પાંડે ચાલ્યો દુબઈ પાર્ટ-3

07 December, 2019 04:20 PM IST  |  Mumbai | Umesh Deshpande

પાંડે ચાલ્યો દુબઈ પાર્ટ-3

મોલ તો આપણા દેશ ભારતમાં પણ ઘણાં છે. પરંતુ એક જ મોલમાં આખા વિશ્વભરના લોકો જોવા મળી જાય એ ખાસિયત છે આ દુબઈ મોલની. તો ચાલો સફર કરીએ ડાઉનટાઉન વિસ્તારમાં આવેલા વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોલની...

(રિલેટીવના ઘરે અબુધાબી પહોંચ્યા બાદ પાંડે દુબઈની લેન્ડમાર્ક સમાન બિલ્ડિંગ બુર્જ ખલિફા જોવા નીકળી પડે છે. ત્યાંના એના અનુભવ વિશે જાણીએ)

મુંબઇ-પુણે કે અમદાવાદ-વડોદરા વચ્ચે હોય એવો જ એક્સપ્રેસ હાઇવે હતો. અહીં ફોરને બદલે સિક્સ લેન હતી તેમજ  રાઇટને બદલે લેફ્ટ હેન્ડ ડ્રાઇવ હતી. આખી રાતના ઉજાગરાને કારણે ક્યારે ઝબકી લાગી ગઈ ખબર ન પડી. અમારી બસ હવે શહેરમાં હતી. પરંતુ મુંબઈની સરખામણીમાં અહીં રસ્તા પર બહુ જ પાંખી અવરજવર જોઈને નવાઈ લાગતી હતી. આજ અબુ ધાબી શહેર હશે કે બીજુ કંઈ એવો સવાલ પણ મારા મનમાં થતો હતો. કોઈ મોટુ બસ સ્ટેન્ડ આવશે જે જોવા હું બારીમાંથી બહાર નજર નાંખતો હતો. પરંતુ એ કંઈ આવ્યું નહીં. અમારી બસ ગલીમાં એક જગ્યાએ ઉભી રહી. જે અમારૂ છેલ્લું સ્ટોપ હતું. અન્ય મુસાફરોની જેમ હું પણ નીચે ઉતરી ગયો. આમ-તેમ નજર નાંખી રહ્યો હતો ત્યાં તો રસ્તાની સામેની બાજુએથી બુમ સંભળાઈ માસા... મે જોયું તો સાઢુભાઈનો દિકરો અને મારી દિકરી નાવ્યા મને લેવા માટે આવ્યાં હતા. એમને જોઈને મને હાશ થઈ. નજીક આવેલા ભાણેજે કહ્યું ‘માસા મેસેજ કેમ ન કર્યો. ઘરમાં બધાને કેટલી ચિંતા થતી હતી. એરપોર્ટમાં વાઇ-ફાઇ તો હોય જ ને.’ મારે એરપોર્ટની ભીડ વિશેની વાત ઘણાં બધાને કહેવાની હતી.


પ્રવાસીઓનું શહેર દુબઈ
આખરે હું ઘરે પહોંચ્યો. ઘરમાં પણ એજ બુમા-બુમ મેસેજ કેમ ન કર્યો. શારજાહ એરપોર્ટની વાર્તાનું ફરી પુનરાવર્તન કરવું પડ્યું. સાઢુભાઈને રજા હોવાથી બુર્જ ખલિફા જોવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેથી ફટાફટ નાહીને તૈયાર થઈ જવાનો આદેશ આપવામાં આવ્યો. ચા-નાસ્તો પતાવીને ઘરના તમામ સભ્યો સાથે હું એક મેટાડોર જેવી મિની કારમાં બેઠો. અમારી કાર દુબઈની દિશા તરફ આગળ વધી રહી હતી. એક વિશાળ મોલની બહાર અમને ડ્રોપ કરવામાં આવ્યા હતા. ત્યાં સામે જ બુર્જ ખલિફા ઇમારત દેખાતી હતી.



દુબઈ મોલ
મોલમાં અંદર ગયો ખલિકખઅત્યારે જ એની ભવ્યતાની જાણ થઈ. મોલમાં પ્રવેશો ત્યારે જ તમને અભિભુત કરી નાંખવાની આ પદ્ધતિ મને ગમી ગઈ. ફોટોઓ પાડીને થાક્યા ત્યારે આગળ વધ્યાં. મુંબઈના અન્ય મોલમાં ફરતા હોય એવું જ લાગતું હતું. ફરક માત્ર એટલો હતો કે અહીં દુનિયાભરના લોકો જોવા મળતા હતા. કાળીયા, ધોળીયા અને આપણા ભારતીયો તો ખરાં જ. 2018ના આંકડા મુજબ દુબઈ વિશ્વના સૌથી વધુ પ્રવાસીઓને આકર્ષવાના શહેરોની યાદીમાં ચોથા ક્રમાંક પર છે. અહીં 1.5 કરોડ જેટલા પ્રવાસીઓ આ વર્ષમાં આવ્યા હતા. જે પૈકી હાલ જે દુબઈના ડાઉનટાઉન વિસ્તારમાં આવેલા આ મોલમાં હું ફરી રહ્યો હતો. તે સૌથી વધુ પ્રવાસીઓ આવતા હોય એવો બીજા ક્રમાંકનો મોલ હતો. અહીં 1200 કરતા પણ વધુ દુકાનો આવેલી છે. શોપિંગના શોખિનો માટે તો જાણે સ્વર્ગ છે.



બુર્જ ખલિફા
દુબઈની જે લેન્ડમાર્ક બિલ્ડિંગ છે બુર્જ ખલિફા જોવા માટેની લાઇનમાં અમે ઉભા રહ્યાં. લાઇન ધારવા કરતાં ઘણી મોટી હતી. અંદર-અંદર ચાલ્યાં જ કરવાનું હતું. આગળ કહ્યું તેમ વિવિધ દેશોના લોકો વચ્ચે ઉભો રહેવાનો આ અનુભવ હતો. નાના હતા ત્યારથી આપણે લાઇનમાં ઉભા રહેવાની આદત છે. એટલે વાંધો ન હતો. આ અહીં આપણા દેશની જેમ ઘુસણખોરી થતી નથી. કારણ કે ઘણાં બધાં સિક્યોરીટીના માણસો અહીં હોય છે. લાઇનમાં ઉભા હતા ત્યારે એક ચીની કે જપાની જેવી દેખાતી મહિલાએ મારી દિકરીને કંઈક પૂછતી હતી પણ અમને કંઈ સમજાતુ ન હોતું.



1 મિનિટમાં લિફ્ટ 124માં માળે પહોંચી ગઇ
લગભગ અડધો કલાક બાદ લિફ્ટના દરવાજાની પાસે અમે આવ્યા. પ્રવાસીઓને બુર્જ ખલિફાના 124માં માળે લઈ જવા માટે બે લિફ્ટ હતી. 12થી 14 જણાંને એક લિફ્ટમાં જવા દેવામાં આવ્યાં. દરવાજો બંદ થયો. મસ્ત મ્યુઝીક વાગ્યું. લિફ્ટ ઉપરની તરફ લંબગોળાકારમાં એક સ્ક્રીન મુકવામાં આવી હતી. એમાં જાણે આકાશમાં હોય એવા દ્રશ્યો દેખાડવામાં આવ્યાં અને આ શું માત્ર એક જ મિનિટમાં લિફ્ટ 124માં માળે પહોંચી પણ ગઈ. આટલી ઝડપથી જતી હોવા છતાં પણ તમને ખબર ન પડે એ ટેક્નીકને ખરેખર દાદ આપવી પડે. આ લિફ્ટ દુનિયાની ત્રીજા નંબરની સૌથી ફાસ્ટેસ્ટ લિફ્ટ છે. જે દર સેકન્ડે 10 મીટર એટલે કે 33 ફુટ અંતર કાપતી હતી. વિમાનમાં જતા હોય ત્યારે જે રીતે કાન બંધ થઈ જવાની સમસ્યા ઘણાંને થતી હોય છે એવી સમસ્યા મને આ લિફ્ટમાં થઈ હતી. લિફ્ટથી બહાર આવ્યાં ત્યાં ઘણાં લોકો હતા. બહાર બહુ મોટી જગ્યા તો નહોતી. પરંતુ પ્રમાણમાં એટલી ભીડ પણ નહોતી. નાના હતા ત્યારે નાની- નાની મોટરકાર અને ટ્રક સાથે રમતા હતા. અહીં આટલે ઉંચેથી નીચેથી પસાર થતી કાર અને ટ્રક પણ પેલા રમકડા જેવી જ દેખાતી હતી.

આ પણ વાંચો : ‘પાંડે ચાલ્યો દુબઈ’ : પાર્ટ-1

96 કિલોમીટર દૂરથી દેખાય છે આ બિલ્ડિંગ
828 મીટર ઉંચી અને 168 માળ ધરાવતી બુર્જ ખલિફા આ બિલ્ડિંગનું નિર્માણ 8 અરબ ડોલરના ખર્ચે છ વર્ષના સમયગાળામાં કરવામાં આવ્યું હતું. 96 કિલોમીટર દૂરથી પણ દેખાતી આ બિલ્ડિંગના 124માં માળે અમે હતા. લોકો પોતાની યાદનો સંગ્રહ કરી શકે એ માટે એક જગ્યાએ પંતગીયા જેવી ડિઝાઇન પણ તૈયાર કરવામાં આવી હતી. આ જ બિલ્ડિંગમાં હોટેલ, ઓફિસ અને રહેણાંક બધું જ છે. 124માં માળની એક પ્રદક્ષિણા ફરીને અમે ફરી નીચે જવા માટેની લાઇનમાં ઉભા રહ્યાં. ફરી એક મિનિટમાં લિફ્ટ અમને નીચે લઈ આવી. દુબઈની લેન્ડમાર્ક સમાન બિલ્ડિંગનો અમારો પ્રવાસ પુરો થયો. બહારની તરફ નીકળીએ ત્યારે આ ઇમારત કોણે બનાવી, ટીમનો સભ્યો કોણ-કોણ હતા તમામની ઓડિયો-વિઝ્યુઅલ માહિતી પણ આપવામાં આવતી હતી. એક બે ભારતીયોના વિડીયો પણ અમે જોયા. જેમાં બિલ્ડિંગના કાચ સાફ કરનાર એક કારીગરનો વિડીયો મજાનો હતો. જેના મતે બધા જ કાચ સાફ કરતા કુલ ત્રણ મહિના જેટલો સમય લાગે છે. ઉપરથી જ્યારે નીચે જોતા હતા ત્યારે ત્યાં એક નાનકડા તળાવની અંદરની વિવિધ પાઇપોની ડિઝાઇન દેખાતી હતી. અહીં રાત્રે ફાઉન્ટેઇન શો થાય છે. પણ તે જોવા રાત્રે આવીશું એમ વિચારી અમે ફરી દુબઈના મોલમાં ઘુસ્યા. વાચક મિત્રો જો અહીં રાત્રે આવો તો તમે ઉપરથી ફાઉન્ટેઇન શો જોવાનો લ્હાવો લઈ શકો.

આ પણ વાંચો : 'પાંડે ચાલ્યો દુબઈ' પાર્ટ-2



એક્વેરિયમ અને અન્ડરવોટર ઝુ

ઉંચાઇથી નીચે જોવાનો એક રોમાંચ હોય છે. પરંતુ આપણે વિવિધ પર્વતોની ટોચ પર જતાં જ હોઇએ છીએ. તેથી બુર્જ ખલિફાથી નીચે જોવાનો રામાંચ કદાચ નવો ન લાગે. પરંતુ દુબઈ મોલમાં જ આવેલા એક્વેરિયમ અને અન્ડરવોટર ઝુ નો અનુભવ જરૂર તમારા માટે યાદગાર રહે. દુબઈ મોલમાં તમે ફરતા હોવ ત્યારે બહારથી પણ આ અન્ડરવોટર ઝુ દેખાય છે. પરંતુ અંદર જઇને જોઈએ તો જ ખરો આનંદ આવે. આપણે ત્યાં સામાન્ય રીતે માછલીઓને કાચના કેબિનમાં રાખવામાં આવે છે તેમજ આપણે બહારથી જોતા હોઈએ છીએ. પરંતુ અહીં આપણે કાચની કેબિનમાંથી પસાર થતા હોઈએ છીએ. તેમજ આપણી ચારે તરફ વિવિધ 140 જાતના પાણીમાં રહેતા પ્રાણીઓ જોવાનો નજારો મળે છે. કુલ 10 મિલિયન લીટર પાણીની આ ટેન્કમાં અંદાજે 400 જેટલી શાર્ક માછલીઓ છે. વિશાળકાય મગર અને એના ઇંડા નજીકથી જોવાનો અનુભવ તો જાતે જ માણવો પડે.



આ પણ જુઓ : દુબઈમાં મહંત સ્વામીએ લીધી મસ્જિદની મુલાકાત, જુઓ ફોટોઝ

કોમ્બો ટિકિટ લઇને કરી શકો આટલી બચત
બુર્જ ખલિફા અને એક્વેરિયમની અલગ-અલગ ટિકિટ ખરીદવાને બદલે જો તમે કોમ્બો ટિકિટ ખરીદો તો સારી 40 દિરહામની બચત કરી શકો. બુર્જ ખલિફામાં તો માત્ર ટોપ પર જવાનું છે. જ્યારે એક્વિરયમમાં અલગ-અલગ પ્રકારની ટિકિટો છે. જેમાં જો શાર્કને અથવા તો મગરને ખવડાવતા હોય ત્યારે નજીકથી જોવા હોય, માછલીઓને ખવડાવવું હોય જેવા અલગ-અલગ છ પ્રકારો છે. તો તમે ત્યાં જતા પહેલા જ નક્કી કરી લો. બાકી જનરલ ટુર તો છે જ. હાલ બન્નેની કોમ્બો ટિકિટ 209 દિરહામ એટલે કે અંદાજે રૂ. 4000 જેટલી છે.

ફોટો પડશે મોંઘો
મુંબઈમાં આપણે જ્યારે ગેટવે ઓફ ઇન્ડિયા જઈએ ત્યારે ઘણાં લોકો તમને યાદગીરી માટે ફોટો પડાવી લેવા માટે વિનંતી કરતા હશે. આવી જ કંઈક વાત દુબઈ કે અબુ ધાબીમાં પણ છે. અહીં લગભગ તમામ સ્થળે જેવા તમે પ્રવેશ કરો કે તમારો ફોટો પાડીને કુપન આપે. જેમાં એક નંબર હોય. આવો જ એક નંબર મે નીચે ઉતરીને બતાવ્યો તો મને 50 દિરહામ એટલે કે અંદાજે રૂ. 1000 આપવા કહ્યું તો હું ચૂપચાપ આગળ વધી ગયો .

આ પણ જુઓ : ફૉરેનમાં ફરવા માટે આ છે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન

જાણો, પાંડે આવતા સપ્તાહે ક્યાં જશે
દુબઈનો દિવસ તો દિવસ રાત પણ રંગીન હોય છે. મરીના મોલ વિસ્તારમાંથી મળે છે યોટ. જેમાં બેસીને દરિયાળ માર્ગે કરશે દુબઈ દર્શન. તો બીજા દિવસે જશે બોલિવુડ પાર્કમાં.

travel news dubai