લોકો સ્ટેટસ સિમ્બૉલ માટે ફૉરેન જાય, પણ દુનિયામાં એવું કંઈ નથી જે ભારતમાં ન હોય

13 January, 2022 03:30 PM IST  |  Mumbai | Ruchita Shah

અત્યાર સુધીમાં આપણા દેશનાં કુલ બાવીસ રાજ્યોમાં ફરી ચૂકેલો અને મોટા ભાગના પ્રવાસ એકલપંડા પ્રિફર કરતો ઓમ ગાંધી દૃઢતાપૂર્વક આમ માને છે. તાજેતરમાં જ મેઘાલયનો પ્રવાસ ખેડી આવેલા યંગ ટ્રાવેલર પાસેથી ટ્રાવેલના ફન્ડા સમજવા જેવા છે

લોકો સ્ટેટસ સિમ્બૉલ માટે ફૉરેન જાય, પણ દુનિયામાં એવું કંઈ નથી જે ભારતમાં ન હોય

પ્રવાસ તમારો બેસ્ટ શિક્ષક બની શકે છે. ટ્રાવેલિંગનો બાળકના ઘડતરમાં બહુ મોટો રોલ હોય છે, આવું માનનારા ઓમ ગાંધીના પિતાએ તેને હરવા-ફરવાની મોકળાશ બાળપણથી જ આપી છે. નાનપણમાં અઢળક સમર કૅમ્પ અટેન્ડ કરીને બહારની દુનિયાને જુદી નજરે એક્સપ્લોર કરનારો આ યંગ બૉય ક્યારે એકલો ફરતો થઈ ગયો એની તેને પોતાને પણ ખબર નથી પડી. તેની ઉંમર ૨૭ વર્ષ છે અને ભારતનાં ૨૨ રાજ્યોમાં તે ચક્કર લગાવી આવ્યો છે. મોટા ભાગના પ્રવાસ તે એકલો પ્રિફર કરે છે. તેના ટ્રાવેલમાં કઈ બાબતો ખાસ હોય છે એના વિશે વાત કરીએ.

ફ્રીડમની મજા
મિત્રોએ વાયદા આપીને ટ્રાવેલ પ્લાન કૅન્સલ કર્યા હોય એવો અનુભવ લગભગ દરેકનો રહ્યો હશે. ઓમ સાથે પણ એવું અઢળક વાર થયું છે. તે કહે છે, ‘અમે ક્યાંક જવાનો પ્રોગ્રામ બનાવીએ અને ફ્રેન્ડ્સ છેલ્લી ઘડીએ એ કૅન્સલ કરી નાખે. બે-ચાર વાર આવું થયું પછી મેં નક્કી કર્યું કે હવે ભલે બધા કૅન્સલ થાય પણ હું તો જઈશ જ અને એ રીતે મારું સોલો ટ્રાવેલિંગ શરૂ થયું. મને રખડવાનો શોખ હતો એટલે એકલા જવામાં વાંધો પણ નહોતો. મારાં માસીએ મને એકલો ટ્રાવેલ કરવા માટે મોટિવેટ કરેલો. એકલા ફરવા નીકળ્યા પછી ધીમે-ધીમે એના ફાયદા સમજાવવા માંડ્યા. તમે ચાર જણ જાઓ તો ચાર દિમાગને સાથે રાખીને તમારે કામ કરવું પડે. કોઈકને ખાવું હોય, કોઈકને સૂવું હોય, કોઈકને ફરવું હોય. એકલા હો ત્યારે તમે તમારી મરજીના માલિક. તમારે જે કરવું હોય એ કરવાનું. અચાનક તમને ક્યાંક વધારે રોકાવાનું મન થયું, અચાનક તમને પ્લાન ચેન્જ કરીને કંઈક અલગ જ આઇટિનરરી પ્રમાણે ચાલવાનું મન થયું તો તમે મોકળા મને એ કરી શકો. ફ્રીડમ અને લિબર્ટીની એ ફીલની સાથે જ સોલો ટ્રાવેલિંગ તમને રિસ્પૉન્સિબલ બનાવે છે. તમે એકલા છો અને તમારે જ તમારું ધ્યાન રાખવાનું છે એટલે તમે કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં બે વખત વિચારશો. બીજું, મોટા ભાગે ટ્રાવેલ માટે બહાર નીકળો એટલે એકાદ વાર તો માંદા પડવાનું થાય જ. એમાં જ્યારે તમે તાકાત ન હોય છતાં પોતાનો સામાન ઊંચકો, પોતાના માટે ખાવાનું અરેન્જ કરો એ બધામાં તમારી છૂપી શક્તિઓ ખીલી જતી હોય છે. મારી પહેલી સોલો ટ્રિપ હિમાચલ પ્રદેશની હતી. ઓરિજિનલ પ્લાન દસ દિવસનો જ હતો પણ મને ત્યાં એવું ગમી ગયું કે હું પચીસ દિવસ રહ્યો હતો.’

ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ નૅચરલ બ્રિજ અને ક્રિસ્ટલ ક્લિયર વૉટર માટે જાણીતા મેઘાલયની તસવીરો ઓમે શૅર કરી ત્યારે લોકોએ એને વિદેશી જગ્યા જ માની લીધી હતી. તે કહે છે, ‘મારા ફોટો જોઈને લોકો કમેન્ટમાં પૂછે આ શું બાલી છે કે મૉરિશ્યસ છે કે યુરોપ છે? કોઈ એ સ્વીકારવા જ તૈયાર નહોતું કે આ આપણું ભારત છે. ભારત ખૂબ જ સુંદર છે. દુનિયાના દરેક દેશમાં જે છે એ બધું જ ભારતમાં છે. ઉદયપુરમાં બાહુબલી હિલ્સ છે ત્યાંથી મેં મૂનરાઇઝ જોયો હતો. એ અનુભવને હું ક્યારેય નહીં ભૂલી શકું. હિમાચલમાં છાજગલ્લો નામનું ગામ છે. એ ગામની બહાર બોર્ડ લાગેલું છે. ૨૦૧૧નું સેન્સસ થયું હતું ત્યારે ત્યાં ૨૧ લોકો જ રહેતા હતા. પૉન્ડિચેરી વિશે બધાને ખબર હશે. લગભગ સો કિલોમીટર દૂર ટ્રાન્કેબાર નામની જગ્યા છે. એ ડેનિશ લોકોની કૉલોની હતી. ભારતમાં ફ્રેન્ચ અને પોર્ટુગીઝના અવશેષો દેખાય છે. પરંતુ ડેનિશ લોકો પણ આપણે ત્યાં રહ્યા હતા અને તેમની કૉલોની હતી એ અચરજ પમાડનારી વાત  નથી?’ 

બજેટ-ફ્રેન્ડ્લી
બીજી મજાની વાત એ છે કે ભારતમાં કમ્પૅરેટિવલી દરેક ટૂરિસ્ટને માફક આવે એ રીતે ટ્રાવેલ શક્ય છે. અહીંનું પબ્લિક ટ્રાન્સપોર્ટ બહુ જ સસ્તું છે જે કદાચ દુનિયાના બીજા એકેય દેશમાં નહીં મળે તમને. ઓમ ખુલાસો કરતાં કહે છે, ‘તમે લક્ઝરી સાથે ટ્રાવેલ કરવા માગતા હો તો એના પણ ઑપ્શન છે અને તમે એકદમ બજેટ ટ્રાવેલ કરવા ઇચ્છતા હો મિનિમમ ખર્ચ સાથે તો એના પણ પર્યાયો છે. મેં બન્ને રીતે ટ્રાવેલ કર્યું છે. આપણી ટ્રેનનું નેટવર્ક જબરદસ્ત વાઇડ છે. નૉમિનલ ચાર્જિસમાં તમે તમારા નિયત સ્થાને પહોંચી શકો. બીજી વાત, દર થોડાક કિલોમીટરે તમને ધરમશાળા, ગુરદ્વારા વગેરે મળશે જ્યાં ઓછા પૈસામાં રહેવાની અને ખાવાની સગવડ પણ મળી રહેશે. ભારતમાં હવે બૅગપૅકર્સ ઇન્ડસ્ટ્રી મજબૂત થઈ રહી છે. આવનારો સમય હજી એક્સલન્ટ હશે ભારતમાં બૅગપૅકર્સ માટે. કારણ એ જ છે કે અહીં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સસ્તું અને સારું છે. પ્યૉર વેજિટેરિયન હોવાથી તકલીફ પડે. જોકે હું થેપલાં, ભાખરી, ડ્રાયફ્રૂટ્સ, પ્રોટીનબાર, નાસ્તો વગેરે સાથે રાખતો હોઉં છું. જોકે એના માટે જે પણ પ્લાસ્ટિક લઈ જાઉં એ ઘરે પાછું જ લાવવાનું. બ્રેકફાસ્ટ હેવી હોય, લંચમાં મોટે ભાગે જે સાથે હોય એ ખાઈ લેવાનું અને ડિનરમાં જે વેજ મળે એ ખાવાનું.’

જીવનની યાદગાર ક્ષણો
નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ, અરુણાચલ, ઓડિશા, ઝારખંડ જેવાં ગણતરીનાં રાજ્યો ભારતમાં બાકી રહ્યાં છે ઓમનાં અને તેણે નક્કી જ કરી લીધું છે આખું ભારત બરાબર એક્સપ્લોર કરવું, પછી જ બહાર જવાનું વિચારવાનું. દરેક ટ્રાવેલ તમને અનુભવોથી વધુ સમૃદ્ધ બનાવતું હોય છે પરંતુ જીવનની અમુક ક્ષણો ક્યારેય ન ભુલાય એવી હોય છે. ઓમ કહે છે, ‘સ્પિતિમાં લાંઘસા વિલેજમાં હું રોકાયો હતો. ત્યાં બુદ્ધની બહુ જ સુંદર, મોટી અને જૂની મૂર્તિ છે. ત્યાં રાત રોકાયો હતો. ત્યાંની તારાથી ભરેલી રાતો મારા માટે અવિસ્મરણીય બની ગઈ. એ ક્ષણો એવી હતી કે મેં મનોમન નક્કી કરી લીધેલું કે હું મારા જીવનનો મોટો હિસ્સો પહાડો પર જ વિતાવીશ. એમાંથી જ ટ્રાવેલ સ્ટાર્ટઅપનો હિસ્સો બનવાની તક મળી તો મેં એ ઝડપી લીધી હતી. માઉન્ટનમાં રહેતાં હું શીખ્યો કે કેવી રીતે હમ્બલ બનશો. ઘણી વાતો પહાડો પાસેથી મને શીખવા મળી છે, તમે સિમ્પલ બાબતોથી પણ હૅપી કેવી રીતે રહી શકો. કુદરત સાથે કનેક્ટ થયો છું. લાઇફ ઇઝ અબાઉટ ટૂ થિંગ્સ, જર્ની ઑન ધ રોડ અને સ્ટોરી આઇ ક્રીએટ. તમે ટ્રાવેલ કરતા હો તો અનેક નવા લોકોને મળતા હો છો, અનુભવોને ગેઇન કરતા હો છો અને જ્યારે તમે એ અનુભવો શૅર કરતા હો ત્યારે એક વાર્તા કહી રહ્યા છો. હું દરેકને એમ જ કહીશ કે મે યૉર લાઇફ બી ફુલ ઑફ સ્ટોરીઝ.’ 

travel news ruchita shah columnists