તમે વિષ્ણુજીના મત્સ્ય અવતારના અલાયદા મંદિરનાં દર્શન કર્યાં છે?

09 November, 2025 03:08 PM IST  |  Tirupati | Alpa Nirmal

ના, તો હવે તિરુપતિ જાઓ ત્યારે નાગલપુરમ્ ચોક્કસ જજો

અલાયદા મંદિર

નાગલપુરમ્ સિવાય મત્સ્ય અવતારનાં મંદિર કર્ણાટકના હેગદળ, કેરલાના કક્કુર, કક્કોડી, મીનાન્ગડ્ડીમાં છે તેમ જ મેટ્રોસિટી બૅન્ગલોર અને ચેન્નઈમાં પણ છે. બેટ દ્વારકામાં આવેલું શંખોદર મંદિર વિષ્ણુ ભગવાનના મત્સ્ય અવતારને સમર્પિત મંદિર કહેવાય છે.

બાય ધ વે, તમે તિરુમલાના બાલાજી મંદિરના પ્રવેશદ્વાર પાસે એક શ્રેષ્ઠી અને બે મહિલાઓની દેવ તરફ હાથ જોડીને ઊભેલી મૂર્તિઓ જોઈ છે? એ શ્રીકૃષ્ણ દેવરાયન અને તેમનાં પત્નીઓ ચિન્નાદેવી અને તિરુમલાદેવીની છે. રાણી તિરુમલાદેવીના નામ પરથી આ શહેરનું નામકરણ થયું છે.

આપણો ધાર્મિક વારસો કેવો અદ્ભુત છેને! હજી તો બેસતા વર્ષે આપણે ગોવર્ધનપૂજા કરી, કારતક સુદ બીજે ભાઈબીજ મનાવી, સૌભાગ્યપંચમીના શુકન કરીને છઠે સૂર્યદેવની પૂજા કરી ત્યાં તો આઠમે ગોપાષ્ટમીનો તહેવાર આવી ગયો અને એના ત્રીજા દિવસે જ વિષ્ણુ ભગવાન જાગ્યા એટલે આપણે તુલસીમાતાના વિવાહ કરાવ્યા. એ વિવાહનો કેફ ઊતરે એ પહેલાં આવી પહોંચી કારતકી પૂર્ણિમા. સનાતન ધર્મનો વધુ એક મહત્ત્વનો દિવસ. 

વૈદિક કૅલેન્ડર સૌર મંડળના ભૂકેન્દ્રિત મૉડલ પર આધારિત છે. એમાં સૂરજ અને ચંદ્રમાની ગતિવિધિઓની પ્રકૃતિ પ્રમાણે વિશેષ દિવસો નિર્ધારેલા હોય છે. આપણા ભગવાન, દૈવીય નર-નારીના જન્મથી લઈને જીવનની વિભિન્ન ઘટનાઓ પણ સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, અન્ય ગ્રહો, રાશિઓના સંયોગ પ્રમાણે થાય છે અને એ જ આધારે આપણા શુભ દિવસો અને ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવે છે. આ જ પરંપરામાં ગુજરાતી વર્ષની પહેલી પૂર્ણિમા કારતકી પૂનમનું મહત્ત્વ પણ અદકેરું છે. 

એક કથા અનુસાર વિશ્વના સૌથી પ્રાચીન શહેર કાશીમાં આજના દિવસે દેવો સ્વયં દિવાળી મનાવવા આ ભૂમિ પર ઊતરી આવે છે તો કાશીના નાથે આ પૂર્ણિમાએ ત્રિપુરાસુર પર વિજય મેળવ્યો હતો. શિવપુત્ર કાર્તિકેયનો જન્મદિવસ પણ આ પૂનમ જ (કાર્તિકેયના જન્મ થકી જ આ મહિનાને કારતકનું નામ મળ્યું છે) અને માતા વૃંદાનું પ્રાગટ્ય પણ આ દિવસે જ. જૈન અને સિખધર્મીઓ માટે પણ કારતકની પૂર્ણિમા અત્યંત પવિત્ર અને ઇમ્પોર્ટન્ટ છે તો સનાતનીઓ માટે તો આ પૂનમ વિષ્ણુના મત્સ્ય અવતારનો પ્રાગટ્યોત્સવ છે.

આમ તો કારતકી પૂર્ણિમા બુધવારે ગઈ, પણ અમને થયું કે તીર્થાટનપ્રેમીઓને આ સપરમા તહેવાર નિમિત્તે વિષ્ણુના મત્સ્ય અવતારના મંદિરની માનસયાત્રાએ લઈ જઈએ. એટલે ફરી એક વાર અમારી એક્સપ્રેસ ઊપડી ભારતના દક્ષિણી ભાગે અને ઊભી રહી વિશ્વવિખ્યાત તિરુપતિ શહેરથી ફક્ત ૮૦ કિલોમીટરના અંતરે આવેલા નાગલપુરમ્ ગામે, કારણ કે અહીં શ્રી વેદનારાયણ નામે વિષ્ણુજીના મત્સ્ય અવતારનું ૧૫મી સદીમાં બનેલું દેવાલય છે જે ભવ્ય હોવા સાથે દેશનું સૌથી પ્રાચીન મત્સ્યાવતાર મંદિર છે.

lll

આપણા પૌરાણિક ગ્રંથ અનુસાર વિષ્ણુ ભગવાનના ૧૦ અવતારો થયા. જોકે અમુક ધાર્મિક સંપ્રદાયો ૨૪, કોઈ બાવીસ તો કેટલાક ૧૨ અવતાર થયા હોવાનું માને છે. ખેર, આ ચર્ચામાં આપણે ન પડીએ, આપણે તો આ કથાને આગળ વધારીએ. હા, તો મત્સ્યઅવતાર આ દસમાંનો પહેલો અવતાર. મત્સ્ય અવતારમાં તેઓ અર્ધમનુષ્ય અને અડધા માછલીરૂપે હતા. કહેવાય છે કે સૃષ્ટિ ભયંકર જળપ્રપાત તથા પૂરની કઠિન પરિસ્થિતિથી બચવા ઝઝૂમી રહી હતી ત્યારે બ્રહ્માંડના રક્ષક અને સંરક્ષક વિષ્ણુજીએ ‘સંભવામિ યુગે યુગે’નું પ્રૉમિસ પાળીને મત્સ્ય અવતાર ધારણ કર્યો અને ભૂલોકને બચાવી લીધું. એ સાથે આપણા સપ્તર્ષિ, મનુરાજા અને પ્રાણીઓ-જીવજંતુઓ અને વનસ્પતિની પ્રજાતિઓને પણ સુરક્ષિત રાખ્યાં. તેમણે અંદર અમર વેદોનું પણ સંરક્ષણ કર્યું. આમ વિષ્ણુ ભગવાનનો આ અવતાર પાલનહારના રૂપમાં જાણીતો છે. ઍક્ચ્યુઅલી વિષ્ણુજીના દરેક અવતારનું લક્ષ્ય જ છે સંસાર અને પુણ્યાત્માઓને દુષ્ટો તથા અસુરોથી બચાવીને ધર્મ અને ધાર્મિકતાનું પુનઃ સ્થાપન કરવું. (સૃષ્ટિના સંરક્ષકના અન્ય અવતારોની કથા જોઈએ તો આ હેતુ સરળતાથી સમજાશે.)

અહીં સૂર્યપૂજા ઉત્સવ થાય છે

સૂર્યપૂજા એટલે ઉત્તર ભારતમાં થતી છઠપૂજા નહીં, પણ અહીં બાવીસથી ૩૦ માર્ચ વચ્ચેના પાંચ દિવસ સૂર્યમહારાજ સ્વયં કિરણો સ્વરૂપે પ્રભુનાં દર્શન કરવા આવે છે. મીન્સ આ ઍસ્ટ્રોનૉમિકલ ઘટનામાં પાચમાંના પહેલા દિવસે સન-રેય્ઝ ૩૬૦ ફુટ ઊંચા ટેમ્પલ ટાવર પર પડે છે જે બીજા દિવસે ગર્ભગૃહમાં પ્રવેશી ભગવાનનાં ચરણ પર, ત્રીજા દિવસે નાભિ પર અને ચોથા દિવસે મુગટ પર પડે છે. આ પવિત્ર ઘટનાને સૂર્યપૂજા ઉત્સવ કહે છે અને એના સાક્ષી બનવા દર વર્ષે હજારો ભક્તો અહીં આવે છે.

lll

જોકે એવા પવિત્ર મત્સ્ય અવતારનાં મંદિરો બહુ જૂજ છે, પણ એમાં નાગલપુરમનું શ્રી વેદનારાયણ મંદિર સૌથી પ્રાચીન છે. આ મંદિરનું નિર્માણ વિજયનગરના સમ્રાટ શ્રી કૃષ્ણ દેવરાયને પોતાની માતાના આદેશથી કરાવ્યું હતું. આ દેવરાયનની પણ કહાની અનોખી છે. ઈસવી સન ૧૫૦૯માં તુલુવા રાજવંશના નરસા નાયક અને નાગલાદેવીની કુક્ષિએ જન્મેલા શ્રીકૃષ્ણને ૧૧ વર્ષની ઉંમરે રાજકાજ સંભાળવું પડ્યું. ઉંમર બહુ નાની, પરંતુ માતાના સુસંસ્કાર, માર્ગદર્શન અને પોતાની સૂઝબૂઝથી આ રાજવીએ ફક્ત સીમાવિસ્તાર અને શક્તિપ્રદર્શનના ક્ષેત્રમાં નહીં જ પણ સુચારુ રાજનીતિ તેમ જ ધર્મ તથા વિવિધ સંસ્કૃતિઓના વિકાસમાં પણ વિરાટ ફાળો આપ્યો. ધર્મે વૈષ્ણવ પરંતુ તેઓ જૈન, શૈવ, બૌદ્ધ જેવા દરેક ધર્મનું સન્માન કરતા અને એમનો વિકાસ કરવા પ્રયત્નશીલ રહેતા. એ જ રીતે પોતે કન્નડભાષી હોવા છતાં આજુબાજુના પ્રદેશોમાં ચાલતી તામિલ, સંસ્કૃત, તેલુગુ ભાષાના વિદ્વાનો, સાહિત્યકારો અને કવિઓને આ સમ્રાટે ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું. પોતે પણ આ ભાષાઓ પર પ્રભુત્વ મેળવ્યું અને તેલુગુમાં અનેક કાવ્યો અને ગ્રંથોની રચના કરી છે. હકીકતમાં તેમનો શાસનકાળ તેલુગુ સાહિત્યનો સુવર્ણકાળ કહેવાય છે. એ જ રીતે બે દાયકાના તેમના રાજ્યકાળમાં રાજવીએ અનેક મંદિરોનું નિર્માણ કરાવ્યું તથા જીર્ણોદ્ધાર અને પુનઃ નિર્માણ કરાવ્યાં. ફેમસ વિરુપાક્ષ મંદિર તેમ જ અન્ય શિવમંદિરોનું નૂતનીકરણ કરાવવા ઉપરાંત શ્રીશૈલમ, અમરાવતી, તિરુપતિ, ચિદંબરમ, અહોબિલમ, તિરુવન્નમલાઈનાં મંદિરો માટે તેમણે ભૂમિદાન કર્યું અને એમાંથી કેટલાંક મંદિરોના નિર્માણમાં ફાળો પણ આપ્યો. આ મંદિરો આજે ૧૦૦૦ વર્ષો પછી પણ આસ્થાળુઓના હૃદયમાં ઉચ્ચ સ્થાને છે. શ્રીકૃષ્ણ દેવરાયને બનાવડાવેલાં મંદિરોની લાંબી સૂચિમાં નાગલપુરમનું શ્રી વેદનારાયણનું મંદિર પણ સામેલ છે.

તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ્ દ્વારા સંચાલિત શ્રી વેદનારાયણ સ્વામી ટેમ્પલ તિરુપતિ-ચેન્નઈ હાઇવે પર નાગલપુરમ્ નામના નાનકડા વિલેજમાં આવેલું છે. સ્થલ પુરાણમની સ્ટોરી અનુસાર જ્યારે રાક્ષસ સોમકસુરે બ્રહ્માની પાસે રહેલા વેદો ચોરી લીધા અને પાતાળલોકના ઊંડા જળમાં જતો રહ્યો અને બ્રહ્માજી પાસે સેંથી વરદાન મેળવીને પૃથ્વી પર કાળો કેર વર્તાવી રહ્યો હતો ત્યારે બ્રહ્માજી વિષ્ણુજી પાસે ગયા અને આ સમસ્યાનો અંત લાવવાની વિનંતી કરી. એવા સમયે દશાવતારે તેમનો પહેલો મત્સ્યઅવતાર ધારણ કર્યો અને સમુદ્રમાં ઊંડે જઈને સોમકસુરને મારીને વેદો અને પૃથ્વીને બચાવી લીધાં. (અનુયાયીઓના મતે આ મંદિર આ ઘટના બની એ ભૂમિ પર બનાવવામાં આવ્યું છે. જોકે સંચાલકો આવો દાવો નથી કરતા.)


પૉઇન્ટ્સ ટુ બી નોટેડ

ઊંચાં ગોપુરમ્ (દ્વાર) ધરાવતા આ પરિસરના મધ્યમાં વિજયનગર વાસ્તુકલા શૈલીનું સુંદર મંદિર આવેલું છે જેના ગર્ભગૃહમાં વિષ્ણુજી મત્સ્યઅવતાર ધારણ કરીને શ્રી દેવી અને ભૂદેવી સાથે ઊભા છે. આ પ્રતિમામાં નવીનતા એ છે કે ઉપરથી મનુષ્ય અને નીચેથી તેઓ માછલી સ્વરૂપે છે. ઉપરાંત તેમના ચાર હસ્તમાંથી એક હાથમાં રહેલા સુદર્શન ચક્રની પોઝિશન એ પ્રકારની છે કે જાણે એ હમણાં જ અસૂરો પર છૂટશે. મુખ્ય મંદિરની આજુબાજુ વેદાવલ્લીરૂપે લક્ષ્મીમાતા, રામ તેમ જ હનુમાનનાં મંદિરો છે અને સમસ્ત પરિસરની ફરતે પરિક્રમા-પથ છે. અનેક સ્તંભો સહિતનો આ મંડપ અત્યારે તો થોડો હલબલી ગયો છે અને એનું રીસ્ટોરેશન ચાલી રહ્યું છે. માર્ચ દરમ્યાન યોજાતી સૂર્યપૂજા સિવાય અહીં ઝાઝી ભીડ નથી હોતી એટલે દર્શન પ્રી-બુક કરાવવાની જરૂર નથી. તહેવારો તેમ જ ચાલુ દિવસોએ ભગવાનનાં ડાયરેક્ટ દર્શન કરી શકાય છે. હા, રજાઓના દિવસે લાઇનમાં થોડી વાર ઊભા રહેવું પડી શકે છે.
તિરુમલા બસ-સ્ટૉપથી નાગલપુરમનું અંતર ૮૦ કિલોમીટર જ છે, પરંતુ કોઈ બસ અહીં ડાયરેક્ટ જતી નથી. એ માટે ખાનગી વાહન જ કરવું પડે. હા, ચેન્નઈથી નાગલપુરમની બસ મળી રહે છે. શ્રીકૃષ્ણ દેવરાયનનાં માતુશ્રી નાગલાદેવીના નામ પરથી નાગલપુરમ્ તરીકે ઓળખાતું આ ગામ બહુ નાનું છે. અહીં રહેવાની સુવિધા નથી અને ‘કાપી’ (કૉફી)-ટી સાથે લોકલ વાનગીઓ પીરસતી થોડી હાટડીઓ સિવાય અન્ય રેસ્ટોરાં પણ નથી, પરંતુ ભક્તો અહીં આવીને અલૌકિક શાંતિ અને પવિત્રતાનો અનુભવ કરે છે.

travel travel news travelogue tirupati columnists hinduism