✕

વૃક્ષો ફળને પકડી નથી રાખતાં, પોતે પણ નથી ખાતાં એટલા માટે વૃક્ષોને સાધુ-સંત કહ્યાં છે

09 October, 2026 03:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોઈ છીનવી જાય એને બદલે આપણાથી છૂટે અને માણસથી પોતાનાથી છૂટે એને કહેવાય દાન, એ ત્યાગ અને ઉપનિષદો કહે છે કે ત્યાગપૂર્ણ જીવન તમારું હોવું જોઈએ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

અગાઉ તમને કહ્યું હતું એમ સ્વસ્તિક એટલે કલ્યાણ કરનાર, ખરેખર સુખનો સાથિયો. જીવનનાં બધાં જ પાસાંનો સંતુલિત વિકાસ થાય ત્યારે વ્યક્તિના જીવનમાં સુખનો સાથિયો સર્જાતો હોય છે. કોઈકને થાય કે કથા તો કેવળ મોક્ષની જ વાતો કરે છે. એવું નથી. મોક્ષ તો તેનાં જે કર્મો થયાં એનું પરિણામ છે.

ધર્મ, અર્થ અને કામ. આ જે ત્રિવર્ગ છે એને સરખી રીતે સિદ્ધ કરો. આ ત્રણેય પુરુષાર્થને દાખલો સાચો ગણાવો જોઈએ તો જવાબ સાચો જ આવે. એક પણ સ્ટેપ ખોટું ન હોવું જોઈએ. ધર્મપૂર્વક અર્થ, ધર્મપૂર્વક કામ અને ધર્મપૂર્વક સંપત્તિ તમે કમાયા હશો તો એ સંપત્તિ સુખી તો કરશે; પણ એક સમય એવો આવશે કે તમને અનાસક્ત ભાવ જાગ્રત થશે.

અધર્મનો પૈસો હોય એના પ્રત્યે આસક્તિ એટલી રહે છે કે મરવા ટાણે પણ ભગવાન રામ યાદ નહીં આવે. ‘રામ... રામ...’ નહીં પણ ‘રૂપિયો... રૂપિયો...’ જ યાદ આવશે. ધર્મપૂર્વક તમે કામ સંપાદન કર્યો હશે તો એક સમય આવશે કે એ વિષયોથી વૈરાગ્ય થશે અને જો એ થશે તો કામ તમને આનંદ નહીં આપે અને અંતે મોક્ષ.

મોક્ષ એટલે મુક્તિની ઇચ્છા. છોડવાનું મન થાય નહીં તો મરતા દમ સુધી ન છૂટે.

વૃક્ષો પણ એમનાં ફળ પાકી જાય તો છોડી દે છે. કોઈ ફળ તોડે નહીં તો પણ વૃક્ષો છોડે. કોઈ છીનવી જાય એને બદલે આપણાથી છૂટે અને માણસથી પોતાનાથી છૂટે એને કહેવાય દાન, એ ત્યાગ અને ઉપનિષદો કહે છે કે ત્યાગપૂર્ણ જીવન તમારું હોવું જોઈએ. વૃક્ષો ફળને પકડી નથી રાખતાં અને પોતે પણ નથી ખાતાં એટલા માટે વૃક્ષોને સાધુ-સંત કહ્યાં છે. એ બીજાને આપી દે છે.

વૃક્ષો ફળ એનાં નથી ખાતાં રે,

ઉપકારી એનો આત્મા હો જી...

નદિયું પાણી નથી પોતાનાં પીતી રે,

ઉપકારી એનો આત્મા રે જી...

દિવસ અને રાત થાક્યા વગર નદી સતત વહેતી રહે છે. માણસોએ અત્યારે એને રોકી રાખી, બાંધી રાખી. બાકી નદીઓ તો વહેતી રહે છે. પોતે પોતાનું પાણી પીતી નથી.

રત્નો રૂપાળાં એનાં મોંઘા મૂલવાળાં રે,

આ દરિયો પહેરે નહીં મોતીડાની માળા રે,

ઉપકારી એનો આત્મા રે...

એ તો જે મરજીવો બને તેના પર લૂંટાવવા દરિયો તૈયાર હોય. દરિયો પોતે મોતીની માળા પહેરતો નથી.

સરોવર, તરુવર, સંતજન, ચૌથા બરસે મેહ

પરમારથ કે કારણ ચારો ધરિયા દેહા

આમ ધર્મનાં મૂલ્યોને જીવનમાં ધારણ કરવામાં આવે તો થથાર્થ સુખી થવાય.

culture news life and style lifestyle news columnists