

22 December, 2019 01:10 PM IST  |  Mumbai | Umesh Deshpande

પાંડે ચાલ્યો દુબઈ પાર્ટ 5

ફેરારી વર્લ્ડ

દુબઈ ફરવા જાવ ત્યારે લગભગ તમામ ટ્રાવેલ કંપનીવાળા તમને ફેરારી વર્લ્ડની વાત જરૂર કરશે કારણે આ એમ્યુઝમેન્ટ પાર્ક છે જ એવો ભવ્ય. બે દિવસ તો અમે દુબઈમાં ફર્યા હતા. પરંતુ આ સ્થળ દુબઈમાં નહીં પરંતુ અબુ ધાબીમાં આવેલું છે. વળી તે અબુ ધાબી શહેરથી અંદાજે 39 કિલોમીટર તો દુબઈથી 112 કિલોમીટર દુર યશ આઇલેન્ડમાં નામના સ્થળે છે. અહીં કુલ ત્રણ એમ્યુઝમેન્ટ પાર્ક છે. જેમાં ફેરારી વર્લ્ડ, યશ વોટર વર્લ્ડ અને વોર્નર બ્રધર્સ વર્લ્ડનો સમાવેશ થાય છે.

મિની બસની સુવિધા
ફેરારી આઇલેન્ડ લોકો ફરવા આવે એ માટે ખાસ મીની બસ પણ શહેરની ત્રણેક જાણીતી હોટેલની બહારથી મળતી હતી. જેનો કોઈ ચાર્જ પ્રવાસી પાસે લેવામાં આવતો નથી. સવારે 9 વાગે તૈયાર થઈને અમે હોટેલી બહાર ઉભા રહ્યા હતા. થોડીક વારમાં જ આ બસ ત્યાં આવી જેમાં અમે ગોઠવાઇ ગયા. શહેરની બે ત્રણ અન્ય હોટેલમાં પણ આ બસ ગઈ. અમારા સિવાય બધા જ વિવિધ દેશોથી આવેલા ગોરા પ્રવાસીઓ હતા. એક પણ ખાડાઓ વગરના રસ્તાઓ પર અમારી બસ પુરપાટ દોડતી હતી. મોટા ભાગના રસ્તાઓ સિક્સ લેનના હતા. જેમાં છેલ્લી બે લેન બસની હતી. મારી પત્નીએ રસ્તામાં આવતું લાવરે નામનું મ્યુઝિયમ પણ બતાવ્યું હતું. જ્યાં મને ગમશે એવું કહ્યુ હતું. અમારી બસ જ્યાં ઉભી રહી ત્યાં વોર્નર બ્રધર્સ વર્લ્ડ અને યશ વોટર વર્લ્ડ હતું. ત્યાંથી માત્ર થોડાક મીટર દુર વિશાળ ફેરારી વર્લ્ડ દેખાતું હતું.

ફેરારી કી સવારી
બસમાંથી ઉતરી અમે સીધા જ ફેરારી વર્લ્ડના ટિકીટ કાઉન્ટર પર ગયા. સાઢુ ભાઇએ એન્ટરટેઇનર નામની એક એપ્લીકેશન વિશે જણાવ્યું હતું. જે શરૂ કરતા થોડોક સમય લાગ્યો. પરંતુ એ કરવું ફરજીયાત હતું. કારણ કે એની સ્કીમ મુજબ એક ટિકીટ પર એક ટિકીટ ફ્રી હતી. વળી એક ટિકીટનો ભાવ 310 દિરહામ એટલે કે અંદાજે 6000 રૂપિયા હતો. આખરે અમે 86,000 સ્કવેર મીટરમાં ફેલાયેલા થીમ પાર્કમાં પ્રવેશ્યા. ‘ફેરારી કી સવારી’ આ ફિલ્મ કે સચિન તેન્ડુલકરની ફેરારી કાર સુરતના એક શોખીને વેચાતી લીધી હતી. એ સિવાય ખાસ કંઈ માહીતી નહોતી. પરંતુ અહીં મારી આ કાર કંપની વિશેની માહીતીમાં ઘણો વધારો થયો.

ઇટલીની કાર કંપની
શરૂઆતમાં જ અમને એક શોમાં લઈ જવામાં આવ્યાં. જેમાં અનોખી રીતે એક વર્ચ્યૂઅલ્ રાઇડ દ્વારા આ કંપની વિશે માહીતી આપવામાં આવી. જ્યાં સ્પીડ એટલે સર્વસ્વ. ત્યાર બાદ અન્ય એક રાઇડમાં કઈ રીતે આ કંપની એક કાર બનાવે છે. એના ઓર્ડરથી માંડીને રસ્તા પર આ કાર આવે ત્યાં સુધીની વાત સમજાવવામાં આવી હતી. કારના શોખીન નાના તેમજ અમારા જેવા મોટા બાળકો તમામ માટે કંઈને કંઈ હતું. નાના બાળકો માટે નાની કાર તો મોટા માટે જાણે ખરેખર ફૉર્મ્યૂલા વન રેસમાં તમે ભાગ લીધો હોય એવી વર્ચ્યૂઅલ્ ગેમ પણ હતી. લગભગ તમામ જગ્યાએ મોટી-મોટી લાઇન હતી.

ફાસ્ટેસ્ટ રોલર કોસ્ટર
લગભગ 1 કલાક સુધી લાઇનમાં ઉભા રહ્યાં બાદ અમે ટર્બો ટ્રેક નામની એક રાઇડમાં બેઠા જે માત્ર 30 સેકન્ડની અંદર 240 કિલોમીટરની ઝડપે જતી હતી. આ રાઇડમાં બેઠા બાદ હું અને મારી સાળીના દિકરા સિવાય તમામે  ફોમ્યુર્લા રોસા નામની વિશ્વની સૌથી ફાસ્ટેસ્ટ રોલર કોસ્ટર રાઇડમાં આવવાની ના પાડી દિધી. પરંતું દોઢ કલાક લાઇનમાં ઉભા રહીને અમે બન્ને તે એક મિનિટની રાઇડમાં બેસવા માટે ઉત્સુક હતા. જે ફેરારી વર્લ્ડનું સૌથી મોટું આકર્ષણ હતું. વિવિધ શો જોતા-જોતાં સવારની સાંજ ક્યાં થઈ ગઈ એની ખબર જ ન પડી. અમે ફરી યશ આઇલેન્ડથી અબુ ધાબી જતી બસમાં બેઠા. ત્યારે ખબર પડી કે મારી દિકરીએ વોર્નર બ્રધર્સ જોવા જવાની હઠ પકડી હતી. તેથી ફરી બીજા દિવસે પણ અમારે અહીં જ આવવાનું હતું.


ટોમ એન્ડ જેરી
મારી દિકરીની ઇચ્છા તો ડિઝની વર્લ્ડ જોવાની છે. હોંગકોંગ કે અમેરિકા જ્યારે જઈશું ત્યારે જઈશું. પરંતુ હાલ ટોમ એન્ડ જેરી જોવા મળતું હોય તો જોઈ લેવું એમ કહીને અમે બીજા દિવસે ફરી પાછા અહીં જ આવ્યા. આ વખતે પણ અમે હોટેલની બહાર બસની રાહ જોઈ. પરંતુ બસ ભરાઈ ગઈ હોવાથી ટેક્સી કરીને ત્યાં પહોંચયા. ત્યાંથી જ મે લાવરે નામના મ્યુઝિયમમાં જવાનો નિર્ણય લીધો હતો. તેથી એમની ટિકીટ લઈને હું બહાર નીકળ્યો. ત્યાં ફરવા ગયેલા મારા પરિવારના સભ્યોને વોર્નર બ્રધર્સ વર્લ્ડમાં ફેરારી વર્લ્ડ કરતા પણ વધુ મજા આવી. સ્વાભાવિક છે કે ટોમ એન્ડ જેરી, બેટમેન, સુપરમેન, વન્ડર વુમન, બગસ બની અને સ્કુબી ડુ જેવા કાર્ટન કેરેકટર ઉપરાંત કુલ 29 જેટલી રાઇડ હતી.



ફેરારી વર્લ્ડમાં જવું કે વોર્નર બ્રધર્સ વર્લ્ડમાં જવું જબરી સમસ્યા...
તમે પણ અબુ ધાબીના આ યશ આઇલેન્ડમાં આવેલા ફેરારી વર્લ્ડ અને વોર્નર બ્રધર્સ વર્લ્ડ ફરવા જાવ તો આ સમસ્યા ચોક્કસ થશે. કારણ કે બની શકે તમારા દિકરાને કારના આર્કષણને કારણે ફેરારી વર્લ્ડ અને દિકરીને ટોમ એન્ડ જેરીને કારણે વોર્નર બ્રધર્સ વર્લ્ડમાં જવાનું મન થશે. જો કે વોર્નર બ્રધર્સ વર્લ્ડ હજૂ ગયા વર્ષ જ શરૂ થયું છે. તેથી ઘણાં લોકોને આ વિશે ખબર નથી. પરંતુ જે બન્ને સ્થળે જાય તો વોર્નર બ્રધર્સ વધુ સારુ લાગે એવું મારા પરિવારના સભ્યોના તેમજ અમારા અન્ય સંબધીઓના અનુભવના આધારે કહી શકું. ટિકીટનો દર પણ આપણા જેવા ભારતીયોને વધારે લાગી શકે. તેથી પહેલેથી જ નક્કી કરી દેવું. વળી અહીં છ અલગ-અલગ હોટેલો પણ છે. તેથી અહીં રહીને આ બન્ને સ્થળોની મુલાકાત પણ લઈ શકાય.



યશ આઇલેન્ડ
ફેરારી વર્લ્ડથી જ મને લાવરે મ્યુઝીયમ લઈ જવાની બસ મળશે. એવું જણાવાયું હતું. તેથી હું વાર્નર બ્રધર્સથી થોડેક દૂર દેખાતા ફેરારી વર્લ્ડ તરફ જવા આંગળ વધ્યો પરંતુ સવારના 11 વાગ્યા હોવા છતાં અહીંની ભારે ગરમીને કારણે હું પરત ફર્યો. તેમજ ત્યાં જ રાહ જોવા લાગ્યો. ત્યાં જ મને એક બસ મળી જે અહીં પ્રવાસીને ઉતાર્યા બાદ વિવિધ હોટેલોમાં રહેતા પ્રવાસીઓને ફેરારી વર્લ્ડ લઈ જતી હતી. આ બસમાં બેસવાને કારણે મને યશ આઇલેન્ડમાં ચાલી રહેલા ફોમ્યુલા વન રેસ માટેના ટ્રેક પણ જોવા મળ્યો. ફેરારી વર્લ્ડથી જ મને મ્યુઝિયમ જતી બસ મળી.

ખાલી બસ હશે તો પણ મ્યુઝિયમ જશે...
બસ ખરેખર મ્યુઝિયમ લઈ જશે ખરી. કારણ કે આખી બસમાં ડ્રાઇવર અને હું એમ બે જણાં જ હતા. ડ્રાઇવરે મને તેની બાજુની સીટમાં બેસવા માટે બોલાવીને પૂછ્યું  ‘જનાબ કહાં સે હો’, મે એને મુંબઈથી આવું છું એવું કહેતા જ ખુશ થઈ ગયો. એનું નામ નુર હતું એ પણ પાકિસ્તાની હતો. અહીં છેલ્લાં 15 વર્ષથી કામ કરતો હતો. પેશાવર નજીકના ગામમાં રહેતા નુરે મને પૂછ્યું કે ‘તમારો ફેવરીટ હિરો કોણ શાહરુખ કે સલમાન? મે સલમાન જવાબ આપતા ખુશ થઈ ગયો. બસ હાઇવે પર હતી મે એને પૂછ્યું કે ‘તમે ખાલી બસને  મ્યુઝિયમમાં લઈ જાવો એને બદલે એમ જ બેસી રહ્યો તો ? એણે કહ્યું જીપીએસ બેસાડેલું છે લઈ જવા વગર છૂટકો જ નથી.


પત્રકારો માટે ફ્રી એન્ટ્રી
મ્યુઝિયમ બહારથી જાણે કોઈ મોટુ પ્લેનેટોરીયમ હોય એવા આકારનું હતું. જેને જોવા માટે 60 દિરહામની ટિકીટ લીધા બાદ મે ત્યાં લખેલી માહિતી વાંચી તો એમાં લખ્યું હતું કે પત્રકારને માટે ફ્રી એન્ટ્રી હતી. મે મારો પ્રેસ-કાર્ડ બતાવ્યો તો એમણે કહ્યું કે તમને ફ્રી એન્ટ્રી મળી શકે. પરંતુ આ ટિકીટ અમે પાછી ન લઈ શકીએ. 15 મિનિટ હું ત્યાં ઉભો રહ્યો પરંતુ અહીં આવનારા બધા જ કાર્ડથી પેમેન્ટ કરતા હતા. જો કે ભારતમાં પણ આ રીતે પત્રકારોને કોઈ મ્યુઝિયમમાં મફતમાં પ્રવેશ મળશે એવી સૂચના પણ નહોતી તેથી સારુ લાગ્યું. લગભગ ત્રણેક કલાક સુધી પગ થાકી ન જાય ત્યાં સુધી મ્યુઝિયમમાં હું ફર્યો. માત્ર યુએઇ જ નહીં સમગ્ર વિશ્વના વિવિધ પ્રકારના ઇતિહાસની જાણકારી મેળવી. અબુ ધાબી શહેરમાં જતી સીટી બસમાં બેસીને પરત ઘરે આવ્યો.

આવતા સપ્તાહે
આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અબુ ધાબી આવ્યા હતા ત્યારે એમણે અહીંની કઈ પ્રસિદ્ધ મસ્જિદની મુલાકાત લીધી હતી ? એ તેમજ સમગ્ર યુએઇનો વહીવટ જ્યાંથી કરવામાં આવે છે તે કાસર-અલ-વતનની મુલાકાત લઈશું. 

travel news dubai