02 May, 2026 12:51 PM IST | Mumbai | Kajal Rampariya
લંડન બ્રિજની રેપ્લિકા જેવું મેળાનું પ્રવેશદ્વાર અને જિજ્ઞા શાહ, ઇન્ફ્લુએન્સર
સામાન્ય રીતે મેળો ભરાય તો આપણને ખાણી-પીણીના સ્ટૉલ અને રાઇડ્સની સાથે લાઇવ મ્યુઝિક એક્સ્પીરિયન્સ મળે છે, પણ નવી મુંબઈના ખારઘરમાં આયોજિત થયેલો મેળો વિઝિટર્સને પ્રીમિયમ અનુભવ આપે છે. વિઝ્યુઅલ એક્સ્પીરિયન્સ પર ભાર મૂકીને લંડન બ્રિજ અને ડિઝનીલૅન્ડ થીમ પર બનાવેલી યુરોપિયન સ્ટ્રીટની રેપ્લિકા એ રીતે બનાવવામાં આવી છે કે મુલાકાતીઓને લાગે છે કે તેઓ ખરેખર વિદેશમાં આવી ગયા હોય
ઉનાળામાં વેકેશન દરમ્યાન મનોરંજનનું નવું સરનામું ખૂલ્યું છે. મુંબઈ અને નવી મુંબઈના ઇતિહાસમાં પહેલી વાર લંડન બ્રિજ અને ડિઝનીલૅન્ડ સ્ટ્રીટ જેવી આંતરરાષ્ટ્રીય થીમના મેળાનું આયોજન કરવામાં આવ્યું હોવાથી ખારઘરનો આ મેળો ફક્ત નવી મુંબઈનું જ નહીં પણ આસપાસના જિલ્લા અને શહેરોના લોકોનું પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જો તમે હજી સુધી વિદેશી પ્રવાસની મજા માણી નથી શક્યા તો આ મેળો તમને ઘરઆંગણે જ આંતરરાષ્ટ્રીય સ્તરનો અનુભવ કરાવશે અને દરેક ઉંમરની વ્યક્તિ આ મેળાને માણી શકશે. ઘાટકોપરમાં રહેતા ૩૯ વર્ષના કન્ટેન્ટ-ક્રીએટર અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર જિજ્ઞા શાહે તેમના દીકરા સાથે આ મેળાની મુલાકાત લીધી હતી અને તેમનો એક્સપિરિયન્સ jignashah નામના અકાઉન્ટ પર રીલ બનાવીને શૅર કર્યો છે.
પ્રવેશતાં જ લંડન વાઇબ્સ
ટિકિટ-કાઉન્ટરની બાજુમાં નાયગરા ફૉલ્સનો આબેહૂબ નજારો ઊભો કરવામાં આવ્યો છે. ટિકિટ લીધા પછી મેળાના પ્રવેશદ્વાર પર જ લંડન બ્રિજની રેપ્લિકા બનાવવામાં આવી છે. નાનામાં નાની ડીટેલિંગ પર આર્ટિસ્ટ્સે બહુ ચોકસાઈપૂર્વક કામ કર્યું છે. આ સેટ એટલો સુંદર રીતે નિર્માણ કરવામાં આવ્યો છે કે રાતે ઝગમગતી લાઇટ્સ વચ્ચે આ બ્રિજ એટલો આબેહૂબ લાગે છે કે જાણે તમે ખરેખર થેમ્સ નદીના કિનારે ઊભા હો એવી અનુભૂતિ થાય છે. બ્રિજ પર ચોખ્ખાઈ બહુ સારી રીતે મેઇન્ટેઇન કરવામાં આવી છે. એક પળ માટે શાહરુખ ખાનની ‘કલ હો ના હો’ ફિલ્મમાં લંડનના બ્રિજ પર ફિલ્માવેલા સીન્સ યાદ આવી જશે. આ બ્રિજ પરથી વ્યુ પણ બહુ સારો દેખાય છે. ફોટોગ્રાફીના શોખીનોનું આ સ્પૉટ ફેવરિટ છે.
ચેરી બ્લૉસમની સફર
લંડન બ્રિજથી નીચે ઊતરો એટલે યુરોપિયન સ્ટ્રીટ સ્ટાર્ટ થશે. ગુલાબી ફૂલોની હારમાળાઓ વચ્ચેથી પસાર થતી વખતે જાણે જપાન કે યુરોપની ગલીઓમાં લટાર મારતા હો એવી મૅજિકલ ફીલિંગ આપે છે. આર્ટિફિશ્યલ ફૂલોની ગોઠવણ એ રીતે કરવામાં આવી છે કે જાણે રિયલ ફ્લાવર્સ જ હોય. આ સાથે રોડ પર સ્ટ્રીટ-લૅમ્પ્સ અને બેન્ચ જેવાં એલિમેન્ટ્સ ખરેખર યુરોપ આવી ગયા હોઈએ એવી ફીલિંગ આપે છે. ડેકોરેશન એટલું સરસ કર્યું છે કે તમે ફોટો પાડ્યા વગર રહી જ ન શકો. આ સ્ટ્રીટ પૂરી થાય એટલે શરૂ થાય ડિઝનીલૅન્ડ સ્ટ્રીટ. આ સ્ટ્રીટ પર ડિઝનીલૅન્ડની વાઇબ્સ આપતાં એનાં પાત્રો અને કલરફુલ બૅકગ્રાઉન્ડ્સ મિકી માઉસ અને મિની માઉસના વર્લ્ડમાં લઈ જશે. થોડે આગળ વધતાં જ લંડનનું પ્રખ્યાત રેડ ટેલિફોન બૂથ દેખાશે. સ્માર્ટફોનના જમાનામાં આ જૂના જમાનાનું બૂથ અલગ જ નૉસ્ટાલ્જિક ફીલિંગ આપે છે.
મેળાની અંદરના ભાગમાં બાળકો માટે ડિઝનીનાં પાત્રો અને અન્ય જાણીતાં પાત્રોનાં કટઆઉટ્સ અને સ્ટૅચ્યુ મૂકવામાં આવ્યાં છે. સિંહ, હાથી અને અન્ય પ્રાણીઓનાં આકર્ષક સ્ટૅચ્યુ છે જે જંગલ બુક કે ડિઝનીની પ્રાણીસૃષ્ટિના વાતાવરણને રજૂ કરે છે. આ સ્ટૅચ્યુ પાસે બાળકો બેસીને ફોટો પડાવી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. જે રીતે ડિઝની પાર્ક્સમાં દરેક ખૂણાને સજાવવામાં આવે છે એમ અહીં પણ લાઇટિંગ અને કલર કૉમ્બિનેશનનો ઉપયોગ કરીને બાળકો માટે એવું જ ડ્રીમ વર્લ્ડ ઊભું કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને મુલાકાતીઓ માટે આ બન્ને સેટઅપ ખરેખર ઇન્સ્ટાવર્ધી ફોટો માટે બેસ્ટ છે. સ્ટ્રીટ પર આવાં ઘણાં એલિમેન્ટ્સ રખાયાં છે. એક સાઇડ લાઇબ્રેરી બનાવી છે તો બીજી સાઇડ કૅફે જેવું સેટઅપ કરવામાં આવ્યું છે. આ બધું જોતાં એવું લાગે કે જાણે વિદેશમાં જ પહોંચી ગયા હોઈએ.
લંડનનું પ્રખ્યાત રેડ ટેલિફોન બૂથ, યુરોપિયન સ્ટ્રીટ અને યુરોપિયન સ્ટ્રીટ પૂરી થતાં ડિઝનીલૅન્ડ થીમની સ્ટ્રીટ અહીંથી શરૂ થાય છે.
હજી પણ ઘણું બધું
કિડ્સ માટે સૉફ્ટ પ્લે-એરિયા બનાવવામાં આવ્યો છે અને સાથે જાયન્ટ વ્હીલ્સ જેવી મોટી દસથી ૧૨ રાઇડ્સનાં સેટઅપ છે. સ્ટ્રીટ્સ-વ્યુ જોયા બાદ અહીં અમ્યુઝમેન્ટ પાર્કની ફીલ લઈ શકાય. આ સાથે કપડાં, જ્વેલરી અને ખાણી-પીણીના અઢળક સ્ટૉલ્સ પણ છે જેથી શૉપિંગનો પણ આનંદ માણી શકાય.
ક્રીએટિવ સ્પેસ
આ મેળાની ખાસ વાત એ છે કે આ પરંપરાગત ભીડવાળો મેળો નથી પણ એક ક્રીએટિવ સ્પેસ છે. અહીં ડિઝાઇન, લાઇટિંગ અને આધુનિક સુવિધાઓ પર ભાર મુકાયો છે. મેળા વિશેની માહિતી આપતાં કેરલમની કંપની ડી. જે. અમ્યુઝમેન્ટના મૅનેજર અખિલ કહે છે, ‘નવી મુંબઈમાં આંતરરાષ્ટ્રીય થીમનો મેળો પહેલી વાર યોજાયો છે. લોકોને અલગ એક્સ્પીરિયન્સ મળે અને વિદેશી વાઇબ્સ મળે એ હેતુથી અમે આખી થીમ ડિઝાઇન કરી છે. લંડન બ્રિજ, યુરોપિયન અને ડિઝનીલૅન્ડ સ્ટ્રીટ બનાવવામાં ૩૦થી ૪૦ આર્ટિસ્ટની મહેનત છે. આ આખું સેટઅપ એક મહિનામાં બનાવવામાં આવ્યું છે. ૨૦ માર્ચથી શરૂ થયેલો આ મેળો ૧૧ મે સુધી ચાલશે. વીક-એન્ડમાં સખત ભીડ રહે છે. મેળાના ખૂણેખૂણામાં CCTV કૅમેરા ઇન્સ્ટૉલ કરવામાં આવ્યા છે જેથી કોઈ દુર્ઘટના બને તો તાત્કાલિક ઍક્શન લઈ શકાય. આ સાથે જે મમ્મીઓ તેમનાં નાનાં બાળકોને લઈને મેળો જોવા આવે તેમના માટે ખાસ ફીડિંગરૂમ પણ ડિઝાઇન કરવામાં આવ્યો છે.’
જાયન્ટ વ્હીલ, ડિઝનીલૅન્ડ એરિયામાં ફોટો ગૅલરી અને ડિઝનીલૅન્ડ એરિયામાં ફોટો ગૅલરી
કેવી રીતે જશો?
ખારઘર રેલવે-સ્ટેશનથી આશરે સાડાત્રણ કિલોમીટર દૂર આવેલા ડી-માર્ટની સામે અને મેટ્રો સ્ટેશનની બાજુમાં આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેશનથી રિક્ષા અથવા પાલિકા સંચાલિત બસ સહેલાઈથી મળી રહેશે. પ્રાઇવેટ વ્હીકલ લઈને પણ જઈ શકો. પાર્કિંગની પણ સારી વ્યવસ્થા છે. લોકલ ટ્રેન અને પબ્લિક ટ્રાન્સપોર્ટની મદદથી લોકેશન પર પહોંચ્યા બાદ ટિકિટ-વિન્ડો પરથી એન્ટ્રી-ટિકિટ લેવી પડશે. ટિકિટના વ્યક્તિદીઠ ૧૦૦ રૂપિયા લેવામાં આવે છે. ત્રણ વર્ષથી નાનાં બાળકો માટે એન્ટ્રી ફ્રી છે. લંડન બ્રિજ અને યુરોપિયન સ્ટ્રીટ ફર્યા બાદ રાઇડ્સ સેક્શન છે. જો એમાં બેસવું હોય તો રાઇડદીઠ પચાસથી ૧૦૦ રૂપિયા ચાર્જ લેવાય છે.