વિશ્વના નકશામાં સહેલાઈથી ન જડે એવા દેશમાં ફરી આવ્યું આ યુગલ

25 August, 2022 03:20 PM IST  |  Mumbai | Varsha Chitaliya

ભૂગોળના પુસ્તકમાં પણ જેનું નામ નહોતું વાંચ્યું એવા દેશ સહિત કુલ ૩૩ દેશમાં ફરી આવેલાં કાંદિવલીનાં જતીન અને બીજલ લાખાણી વર્ષમાં છ મહિના ભારતની બહાર વિતાવે છે

જતીન અને બીજલ લાખાણી

ભૂગોળના પુસ્તકમાં પણ જેનું નામ નહોતું વાંચ્યું એવા દેશ સહિત કુલ ૩૩ દેશમાં ફરી આવેલાં કાંદિવલીનાં જતીન અને બીજલ લાખાણી વર્ષમાં છ મહિના ભારતની બહાર વિતાવે છે. જોકે સતત પ્રવાસમાં રહેવાનાં તેમનાં કારણો અને અનુભવો અન્ય પ્રવાસપ્રેમીઓ કરતાં જુદાં છે. આવું કેમ? ચાલો તેમને જ પૂછીએ

અમેરિકા, ન્યુ ઝીલૅન્ડ, સાઉથ આફ્રિકા, કૅનેડા, જર્મની, નેધરલૅન્ડ્સ, ફ્રાન્સ, દુબઈ, ટર્કી, થાઇલૅન્ડ, સ્કેન્ડિનેવિયા જેવા દુનિયાના ૩૩ દેશો એક્સપ્લોર કરી આવેલા કાંદિવલીનાં જતીન અને બીજલ લાખાણીએ ૨૦૦૪ અગાઉ પ્રવાસ વિશે વિચાર્યું નહોતું. મુંબઈમાં સિમ્પલ લાઇફ વિતાવી રહેલા આ કપલના જીવનમાં એવો વળાંક આવ્યો કે તેઓ દુનિયાભરમાં ફરવા લાગ્યાં અને હજીયે ફરફર ચાલુ જ છે. અનાયાસે વિકસેલો પ્રવાસનો શોખ તેમને ક્યાં લઈ ગયો અને અનુભવો કેવા રહ્યા એની તેઓ માંડીને વાત કરે છે. 

સોનેરી તક સાંપડી

મિડલ ક્લાસ ફૅમિલીના કપલ માટે ​વિદેશ પ્રવાસ સ્વપ્ન સમાન હોય છે. લગભગ ૧૮ વર્ષ પહેલાં મારી સામે સોનેરી તક આવીને ઊભી રહી એવી જાણકારી આપતાં જતીન કહે છે, ‘આઇટી પ્રોફેશનના કારણે એક પ્રોજેક્ટ માટે કંપનીએ મલેશિયા મોકલવાનું નક્કી કર્યું. ઉંમર નાની અને દુનિયા જોઈ ન હોય તેથી સખત ટેન્શનમાં આવી ગયાં. સોશ્યલ લાઇફ વગર શું થશે? કેટલાય વિચારો સાથે અમે ત્યાં પહોંચ્યાં. કુઆલાલમ્પુર હોય તો ઍડ્જસ્ટ થઈ જાય પણ અમારે સિંગાપોર અને મલેશિયા બૉર્ડર પર આવેલા અજાણ્યા શહેરમાં રહેવાનું હતું. ફર્સ્ટ એક્સ્પીરિયન્સ પ્લેઝન્ટ ન કહી શકાય. ઍન્ગ્ઝાયટીમાં ફરી નહોતા શક્યા. વિદેશ ફરવાનો મોહ રાખવા જેવો નથી એવી લાગણી થઈ. મુંબઈ પરત ફર્યા પછી શાંતિ થઈ. થોડો સમય બાદ કંપનીએ કૅનેડા જવાની વાત કરતાં ફરી ચિંતામાં મુકાઈ ગયાં. જોકે સેકન્ડ એક્સ્પીરિયન્સ સુપર્બ રહ્યો. આ ટ્રિપ ટર્નિંગ પૉઇન્ટ બની. કૅનેડાથી અમારું રિયલ ટ્રાવેલિંગ સ્ટાર્ટ થયું અને ધીમે-ધીમે એ પૅશનમાં કન્વર્ટ થઈ ગયું.’

ટ્રાવેલિંગમાં ઇન્ટરેસ્ટ પડતાં વિદેશ જવામાં મજા આવવા લાગી એવું ઉત્સાહ સાથે જણાવતાં બીજલ કહે છે, ‘શરૂઆતમાં અમે જે દેશમાં પ્રોજેક્ટ હોય એની આસપાસનાં સ્થળો એક્સપ્લોર કરતાં. યુરોપમાં ઇન્ટર કન્ટ્રી અવરજવર કરવાનું ખૂબ જ સરળ છે. બે દેશની જમીન પર એકસાથે પગ મૂકીને ઊભાં રહી શકો. વીક-એન્ડમાં બાય રોડ ફરવા નીકળી જઈએ. યુરોપમાં ડ્રીલૅન્ડનપુંટ નામનો બ્યુટિફુલ પૉઇન્ટ છે જ્યાં બેલ્જિયમ-નેધરલેન્ડ્સ-જર્મની એમ ત્રણ દેશની સરહદ મળે છે. અમારા માટે પ્રવાસનો અર્થ જુદો છે. ઍડ્વેન્ચરસ ઍક્ટિવિટી કરતાં શાંત વાતાવરણમાં રહેવું પસંદ છે. નેચર સાથે કનેક્ટેડ હોય એવી જગ્યાઓ ગમે છે. પ્રોજેક્ટ માટે જવાનું હોય તો બેસ્ટ, અન્યથા પોતાની રીતે પ્રવાસમાં ઊપડી જઈએ. માત્ર ટ્રાવેલના પર્પઝથી અઢળક જગ્યાઓ એક્સપ્લોર કરી છે.’ 

પર્સનલ ગ્રોથ

ફૉરેનમાં રહ્યા પછી સમજાય કે ભારતમાં આપણે ઘણી વસ્તુને ટેકન ફૉર ગ્રાન્ટેડ લેતાં હતાં. પીપલ અને ટાઇમની વૅલ્યુ શું છે એ જાણવા મળ્યું. જતીન કહે છે, ‘ઑફિસ મીટિંગ હોય કે સોશ્યલ ગેધરિંગ, બધા સમયસર પહોંચી જાય. અહીં સમયની કિંમત છે. આ બાબતમાં ભારતીયોની છાપ થોડી ખરાબ કહી શકાય. કોઈ જગ્યાએ જવામાં લેટ થાય ત્યારે એ લોકો કટાક્ષ કરે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ પ્રમાણે આવ્યા છો. વાતચીત કરવાનો તેમનો ટોન પણ સૉફ્ટ હોય. અમે સૉફિસ્ટિકેટેડ બૅકગ્રાઉન્ડમાંથી નહોતાં તેથી સાઉન્ડ જુદો હતો. વિવિધ દેશના લોકોને મળવાથી, તેમના કલ્ચર અને રહેણીકરણી સાથે કનેક્ટેડ થવાથી અમારી પર્સનાલિટી અને બિહેવિયરમાં મોટો ફરક આવ્યો. ડાઇનિંગ એટિકેટ્સ પણ શીખ્યાં. પ્રવાસની સાથે પર્સનલ ગ્રોથ થતાં સોનામાં સુગંધ ભળી. ટ્રાવેલિંગના કારણે અમને એ પણ શીખવા મળ્યું કે ગમે એટલી સારી જગ્યા હોય, સ્થાનિક રહેવાસીઓ મજાના હોય તોય થોડું ડિટૅચમેન્ટ જરૂરી છે, કારણકે તમે અહીં કાયમ માટે રહેવા નથી આવ્યા. હવે પછીની ટ્રિપમાં આનાથી વધારે સારું મળશે એવા એક્સપેક્ટેશન સાથે આગળ વધતાં રહેવું. લાઇફ ઇસ લાઇક અ ટ્રાવેલ, હોટેલની રૂમમાં ચેકઇન અને ચેકઆઉટ બન્ને કરવાં પડે એવી સમજણ વિકસી. જોકે કેટલાક મિત્રો અને સહકર્મચારીઓ ટચમાં છે.’ 

વતનનો પ્રવાસ

ભારતના પ્રવાસ વિશે વાત કરતી વખતે બન્ને ઉત્સાહમાં આવી જાય છે. પૅન્ડેમિક બાદ રોડ ટ્રિપનો પહેલવહેલો અનુભવ શૅર કરતાં બીજલ કહે છે, ‘નવ દિવસની મુંબઈથી કચ્છની સફર અવિસ્મરણીય રહી. અત્યાર સુધીની અમારી તમામ ટ્રિપ શૉપિંગ અને ફન ઓરિએન્ટેડ હતી, જ્યારે આ સફર ધાર્મિક સ્થળો અને વતનની માટી સાથે જોડાયેલી હોવાથી અલગ જ અનુભૂતિ હતી. અમારા વતન ચલાલા અને રાજકોટની મુલાકાતનો પ્લાન હતો. શિયાળાની મોસમમાં વાતાવરણ ખુશનુમા હતું. ખાણીપીણીનો જલસો સુરતથી જ શરૂ થઈ ગયો. હાઇવે પર એક જગ્યાએ પોંક ખાવા માટે લોકો ઊમટી પડ્યા હતા. લીંબુ નિચોવી, સેવ ભભરાવીને પીરસવામાં આવેલો પોંક અને ફાફડા સાથે મરચાંનો સ્વાદ માણી આગળ વધ્યાં. અમરેલી, ચલાલા, રાજકોટ અને વાંકાનેરમાં ધાર્મિક સ્થળની મુલાકાત લઈ અંજાર તરફ રવાના થયાં.’

કચ્છ પ્રવાસન વિશે વધુ વાત કરતાં તેઓ કહે છે, ‘અંજારમાં જેસલ-તોરલની સમાધિ જોઈ. મુન્દ્રામાં આવેલા ભદ્રેશ્વર જૈન ટેમ્પલ અને માર્ગમાં આવતા શિવ મંદિરમાં દર્શન કરી ભાવુક થઈ ગયા. મુન્દ્રામાં બાંધણી સાડીનું વણાટકામ કરતા કારીગરોને મળી આપણી પરંપરાગત કળા સાથે પરિચય કેળવ્યો. કારને નીકળવામાં પણ તકલીફ થાય અને ગૂગલ મૅપમાં પણ ન બતાવે એવા સાંકડા રસ્તાઓ પહેલી વાર જોયા. પૅન્ડેમિક દરમિયાન મુંબઈથી ભુજ શિફ્ટ થયેલી ફૅમિલી દ્વારા શરૂ કરવામાં આવેલી રેસ્ટોરન્ટમાં ડિનર લીધું હતું. અહીં અમે એવા ઘણા પરિવારોને મળ્યા જેઓ મુંબઈની હેક્ટિક લાઇફ છોડીને શાંતિનું જીવન જીવવા પોતાના વતન પરત ફર્યા હતા. માંડવી અને હમીરસર તળાવ સુંદર સ્થળો છે. કચ્છની ફેમસ દાબેલીનો સ્વાદ હજી ભુલાતો નથી. અડધી દુનિયા ફર્યાં છીએ, પરંતુ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. ભારતનાં બીજાં રાજ્યોમાં પણ ઘણું ટ્રાવેલ કર્યું છે. નૉર્થ ઇન્ડિયાની બ્યુટી અમને આકર્ષે છે.’

નકશામાં ક્યાં? 

અત્યાર સુધીનો સૌથી બેસ્ટ એક્સ્પીરિયન્સ નૉર્વેનો રહ્યો છે. વર્ષમાં માત્ર છ મહિના સનરાઇઝ થાય એવી જગ્યાએ જવાનું છે સાંભળીને પહેલાં તો ચકરાવે ચડી ગયા. સ્વાલબાર્ડનું નામ ભૂગોળના પુસ્તકમાં પણ નહોતું વાંચ્યું એ વિશે જતીન કહે છે, ‘સ્વાલબાર્ડ નૉર્વે અને ઉત્તર ધ્રુવ વચ્ચેનો દ્વીપસમૂહ છે. વિશ્વના સૌથી ઉત્તરીય વસવાટવાળા વિસ્તારોમાંનો એક પ્રદેશ જ્યાં હિમનદીઓ, ધ્રુવીય રીંછ, સ્વાલબાર્ડ રેન્ડિયર અને આર્કટિક ફૉક્સ જોવા મળે છે. અહીં લૅન્ડ થતાં પહેલાં અમે લોકોએ સનરાઇઝ અને સનસેટના સ્ટેટસ ચેક કર્યા હતા. વિન્ટરમાં નૉર્ધર્ન લાઇટ્સ અને સમરમાં મિડનાઇટ સન જોઈને આશ્ચર્યચકિત થઈ જવાય. વિશ્વના નકશામાં શોધવું પડે એવું નૉર્વેનું એલેસુન્ડ પણ અમારા હૃદયની સૌથી નજીકનું શહેર છે. દુનિયાથી અલિપ્ત આ પ્રદેશ પ્રાકૃતિક સૌંદર્યનો ખજાનો છે. અહીં અમે લાંબો સમય રહ્યાં હતાં. નૉર્વેમાં બજોર્લી આઇસ હોટેલની મુલાકાત ખાસ લેવી. અહીં ચર્ચ, બાર બરફમાંથી બનાવાય છે. નાઇટ સ્ટે માટે રૂમ મળે છે. શિયાળો પૂરો થાય પછી હોટેલ ઓગળી જાય. દર વર્ષે એને ફરીથી બનાવવામાં આવે. દુનિયાનાં હટકે સ્થળો જોવાનો શોખ હોય એવા પ્રવાસીઓએ નૉર્વે એક્સપ્લોર કરવું જોઈએ.’

આટલાં દેશો ફર્યાં

ઑસ્ટ્રિયા, બેલ્જિયમ, કૅનેડા, ચીન, ડેન્માર્ક, ચેક રિપબ્લિક, દુબઈ, એસ્ટોનિયા, ફિનલૅન્ડ, ફ્રાન્સ, જર્મની, હંગરી, ઇટલી, ઇન્ડોનેશિયા, લૅટ્વિયા,મલેશિયા, લક્ઝમ્બર્ગ, નેધરલૅન્ડ્સ, ન્યુ ઝીલૅન્ડ, નૉર્વે, પોર્ટુગલ, રોમાનિયા, રશિયા, સિંગાપોર, સાઉથ આફ્રિકા, સ્પેન, સ્વીડન, થાઇલૅન્ડ, ટર્કી, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ, વેટિકન, વિયેટનામ ફરી આવ્યાં છે.

columnists travelogue travel news Varsha Chitaliya life and style