07 July, 2025 06:59 AM IST | Hungary | Rashmin Shah
ક્રિષ્નાા ઘાટીમાં આવેલું રાધા-કૃષ્ણનું મંદિર.
હંગેરીના બુડાપેસ્ટથી ૧૮૦ કિલોમીટર દૂર આવેલા ક્રિષ્ના વૅલી નામના ગામમાં કૃષ્ણકાળની આદર્શ ગામની પરિકલ્પના સાકાર કરવામાં આવી છે. ક્રિષ્ના વૅલી દુનિયાનું એકમાત્ર એવું ગામ છે જ્યાં ઑર્ગેનિક ખેતી, ભારતીય પરંપરા અને વૈષ્ણવ સંસ્કૃતિને અક્ષરશઃ જીવવામાં આવે છે. ચાલો ગોરાઓના ગોકુળમાં એક લટાર મારીએ
તમને ન્યુ યૉર્ક કે સિંગાપોર જેવી લાઇફસ્ટાઇલ મુંબઈની આસપાસ ક્યાંક મળી જાય તો?
અફકોર્સ, તમે ઠેકડા મારવા માંડો અને તમારામાંથી અડધોઅડધ તો ત્યાં રહેવા જવા માટેની તૈયારી આ જ ઘડીએ આદરી દે. આપણે જ્યારે પશ્ચિમની રહેણીકરણી અને ત્યાંની સુવિધા પર ગાંડપણ કાઢીએ છીએ ત્યારે યુરોપનું એક ગામ એવું પણ છે જે કૃષ્ણના યુગને અનુસરીને એ મુજબની લાઇફસ્ટાઇલ જીવે છે. ડિટ્ટો એવી જ લાઇફસ્ટાઇલ અને ડિટ્ટો એવું જ જીવન જેવું જીવન કૃષ્ણ પોતે જીવતા!
વાંચીને કે સાંભળીને નવાઈ લાગે અને એવું પણ લાગે કે વાઇરલ થતા ફેક મેસેજ જેવી જ આ કોઈ ફેક વાત હશે પણ ના, એવું નથી. આ નરી વાસ્તવિકતા છે. આપણે વાત કરીએ છીએ, યુરોપના હંગેરીની રાજધાની બુડાપેસ્ટથી નૈઋત્યમાં ૧૮૦ કિલોમીટર દૂર આવેલા ક્રિષ્ના વૅલી નામના ગામની. નેવુંના દશકની શરૂઆતમાં આ જગ્યાએ અહીં છૂટાછવાયાં ઘરો માત્ર હતાં. આદર્શ ગામ બનાવવાની દૃષ્ટિએ ઇસ્કૉન સંપ્રદાયથી પ્રભાવિત થયેલા પણ સાધુજીવન નહીં અપનાવી શકનારાઓએ કેટલાક પરિવારોએ હંગેરી સરકાર પાસે જગ્યા માગી અને ક્રિષ્ના વૅલી ગામનું સર્જન શરૂ થયું. ક્રિષ્ના વૅલી આજે ઇકો-ફાર્મ યુરોપના સૌથી મોટા અને સૌથી પુરાણા એવા ઇકો-વિલેજ પૈકીનું એક છે. મજાની વાત એ છે કે કૃષણવેલીના સર્જન પહેલાં જ યુરોપે ગ્લોબલ ઇકો-વિલેજ નેટવર્કની શરૂઆત કરી હતી. ગ્લોબલ ઇકો-વિલેજ નેટવર્ક પર એક અલાયદો આર્ટિકલ તૈયાર કરવો પડે, પણ અત્યારે મુદ્દો અલગ છે એટલે આ નેટવર્કને ટૂંકમાં સમજી લઈએ.
દુનિયાભરના લોકો ગામડાંઓ છોડીને જ્યારે શહેર તરફ ભાગવા માંડ્યા છે એવા સમયે ગામડાંઓને નવજીવન મળે અને ગામડાંઓની જીવનશૈલી તરફ લોકો આકર્ષાય એવા હેતુથી યુરોપિયન દેશોએ ઇકો-વિલેજ નેટવર્ક ઊભું કરવાનું શરૂ કર્યું. આ નેટવર્કના મેમ્બર બનેલાં ગામોને અનેક પ્રકારના ટૅક્સ બેનિફિટ્સ મળે છે તો સાથોસાથ એ ગામોને અનેક પ્રકારની સરકારી રાહતો પણ પૂરી પાડવામાં આવે છે. હંગેરીનું ક્રિષ્ના વૅલી ગ્લોબલ ઇકો-વિલેજ નેટવર્કનું મેમ્બર છે અને આજે એ દુનિયાભરનાં ઇકો-વિલેજમાં સૌથી આદર્શ છે. યુનાઇટેડ નેશન્સે પણ આ ગામનું અનેક દિશાથી અવલોકન કર્યું અને સત્તાવાર જાહેર પણ કર્યું કે વિશ્વની શ્રેષ્ઠ રહેણીકરણીમાં ક્રિષ્ના વૅલી ફાર્મ સર્વોત્તમ છે.
અહીંની મહિલાઓ સાડી પહેરે છે અને વૈષ્ણવ ધર્મના પરંપરાગત કામો જાતે જ કરે છે.
ક્રિષ્ના વૅલીને મળેલું આ સન્માન હકીકતમાં તો ભારતીય રહેણીકરણી અને સાંસ્કૃતિક પરંપરાનું સન્માન છે.
જ્યોગ્રાફી સાથે ક્રિષ્ના વૅલી...
૩૦૦ હેક્ટર એટલે કે અંદાજે ૩૧પ એકરમાં પથરાયેલું ક્રિષ્ના વૅલીનું સર્જન ૧૯૯૩માં શરૂ થયું પણ આ આખા વિસ્તારનો ઇતિહાસ છેક ઈસવી સન ૧૮૦૦થી મળે છે. ક્રિષ્ના વૅલી પહેલાં અહીં છૂટાંછવાયાં ઘરો હતાં. એને ગામ તરીકે કોઈ ઓળખ આપવામાં નહોતી આવી. પશુપાલન માટે લોકો આવતાં વર્ષમાં આઠેક મહિના પશુઓને ચારો મળી રહેતો એટલે એટલો સમય એ લોકો અહીં રહેતા અને પછી અહીંથી નીકળી જતા. આગળ કહ્યું એમ, ઇસ્કૉન સાથે સંકળાયેલા પણ સાધુજીવન નહીં અપનાવી શકનારાઓએ આ જગ્યાએ વસવાટ શરૂ કર્યો અને એ પછી તેમણે હંગેરી સરકાર પાસે અહીં ગામ ઊભું કરવા માટે પરમિશન માગી.
શરૂઆતમાં પરમિશન મળી નહોતી પણ હા, વસવાટ માટેની છૂટ આપવામાં આવી. આ વાત છે નેવુંના દશકના આરંભની. શરૂઆતમાં સ્થાનિક લોકો સાથે વીસેક પરિવાર રહેવા માટે આવ્યા અને એ પછી એમાં ઉત્તરોત્તર વધારો થવાનો શરૂ થયો. ગામની પરવાનગી મળી ત્યાં સુધીમાં આ વિસ્તારમાં અન્ય પચાસેક પરિવાર અને ઇસ્કૉન પરિવારના પંદરથી વધુ સંતો રહેવા માટે આવી ગયા હતા.
ગામમાં રહેતા અને રહેવા માટે આવનારા નવા લોકો માટેના જે નિયમો બનાવવામાં આવ્યા એ તમામ નિયમો કૃષ્ણ-સંસ્કૃતિ સમયને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા હતા. અરે, તમે માનશો નહીં પણ ક્રિષ્ના વૅલી ઊભું કરતાં પહેલાં ઇસ્કૉનના કેટલાક સંતો હિન્દુસ્તાન આવીને ગોકુળ-મથુરા અને દ્વારકા પણ આવીને રહી ગયા. કૃષ્ણકાળના સમયનાં ગોકુળ અને દ્વારકા કેવાં હતાં, એ સમયે કેવા-કેવા નિયમો પાળવામાં આવતા હતા એની જાણકારી મેળવી અને એ પછી એ બધી વાતને ક્રિષ્ના વૅલીમાં અમલમાં મૂકવામાં આવી.
ક્રિષ્ના વૅલી કોનું સપનું હતું એ જાણવાનું તમને મન થાય એ હકીકત છે.
ઇસ્કૉનના શિવરામ સ્વામીએ ક્રિષ્ના વૅલીનું સપનું જોયું અને એ સાકાર કરવામાં તેમણે તન-મન-ધનથી જહેમત લીધી.
કોણ છે શિવરામ સ્વામી?
ઈસવી સન ૧૯૪૯માં હંગેરીના બુડાપેસ્ટમાં જન્મેલા શિવરામ સ્વામી પોતાના સંસારી સમયમાં જ પેરન્ટ્સ સાથે કૅનેડા સેટલ થઈ ગયા અને ત્યાં જ તેમણે એન્જિનિયરિંગ કર્યુ. જોકે એ જ દિવસોમાં તેમને કૃષ્ણ સંસ્કૃતિ પ્રત્યે લગાવ થયો અને તે ઇસ્કૉનના સંપર્કમાં આવ્યા. થોડો સમય તેમણે સંસારી જીવન જીવ્યું અને પછી તે ફરી પોતાના દેશ હંગેરી આવી ગયા. ૧૯૮૮માં હંગેરીમાં ઇસ્કૉનનો વહીવટ તેમણે સંભાળ્યો અને ઇસ્કૉનનો જબરદસ્ત પ્રચાર કર્યો. આ પ્રચારયાત્રા દરમ્યાન જ તેમણે ઇસ્કૉન સાથે એ લોકોને પણ જોડ્યા જે સંતત્વ અપનાવ્યા વિના પણ સંસારમાં રહીને ઇસ્કૉનનો પ્રચાર-પ્રસાર કરે.
આ પ્રકારના સંસારીઓ સામે તેમણે હંગેરીમાં ગોકુળ ઊભું કરવાનું પોતાનું સપનું વ્યક્ત કર્યું અને ભાવિકો ખરા અર્થમાં એ દિશામાં કામે લાગ્યા અને ક્રિષ્ના વૅલીનું સર્જન શરૂ થયું. ક્રિષ્ના વૅલીમાં શું હશે અને શું-શું ભવિષ્યમાં બની શકે છે એ વિશે શિવરામ સ્વામી પહેલેથી સ્પષ્ટ હતા. આજનું જે ક્રિષ્ના વૅલી છે એ શિવરામ સ્વામીનું જ વિઝન છે.
ક્રિષ્ના વૅલીની વિશેષતા શું?
કહ્યું એમ, ક્રિષ્ના વૅલી ગોકુળ જ છે. અહીં જવા માટે તમને બુડાપેસ્ટથી બસ પણ મળે અને તમે ટૅક્સી કે પ્રાઇવેટ કારમાં પણ જઈ શકો પણ ક્રિષ્ના વૅલી પહેલાં એક ખાસ જગ્યા બનાવવામાં આવી છે ત્યાં તમારે ઊતરી જવાનું રહે. રખે એવું માનતા કે પછી ક્રિષ્ના વૅલી સુધી ચાલીને જવાનું છે. ના, આવેલા ટૂરિસ્ટને ગામ સુધી લઈ આવવા માટે બળદગાડાંની અરેન્જમેન્ટ છે! બળદગાડું આવશે અને ટૂરિસ્ટને ગામમાં લઈ જશે.
ક્રિષ્ના વૅલીમાં વૈષ્ણવ સંસ્કૃતિનાં મૂલ્યો, સંસ્કાર અને સંસ્કૃતિને અકબંધ રાખવામાં આવી છે. ગામ માટે એક પણ ચીજ બહારથી ન ખરીદવી પડે એનું ધ્યાન રાખવામાં આવે છે અને ગામમાં જે પણ કૃષિ–પેદાશ લેવામાં આવે છે એ સંપૂર્ણપણે ઑર્ગેનિક છે. આજે જ્યારે મુંબઈ અને દેશમાં નૉનવેજનું ચલણ વધતું જાય છે ત્યારે હંગેરી જેવા દેશમાં બનેલા આ ક્રિષ્ના વૅલીમાં નૉનવેજ તો શું એગ્સ સુધ્ધાં મળતાં નથી. અરે, આખેઆખું ગામ વીગન છે એટલે કે પશુઓમાંથી મળતા દૂધનો પણ ઉપયોગ થતો નથી. શિવરામ સ્વામી કહેતા કે આપણે મહિલાઓને સમજણ આપીએ છીએ કે બાળકને તેમનું દૂધ આપો અને આપણે જ ગાયનું દૂધ લઈ લઈએ છીએ, જેનો ખરો હક વાછરડાનો છે.
સ્વામીજીની આ ભાવનાને ધ્યાનમાં રાખીને જ અહીં દૂધનો ઉપયોગ સુધ્ધાં કરવામાં આવતો નથી. દૂધનો ઉપયોગ નથી થતો એનો અર્થ એ થયો કે દૂધની વરાઇટીનો પણ કોઈ ઉપયોગ થતો નથી. પણ હા, તમને એમ હોય કે અહીં ચા-કૉફી કે પછી દહીં-માખણ નહીં મળે તો તમે ભૂલ કરો છો. અહીં આમન્ડ એટલે કે બદામના દૂધનો ઉપયોગ થાય છે અને એમાંથી બનાવેલી મીઠાઈ સુધ્ધાં ખાવા-ખવડાવવામાં આવે છે. શિવરામ સ્વામીની ઇચ્છા હતી કે ભગવાને બનાવેલી સૃષ્ટિ સાથે જીવન જીવવામાં આવે અને તેમના અનુયાયીઓએ એ વાતને સંપૂર્ણપણે સાકાર કરીને દેખાડ્યું છે.
ક્રિષ્ના વૅલીમાં દાખલ થતાં જ તમારું સ્વાગત બે મહાકાય હાથી કરે છે. આરસમાંથી કોતરવામાં આવેલા આ હાથીઓ ઇસ્કૉનના જ અનુયાયીઓ દ્વારા કંડારવામાં આવ્યા છે તો ક્રિષ્ના વૅલીમાં આવેલું રાધા-શ્યામસુંદરનું મંદિર પણ તેમના દ્વારા જ તૈયાર થયું છે. આ મંદિર હંગેરિયન શિલ્પ શૈલીનું બન્યું છે પણ મંદિરનું ઇન્ટીરિયર રાધેશ્યામ અને તેમના સમયકાળને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.
આ મંદિર ક્રિષ્ના વૅલીનું કેન્દ્રબિંદુ છે. અહીં રહેતા દોઢસોથી વધુ પરિવારો આ જ મંદિરની આસપાસ તમામ ઉત્સવોનું આયોજન કરે છે. અહીં એ જ તમામ ઉત્સવો ઊજવવામાં આવે છે જે ઉત્સવો હિન્દુસ્તાની સંસ્કૃતિમાં વર્ણવવામાં આવ્યા છે. આપણે ત્યાં સેક્યુલર-ભીંડાઓ હોળી અને દિવાળી ઊજવવાની ના પાડતા રાગડા તાણે છે કે એનાથી પ્રકૃતિને નુક્સાન થાય છે, જ્યારે પ્રકૃતિનું જીવની જેમ જતન કરતા ક્રિષ્ના વૅલીમાં આ બન્ને તહેવારો દિલથી ઊજવવામાં આવે છે.
રાધા-શ્યામસુંદર મંદિરની આસપાસ જ ગામના તમામ લોકોનાં ખેતરો છે તો આ જ મંદિરની આસપાસ ગૌશાળા છે જેમાં સિત્તેર ગાયો છે. આ ગાયોમાં આપણી ગીર ગાય પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત રાધા-શ્યામસુંદર મંદિર પાસે ઔષધીય બાગ પણ બનાવવામાં આવ્યો છે જેમાં એ ઔષધીઓ વાવવામાં આવી છે જેનો ઉપયોગ આયુર્વેદમાં થાય છે. જરા વિચારો, શતાવરી અને અશ્વગંધાને આપણે હવે ભૂલતા જઈએ છીએ અને હંગેરીમાં એને જતન સાથે ઉગાડવામાં આવે છે અને એનું નિયમિત સેવન પણ કરવામાં આવે છે. તુલસી અને અજમાનો ઉકાળો રોજ સવારે દરેકેદરેક પરિવારના સભ્યો માટે ફરજિયાત છે, પણ ફરજિયાતનો અર્થ એવો નથી કે કોઈનું મોઢું બગડે છે. ના રે, નાનામાં નાનું બાળક એ હોંશભેર પીએ છે અને એનું કારણ પણ છે, આ બધાનો શારીરિક લાભ કેવો અલમસ્ત છે એ તે અનુભવી ચૂક્યા છે.
ક્રિષ્ના વૅલીમાં ભારતીય પરંપરાનાં ગાર્ડન અને તળાવોની પણ ભરમાર છે.
ક્રિષ્ના વૅલીમાં હોટેલ પણ છે અને ત્યાં ગોવિંદા નામની રેસ્ટોરાં પણ છે. ટૂરિસ્ટને ટેસડો પડી જાય એવી વાત કરતાં પહેલાં કહી દેવાનું, આ જે હોટેલ અને રેસ્ટોરાં છે એણે આ ગામના એકેએક નિયમનું પાલન કરવાનું છે.
બની ટૂરિસ્ટની ફેવરિટ પ્લેસ
છેલ્લાં કેટલાંક વર્ષોથી ક્રિષ્ના વૅલીમાં ટૂરિસ્ટો નિયમિત આવતા થયા છે. વર્ષે અંદાજે ૨પ હજારથી વધારે લોકો અહીં આવે છે અને વૈષ્ણવ સંપ્રદાયની સંસ્કૃતિનું થતું જતન નરી આંખે જૂએ છે તો કૃષ્ણકાળમાં રહેવાનો લાભ પણ લે છે. હૈયે રાજીપો થાય એવી વાત એ છે કે આવનારા ટૂરિસ્ટમાંથી નેવું ટકા પ્રવાસીઓ ફૉરેનર્સ છે જેના નસીબમાં કૃષ્ણકાળ જીવવાનું સૌભાગ્ય છે. એમાં હિન્દુસ્તાની પ્રવાસીઓની સંખ્યા બહુ ઓછી હોય છે.
શરૂઆતનાં વર્ષોમાં લોકો ક્રિષ્ના વૅલીને ટૂરિસ્ટ સ્પૉટ તરીકે જોતા, પણ પછી તેમને સમજાવાનું શરૂ થયું કે આ એક એવી જીવનશૈલી છે જે સુખ અને સંતોષ આપવાનું કામ કરે છે.
ક્રિષ્ના વૅલીમાં રહેતી દરેકેદરેક વ્યક્તિની ભારતીય પરંપરા મુજબની જીવનશૈલી જ નહીં પણ તેનાં ખાનપાન પણ એ મુજબનાં જ છે. અહીં બ્રેડ નહીં, રોટલી અને સીઝલર નહીં; દાળ-શાક ખાવામાં આવે છે. ક્રિષ્ના વૅલી જનારા ટૂરિસ્ટ ત્યાં બનાવવામાં આવેલી હોટેલમાં જ રહે છે અને ગોવિંદ રેસ્ટોરાંમાં જ જમે છે. ગોવિંદમાં મળતું ફૂડ પણ વીગન જ હોય છે.
ક્રિષ્ના વૅલી જોવા જવા માટેનો આદર્શ સમયગાળો જો કોઈ હોય તો એ માર્ચથી ઑક્ટોબર સુધીનો છે. આવનારા ટૂરિસ્ટ માટે અહીં દર કલાકે વિલેજ-ટૂર થાય છે તો સાથોસાથ તેમને કૃષ્ણકાળની પૌરાણિક વાતો પણ કહેવામાં આવે છે. મંદિરના આંગણામાં જ બનાવવામાં આવેલા ઓપન-ઍર થિયેટરમાં વારતહેવારે નાટકો પણ થતાં રહે છે જે ભગવાન શ્રીકૃષ્ણના જીવન પ્રસંગો પર આધારિત હોય છે.